બે સંસ્કાર પુરુષોનું સન્માન કરતો એક અનોખો સમારોહ

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 22nd November 2016 06:37 EST
 
 

ઓગણીસમી નવેમ્બરે અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠના હીરક મહોત્સવ સભાખંડમાં એક સંસ્કાર મેળો યોજાઈ ગયો! સંસ્કાર મેળો એટલા માટે કહ્યો કે તેમાં રાજકારણ, સાહિત્ય, શિક્ષણ અને શાસન - એમ ચારેયની વિચારોત્તેજક ઉપસ્થિતિ હતી અને વિશ્વ ગુજરાતી સમાજે જે બે મહાનુભાવોને ‘ગુજરાત પ્રતિભા એવોર્ડ’ એનાયત કર્યા તે બન્ને પણ પોતપોતાનાં ક્ષેત્રોમાં ચઢિયાતાં વ્યક્તિત્વો!

ડો. સી. એલ. પટેલ કે છોટુભાઈ લલ્લુભાઈ પટેલ. ચારુતર વિદ્યામંડળનું નામ આવતાં જ ભાઇકાકા અને એચ. એમ. પટેલનાં નામોનું સ્મરણ થાય જ થાય. વિદ્યાનગરના વડલે મેં ભાઈકાકાને બેઠેલા જોયા છે અને એચ. એમ. પટેલ સાથે તો અનેક બેઠકો થઈ, પત્રવ્યવહારે ય ચાલ્યો... સી. એલ. તેમના અનુગામી. ૫૦થી ૬૦ જેટલી શિક્ષણ સંસ્થાઓ, ‘નૂતન’ વિદ્યાનગરનું નિર્માણ અને ભૂકંપગ્રસ્ત કચ્છમાં સાત જેટલી શાળાઓ, વિવિધ અભ્યાસક્રમો, વિજ્ઞાન અને તકનિકી ક્ષેત્રે નમૂનારૂપે સંશોધન કેન્દ્ર... આ બધાંમાં સી. એલ.નું એટલું પ્રદાન કે તેમને ‘શિક્ષણ મહર્ષિ’ તરીકે ઓળખવામાં આવે છે. રઘુવીર ચૌધરીએ તેમનો સરસ અંદાજ આપ્યોઃ ‘તેઓ કડક પણ છે, સંસ્થામાં અજૂગતું કશું ચલાવી ન લે અને એવું બને તેને તુરંત કાઢી પણ મૂકે!’

સી. એલ. બોલ્યા ટૂંકું, પણ તેમનો ‘પટેલ’-મૂડ શિક્ષણ સાથે જોડાયેલો જ દેખાયોઃ ‘સરકાર મદદ કરે કે ના કરે અમે તો શિક્ષણ માટેનાં તમામ કામ આગળ ધપાવવાનાં જ. તેને માટે દાન (ડોનેશન)ની ખોટ નહીં પડે!’ એમ તેમણે કહ્યું તેની નોંધ સાથે રઘુવીર ચૌધરીએ કહ્યું કે પટેલ અને જૈન સમાજ શિક્ષણમાં શ્રેષ્ઠ સંપત્તિ રોકી રહ્યો છે, એ ઘણું આવકાર્ય છે.

કુમારપાળ સી. એલ. પટેલની જેમ બીજા ‘ગુજરાત પ્રતિભા એવોર્ડ’ના સન્માનિત મહાનુભાવ હતા. બન્નેએ આ નિમિત્તે પ્રાપ્ત એક-એક લાખ રૂપિયાની રકમ વિશ્વ ગુજરાતી સમાજ અને વિશ્વકોશના વિકાસ અર્થે સાભાર પરત કરી.

કુમારપાળ દેસાઈએ પોતાનાં શાલીન વક્તવ્યમાં પિતા જયભિખ્ખુને સ્મર્યા, જીવનને ‘અગરબત્તી’ બનાવવાની સંકલ્પકથા કહી અને અગોચર સર્વોચ્ચ તત્ત્વના પરમાનંદ તરફની યાત્રાના મુકામ વર્ણવ્યા.

