નવા વર્ષે ગુજરાત... કુછ યાદેં, કુછ લમ્હે, યે કહાની મેરી ભી, તેરી ભી...

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 03rd January 2017 06:38 EST
 

વર્ષ ૨૦૧૬ વીતી ગયું. અખબારોમાં તેની તસ્વીરો છપાઈ, ક્યાંક ખોયા પાયાની ગણતરી પણ થઇ. હાશ, વાહ અને આહ... ગુજરાતી નાગરિકની ટેવ તો દિવાળીના તહેવાર સાથેના સરવૈયાની છે, ઇસુ વર્ષે તો થોડી ધામધૂમ, પાર્ટી અને મોજમજા.

પણ પાછલું વર્ષ ઘણા સંકેતો આપી ગયું, તે માત્ર રાજકીય નહીં, સામાજિક અને આર્થિક પડાવનો પણ અંદાજ આપતા રહ્યા. રાજકીય દૃષ્ટિએ બે મોટી ઘટના બની. મુખ્ય પ્રધાન આનંદીબહેન રાજીનામું આપ્યું અને તેમની જગ્યાએ વિજય રૂપાણી આવ્યા. પુરા પાંચ વર્ષ ભાજપનો મુખ્ય પ્રધાન રહે છે અને બદલાય પણ છે તે સમયની બલિહારી છે. અગાઉ જયારે જનસંઘ હતો તો તેના પ્રમુખ પણ મોટે ભાગે આજીવન જવાબદારી સંભાળતા. પણ આ તો સત્તાની ખુરશી છે. કેશુભાઈ પટેલ પ્રથમ મુખ્ય પ્રધાન થયા ત્યારે ભાજપમાં ખુશીની લહેર હતી, પણ તેમને થોડાક સમયમાં ‘મારો વાંક શું? ગુનો શું?’ કહેવાનો વારો આવ્યો તે સમયે ભાજપમાં બે ચર્ચિત ચહેરા હતા, એક શંકરસિંહ વાઘેલા અને બીજા નરેન્દ્ર મોદી. તેમાનાં શંકરસિંહ અત્યારે કોંગ્રેસ નેતા છે અને સંભવિત મુખ્ય પ્રધાન ઉમેદવાર છે, તો નરેન્દ્ર મોદી પણ પહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા અને ૨૦૧૪માં વડા પ્રધાન બન્યા તેમને કઈ રીતે ખસેડવા તેની ચિંતા અત્યારે વિરોધ પક્ષો કરી રહ્યા છે. તેમની માન્યતા એવી છે કે જો નરેન્દ્ર મોદીનો રાજકીય અસ્ત થાય તો ભાજપ પણ વેરવિખેર થઇ જશે. ખરેખર એવું નથી, ૧૯૫૨થી જે રીતે જનસંઘ, જનતા પક્ષ અને પછી ભારતીય જનતા પક્ષ... એમ એક પછી એક રૂપાંતર થતા ગયા ત્યારે તેના કાર્યકર્તા વિચારધારાથી વધુ દૂર થયા નહીં અને અટલ બિહારી વાજપેયી સહિતના નેતૃત્વે પ્રેરણા અને હિંમત પૂરા પાડ્યા. તેમાં વાજપેયી ઉપરાંત દીનદયાળ ઉપાધ્યાય, જગન્નાથરાવ જોશી, ડો. રઘુવીર, ભૈરોસિંહ શેખાવત, ભાઈ મહાવીર, યજ્ઞ દત્ત શર્મા, આચાર્ય દેવપ્રસાદ ઘોષ, બછરાજ વ્યાસ, વસંતકુમાર પંડિત, ઉમાશંકર ત્રિવેદી, રાજમાતા વિજયારાજે સિંધિયા, મદનલાલ ખુરાના, સુંદરસિંહ ભંડારી અને બીજા ઘણાએ પ્રદાન કર્યું.

