નિમિત્ત ભલે આંદોલન બન્યું, આનંદીબહેને નવા નિર્ણયનો સંકેત આપ્યો...

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 30th September 2015 08:13 EDT
 
 

ચોવીસમીએ ગુજરાત સરકાર તરફથી, મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે બિન-અનામત વિદ્યાર્થીઓને નજરમાં રાખીને એક યોજના જાહેર કરી તે ૨૦૧૫માં જ લાગુ પાડવામાં આવશે તેમ પણ જણાવ્યું તે એક મહત્ત્વની ઘટના છે.

અચલાયતનને ગતિ મળી

એ તો ઠીક છે કે આ યોજનામાંથી ખામીઓ બતાવનારાઓ નીકળશે. (જેમ કે, વિપક્ષે કોંગ્રેસ તરફથી તો આખી યોજનાને ‘મશ્કરી’ ગણાવાઈ છે. હાર્દિક પટેલે તેને ‘લોલીપોપ’ ગણી છે. ઓબીસીના નેતા અલ્પેશ ઠાકોરે તેના અમલની આશા રાખીને કહ્યું કે અમારામાંથી કોઈ કપાત થયો નથી એ અમારી જીત છે.) કેટલાક દૂધમાંથી પોરાં કાઢવાની કસરતમાં લાગી ગયા છે, પણ એકંદરે આ એક સારી શરૂઆત એટલા માટે ગણાય કે દલિત - આદિવાસી - ઓબીસી (અધર બેકવર્ડ ક્લાસ)ને ‘વોટ બેન્ક’ માનીને બાકીના સમુદાયો તરફ જે ઉપેક્ષા દાખવવામાં આવતી હતી, તેને બદલે બીજા બધાને ય ‘ન્યાય’ મળે તેવી આ શરૂઆત છે. છેવટે તો રાજ્યનો હેતુ જ ‘બહુજન સુખાય’ નહીં, ‘સર્વજન સુખાય’ હોવો જોઈએ તેનો આ સારો સંકેત છે.

આમાં અજંપાનું મૂળ શિક્ષણમાં અસમાન તક અને ભ્રષ્ટાચાર છે. અગાઉનાં આંદોલનો (૧૯૮૧ અને ૧૯૮૫)માં ‘ખામ’ થિયરીથી ભય પામેલા એકઠા થયા હતા, પણ જલદીથી તે આંદોલન રમખાણમાં પલટાઈ ગયાં હતાં. આ વખતે મુખ્યત્વે પાટીદારોએ સક્રિયતા બતાવી. જાતિની દૃષ્ટિએ ભલે તે ૧૨ ટકા હોય પણ તેની કર્મઠતા, મહેનત અને અનેક ક્ષેત્રો સુધી પહોંચવાની શક્તિને લીધે પટેલો - પાટીદારો એ ઉવેખી ના શકાય તેવું પરિબળ છે. એ વાસ્તવિકતાનો સ્વીકાર કરવાને બદલે માધવસિંહ સોલંકી - ઝીણાભાઈ દરજીએ ‘ખામ’ થિયરી ઊભી કરીને પટેલોની તાકાતને એકલીઅટૂલી પાડી દેવાનો નિર્ણય કર્યો હતો. તેમના પ્રધાનમંડળમાં પણ બાદબાકી થઈ હતી. પણ સોલંકી પ્રચંડ બહુમતી મેળવી લીધા પછી યે પોતાની સત્તાને સાચવી ના શક્યા. ખુદ તેમના જ પક્ષના જૂના ગાંધીવાદી રાજકારણી રતુભાઈ અદાણીએ તો જાહેરમાં જણાવ્યું હતું કે ‘ખામ’ થિયરી પ્રજાને એકબીજાની સામે મૂકીને વિષાક્ત વિભાજન પેદા કરશે.

