પાંચમી ઓગસ્ટઃ એક વધુ ઐતિહાસિક દિવસ ઉમેરાયો

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Saturday 25th July 2020 07:43 EDT
 
 

પાંચમી ઓગસ્ટ ૨૦૧૯.

અને પાંચમી ઓગસ્ટ ૨૦૨૦.

આ બંને વર્ષના દિવસોએ ભારતીય રાજકારણ અને લોકકારણ પર ઐતિહાસિક અસર કરી છે.

કોઈને ‘ઐતિહાસિક’ શબ્દ વધારે પડતો લાગશે, પણ ૧૯૪૭થી આજ સુધીનો ઇતિહાસ તપાસવામાં આવે તો ચોક્કસ સંમત થઈ શકાય કે ૨૦૧૯ અને ૨૦૨૦ના ઓગસ્ટની પાંચમીએ એક નવું પ્રકરણ રચ્યું છે.

યાદ છે ને, ૨૦૧૯ના એ દિવસે કાશ્મીરની ધારા ૩૭૦ને એક ઝાટકે લોકસભાએ અલવિદા કહી હતી.

બંધારણની જે કલમથી ભારતમાં એકતાને બદલે ભેદભાવ પેદા થતો હોય, જેના કારણે આતંકવાદને આશરો મળતો હોય, જેનો આધાર લઈને ‘અલગાવ’નાં વૃક્ષ ઊછેરવામાં આવતાં હોય, જેની છાયા સાથે સ્થાનિક રાજકારણીઓ સત્તા અને સંપત્તિના તાગડધીન્ના કરતા હોય, જ્યાં શેષ ભારતના નાગરિકને જમીન ધરાવવાનો મૂળભૂત અધિકાર જ ન રહે, જેને પાકિસ્તાન પોતાનું ગણીને આતંકવાદની છાવણીઓ અને કાતિલ હુમલા કરતું રહે, જે પ્રશ્નને આંતરરાષ્ટ્રીય સ્તરે ચગાવવામાં આવતો હોય, જ્યાં પાકિસ્તાનથી ૧૯૪૭માં આવેલા દલિત શરણાર્થીઓને નાગરિકતા આપવામાં ના આવે... એ ધારા ૩૭૦ની જવાબદારીનું પોટલું ભારતે શા માટે કાયમ રાખવું જોઈએ?

આ સવાલ તો પંડિત જવાહરલાલ નેહરુના સમયથી ઊઠતો હતો, પણ આ ‘અસ્થાયી’ જોગવાઈને રદ કરવાનું સાહસ કોઈએ કર્યું નહીં. કારણ? આ મુદ્દે કોઇ મંતવ્ય આપે કે તુરંત અલગતાવાદીઓની ‘ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફરન્સ’, ફારુક અબદુલ્લાની નેશનલ કોન્ફરન્સ (એનસી), મહેબૂબા મુફ્તી સઇદની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) સહિતના રાજકીય પક્ષો કૂદી પડે. ખુલ્લેઆમ ધમકી ઉચ્ચારવામાં આવે ‘...તો અમે ભારતથી અલગ થઈ જશું!’ એટલે વાત અભેરાઈ પર ચડી જાય.

આને કારણે કાશ્મીરમાં આતંકવાદનો પગપસારો થયો. નવાઈ લાગશે કે અહીં ૬૦ જેટલાં સંગઠનો ઊભાં થયાં, અને દરેકના ખરીતામાં ‘ઈસ્લામિક રાજ્ય’ સ્થાપવાની વાત! કાશ્મીર રાજકીય મુદ્દો રહેવાને બદલે સાંપ્રદાયિક બની રહ્યો. સ્થાનિક રાજકીય પક્ષોએ તેવા ઝેરીલા સાપને દૂધ પાયું. હાથમાં પથ્થરો અપાયા. તે બધા ભારતીય સૈન્ય સામે ‘ભારતીય કુત્તાઓ, પાછા જાઓ’ના નારા સાથે સૈનિકો પર પત્થરબાજી કરે, સરકારી મિલકતો સળગાવે, સરહદ પરના રહેવાસીઓને ઘરમાં ઘૂસી જાય, બળાત્કાર કરે, અપહરણ કરે, અને પાકિસ્તાન તેને મદદ કરતું રહે!

