નાગરિકતા વિધેયકઃ આપણા સમાજ માટેની કરુણા અને કૃતજ્ઞતાનું પ્રતીક છે

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 16th December 2019 04:43 EST
 
 

નાગરિકતા વિધેયકે અજંપો પેદા કર્યો હોય તો પણ એટલું તો કહેવું પડશે કે ભારત સરકારે આ નિર્ણયના ઉબડખાબડ રસ્તો પાર કરીને વિધેયકને કાનૂનનું સ્વરૂપ આપીને એક ઐતિહાસિક સાહસ કર્યું છેઃ વિશેષ કરીને, ભારતના ત્રણ પાડોશી દેશો - પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં - ભારતીય લઘુમતી પર કાયમ ત્રાસ વર્તાવવામાં આવી રહ્યો છે. મુખ્યત્વે હિન્દુઓ પર હુમલા કરવા, મંદિરો તોડવાં, હત્યા કરવી, વટાળ પ્રવૃત્તિથી મુસ્લિમ બનાવવા, આ બધું ખુલ્લી રીતે ચાલી રહ્યું છે. હિન્દુ મહિલા સલામતી નથી રહી શકતી, તેનાં અપહરણના બનાવો વધી રહ્યા છે. આનું એક કારણ તો ત્રણે દેશો ‘ઈસ્લામિક દેશ’ છે. ઈસ્લામ તેનો રાજધર્મ છે તેથી હિન્દુ, શીખ, ઈસાઈ, પારસી જેવી લઘુમતી પર જુલમ થાય છે, તેની વસતિ દિન-પ્રતિદિન ઘટવા માંડી છે. આ ઉત્પીડનના શિકાર પરિવારો માટે ‘જાયે તો જાયે કહાં’ જેવી હાલત છે. ભારતમાં ગમે તે રીતે આવી જાય તો પણ ‘નાગરિકતા’ મળવી મુશ્કેલ, માત્ર ‘શરણાર્થી’ તરીકે રહેવું પડે છે!

આ સ્થિતિને બદલવા માટે વિધેયક આવ્યું. તુરત વિરોધ પક્ષના માથાના વાળ ઊભા થઈ ગયા. ‘આ કોમવાદી વિધેયક છે’, ‘બંધારણનો ભંગ છે’, ‘હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો ખેલ છે’, ‘હિટલર અને બેન ગુરિયનની ભૂમિકા અમિત શાહ ભજવી રહ્યા છે.’ ‘ભારતને બીજું ઈઝરાયલ બનાવાઈ રહ્યું છે’, ‘હવે પાકિસ્તાની ભારતીય બની જશે’... આવા આરોપ લાગ્યા. અસમ તેમજ પૂર્વોત્તર ભારતમાં ‘બાંગ્લાદેશથી શરણાર્થીઓ આવીને તમારા પર હાવી થઈ જશે’ એવી અફવા ફેલાવવામાં આવી, તેથી આંદોલન અને હિંસા શરૂ થયાં. ૧૯૮૦-૮૩માં ‘અસમ આંદોલન’ થયું ત્યારે હિંસાચાર નહોતો થયો, આ વખતે આગજની, લૂંટફાટ, પથ્થરમારો પણ થયાં, તેનો અર્થ એટલો જ કે આસામને ભડકે બાળવામાં કોઈકનો હાથ છે.

અસમ પછી બંગાળમાં પણ હિંસાખોર વિરોધ શરૂ થયો, કારણ એ છે કે બીજા શરણાર્થીઓ આવે તો તૃણમૂલનો તખતો સલામત ન રહે એવો મમતા બેનરજીને ડર છે. તેણે તો ત્યાં સુધી કહ્યું કે બંગાળમાં અમે ‘કેબ’ લાગુ નહીં પાડીએ. બરાબર આવી જ જાહેરાત કમ્યુનિસ્ટ કેરળ સરકારે અને કોંગ્રેસ-શિવસેનાની મહારાષ્ટ્ર સરકારે કરી દીધી! એટલે, તેનો અર્થ એ થયો કે કેન્દ્ર વિરુદ્ધ રાજ્ય માટેના સંઘર્ષની શરૂઆત કરવાનો આ ઈરાદો છે.