જનસંઘ અને ભાજપ પાસે પ્રતિબદ્ધ કાર્યકર્તાની મોટી ફોજ છે. એકલા ગુજરાતની વાત કરીએ તો હરિસિંહ ગોહિલ, વસંત ગજેન્દ્ર ગડકર, નાથાલાલ જગડા, કેદારનાથ દીક્ષિત, ચીમનભાઈ શુક્લ, હરિશંકર પંડ્યા, કાશીરામ રાણા. સૂર્યકાંત આચાર્ય, બલભદ્રસિંહ રાણા, નગીનદાસ શાહ અને બીજા ઘણા પ્રાદેશિક અને જીલ્લા કે નગરમાં સક્રિય નેતાઓએ ઘણું મોટું કામ કર્યું હતું, ત્યારે છેક ૧૯૬૩માં સૌરાષ્ટ્રના માણાવદરની નગરપાલિકામાં પહેલી વાર બહુમતી મળી, અને ૧૯૬૭માં પહેલી વાર જનસંઘના ધારાસભ્ય તરીકે રાજકોટથી ચીમનભાઈ શુક્લ ચૂંટાયા હતા!માણાવદરમાં બહુમતી મળતા જનસંઘના સ્થાનિક નેતા ગોરધનભાઈ ચૌહાણની હત્યા થઇ હતી.

રાજ્યસ્તરના નેતાઓમાં અરવિંદ મણિયાર, મકરંદ દેસાઈ, શંકરસિંહ વાઘેલા, નરેન્દ્ર મોદી પછીથી ઉમેરાયા, આજે જે નેતાઓ કે પ્રધાનો છે તે સમયે કાર્યકર્તાઓની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતા, પછી તો રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર એમ કોર્પોરેશન હાથમાં આવ્યા. ૧૯૭૪થી ગુજરાત વિધાનસભામાં જનસંઘ ચમક્યો. કેશુભાઈ પટેલ શરૂઆતથી જનસંઘના મોભી તરીકે આગળ આવ્યા અને ૧૯૯૫મા મુખ્ય પ્રધાન બન્યા તે પહેલા બાબુભાઈ પટેલની જનતા મોરચા સરકારમાં સિંચાઈ મંત્રી હતા, ઉપરાંત મકરંદ દેસાઈ અને હેમાબહેન મંત્રી બન્યા હતા. મકરંદ દેસાઈ વડોદરાના ટેકનોક્રેટ હતા અને અકાળ મૃત્યુ ના પામ્યા હોત તો મુખ્ય પ્રધાન બની શકે એવી સજ્જતા ધરાવતા હતા. તેવા જ બીજા હોનહાર નેતા અરવિંદ મણિયાર હતા, તે કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા.

જનસંઘ અને ભાજપને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે પ્રચારકોનું માર્ગદર્શન મળ્યું તેમાં ગુજરાતમાં પ્રાંત પ્રચારક લક્ષ્મણ રાવ ઈનામદાર (સંઘનો કાર્યકર્તા તેમને વકીલસાહેબના નામે બોલાવતો) અને રાષ્ટ્રીય સ્તરે બાળાસાહેબ દેવરસ તેમજ તેમના ભાઈ ભાઉરાવ દેવરસનું પ્રદાન આજે ભલે ઘણાને યાદ ના હોય પણ મહત્વનું રહ્યું હતું. ગુજરાતમાં મોંઘવારીવિરોધી સત્યાગ્રહ, દીવ અને દમણ દાદરાનગર હવેલી મુક્તિ આંદોલન, કચ્છ સત્યાગ્રહ, નવનિર્માણ આંદોલન, ગૌવધ વિરોધી આંદોલન. કટોકટીનો સમર્થ વિરોધ, જનતા મોરચાની સ્થાપના અને છેલ્લે અયોધ્યા રામજન્મભૂમિ યાત્રા... આટલા જન આંદોલનોમાં જનસંઘ અને પછી ભાજપના સેંકડો કાર્યકર્તાઓએ ભાગ લીધો અને તે રીતે પક્ષને લોકસમર્થન મળ્યું તેને ૬૫ વર્ષનો દીર્ઘ રાજકીય પુરુષાર્થ કહી શકાય.

ગુજરાતમાં ૧૯૮૩માં અનામત આંદોલન થયું ત્યારે સરકારે જે દમન આચર્યું હતું ત્યારે અટલ બિહારી વાજપેયીએ જાતે અમદાવાદમાં થાણું નાખીને પ્રજાકીય અવાજને વાચા આપી અને સોલંકી સરકારે જવું પડ્યું હતું. એ જ રીતે કોંગ્રેસના મૂળિયા ઉખેડવા શરૂઆતમાં સંયુક્ત પ્રયાસ જરૂરી હતો ત્યારે વસંતભાઈ ગજેન્દ્ર ગડકર અને બીજા નેતાઓએ સંસ્થા કોંગ્રેસ, સમાજવાદી પક્ષ, લોકદળ વગેરે સાથે મળીને જનતા મોરચાની ભૂમિકા તૈયાર કરવામાં મહેનત કરી. તેનું પરિણામ એ આવ્યું કે ૧૯૭૫માં પહેલી વાર ગુજરાતમાં બિન કોંગ્રેસી સરકાર બની, તેનો રેલો દિલ્હી સુધી પહોંચ્યો અને કટોકટી આવી. ત્યાર બાદ દિલ્હીમાં પણ બિનકોંગ્રેસી જનતા સરકાર રચાઈ તે ઈતિહાસ જાણીતો છે.

