નાટક, ફિલ્મ, ગીત-સંગીત અને ધાર્મિક મેળાવડાઓની મોસમ છે...

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 10th February 2016 07:31 EST
 
જશવંત ઠાકર અને ઉપેન્દ્ર ત્રિવેદી
 

નાટ્યક્ષેત્રે વિદાય

વડોદરાના માર્કંડ ભટ્ટે આંખો મીચી લીધી. ગુજરાતનાં નાટ્યક્ષેત્રે થોડાક સમય પહેલાં પદ્મારાણીનું અવસાન થયું તે પછીની આ વિદાય રંગભૂમિના કલાકારોને શોક સંતપ્ત બનાવે તે સાવ સ્વાભાવિક છે. ગુજરાતની રંગભૂમિ કંઈ આજકાલની કલા નથી, તેને ય દોઢસોથી વધુ વર્ષ વીત્યાં! શરૂઆત (બીજાં ઘણાં ક્ષેત્રોની જેમ) પારસીઓએ કરી હતી, પછી ઠેર ઠેર નાટક મંડળીઓ રચાઈ. ક્યાંક રાજ્યાશ્રય પણ મળ્યો.

સૌરાષ્ટ્ર નાટક મંડળીઓને જૂનાગઢના નવાબ મહાબત ખાને જાળવી હતી, કારણ એ પોતેય નાટ્યરસિક નવાબ હતો. કેટલીક વાર જાતે અભિનય કરતો. ૧૯૪૭માં પાકિસ્તાન ચાલ્યો ગયો ન હોત તો સૌરાષ્ટ્રના કળાજીવનમાં તેની પ્રતિષ્ઠા અનેકગણી થઈ હોત. ગુજરાત-સૌરાષ્ટ્રની રંગભૂમિનો આપણે ત્યાં સુવ્યવસ્થિત ઇતિહાસ નથી. જયશંકર ‘સુંદરી’ના નામે એક નાટ્યગૃહ અમદાવાદમાં છે, પણ ગુજરાતે ફિલ્મ અને રંગભૂમિના ક્ષેત્રે ઘણું મોટું પ્રદાન કર્યું તે વિગતો હવે ભૂંસાતી જાય છે. સુરત, વડોદરા, ગોંડલ, ભાવનગર જેવાં કેન્દ્રોમાં તેનો વિકાસ થયો હતો.

પહેલવેલો ફિલ્મી સ્ટુડિયો માણાવદરના મણિલાલ વૈદ્યે રાજકોટમાં સ્થાપેલો અને ફિલ્મ બનાવી હતી. ઇન્દુલાલ યાજ્ઞિકે ફિલ્મ ક્ષેત્રે ઝંપલાવેલું અને ગુણવંતરાય આચાર્યે ફિલ્મોની પટકથાઓ લખી હતી. સંજીવકુમાર ઉર્ફે હરિ જરીવાલા સુરતનો કલાકાર. માર્કંડ ભટ્ટનાં પત્ની ઉર્મિલા ભટ્ટ મોટા ગજાનાં કલાકાર હતા. ૧૯૬૫માં ગુજરાત સરકારની ફિલ્મ પારિતોષિક સમિતિમાં અમે સાથે હતાં.

‘રામરાજ્ય’ ગાંધીજીએ જોયેલી એકમાત્ર ફિલ્મના નિર્માતા ગુજરાતી ભટ્ટજી જ હતા ને? આશા પારેખનું સ્મરણ સહેજે ફિલ્મો વિશે વાત કરીએ ત્યારે થાય. નાટ્યક્ષેત્રે કાંતિ મડિયા અને નાટક-ફિલ્મનો ‘રાજ્જા’ ગણાયેલો ઉપેન્દ્ર ત્રિવેદી... આવાં અનેક નામો હોઠે ચડે. ગુજરાત કોલેજમાં ‘નાટ્યમહર્ષિ’ જશવંત ઠાકરે તાલીમના વર્ગો શરૂ કરાવેલા. ‘ઇપ્ટા’ નાટ્યક્ષેત્રે ગુજરાતી નાટ્યકારો સૌથી વધુ સક્રિય હતા, તેનો અંશ સુપ્રિયા પાઠકમાં આજેય જોવા મળે છે. તાલીમ ક્ષેત્રે અમદાવાદમાં હસમુખ બારાડીએ મજબૂત કામ કર્યું છે, નાટક વિશેનું તેમનું સામયિક પણ ચાલે છે. અદિતિ દવે, નીમેષ દેસાઈ, સલીલ મહેતા અને બીજા ઘણાં નાટ્ય ક્ષેત્રે સક્રિય છે.