રઘુવીર ચૌધરીએ બન્ને સન્માનિતોને અભિનંદ્યા અને ઉપસ્થિત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને સૂચવ્યું કે શિક્ષણમાં ગુજરાતી ભાષાને અધિક પ્રાધાન્ય આપવાનું કામ અનિવાર્ય છે.

પ્રારંભે વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ કૃષ્ણકાંત વખારિયાએ સમાજની પ્રવૃત્તિનો ચિતાર આપ્યો. બ્રિટનથી આવેલાં એનસીજીઓ મંત્રી કૃષ્ણાબહેન પુજારાને અને તમામ મહાનુભાવોને આવકાર્યો. મંચસ્થ સન્માનિતોનું સમાજના વિવિધ હોદ્દેદારોએ સ્વાગત કર્યું તેમાં સર્વશ્રી હેમરાજ શાહ, સવજીભાઈ વેકરિયા, મોહનભાઈ શાહ, ગોરધનભાઈ પટેલ, અબરાર અલી સૈયદ, ડો. પ્રફુલ્લ ઠાકર, વેજાભાઈ રાવલિયા, અનુજભાઈ પટેલ, જવાહર મહેતા, જૂલી દેસાઈ, બિંદુબહેન ઠક્કર, જય ચોક્સી વગેરે સામેલ થયા.

અભિવાદન વક્તવ્યમાં મેં કહ્યું કે વ્યક્તિ પ્રતિષ્ઠા અને વ્યક્તિ સન્માનનો જ આ અવસર નથી, આ તો ગુજરાતની સાંસ્કૃતિકતાના ઉજાસનો અવસર છે. ગુજરાત પ્રતિભા અને વિશ્વ પ્રતિભા માટે અત્યાર સુધીમાં જેમને એવોર્ડ અપાયા તેઓ સમગ્ર ગુજરાતની સાંસ્કૃતિક પ્રેરણાનું યે નિમિત્ત બન્યા છે અને બનશે.

મેં કહ્યું કે સમાજ એક માહૌલ, એક વાતાવરણ સર્જવા માગે છે. અત્યારે શિક્ષણ કે સાહિત્ય કે સમાજમાં વિવાદ વિક્ષેપ અને વિભાજન પેદાં થયાં છે તેને દૂર કરીને ‘સંવાદિતાનું’ અજવાળું પાથરવું છે. આ એવોર્ડ અમારી તેવી પ્રવૃત્તિનો જ એક ભાગ છે.

અતિથિ વિશેષ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પોતાના દૃઢ સંકલ્પો અને સમાજની ભાગીદારીની ખેવનાનો અસરકારક અંદાજ આપ્યો. તેમણે કહ્યું કે ગુજરાતનો વિકાસ એટલે સરજાતા સાંસ્કૃતિક વાતાવરણનો યે વિકાસ, ગૌરવની સ્થાપના છે. તેમણે કહ્યું કે સમાજે જે બે મહાનુભાવોનું સન્માન કર્યું તે સમગ્ર ગુજરાતનું સન્માન અને ગૌરવ છે. રાજ્ય સરકાર તરફથી હું પણ તે અભિવાદનમાં સામેલ થાઉં છું.

હિરક મહોત્સવ સભાખંડમાં દોઢ કલાક સુધી ચાલેલા કાર્યક્રમનો માહોલ સંસ્કૃતિની ફોરમ સર્જતો હતો. શ્રોતાઓમાં બાબુભાઈ મેઘજી શાહથી માંડીને પૂર્વ મુખ્ય સચિવ પ્રવીણભાઈ લહેરી અને પ્રિન્સિપાલ નિખિલ ચોકસી સુધીના વિવિધ ક્ષેત્રોના અગ્રજો ઉપસ્થિત હતા. આણંદ-વિદ્યાનગરથી સાઠ જેટલા આગેવાનો આવ્યા હતા, તો રાજકોટથી વેજાભાઈ રાવલિયા અને પૂર્વ મંત્રી મનસુખભાઈ જોશી પણ સામેલ હતા. મંચ પર વિદ્યાપીઠના કુલપતિ ડો. અનામિક શાહ અને મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીનાં ધર્મપત્ની અંજલિબહેન પણ હતાં.