‘સર્વજન સુખાય’ તરફ સંકેત

આનંદીબહેનની યોજનાનું એક દેખી શકાય તેવું લક્ષણ એ છે કે અનેક રીતે આર્થિક વમળોમાં ભીંસાઈને તક મેળવવા ઇચ્છતા સામાન્ય મધ્યમ વર્ગના છોકરા-છોકરીઓને પણ આર્થિક પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

આમાં કંઈ રાતોરાત બધું બદલાઈ જવાનું નથી કે બધાનું ભલું થઇ જવાનું નથી. આ એક પ્રક્રિયા છે. રાજસ્થાનમાં આર્થિક નબળા વર્ગ માટે અનામતમાં સ્થાન આપવાનો નિર્ણય લેવાયો તે આવી અસરનું પરિણામ છે. સરસંઘ-ચાલક મોહનરાવ ભાગવતે અનામત નીતિની સમીક્ષાનો સમય પાકી ગયો છે એટલું કહેતાં તો ચારેતરફથી ઘણા નેતાઓ તેમના પર તૂટી પડ્યા. લાલુ પ્રસાદ તેમાં આગળ છે. નીતિશ કુમારે પણ એવી જ વાત કરી. માયાવતી કેમ પાછળ રહે? આ બધા ‘વોટબેન્ક’નાં સ્થાપિત હિતો બની ગયેલા રાજકારણીઓ છે.

ગુજરાત સરકારે બંધારણીય જોગવાઈથી ‘અચલાયતન’ બની ગયેલી અનામત-નીતિમાં ફેરફાર કરવાને બદલે અલગ કલ્યાણ યોજના બનાવી છે. આમાં જરૂરી સુધારાવધારાને ય અવકાશ છે. જેમ કે, ખાનગી કોલેજોમાં પ્રવેશ મેળવવા ‘ડોનેશન’ની પ્રથા છે, તેમાં લાખથી કરોડ રૂપિયાની માગણી કરાય છે. પ્રવેશ મેળવનારના પરિવારે તે રકમ તો પોતાની રીતે જ ખર્ચવી પડશે અને ફીમાં સરકાર ‘ડિફરન્સ’ની પૂર્તિ કરશે. સરકાર કંઈ ડોનેશનોમાં તો મદદ ના કરી શકે, પણ ડોનેશનને કરોડમાં જતાં અટકાવી શકે નહીં? બીજું, સામાન્ય શાળામાં એસસી-એસટી-ઓબીસીના વિદ્યાર્થીએ માંડ રૂપિયા ૫૦૦ ફી ભરવાની આવે તો તેમાં પેલો લાંચિયો ઓફિસર ૧૦૦-૨૦૦ વધારાના પડાવી લે છે! આ ભ્રષ્ટાચારને સમૂળગો નાબૂદ કરવાનું કોઈ વ્યવસ્થાતંત્ર ગોઠવવું પડશે. શાળાથી કોલેજ અને યુનિવર્સિટી સુધી આ જાળ ફેલાયેલી છે.

બ્રિટિશ ગુજરાતીઓના મનમાં એક સવાલ હશેઃ ‘... તો હાર્દિક અને તેના સાથીદારો હજુ આંદોલન ચલાવી શકશે?’

આંદોલનનું શું થશે?

આંદોલન ચાલુ રાખવાનું તો તેમણે જાહેર કરી દીધું છે. રેલીમાં ભાષણો કરવા અને પછી ગૂમ થઈ જવું અને કોંગ્રેસ લિગલ કમિટીના કન્વીનર વકીલ દ્વારા ‘હેબિયસ કોર્પસ’ દાખલ કરવી, હાઇ કોર્ટનો ઠપકો સાંભળવો આ બધી ઘટનાઓ પછી એમ લાગે છે કે આંદોલન નબળું પડ્યું છે. લાંબા સમય સુધી તેની રેલી - રેલા - બહિષ્કાર ચાલશે નહીં. કારણ એ છે કે કોઈ પણ આંદોલન સનાતન તો રહેતું જ નથી.