વર્તમાન નાટ્યકારો સમક્ષ તો ઘણો મોટો પડકાર છે. દૃશ્યશ્રાવ્ય માધ્યમોના પ્રભાવને કારણે નાટકની મઝા ભૂંસાતી જાય છે એટલે અમદાવાદમાં - બીજી ભાષામાંથી સહેલાઈ સાથેનાં રૂપાંતરો - હળવી કોમેડીના સ્વરૂપે આવે છે, લોકો જુએ પણ છે. મરાઠીમાં દ્વિઅર્થી નાટકોની ભરમાર હતી, અહીં તેનું સરળ પ્રસ્તુતિકરણ થાય છે તેનો દર્શક વર્ગ પણ છે. પણ આધુનિક નાટક માટે ઉત્તમ કથા-પટકથા અને પ્રસ્તુતિનો પડકાર છે જ. છાપાંઓ-ટીવી જેમ હળવા સમાચારોથી ‘ટીઆરપી’ જાળવી રાખવા મથે છે એવું નાટકનુંયે થવા લાગ્યું છે એવા સંજોગોમાં માર્કંડ ભટ્ટની ખોટ વધારે સાલે તે સમજી શકાય તેવું છે.

રાજકીય મંચ સૂમસામ છે

ગુજરાતમાં અત્યારે રાજકીય નાટકની મંથરગતિ છે એમ અખબારોના પ્રતિનિધિઓને લાગે છે. કંઈ ‘સનસનીખેજ’ ‘ચર્ચાસ્પદ’ મળતું જ નથી! એટલે નાના-મોટા પ્રસંગોમાંથી ખોદકામ કરવું પડે છે. ટીવી ચેનલો પરની રોજબરોજની ચર્ચાનેય વિષયો (અને એ જ રીતે સારા વિષય નિષ્ણાતો) શોધવાની મથામણ કરવી પડે છે. મોટા ભાગે તો રોજબરોજની ચર્ચામાં બે રાજકીય પક્ષો ભાજપ-કોંગ્રેસના પ્રવક્તાઓ એકબીજાની સામે - વધુ બોલકણા - સાબિત થવાની સ્પર્ધા કરે છે. આમાં સાચું ખોટું અને આરોપ - પ્રત્યારોપની ખીચડી રંધાય છે.

હમણાં વિષયોના દૂકાળને લીધે અખબારોનાં પાનાં પર સમાચારોની દશા માઠી છે. ગુજરાતી રાજકારણનું વિશ્લેષણ કરતા અહેવાલો, લેખો, કોલમો તો છે જ નહીં! પછી ટીવી ચેનલો અને અખબારોએ જે આવ્યું તે ચલાવી લેવું પડે. તેમાં થોડા મરી-મસાલા ઉમેરાય. હાર્દિક જેલમાં પત્રો લખે તે બહાર આવે તેનાં મથાળાં બંધાય, પણ તેમાં અંદર ખાસ કાંઈ હોતું નથી. હા, પાટીદાર-આંદોલનને લીધે ટીવી-અખબારો પર તેના અજાણ્યા ચહેરા ‘નેતાગીરી’ કરતા દેખાય. અનામતનો મુદ્દો બાજુ પર રહી ગયો અને જેલોમાં જે પટેલો છે તેને છોડાવવા તરફ ધકેલાઈ ગયો! હાર્દિકને લાગે છે કે તેના વકીલે જ તેને ફસાવ્યો હતો! તે ભરતસિંહ સોલંકીને પત્ર લખે અને પાટીદાર સમાજના કેટલાક નેતાનેય લખે. મુખ્ય પ્રધાનને તેમણે લખ્યું છે પણ વડા પ્રધાન હજુ બાકી છે! હવે તેમને ય લખશે!!