૨૦૧૭માં રાજ્યમાં ભાજપના પાંચમાં મુખ્ય પ્રધાન છે. કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, નરેન્દ્ર મોદી, આનંદીબહેન પટેલ અને હવે વિજય રૂપાણી, (જોકે કોંગ્રેસના કેટલાક નેતાઓ મજાકમાં એમ પણ કહે છે કે શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખ પણ ગણાવવા જોઈએ!) અત્યારે કેન્દ્રમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વડા પ્રધાન છે અને પ્રાદેશિક સંગઠન નેતા અખિલ ભારતીય પ્રમુખ છે. (શું રાષ્ટ્રપતિ પણ ભવિષ્યે ગુજરાતી હશે? કોણ જાણે!) આથી ગુજરાતમાં ભાજપ સામેની લડાઈ કોંગ્રેસ માટે મહત્વની છે, એટલો જ રસ કેજરીવાલને પણ છે. અન્ના હજારેની સાથે કેજરીવાલ હતા ત્યારે ગુજરાતની એનજીઓ (બિનસરકારી સંસ્થાઓ) લોબી ભારે ઉત્સાહમાં હતી, પણ પછી અન્નાને બાજુમાં મૂકીને કેજરીવાલ તો પક્ષ બનાવીને સરકાર સુધી પહોંચી ગયા. તેમના અનેક પરાક્રમો બહાર આવ્યા, હવે વળી પાછું કેજરીવાલને તાન ચડ્યું છે. ઉનાના નામે દલિત નેતાઓ કે પાટીદાર આંદોલનના પટેલ નેતાઓ જો સાથે આવે તો ગુજરાતમાં રાજકીય વિકલ્પના ‘આપ’ના કોડ છે.

કોંગ્રેસની વ્યૂહરચના નોટબંધી અને બીજા સવાલો સાથેની છે, પણ કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં કોંગ્રેસના સર્વમાન્ય મુખ્ય પ્રધાન તરીકે કોને આગળ ધરવા તેની મૂંઝવણમાં છે. શંકરસિંહ જેવા સમર્થ નેતાને બાજુ પર મુકીને કોઈક ઓબીસીનું નામ રમતું મૂકવામાં આવે તો કોઈને નવાઈ લાગવી જોઈએ નહીં એમ એક કોંગ્રેસ નેતાએ હમણાં વાતચીત દરમિયાન કહ્યું હતું. ‘આપ’ પાસે ય કોઈ સમર્થ ચહેરો નથી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પ્રફુલ્લ પટેલને (પટેલ હોવાને કારણે) ગુજરાતમાં સક્રિય કરવા માંગે છે. રાહુલ ગાંધી એક વાર આવી ગયા, ફરી વાર આવશે એવી ખાતરી આપી ગયા છે, પણ મૂળમાં પક્ષ તરીકે તેના કાર્યકર્તા અને નેતાઓનું એક હોવું જરૂરી છે તે ૧૯૭૫ પછી કોંગ્રેસની દશા બતાવે છે.

એકલું રાજકારણ નહીં, સાંસ્કૃતિક ગુજરાત પણ ૨૦૧૭માં પગલા પાડી રહ્યું છે. ઘણી મર્યાદા સાથેનો ગુજરાત લીટરેચર ફેસ્ટિવલ યોજાઈ ગયો. વિશ્વ ગુજરાતી સમજે સી. એન. પટેલ અને કુમારપાળ દેસાઈને ગુજરાત પ્રતિભા સન્માન એક શાનદાર સમારોહમાં આપ્યું, રણજીતરામ સુવર્ણ ચંદ્રકનો કાર્યક્રમ થયો. સાહિત્ય પરિષદના અધિવેશનમાં અપવાદ બાદ કરતા તદ્દન નિસ્તેજ ચર્ચા થઇ. કનૈયાલાલ મુનશીની ૧૩૦મી જયંતિ તો ભૂલાઈ જ ગઈ. હવે પતંગ ઉત્સવ અને વાયબ્રન્ટ ગુજરાતનો માહોલ છે. કચ્છ રણ ઉત્સવ પણ ચાલે છે...


comments powered by Disqus