આઝાદીનાં રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં યે ચઢાવ-ઉતાર આવતા રહેલા. ગાંધીજીએ સા-વ હતાશ, નિષ્ક્રિય સ્થિતિને પારખીને ૧૯૪૨ની ‘ભારત છોડો’ ચળવળ શરૂ કરવી પડી હતી એ ઇતિહાસસિદ્ધ હકીકત છે. આઝાદી પછીનાં આંદોલનો તો પોતે જ ચૂંટી કાઢેલી સરકારોની સામેના રહ્યા એ તેની મોટી મર્યાદા છે. હા, પોલીસ જુલમને લીધે આંદોલનોને વેગ જરૂર મળે.

પાટીદાર અનામત આંદોલનમાં પણ પોલીસદમનમાં જે આઠ-દસ પરિવારો પુત્રવિહોણા બન્યા તેમાંના એકાદ-બેની તપાસ ચાલે છે, પરંતુ રાજ્ય સરકારે આ બાબતે સંવેદનશીલ બનીને એવી ઝડપી અને ન્યાયી તપાસ કરવી પડે, જેનાથી પ્રજાને ન્યાય મળ્યાની ખાતરી થાય. ૨૫મી અને તે પછી ગુજરાતમાં જે કાંઈ બન્યું તેના દોષનો ટોપલો પોલીસ પર ન ઢોળીએ તો પણ આ કિસ્સાઓમાં ઊંડી તપાસ માટે સરકારે એક વરિષ્ઠ કક્ષાની તપાસ સમિતિ જાહેર કરવી જોઈએ. સરકારનાં યોગ્ય પગલાં ફરી વાર શાંતિના માહૌલને પેદા કરી શકશે.

સ્મરણ ચિંતક દીનદયાળજીનું

૨૫ સપ્ટેમ્બરે પંડિત દીનદયાળ ઉપાધ્યાયને યાદ કરતા એમ કહેવાનું થયું કે ‘૧૯૫૦થી જ ભારતમાં ‘એકાત્મ માનવદર્શન’ને અનુસરીને જો શાસકો અને સમાજ ચાલ્યા હોત તો આજે ભાષા-સંપ્રદાય-નાતજાત-અનામતના ઊભરા આવે છે તે ન થયા હોત!’

આમાં ક્યાંય અતિશયોક્તિ નથી. ભારતીય સમાજની પરંપરા, ચિંતન અને વ્યવસ્થાને નજરમાં રાખીને ૧૯૬૫ના એપ્રિલમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયે વ્યાખ્યાનમાળામાં આપેલા ૪ વ્યાખ્યાનોમાં, ભારત અને ભારતીયતાને અનુકૂળ રાજ્ય-અર્થકારણ-સમાજકારણને કઈ રીતે સર્જી શકાય તેની વિશદ્ ચર્ચા કરી. સામ્યવાદ-મૂડીવાદ-સમાજવાદ ક્યાં નિષ્ફળ નિવડ્યા તેની સમીક્ષા પણ તેમાં કરી. પછી તો તે શબ્દબદ્ધ બન્યું અને ‘એકાત્મ માનવવાદ’ (Integral humanism) તત્કાલીન જનસંઘના કાર્યકર્તાઓ માટે ‘પરિવર્તનનું પ્રેરક પુસ્તક’ બની ગયું!

‘એકાત્મ માનવદર્શન’નાં પ્રકાશન સાથે આ લેખકની યાદગીરી અતૂટપણે જોડાયેલી છે. હમણાં આ મહિનાના પ્રારંભે મારાં નવા પુસ્તક ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાયની ભારતીય વિચારધારા એકાત્મ માનવદર્શન’નું લોકાર્પણ મુખ્ય પ્રધાન શ્રીમતી આનંદીબહેન પટેલે ગાંધીનગરમાં કર્યું. ગ્રંથનિર્માણ બોર્ડના દેશવ્યાપી અધ્યક્ષો તેમાં હાજર હતા. ત્યારે પ્રતિભાવમાં મેં યાદ કર્યું કે ૧૯૬૭માં વઢવાણમાં એક અભ્યાસ શિબિર હતો. શિબિરાર્થીઓમાં હરીસિંહજી ગોહિલ, ચીમનભાઈ શુકલ, સૂર્યકાંત આચાર્ય, કેશુભાઈ પટેલ વગેરે પણ ખરા! શિબિરનો વિષય ‘એકાત્મ માનવવાદ’નો, પણ ગુજરાતીમાં તે ચોપડી જ નહોતી! હવે શું?

