બંગાળમાં ગરવો ગુજરાતી: અનેક પડકારોની વચ્ચે તે ખુમારીથી જીવે છે...

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 12th September 2017 06:19 EDT
 
 

ગુજરાતની જિંદગીના સીમાડા જ ક્યાં છે? આનો અનુભવ વળી પાછો કોલકાતા મહાનગરમાં થયો. લગભગ વીસ વર્ષે ગયો હતો એટલે તેના આધુનિક વિકાસની તસ્વીર વિમાનમથકેથી ભવાનીપુર સુધી જતાં રસ્તામાં જ નજરે પડી. ઉંચી ઈમારતો, ધમધમતો વ્યવસાય, ઉભરાતા રસ્તાઓ, આધુનિક ઉદ્યાનો, હોસ્પિટલો, બસ અને મેટ્રો ટ્રેન, નવા અને જુના નાના અને મોટા બ્રીજ... હવે એકલા હાવડા બ્રિજનો જ મહિમા નથી રહ્યો. હા, દરેક રસ્તે અને ખાસ કરીને બ્રિજના નીચે આસપાસના રસ્તે નાના મકાનો, ઝુંપડાઓ, દુકાનો તો ખરા જ. ભવાનીપુરના અંદરના રસ્તાઓ પણ સામાન્ય જિંદગીના પ્રતિનિધિ છે. દુધની દુકાનો, મીઠાઈ, કરિયાણું, કાપડ, ફરસાણની દુકાનો અને મંદિરો.

ભવાનીપુર મુખ્યત્વે ગુજરાતીઓનું સ્થાનક છે. નવા ફ્લેટ બંધાતા જાય છે. હોટેલોનું પ્રમાણ વધ્યું. હા, દરેક જગ્યાની ઓળખ હજુ બંગાળીમાં અધિક જોવા મળે. ભાષાના રોજિંદા પ્રયોગમાં બંગાળી જ સાંભળવા મળે. ભવાનીપુર વળી હાલના મુખ્ય પ્રધાન મમતા બેનરજીનો મત વિસ્તાર છે. જૈન પર્યુષણના સમારોહમાં ગુજરાતી જૈનો ઉપરાંત એક કોર્પોરેટર મળી ગયા. પહેલા ભાજપમાં હતા, હવે તૃણમૂલ કોંગ્રેસમાં છે. મમતા વિશે હવે બે છેડાના અભિપ્રાયો મળે છે. નગરની રોનક બદલાવવામાં અને સ્વછતા સ્થાપનમાં તેમનું કામ વખણાયું છે. દુર્ગાપૂજા વખતે અહીં ઠેર ઠેર સજાવેલા રંગીન મંડપોમાં તે પગપાળા જાય છે. સહુને મળે કરે છે. સાદગી તેમના લોહીમાં છે. તાજેતરમાં અતિવૃષ્ટિ થઇ ત્યારે પાણી પ્રવાહમાં ઉઘાડા પગે ઘુટણ સુધી સાડી ઉંચી લઈને નીકળેલા મુખ્ય પ્રધાનની તસ્વીરો આવી હતી. આ વાત થઇ ત્યારે મને એ યાદ આવ્યું કે હમણાં ગુજરાતમાં અતિવૃષ્ટિ સમયે મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી ટાપુ બની ગયેલા ગામડે હોડીમાં બેસીને પહોંચ્યા હતા. પ્રજાભિમુખ રાજનીતિ હવે અનિવાર્ય બનતી જાય છે તેની નોંધ હજુ બહુ લેવામાં આવતી નથી.

મમતા વિશે બીજો અભિપ્રાય તેમની હિંદુ-મુસ્લિમ વિશેની નીતિ છે. ગણેશ પૂજન વખતે તેનો સરકારી આદેશ ટીકાને પાત્ર થયો હતો. બંગ ભંગ સમયે લોર્ડ કર્ઝને જે ભાગલા પાડો વાળી નીતિ અપનાવી હતી તે હવે નવેસરથી વોટ બેંકમાં ફેરવાઈ ગઈ છે. ૨૦ ટકા (કેટલાકના મતે ૪૦ ટકા) મુસલમાનો અહીં વસે છે. તેની વધુ તરફેણ કરવાથી અસંતોષ અને ભય બન્ને પ્રવેશી ચુક્યા છે. આની પ્રતિક્રિયા ગણો તો તેમ કે પછી લાંબા સમયથી ધીમી છતાં દૃઢ ગતિથી સંગઠન વિસ્તારી રહેલા આરએસએસનું કામ વધવા માંડ્યું છે. એટલે આપોઆપ ભારતીય જનતા પક્ષની શક્તિ પણ વધે તે સ્વાભાવિક છે.