આનું મૂળ કારણ ૩૭૦મી કલમમાં પડ્યું હતું. દેશના કરોડો રૂપિયા કાશ્મીરમાં ખર્ચવામાં આવ્યા અને ત્યાંના રાજકીય નેતાઓ ખિસ્સાં ભરતા રહ્યા, ગરીબ કશ્મીરી તો ગરીબ જ રહ્યો.

આ પરિસ્થિતિની સાથે વર્તમાન ભાજપ સરકારે બાથ ભીડી. આર્ટિકલ ૩૭૦ અને બીજી નાનીમોટી કલમોનો અમલ બંધ કરાવવા માટે પ્રસ્તાવ મૂકાયો, વિપક્ષોને તે ક્યાંથી ગમે? ‘કાશ્મીરનો વિશ્વાસઘાત’ જેવા શબ્દો પણ પ્રયોજવામાં આવ્યાં, પણ દૃઢ નિર્ધાર અને રાજકીય ઈચ્છાશક્તિનો પરિચય ચોતરફ દેખાયો.

વડા પ્રધાન અને ગૃહ પ્રધાને સ્પષ્ટ ભાષામાં જણાવ્યું કે કાશ્મીરના વિકાસમાં ૩૭૦મી કલમ બાધારૂપ છે. મહેબૂબા મુફ્તી અને ઓમર અબદુલ્લાની ધમકી ‘કાશ્મીર ભડકે બળશે...’નું સુરસૂરિયું થયું અને કાશ્મીરે શાનથી આ પગલાનું સ્વાગત કર્યું. આ વાતને વરસ વીતી ગયું.

ને બરાબર, આ જ દિવસે, ૨૦૨૦ની પાંચમી ઓગસ્ટે, અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણકાર્યનો પ્રારંભ થઈ રહ્યો છે.

વડા પ્રધાન સહિત સૌ રાષ્ટ્રીય નેતાઓ, સાધુસંતો, રામભક્તોની સાક્ષીએ, ૩૦૦થી વધુ વર્ષથી વિવાદિત રહેલા મંદિરનું પુનઃ નિર્માણ શરૂ થશે. બરાબર ભગવાન સોમનાથના દેવાલયના જિર્ણોદ્ધાર જેવી જ ઘટના!

સોમનાથનો સંકલ્પ સરદાર વલ્લભભાઈનો હતો. વી. એન. ગાડગીળ, કનૈયાલાલ મુનશી, રાજેન્દ્રપ્રસાદ, પુરુષોત્તમદાસ, ટંડન, જામસાહેબનું સમર્થન હતું. અને ૧૯૪૭ના નવેમ્બરમાં દીપોત્સવીના દિવસે જૂનાગઢ મુક્તિની સભા પછી સીધા ખંડિત - જર્જરિત સોમનાથ જઈને વલ્લભભાઈએ સંકલ્પ કર્યો હતો.

રામમંદિરની યે એવી જ સંકલ્પકથા અને સંકલ્પયાત્રા છે. ભૂતકાળમાં અયોધ્યાયાત્રા થઈ તેમાં વિશ્વ હિન્દુ પરિષદ(વિહિપ) અને એલ. કે. અડવાણી સાથે નરેન્દ્ર મોદી પણ હતા. આજે વડા પ્રધાન તરીકે કુશળતાપૂર્વક રામમંદિરનો ચુકાદો લાવવામાં ભરચક સર્વાનુમતિના પ્રયાસો સાથે તેઓ સફળ થયા અને પરિણામ પાંચમી ઓગસ્ટનું!

બેશક, હવનમાં હાડકાં નાખવાં એ પ્રાચીન પરંપરા છે.

