દીપ પર્વે થનગનતું હતું ગુજરાત

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 09th November 2016 06:23 EST
 
 

વિક્રમ સંવતના નૂતન વર્ષનો શુભારંભ થઈ ગયો! ગુજરાતી નાગરિકોએ એકબીજાની સાથે વર્ષાભિનંદનની શુભેચ્છાઓની આપ-લે કરી... સમય બદલાય તેમ માધ્યમો પણ બદલાય છે. પચાસ-સીત્તેર વર્ષ પૂર્વે લોકો એકબીજાને ગળે મળતાં, ઘરે-ઘરે જઈને શુભેચ્છા પાઠવતા, રાત આખી જાગીને રંગોળીથી આંગણું સજાવતા, દીવડાઓની હારમાળા લાગતી. વાત હવે થોડીક બદલાઈ છે. એક સમય હતો શુભેચ્છાનાં લિખિત અને છપાયેલા કાર્ડ એકબીજાને પોસ્ટમાં પહોંચાડાતાં, આજે તેનું સ્થાન ફેસબુકે લઈ લીધું છે. ફોન અને સંદેશાઓ... તેમાં પણ એક સંદેશ હજાર સંખ્યામાં પહોંચી જાય! ફેસબૂક પર કેટલાક તેની સજાવટ કરે, કેટલાક ખાલી નક્કી કરેલાં વાક્યોથી ઇતિશ્રી કરે. મોબાઇલ કંપનીઓને અને બીએસએનએલને તે ‘જથ્થાબંધ’ સંદેશા વસમા પડે, કેમ કે તેનો વધારાનો કોઈ દર હોય નહીં એટલે હવે દિવાળી - નૂતન વર્ષે તેવી મફત સગવડ બંધ રખાય છે. તો યે શું? ટપાલ કરતાં તો તે વધુ સહેલા જ પડે છે!!

ઉત્સવ ઊજવવાની રીતિઓ પણ આંશિક રીતે બદલાઈ ગઈ. દીપોત્સવીની રજાઓમાં પરિવારો હવે ઘરે રહેવાનું પસંદ કરતાં નથી. સવારે ઊઠીને સજીધજીને કોઈ હવેલી કે શિવમંદિરોમાં જઈને પ્રાર્થના - દર્શન કરવાનું તો ક્યારનું ભૂલાઈ ગયું! હા, મંદિરો - સ્વામીનારાયણ અને વૈષ્ણવ મંદિરોમાં ખાસ - છપ્પનભોગનાં દર્શનનું આયોજન હજુ થાય છે. ‘અવિનાશીને અન્નકોટના આવે નિતનિત ઓડકાર...’ એ કવિતાનું સ્મરણ થઈ આવે. પરંતુ, ગુજરાતમાં હવે તો નાનાં નગરો અને મહાનગરોમાં પરિવારો ‘રજા’ માણવા કોઈ પર્યટન સ્થાનોએ નીકળી પડે છે. એટલે આબુ, સાપુતારા, નૈનિતાલ, ઉટી, ઉદયપુરનાં તમને ગુજરાતી ભીડ અચૂક જોવા મળશે!

ગુજરાતી આસ્થાના તહેવારો હજુ તેના મૂળિયાં સાથે ઊજવાય છે. ગિરનારની ‘લીલી પરકમ્મા’ હમણાં થશે. શૈવ - વૈષ્ણવ - સ્વામીનારાયણ - જૈન તહેવારો - મેળાઓ - દર્શનો અવિરત ચાલ્યા જ કરે છે. જલારામ બાપાનાં જન્મદિવસે નાનકડું વીરપુર ઊભરાય છે. ઊમિયા માતાના સ્થાનકોમાં પણ આવાં દૃશ્યો જોવા મળે છે. પશ્ચિમે સોમનાથનું અદકેરું મહત્ત્વ છે, તેનો મેળો સોમનાથ ટ્રસ્ટનાં આયોજનનો અદ્ભુત નમૂનો હોય છે. ભારતભરમાંથી આવતા વીઆઇપી - મિનિસ્ટરો, ન્યાયમૂર્તિઓ, સરકારી અધિકારીઓ અને સામાન્ય નાગરિક પણ, સૌરાષ્ટ્રમાં જાય ત્યારે સોમનાથ અને દ્વારિકા અચૂક જશે.