વિભાજન સમયે અહી હિંદુતરફી હિંદુ મહાસભાનો અવાજ હતો પણ કોંગ્રેસ અને સામ્યવાદી પ્રભાવ વધારે એટલે ભારતીય જનસંઘના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની કર્મભૂમિ હોવા છતાં તે પક્ષના મૂળિયાં ઊંડા ગયા નહીં. આ પક્ષે દેવપ્રસાદ ઘોષ અને ડો. વિષ્ણુકાંત શાસ્ત્રી જેવા દિગ્ગજ નેતા તો આપ્યા પણ જમીની કામ થયું નહી, તે જનસંઘ અને ભાજપ બન્નેની ખાસિયત બની ગઈ હતી. હા, શ્યામાપ્રસાદની હત્યા ના થઇ હોત અને વધુ જીવ્યા હોત તો બંગાળમાં જનસંઘ કોંગ્રેસનો વિકલ્પ બન્યો હોત, ડાબેરી મોરચો સત્તા પર ના આવ્યો હોત અને લોકસભામાં વિરોધ પક્ષ એકદમ પ્રબળ બની ગયો હોત. એટલું જ નહીં, બિન-કોન્ગ્રેસી સરકાર જે છેક ૧૯૭૭માં બની તે ઘણી વહેલી રચાઈ હોત. પરંતુ એવું થયું નહીં, ડાબેરી મોરચાની સામે મમતાનો પક્ષ ફાવી ગયો. હવે વાત બદલાતી થઇ છે.

ડાબેરીઓ એટલી શક્તિ કેળવવા મથે છે પણ એ આસાન નથી. શું બંગાળ અને કોલકાતાથી ગુજરાતીઓ ધીમે ધીમે સ્થળાંતરિત થઇ રહ્યા છે? આ પ્રશ્ન કેટલાક ગુજરાતીઓ સાથે ચર્ચાયો. પણ તેનો વ્યવસ્થિત અભ્યાસ કોઈકે કરવો જોઈએ. અત્યારે તો ગુજરાતી સંસ્થાઓની સંખ્યા સારી છે. શાળા-મહાશાળા ચાલે છે, મંદિરો અને દેરાસરો છે. ગુજરાતી કેળવણી મંડળ ચાલે છે. વ્યવસાય અને ઉદ્યોગોમાં ગુજરાતીઓ છે. રાજકારણમાં ઓછા છે. એક દિનેશ ત્રિવેદી છે તે તૃણમૂલ કોંગ્રેસમાં છે, પણ કેટલાકે કહ્યું કે મમતા તેમને ખાસ દાદ આપતા નથી. મમતા સરકારમાં કોઈ ગુજરાતી પ્રધાન તો ક્યાંથી હોય? ગુજરાત સરકાર અહીંના ગુજરાતીઓ સાથે અનેક રીતે સંબંધ જાળવે છે.

એક ગુજરાતી રાજ્યપાલ વીરેન શાહ એનડીએ સરકાર વખતે હતા. અહીં ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિની બોલબાલા રહી, અહીંનું ગુજરાતી સાહિત્ય મંડળ એક સમયે ખ્યાત હતું, શિવકુમાર જોશી, ચંદ્રકાંત બક્ષી, મધુ રાય, બિહારીભાઈ શાહ, ચન્દ્રકાન્ત ઓઝા, નગીનદાસ ઝવેરી, વગેરે સુપ્રતિષ્ઠ આગેવાનો હતા. હવે તેમાં ઓટ આવી છે છતાં કેટલાક મિત્રો કામ કરી રહ્યા છે.

ગુજરાતી સાહિત્ય મંડળના ઉપક્રમે એક નાનકડી પણ સરસ ગોષ્ઠી યોજાઈ. મંડળ પ્રમુખ પરાગ મજમુદાર , બકુલભાઈ મહેતા, શ્યામ આશર, દિનેશ મોદી, ઉષા મોદી સહિતના સાહિત્યપ્રેમી મળ્યા અને ઘણી વાતો થઇ. એ જ દિવસે ‘કોલકાતા હલચલ’ના કાર્યાલયે પણ જવાનું બન્યું. હવે તો દક્ષિણ ભારતમાં પણ સજ્જ થયેલી તંત્રી-બેલડી ભાવેશ શેઠ અને સંજય શાહ તદ્દન આધુનિક મુદ્રણ સામગ્રીથી આ સાપ્તાહિક છાપે છે અને વંચાય છે. આ પૂર્વે અહીં ‘નવરોઝ’ સાપ્તાહિક ચાલતું તેની સ્મૃતિ થઇ. એક નાનકડા મકાનમાં નવલજી અને જાલુંબહેન કાંગા તેમના પુરોગામી એદલજી કાંગાએ સોંપેલી આ પત્રકારત્વની વિરાસત જાળવતા. તેમની દીકરી બચી કરકરીયા અંગ્રેજી પત્રકારત્વમાં ગઈ અને ખ્યાત બની, પણ આ ગુજરાતી સાપ્તાહિક બંધ કરવું પડ્યું. જાલુબહેને મૃત્યુ સુધી તે ચલાવ્યું હતું. આ વાતને એક સો વર્ષ થયા.