અમદાવાદમાં વસંતરાવ ગજેન્દ્ર ગડકરે આ મૂંઝવણ વ્યક્ત કરીને પૂછયું કે શિબિરને અઠવાડિયું બાકી છે. અનુવાદ અને છપાઈકામ... શું કરી શું? પછી પ્રયાસ શરૂ કર્યો, મૂળ મરાઠી - હિંદીમાં જ આ પુસ્તક હતું, રાતદિવસ બેસીને અનુવાદ કર્યો. દરિયાપુરમાં એક સંઘ-કાર્યકર્તા જામભા બાપુ નાનકડાં ટ્રેડલિયાં સાથે છાપખાનું ચલાવતા. તેમણે હેન્ડ-કમ્પોઝ કરાવીને પુસ્તક છાપ્યું તે બરાબર શિબિરના દિવસે જ વઢવાણ પહોંચ્યું અને બધાને તેની પ્રત આપી શકાઈ!

અટલજીએ કર્યું લોકાર્પણ

એ શિબિરના પ્રારંભે અટલ બિહારી વાજપેયી અને સુંદર સિંહ ભંડારીએ તે પ્રથમ પુસ્તક હાથમાં લીધું અને લોકાર્પણ કરતાં ધન્યવાદ આપ્યા. તે પછી સાધના પ્રકાશન, સાહિત્ય સાધના અને પ્રવીણ પ્રકાશને ૨૦૦૧ પછી છાપ્યું તેનું વિમોચન તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. ‘હવે તમારો વારો છે - ગુજરાતનાં મહિલા મુખ્યમંત્રી તરીકે તમે આ વિસ્તૃત વિગતો સાથેનાં પુસ્તકને ખૂલ્લું મુકી રહ્યા છો!’

૨૫ સપ્ટેમ્બર, ૧૯૧૬ના જયપુર-અજમેર રેલ લાઈન પર આવેલા ધનકિયા ગામે દીનદયાળ જન્મ્યા હતા, અને ૧૧ ફેબ્રુઆરી, ૧૯૬૮ના મુગલસરાઈ રેલવે સ્ટેશનના યાર્ડમાં એક પાટા પરથી તેમનો મૃતદેહ મળ્યો! ૫૧ વર્ષની ટૂંકી જિંદગીમાં તેમણે અધ્યયન અને સર્જનઃ બન્નેનો સુદૃઢ પરિચય આપ્યો.

૧૯૬૭માં સામ્યવાદી ગઢ કેરળમાં જનસંઘના અખિલ ભારતીય અધિવેશનમાં તેમણે અધ્યક્ષપદ સ્વીકાર્યું તે પહેલાં સંગઠનના કામમાં મહામંત્રી તરીકે ગળાડૂબ હતા. ‘આપણે ભારત માતાને સાચા અર્થમાં સુજલા સુફલા બનાવવી છે... વિજયનો વિશ્વાસ છે, તપસ્યાનો સંકલ્પ લઈને આગળ વધીએ...!’ આ વ્યાખ્યાનના તેમનાં છેલ્લાં વાક્યો હતાં.

ગુજરાતમાં તેમની ૧૦૧મી જન્મતિથિએ સૌએ આ સેવા અને સાદગીના, પરિવ્રાજક રાજપુરુષનું સ્મરણ કર્યું હતું.


comments powered by Disqus