ભારત સરકારનો ઈરાદો અત્યંત મહત્ત્વનો છે. પાકિસ્તાન - બાંગ્લાદેશ - અફઘાનિસ્તાનના પીડિત હિન્દુઓ બીજે ક્યાં જાય? ભારત એક માત્ર હિન્દુ બહુમતી ધરાવતો દેશ છે, એટલે તેમની નજર ભારતમાં આશ્રય અને નાગરિકતા મળે તેના પર હોય તે તદ્દન સ્વાભાવિક છે. યાદ રહે કે માત્ર હિન્દુ જ નહીં, બીજી લઘુમતીઓનો પણ આમાં સમાવેશ થાય છે. માત્ર મુસ્લિમોનો એટલા માટે નહીં કે ત્રણે ઈસ્લામિક સ્ટેટ છે. તેમાં અહમદીયા, બલુચ વગેરેને હેરાન કરવામાં આવતા હોય તો તેઓ મુસ્લિમ છે અને તેમનો આંતરિક મામલો બને છે. તેમ છતાં રાજકીય આશ્રયનો રસ્તો છે જ. તાજેતરમાં અદનાન સામી જેવા ખ્યાત સંગીતકારે ભારતમાં આશ્રય લીધો છે, નાગરિક બન્યો છે. બાંગ્લાદેશની લેખિક તસલીમા નસરીન પણ ભારતમાં સ્થાયી થઈ છે.

નાગરિકતા વિધેયકના પ્રયાસો છેક નેહરુ-લિયાકતના કરારમાં પડ્યા છે. ભારતે તો લઘુમતી પ્રત્યે ખરાબ વલણ ન રાખ્યું (એટલું જ નહીં, પણ દેશના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, ચૂંટણી પંચના અધ્યક્ષ, સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ, મિનિસ્ટર્સ, રાજ્યપાલ વગેરે હોદ્દાઓ પર મુસ્લિમો રહ્યા જ) પણ પૂર્વ-પશ્ચિમ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં તેવું બન્યું નહીં. લઘુમતી પર જુલમ ચાલુ રહ્યા. અસમમાં ઘૂસણખોરોના પ્રશ્ને રાજીવ ગાંધી એકોર્ડ થયો, સિમલા-કરાર પણ ઈન્દિરા-ભૂટો વચ્ચે થયા પણ તેનું પાલન ભારતે જ કર્યું, પેલા દેશોએ નહીં!

આ સંજોગોમાં ભારતે જે પગલું લીધું તે સરાહનીય છે. અગાઉના ભારત-પાકિસ્તાન યુદ્ધો દરમિયાન ઘણા બધાએ હિજરત કરી હતી, તેઓ પંજાબ, કાશ્મીર, રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ‘શરણાર્થી’ તરીકે જીવન ગુજારે છે. આ વિધેયકથી તેઓ રીતસરના ‘ભારતીય નાગરિક’નું ગૌરવ પ્રાપ્ત કરશે તે સમાચારથી સર્વત્ર ખુશી અને ઉત્સવનો માહોલ છે. તેમાં મોટા ભાગના દલિત શરણાર્થીઓ છે.

વડા પ્રધાન અને ગૃહ પ્રધાનઃ બંનેએ આ સાહસિક પગલું ભર્યું છે તેની ભારતીય નાગરિકતા માટેની લાંબા ગાળે વિધાયક અસર પડશે, ભલે આજે તેમાં ઉશ્કેરણી ઊભી કરીને વિપક્ષો રાજી થતા હોય. ‘દેશ’ અને ‘રાષ્ટ્ર’ પ્રત્યે જવાબદારીનો યુગ શરૂ થયો તેના સંકેતો કોંગ્રેસ અને બીજા કેટલાક પ્રાદેશિક પક્ષોએ સમજી લેવા જેવા છે.

ગુજરાત એ રીતે શાણપણનો પ્રદેશ છે. કેટલાક ‘સેક્યુલરો’ કે ‘લિબરલ્સ’ ઊંચાનીચા થાય છે, પણ તેની પીપુડીને સામાન્ય નાગરિકે દાદ આપી નથી. અને દાદ આપે પણ શા માટે? ઉત્પીડિત પોતાના સમુદાયને માટે આ પગલું લેવાયું છે તેનો દ્રોહ કરીને પોતાને ‘કૃતઘ્ની’ કોણ બનાવે?


comments powered by Disqus