આવું જ એક બીજું સ્થાન પોરબંદરની નજીક હરસિદ્ધિ માતાનું મંદિર છે અને જૈન દર્શનાર્થીઓ માટે પાલિતાણા છે. જોકે નજરે ચઢે તેવી એક વાત એ પણ છે કે જુદી જુદી આસ્થાઓ ધરાવતાં મંદિરો, ‘જગ્યાઓ’, અને ‘આશ્રમો’ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મોટી સંખ્યામાં છે. અંબાજી, ચોટિલા, પાવાગઢ, બહુચરાજી, શામળાજી, આશાપુરા... આ તો પ્રાચીન સ્થાનો, પણ કેટલાંક નવાં સ્થાનકો પણ ઉમેરાયાં છે ત્યાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ હોવાથી ભીડ જામે છે. અમદાવાદથી ડાકોર જતાં મહેમદાવાદ તરફના રસ્તે હમણાં શ્રીગણેશનાં તમામ સ્વરૂપો-સ્થાનકો દર્શાવતું સિદ્ધિ વિનાયક દેવાલય ઊભું થયું છે. દૂરથી જ તમને શ્રીગણેશની વિશાળકાય પ્રતિમા દેખાય. આ આકૃતિ પર્વત પ્રકારની છે અને તે ગુફામાં અંદર ચાર-પાંચ માળ છે, જેમાં તમને ગણેશ વૈવિધ્યની અનુભૂતિ થાય! ભારતભરના ગણપતિ મંદિરો અને જુદાં જુદાં દેશોમાં ગણેશ-આસ્થાનો સમગ્ર ઇતિહાસ તાદ્દશ થાય છે.

અમદાવાદ-ગાંધીનગરના રસ્તે, અને સુરતમાં અડાજણ પાસે દાદા ભગવાનના અનુગામીઓએ ‘ત્રિદેવ નિષ્પક્ષપાતી મંદિર’ની સ્થાપના કરી છે! તેમાં જૈન તીર્થંકરો ઉપરાંત શિવ - વિષ્ણુ - શનિ અને સાંઈબાબા સુદ્ધાં વિરાજે છે. ત્રિદેવ મંદિરની વિશેષતા એ છે કે તે એકદમ સ્વચ્છ અને વિશાળ જમીન પર બંધાયેલું છે. ભોજન - કેન્ટિન - લાયબ્રેરી વગેરેની વ્યવસ્થા પણ ખરી. અંધિયારાં મંદિર જેવી અકળામણ ત્યાં નથી થતી. ધોતી અને કોટ, કાળી ટોપીમાં સજ્જ દાદા અને તેમનાં શિષ્યા નીરુમાની તસવીરો અને પ્રેરક વાક્યો દેખાય. આપણા સાહિત્યકાર રાધેશ્યામ શર્મા તે વિચારોનું ‘અક્રમ વિજ્ઞાન’ સંપાદિત કરે છે. નડિયાદમાં સંતરામ મહારાજનું દેવાલય પણ શ્રદ્ધાળુઓ માટે મહત્ત્વની જગ્યા છે. દુનિયાભરના નાગરો વડનગર જઈને તેમના ઇષ્ટદેવ મહાદેવના ચરણે માથું નમાવે છે. લખપત ગામ સા-વ નાનું છે. એકલું, અટૂલું, વસ્તી વિનાનું, આ કચ્છી ગામ - ત્યાં ગુરુ નાનકદેવ પધારેલા એટલે તે ગુરુદ્વારાનું માહાત્મ્ય છે. યુનોએ તેને ‘હેરિટેજ લિસ્ટ’માં સ્થાન આપ્યું છે, કચ્છની સરહદે હાજીપીરનો મેળો થાય છે. પાકિસ્તાનથી પણ તેમાં ભાગ લેનારાઓ આવે ત્યારે ભારતીય પોલીસે એ ધ્યાન રાખવું પડે છે કે કોઈ પાકિસ્તાની જાસૂસો તો ઘૂસી નથી જતા ને? બહુચર્ચિત થયેલા પોલીસ વડા કુલદીપ શર્મા કચ્છના ડીએસપી હતા ત્યારે આ વિસ્તારમાંથી એવો જાસૂસ પકડી પાડ્યો હતો.

