બિલ્વપત્રના અભિષેકે ભીંજાયુ છે ગુજરાત

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 08th August 2018 08:06 EDT
 
 

આ દિવસો જ બિલ્વીપત્રના છે શ્રાવણના પ્રભાતે કે સંધ્યાએ મહાદેવને બિલ્વપત્ર ચઢાવવામાં આવે, પત્રમ્ પુષ્પમ્ ફલમ્ તોયમ!

ગુજરાતનો નેહનાતો શ્રાવણ અને ઓગસ્ટ બંનેનો છે, શક્તિનો નાયગરા એટલે ઓગસ્ટ અને પ્રેમભક્તિની પૂણ્યસલિલા શ્રાવણનો સંગ કરે છે.

ગુજરાતમાં દેવાધિદેવ મહાદેવ માત્ર ધાર્મિકતા સાથે સંકળાયેલા નથી, સમાજજીવનનાં પ્રત્યેક પાસાંનો તેનો સંબંધ! પંચમહાલમાં ભીલ વસતિ છે, ભીલ તો વનવગડાનો વાસી પણ એ શિવનો ઉપાસક છે. બિલીનાં ઝાડવાંનો સાથી-સંગાથી. કેટલાક પંડિતોના જણાવ્યા પ્રમાણે તો ભીલ શબ્દનાં મૂળ ‘બિલ્વ’માં છે. દાહોદથી માનગઢ જતાં અંતરિયાળ ગામડે મેં એક લોકકથા પણ સાંભળી હતી.

મેળો હતો, લંગોટિયા ભીલ નર-નારીઓ નાચતા કૂદતા હતા, ને વચ્ચે પાલખીમાં શિવ-પાર્વતી! કોણ કહે છે કે ભીલ સહિતના વનવાસીઓ હિંદુ સંસ્કૃતિનો અંશ નથી? મેં અસમ અને સાતેય પ્રદેશો (મણિપુર, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, મીઝોરમ)માં જે વનવાસી (ટ્રાઈબલ્સ) રહે છે તેમના દેવીદેવતાઓ એક યા બીજા સ્વરૂપે શિવ-પાર્વતી-વિષ્ણુ-રાધા-ગણેશ જ છે. વેરિયર એલવિન જેવા સમાજવિદ્યા પંડિતોએ વિદ્વાન તરીકેનો વેશ ધારણ કરીને આ પ્રજા ભારતીય નથી એવાં ‘સંશોધનો’ કર્યા હતાં તેનાથી જવાહરલાલ પણ પ્રભાવિત થયેલા.

સ્વૈરવિહારી શિવ

શ્રાવણ આ ભીલ - બિલ્વને બરાબર સમજે છે. ગુજરાતમાં મહાદેવના દેવાલયો લગભગ દરેક ગામડે હોય જ. ક્યાંક બિચારા અપૂજ બનીને રહે. પણ તેમાં દુઃખ શું? સ્વૈરવિહારી મહાદેવને કોઈ શણગારની ક્યાં જરૂર? ધતુરાનાં ફૂલને અદભુત ગણે. ગુજરાતે જાળવેલા મોટા મહાદેવ વસે છે સોમનાથમાં. એ માત્ર દેવાલય નહીં, ભારતીય સંસ્કૃતિનો મર્મ છે. વિનાશમાંથી નિર્માણઃ સોમનાથ પરની અસંખ્ય ચડાઈ પછી પણ સિદ્ધરાજ, કુમારપાળ, કર્ણદેવ, અહલ્યાબાઈ, રા’નવઘણ, રાખેંગાર અને ૧૯૪૭માં સરદાર વલ્લભભાઈના વરદ હસ્તે તેનો જિર્ણોદ્વાર થતો રહ્યો. ફિનિક્સ પંખી તો આગની રાખમાંથી બેઠું થાય છે, આ તો સમગ્ર વિનાશ પછી પુનઃ તેનો ધ્વજ ફરકે છે.