અમદાવાદમાં સાંસ્કૃતિક મેઘધનુષ રચે તેવા કાર્યક્રમો થતા રહે છે, તેમાં વિશ્વ ગુજરાતી સમાજના આ કાર્યક્રમે ખરા અર્થમાં ‘સંસ્કાર મેળો’ યોજી આપ્યો. તેમાં એક વધુ ઉમેરો એ પણ રહ્યો કે કુમારપાળ દેસાઈનાં છ જીવનલક્ષી પુસ્તકોનું લોકાર્પણ મુખ્ય પ્રધાનના વરદ હસ્તે થયું અને સમારંભનો પ્રારંભ નર્મદનાં ‘જય જય ગરવી ગુજરાત’થી થયો.

ચૂંટણી વહેલી આવશે?

શું ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી થશે?

કોંગ્રેસના કેટલાંક વર્તુળો એવું માને છે, પણ ‘નોટબંધી’ પછી એવું વિચારતા થયા કે એવું શક્ય નહીં બને. માયાવતીએ તો સીધો પ્રહાર કર્યો છે કે આ ‘નોટબંધી’ ગુજરાતના પોતાના ઉદ્યોગપતિઓ - વેપારીઓ - બિલ્ડરોને બચાવવા માટે ભાજપે કરી છે. કોંગ્રેસે રોજેરોજની કતારોમાં પ્રજાને પડતી મુશ્કેલીઓનો સવાલ ઊઠાવ્યો છે. પણ એક મોટો વર્ગ એવું માને છે કે આ સામાન્ય તકલીફોથી યે જો કાળાં નાણાં ધરાવનારાઓની પ્રવૃત્તિને ખતમ કરી શકાતી હોય તો અમે તૈયાર છીએ.

મીડિયામાં - અઠવાડિયું વીતી ગયા પછી પણ - નોટબંધી અને બેંકો - પોસ્ટ ઓફિસ સમક્ષ લાગતી કતારોના અહેવાલોથી પાનાં ઉભરાય છે. ક્યાંક વળી કતારમાં ઊભા રહીને મોટા પાયે કાળાંને ધોળાં કરવાની કરામત કરનારાઓ પકડાયા. ઇન્કમટેક્સના દરોડા ચાલુ છે અને મોટી આશંકા એ પણ છે કે કેન્દ્ર સરકાર હવાલાની બાબતમાં હજુ વધુ કડક પગલાં લેશે.

પાંચસો-હજારની નોટોને રદ કરી નાખવાથી કાળું નાણું કેટલુંક ખતમ થશે તેવા સવાલો પણ થતા રહ્યા છે. મહત્ત્વની વાત એ પણ છે કે નોટબંધીની જાહેરાત પછી બેંકોનું માળખું અને રિઝર્વ બેન્કનું તંત્ર જેટલું સક્ષમ અને સજ્જ હોવું જોઈતું હતું એટલું નથી દેખાતું, નહીંતર કતારો વધુમાં વધુ એક અઠવાડિયાથી વધુ હોવી જોઈએ નહીં. ખોરવાયેલાં એટીએમ, નવી નોટોની તંગી વગેરે અવરોધો બેંકિંગ વ્યવસ્થાનાં અધૂરાં અમલીકરણની ચાડી ખાય છે. સામાન્ય માણસને તો આ રોજિંદી મુશ્કેલી જ નજર સામે હોય તે સ્વાભાવિક છે.


comments powered by Disqus