અમદાવાદ - ગાંધીનગર રસ્તા પર એક મારુતિધામ છે. સત્યમિત્રાનંદજીએ તેનો શુભારંભ કરાવેલો. તેનાથી થોડેક આગળ છારોડી સ્વામીનારાયણ ગુરુકુળની રમણીય ભવ્ય જગ્યા છે અને ખરા અર્થમાં જ્ઞાન સાથે જોડાયેલા સ્વામી માધવપ્રિયદાસજીની નિશ્રામાં તેનો સરસ વિકાસ થયો છે. આવું જ પોરબંદરમાં રમેશભાઈ ઓઝાનું ‘સાંદિપની’ સ્થાન ગણાય. મોરારીબાપુ તલગાજરડા - મહુવામાં દુનિયાભરના વિદ્વાનો - કલાકારોને આમંત્રિત કરતા હોય છે. ગુજરાતના સાહિત્યકારોને આમંત્રિત કરતા હોય છે. ગુજરાતના સાહિત્યકારોને માટે તો તે સાહિત્ય અકાદમી - પરિષદની સમાંતરના સુંદર આયોજિત કાર્યક્રમો બની રહે છે. શાસ્ત્રીય સંગીતકારો, નૃત્યકારો, વિદ્વદ્જનો, કવિઓનો ત્યાં મેળાવડો જામે છે.

સ્વામી વિવેકાનંદને માટે ગુજરાત અત્યંત પ્રિય ભ્રમણ સ્થાન રહ્યું હતું. (૧૮૯૨માં તેમના ગુજરાત પ્રવાસ પર આધારિત મારી દસ્તાવેજી - નવલકથા ‘ઉત્તિષ્ઠત, ગુજરાત!’માં તેમની મુલાકાતનાં સ્થાનો - વ્યક્તિઓનું વર્ણન આપ્યું છે.) પોરબંદર, રાજકોટ અને વડોદરા - ત્રણ સ્થાનોએ રામકૃષ્ણ આશ્રમો છે.

... જૂનાગઢમાં માયારામદાસજીનો આશ્રમ અને પુરુષોત્તમલાલજી મહારાજની હવેલી - આ બે સ્થાનોનું મહત્ત્વ તો ઇતિહાસની સાથે જોડાયેલું છે. આ બન્ને ધર્મપુરુષોએ ૧૯૪૭ના જૂનાગઢ - મુક્તિ સંગ્રામમાં હિજરત ન થવા દેવા અને નાગરિકોને નૈતિક બળ પૂરું પાડવાના સાર્થક પ્રયાસો કર્યા હતા. આલિધ્રાની જગ્યા પણ તેવા ‘સ્વાતંત્ર્ય સેના’ સાથે જોડાયેલા ‘આલિધ્રાના બાપુ’ની યાદ તાજી કરે છે. અમદાવાદ સારંગપુર વિસ્તારમાં એવું એક વિઠ્ઠલમંદિર છે, તેના પૂજારી નારાયણસ્વામીએ તો ૧૮૫૭ના વિપ્લવને ગુજરાતમાં ફેલાવવામાં ભાગ લીધો હતો અને બ્રિટિશ અદાલતે તેમને પગમાં દંડાબેડી નાખીને કાળાપાણીની આજીવન કેદની સજા કરી હતી...

તહેવાર, આસ્થા અને ઊજવણીના આવાં રંગધનુષ ગુજરાતમાં ફેલાયેલાં છે! વિદેશ નિવાસી ગુજરાતીઓને નૂતન વર્ષાભિનંદન!


comments powered by Disqus