સોમનાથના દૃશ્ય-શ્રાવ્ય (લાઈટ એન્ડ સાઉન્ડ) પ્રસ્તુતિની પટકથા લખવાની આવી ત્યારે મને તેની સમગ્રતાનો અંદાજ આવ્યો. કૃષ્ણ, ચંદ્ર, સરસ્વતી, યાઞ્જવલ્ક્ય, માનક, મીરા, સિદ્ધરાજ, ખેંગાર, મીનળ દેવી, વિવેકાનંદ, શંકરાચાર્ય, વલ્લભાચાર્ય... કોણ અહીં નથી આવ્યું? અને શા માટે? બે ધારા અહીં રહી - આક્રમકોની, લૂટારાં, ધર્માંધોની અને બીજી ભક્તો, શ્રદ્ધાળુ, સંસ્કૃતિપ્રેમીઓની. મોહમ્મદ ગઝનવી તો ‘શ્રેષ્ઠ’ હતો એવું જેએનયુનાં ડાબેરી પંડિતા રોમિલા થાપર માને છે અને તેવું લખ્યું પણ છે. સોમનાથની સુરક્ષા માટે પાંચ મુસ્લિમોએ પણ બલિદાન આપ્યાં હતાં, મહંમદ બેગડાના આક્રમણ સમયે. આની ખબર રોમિલા થાર જેવા વિદ્વાનોને હોત તો ‘સેક્યુલરિઝમ’ની માટીની ગાડી લગાવી દીધી હોત!

સૌથી વધુ ‘સેક્યુલર’ દેવ

ખરેખર તો મહાદેવ સૌથી મોટા ‘સેક્યુલર’ છે, ‘સમાજવાદી’ છે. મનુષ્ય જ નહીં, સમગ્ર સૃષ્ટિના દેવ છે. પ્રિય પત્ની પાર્વતીના મૃતદેહને લઈને વિશ્વમાં ઘૂમનારો દેવ કેવો અદભૂત હશે? જ્યાં પાર્વતીના અંગ ધરતી પર પડ્યાં ત્યાં ‘શક્તિ સ્વરૂપે’ વંદિતા! પાકિસ્તાનથી માંડીને આસામમાં કામાખ્યા અને અંબાજી સુધી!

ગુજરાતમાં મહાદેવ પ્રતિષ્ઠા ચારેતરફ છે. દ્વારિકામાં દ્વારિકાધીશની સાથે નગર ત્રિનેત્ર મહાદેવ વિરાજે છે. સમુદ્રની અંદર એક‘ ભડકેશ્વર મહાદેવ’ છે. જામનગરે કાશી વિશ્વનાથને સાચવ્યા છે, એક દેવાલય તો ‘મિત્ર મિલન’ માટે ય જાણીતું! રાજકોટમાં લીમડા ચોકના ચીકી - ચેવડો લઈને પંચનાથ મહાદેવ લોકો અવશ્ય જાય છે. જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજની સામે બાબા ભૂતનાથ બેઠા છે. ગિરનારમાં જટેશ્વર મંદિરે સ્વામી વિવેકાનંદે સાધના કરી હતી. કચ્છમાં છેક છેવાડે કોટેશ્વરનું દેવાલય ખીલજીની નજરે ચઢ્યું એટલે ખંડિત થયેલું.

એમ તો સોમનાથની જેમ ઘેલા સોમનાથ છે, આક્રમણથી શિવલિંગ બચાવવા ઘેલો વણિક, સુલતાનપુત્રી અને બીજા રણે ચડ્યા તે ભૂમિ ‘ઘેલા સોમનાથ’ની મૂળ શિવલિંગ હોવાની માન્યતા છે. માણાવદર નજીક કોડવાવના કોટેશ્વરે ૧૮૫૭ના એક વિપ્લવીને જાળવેલા, એ અવધૂત બાવા જાણીતા રહ્યા. શિહોરમાં ૧૮૫૭ના પૂર્વ વિપ્લવી નાના સાહેબ પેશ્વા સ્વામી દયાનંદ નામે છેલ્લાં વર્ષોમાં રહ્યા અને ૧૮૯૨માં સ્વામી વિવેકાનંદ તેમને મળવા ભાવનગરથી આવ્યા હતાં.