કોંગ્રેસ-ભાજપના આંતરપ્રવાહો મુખ્યત્વે નેતાગીરીની બાબતના છે. પ્રદેશ-પ્રમુખ નક્કી નથી થઈ શક્યા તેનો અર્થ કંઈક ગંભીર ખેંચતાણ છે. ખરેખર તો ગુજરાત ભાજપને સંગઠનાત્મક રીતે વેગવંતુ બનાવી શકે એવા કુશળ અને કાર્યક્ષમ નેતાને પ્રમુખ બનાવવો જોઈએ એ વાત પર ભાજપમાં સર્વસંમતિ સાધી શકાય તો ઉકેલ સરળ છે.

કોંગ્રેસમાં કેટલાક બોલકા નેતાઓમાં એક પ્રવીણ રાષ્ટ્રપાલ પણ છે. તેમણે હમણાં એવું કહ્યાના અહેવાલો આવ્યા કે ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસના શંકરસિંહ વાઘેલા મુખ્ય પ્રધાન બનશે! ટીવી ચેનલો સાબદી થઈ ગઈ અને ચર્ચા શરૂ થઈ એટલે તુરત ખુલાસો આવ્યો કે એ તેમનો અંગત મત છે, પક્ષનો નહીં.

પક્ષમાં એવા વિભાગ-પ્રભાગ પડી ગયા છે કે કોઈ એકને ‘ભાવિ મુખ્ય પ્રધાન’ તરીકે જાહેર કરવા મોંઘા પડે તેમ છે. શંકરસિંહ અનુભવી ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન છે એટલે કોંગ્રેસમાં એ દૃષ્ટિએ ‘સિનિયર’ ગણાય, પણ કોંગ્રેસનાં આંતરિક જૂથોની ટકરામણ પરંપરાગત રીતે ચાલુ છે, એટલે આવી જાહેરાતને વ્યક્તિગત મત ભલે ગણાવાઈ હોય, અંદરખાને ગણગણાટ ચાલે છે એ નક્કી થઈ ગયું.

ભક્તિનાં ઘોડાપૂર

અને, એક મોસમ ધાર્મિક ઉત્સવોની પણ ચાલે છે. જૈન સંપ્રદાય તેમાં આગળ છે. મહારાજ સાહેબોનાં વ્યાખ્યાનોમાં જૈન સમાજ ઊમટે છે. સ્વામીનારાયણ પરિસરો ધમધમે છે. માધવપ્રિયદાસજીએ હમણા ભવ્ય ઉત્સવયજ્ઞ કર્યો. વાત્રક કાંઠે મહાદેવના સાનિધ્યે ઋતંભરાદેવી અને બીજા સાધુ-મહાત્માઓ પધાર્યા. ગિરનારના સાંનિધ્યે મોરારીબાપુની રામચરિતમાનસ કથાની તૈયારી ચાલે છે. રમેશભાઈ ઓઝા જામનગર જિલ્લામાં હતા. યહુદી સમાજે પોતાના વાર્ષિક ઉત્સવો કર્યા. પારસી સમાજ ઉદવાડામાં એકત્રિત થયો હતો.

ગુજરાતમાં ‘માતૃશક્તિ’નો મહિમા છે એટલે ઠેર ઠેર ‘માતાજી’ઓના દર્શને મેળા થાય છે. આમાં જાતિ-સમુદાયો પોતાનાં ‘કૂળદેવી’ તરફ વધારે વળે છે. ખોડલ - ખોડિયાર - તો પાટીદારો માટેની આસ્થાનો મહેરામણ ઉમટે છે. આશાપુરા, અંબાજી, ચામુંડા અને બીજાં માતૃસ્થાનો છે...

જોકે કેટલીક જગ્યાએ ગાદી અને નાણા વિવાદનો વિષય બને છે. આસારામ જેલમાં છે, પણ અમદાવાદ સહિત તેમના સત્સંગનાં પોસ્ટરો હમણાં લાગ્યાં હતાં. અને હા, સંપ્રદાયોથી પર શાસ્ત્રીય સંગીતના ભાવસભર કાર્યક્રમો પણ ધ્યાન ખેંચે તેવા રહે છે.


comments powered by Disqus