શરદ પવારે સવાલ ઊઠાવ્યો. કોંગ્રેસમિત્રે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. મુસ્લિમ સંગઠનો પણ નારાજ અને સેક્યુલર મંડળી (રિપબ્લિક ટીવીના તેજતોખાર મીડિયાકર્મી અર્ણવ ગોસ્વામી તો તેને ‘ગેંગ’ જ નામ આપે છે.) વિરોધમાં છે, પણ દેશવાસીની આસ્થા અને સંકલ્પે એક સપનું સાચું કરી બતાવ્યું. ભગવાન શ્રી રામ એકલા ભારતમાં જ નહીં, વિશ્વનાં ઘણા દેશોમાં સુપ્રસિદ્ધ છે. એ રીતે આ વૈશ્વિક ઘટના પાંચમી ઓગસ્ટથી પ્રારંભ થવાની છે.

અયોધ્યાએ પણ કંઈ ઓછા પડાવ જોયા નથી. વિવાદગ્રસ્ત માળખાનો ધ્વંસ કૃદ્ધ પ્રજાએ કર્યો તેનો પડઘો બાંગલાદેશ અને પાકિસ્તાનમાં પણ પડ્યો અને અસંખ્ય મંદિરો તૂટ્યાં. મુલાયમ સિંહની સરકારે અયોધ્યા યાત્રા દરમિયાન હિંસક પ્રવૃત્તિ કરી હતી. અદાલતોમાં આજ સુધી અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી સહિતના નેતાઓ પર મુકદમો ચાલે છે.

આ દરમિયાન વાત સર્વોચ્ચ અદાલત સુધી પહોંચી. સમજૂતીના પ્રયાસો પણ થાય. કોંગ્રેસને તો રામસેતુ અને રામમંદિર બંને બાબતો નગણ્ય લાગી હતી. રામ કોઈ ઐતિહાસિક પાત્ર જ નથી અને રામસેતુ જેવું કંઈ બન્યું નહોતું. એવો પ્રચાર પણ કરવામાં આવ્યો. સમજૂતીના પ્રયાસોમાં એકથી વધુ છાવણીઓ હતી. શ્રીશ્રી રવિશંકરે પ્રયાસો કર્યો પણ પરિણામ ના આવ્યું. કેન્દ્ર સરકાર પર દબાણ આવ્યું કે રામમંદિરનો એજન્ડા હાથમાં લો. એ સારું થયું કે ‘અદાલતના ચુકાદા પૂર્વે કશું જ નહીં’ તેવો નિર્ણય લેવાયો.

અદાલતે તમામ બાબતોને બારિકાઇથી તપાસી હતી. બાબરના સેનાપતિના આક્રમણથી ધ્વસ્ત મંદિરના ઉલ્લેખોની ખોજ થઈ. પુરાતત્ત્વ વિભાગે ખોદકામ કર્યું તો ત્યાં પ્રાચીન દેવાલય પ્રતિમાઓના પ્રમાણ મળ્યાં. અને રાજકારણના પ્રતાપે મામલો અટકી ગયો હતો તે સર્વોચ્ચ અદાલતના ચુકાદાને લીધે આગળ વધ્યો. છેવટે તે સ્થળે મંદિર હોવાનો નિર્ણય થયો અને સામેના પક્ષને દૂર પોતાની ધાર્મિક પ્રવૃત્તિ માટે જમીન ફાળવવામાં આવી. ભારતીય અદાલતે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો. હવે મંદિર નિર્માણના પ્રારંભનો દિવસ નજીક આવ્યો છે. બે-ત્રણ વર્ષમાં તો અહીં ભવ્ય રામમંદિર સ્થાપિત થઈ જશે.

ભારતમાં મંદિરોનો ઇતિહાસ આક્રમણોના અતિરેક સાથે જોડાયેલો છે. મથુરા, કાશી અને અન્યત્ર પણ આ પ્રશ્નો છે. ઇસ્લામ આક્રમણે જે આસ્થા સ્થાનો તોડી પાડ્યાં તેની સંખ્યા હજારેકની થાય છે. ગુજરાતમાં સિદ્ધપુરનું રુદ્ર મહાલય પણ તેનું પ્રમાણ છે.

આસ્થાના વિષય પર સમાજની મનોદશા પ્રતિક્રિયાની બની રહે છે તેવા સંજોગોમાં અદાલતના નિર્ણય સાથે રામમંદિરનું નિર્માણ એ આર્ટિકલ ૩૭૦ની કલમ રદ કરવા જેવો જ ઐતિહાસિક નિર્ણય છે.


comments powered by Disqus