શ્રી અરવિંદ અને નર્મદના દેવ

એક વધુ રસપ્રદ વાત. વડોદરાથી કરનાળી. અરવિંદ ઘોષ અને બારીન્દુ, જતીન્દ્રનાથ જેવા ક્રાંતિકારો ‘રંગનાથ’ ભૂમિ પર મળતા. કાકા કાલેલકર પણ થોડોક સમય ત્યાં રહ્યાં હતાં. ગંગનાથ વિદ્યાલય ક્રાંતિતીર્થ હતું અને શિવોપાસના તેમજ ભવાનીવંદના થતાં અને રાષ્ટ્રદેવતાની ઉપાસના થતી. શ્રી અરવિંદે અહીં ‘ભવાની મંદિર’ પુસ્તિકા લખીને ભારતમાતાની ‘શક્તિ સ્વરુપેણ સંસ્થિતા’ કલ્પના કરી હતી.

નર્મદ અને મહાદેવ?

હા... તેના જય જય ગરવી ગુજરાત ગીતમાં એક પંક્તિ છેઃ

જય જય ગરવી ગુજરાત,

કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ!

આ કુંતેશ્વર દક્ષિણ ગુજરાતના કુંતલ ગામમાં આવ્યું, અને કવિ નર્મદ ત્યાં ગયા ત્યારે આ મહાદેવની નિશ્રામાં ‘જય જય ગરવી ગુજરાત’ ગીત રચ્યું, જે આજે દરેક ગુજરાતની જબાન પર છે.

શ્રાવણના મહાદેવનો ગુજરાતી સત્સંગ અનેક રીતે અદભૂત છે, તમે રમેશભાઈ ઓઝાના કંઠે પુષ્પદંતની શિવ-અર્ચનાની સ્તુતિ સાંભળો તો અનુભવશો કે ચિદાનંદ રૂપમ્, શિવોહમ્, શિવોહમ્... તો આદિ શંકરે વ્યક્ત કરેલો સંસ્કૃતિપ્રાણ છે.

બે ધ્યાનાર્હ કાર્યક્રમો

આ દિવસોમાં કેટલાક સરસ કાર્યક્રમોમાં જવાનું બન્યું. સુરતમાં શ્રી અરવિંદના શ્રેષ્ઠ વિચારના આધાર પર ઓરો યુનિવર્સિટી સ્થપાઈ છે. ‘મેરિયટ’ હોટેલ્સના સર્જક શ્રી રામાનું તે સ્વપ્ન છે. ખ્યાત શિક્ષણવિદ્ (પૂર્વ કુલપતિ, આંબેડકર યુનિવર્સિટી) ડો. અવધેશકુમાર સિંહ તેના કુલપતિ છે. ગુજરાતની બધી યુનિવર્સિટીઓ મેં જોઈ છે. તેમાંથી આ સાવ અનોખી છે. શિસ્તબદ્ધ છાત્રો સાથેના વાર્તાલાપમાં મને જ ઘણુ પ્રાપ્ત થયું!

અમદાવાદમાં છેક કોઈમ્બતુરથી આવેલા વિક્રમા ‘ડાન્સ ઈન્ડિયા’ સામયિક ચલાવે છે. ૧૦ શ્રેષ્ઠ ગુજરાતીઓના સન્માનમાં નવા-જૂના નૃત્યકારો, નાટ્યકર્મી, કલાકારો, સંગીતકારોનો મેળો જામ્યો હતો. ‘ગુજરાત સમાચાર’એ ખ્યાત વિશેષઞ્જ ડો. મોહન કૌલની ગોષ્ઠિ યોજી. આ બધુ અમદાવાદને સાંસ્કૃતિક ‘રળિયાત’ બક્ષે છે, તેમાં ઉપસ્થિત રહેનારાઓ વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો હતા.


comments powered by Disqus