બીજા દિવસે એન.આર.જી. વિભાગે યોજેલા ‘સદાકાળ ગુજરાત’ સમારંભમાં મારે બોલવાનું હતું. બીજી તારીખે પ્રધાન શ્રી જાડેજા, રાજ્યપાલ શ્રી ત્રિપાઠી અને કેન્દ્રીય પ્રધાનોએ પ્રદર્શન ખુલ્લું મુક્યું, ત્રીજી સપ્ટેમ્બરે વ્યાખ્યાન હતા. જય વસાવડા અને મારે બોલવાનું હતું. મેં બંગાળ અને ગુજરાતના સાંસ્કૃતિક સંબંધો વિશે ચર્ચા કરી. ગુજરાતમાં અરવિંદ ઘોષ અને ભવાની મંદિરના સંકેતે ભારત માતાની પરિકલ્પના, ગુજરાતમાં ૧૮૯૨માં યુવા સંન્યાસી વિવેકાનંદનું ભ્રમણ, જેતલસરમાં હરગોવિંદ અજરામર પંડ્યા નામે સ્ટેશન માસ્તરે તેમને વિદેશ પ્રવાસની આપેલી પ્રેરણા, ગાંધીજી અને ટાગોર સંબંધ, શાંતિનિકેતનમાં મેઘાણી... આ બધા પ્રસંગો બે પ્રદેશોની સાંસ્કૃતિક કડી હતા. સુભાષ બોઝ પણ રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધ્યક્ષ ગુજરાતના હરીપુરા અધિવેશનમાં થયા અને તેમના એક રાજકીય ગુરુ એટલે ગુજરાતી વીર વિઠ્ઠલ ભાઈ પટેલ! આઝાદ હિન્દ ફોજમાં બર્માના ગુજરાતી નાગરિકોનો ફાળો ભારે મહત્વનો હતો.

આ સમારંભમાં કોલકાતા ગુજરાતી સમાજની પ્રગતિનો અંદાજ મળ્યો. પ્રમુખ રવીન્દ્રભાઈ વાઘાણીના માર્ગદર્શનમાં સમાજનો વિકાસ થઇ રહ્યો છે, હવે નવું મોટું મકાન થશે. એનઆરજીના આ કાર્યક્રમમાં સમગ્ર સમાજનું આયોજન હતું. વિભાગ નિયામક શ્રી લવિંગીયા ઉપસ્થિત રહ્યા. એક ગુજરાતીને પદ્મશ્રી સમ્માન પ્રાપ્ત થયું તેનો હર્ષ વ્યક્ત કરીને મારું અભિવાદન કરાયું. બંગાળ સાથે મારો સાહિત્યિક નાતો તો વર્ષોનો. છે. પ્રથમ વાર આવ્યો ત્યારે અહીંથી અસમ આંદોલનનો અભ્યાસ કરવા આસામ જવું હતું. શિવકુમાર તો સ્તબ્ધ થઇ ગયા કે અહીંથી અમે ત્યાં આ સંજોગોમાં જતા ડરીએ છીએ ને તમે છેક ગુજરાતથી ત્યાં જવા નીકળ્યા છો? બીજી વાર આવ્યો ત્યારે ખ્યાત ફિલ્મકાર સત્યજીત રાયને મળવાની તક મેળવી. તેમના નિવાસસ્થાને ૩૦ મિનિટ સુધી વાર્તાલાપ થયો તેની મધુર સ્મૃતિ હજુ એવી ને એવી છે. નેતાજી ભવન પણ ગયો, અહીંથી સુભાષ પોતાના મકાનમાંથી બ્રિટિશ સત્તાની આંખમાં ધૂળ નાખીને છટકી ગયા તેની સ્મૃતિ જળવાયેલી છે. અજ્ઞાતવાસનો તેમનો ખંડ, સાદી પથારી, ગીતા, ચાખડી, વસ્ત્રો... અને પહેલા માળેથી નીકળ્યા તે સીડી, અને આંગણામાં એ મોટરકાર જેમાં નીકળીને બિહારના દમોહ સ્ટેશનેથી કાબુલ, ત્યાંથી જર્મની, અને પછી જાપાન... કેવી રોમાંચક પણ ભયાવહ જીવનયાત્રા આ મહા નાયકે ખેડી હશે? તેનું વર્ણન ગુજરાત સમાચારના વાચકોને મારી નવલકથા "અંતિમ યાત્રા" માં પ્રાપ્ત થયું હતું... સપ્ટેમ્બરના પ્રારંભે કોલકાતાના અચાનક પ્રવાસ નિમિત્તે આ બધું પુનરાવલોકન બની રહ્યું!


comments powered by Disqus