ભારતના પ્રથમ પત્રકારનું ‘પીળું પત્રકારત્વ’ અને ઇતિહાસમાં ધરબાયેલું સત્ય

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 24th July 2018 06:02 EDT
 
 

ઈતિહાસને અવળચંડો કહેવાય? કે પછી આપણી માહિતી, સંશોધન અને જ્ઞાનની મર્યાદાને કારણે આવું બને છે? આ સવાલ હમણાં એક પુસ્તક વાંચતા થયો. એન્ડ્ર્યુ ઓટીસના આ ઇતિહાસ સંશોધનમાં આપણા પ્રથમ પત્રકાર વિશેની તમામ માન્યતાઓ બદલાવવી પડે તેવું બન્યું છે.

આપણા પત્રકારત્વમાં, અભ્યાસક્રમમાં અને ભાષણોમાં એક વાત ઘૂંટાતી રહી છે કે ભારતનો પ્રથમ પત્રકાર જેમ્સ ઓગસ્ટસ હિકી પીળું પત્રકારત્વ કરતો હતો, અને છેવટે તેના પર અનેક મુકદ્દમા ચાલ્યા. જેલમાં જવું પડ્યું, નામદાર કોર્ટે ડિપોઝીટ માંગી તે આપી શકવા અસમર્થ હતો, અને કાં તો તેને તડીપાર કરાયો, અને ગુમનામ મૃત્યુ પામ્યો. સાવ ગરીબીમાં છેલ્લા દિવસો ક્યાં વિતાવ્યા તેની કોઈને માહિતી નથી. આ પુસ્તક ‘ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ઇન્ડિયા’સ ફર્સ્ટ ન્યુસપેપર’માં એન્ડ્ર્યુએ ખરા અર્થમાં સંશોધન કર્યું. દેશ અને દુનિયામાં રખડ્યો, દસ્તાવેજો તપાસ્યા. તે સમયના પરિવારોને મળ્યો, અભિલેખાગારો સુધી પહોંચ્યો. ઇતિહાસમાં પીએચ.ડી. કર્યું તે કટિંગ-પેસ્ટિંગ ઇતિહાસથી સાવ અલગ છે અને અત્યારે સામાન્ય રીતે લખાતા મહાનિબંધોથી સાવ અલગ, આધિકારિક અને નવા નિષ્કર્ષ આપે છે.

તેના આ સંશોધન પ્રમાણે બગાવતી મિજાજ ધરાવતા હિકીએ ભારતમાં અખબારી સ્વાતંત્ર્યનો પાયો નાખ્યો. તેને માટે છેક સુધી લડાઈ આપી, બ્રિટીશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને તેના તમામ સુત્રધારોને પડકાર્યા અને છેક બ્રિટનમાં તેનો પડઘો પડ્યો. હિકી વિશેના સંશોધન માટે તેણે કરેલા પુરુષાર્થ અને મથામણની વિગતો જાણવા જેવી છે.

આઠ વર્ષ પહેલા તેણે કોલકાતાની પહેલી વાર મુલાકાત લીધી ત્યારે તેના મનમાં એક જ માન્યતા સ્થાપિત હતી કે અહીં ૨૦૦ વર્ષ બ્રિટીશ આધિપત્ય રહ્યું હતું. વિક્ટોરિયા મેમોરિઅલ તેનું સાક્ષી છે. મહાનગરમાં ચારે તરફ અતીતના ચિહ્નો જોવા મળે. એ સમયે તેને ખબર નહોતી કે પત્રકારત્વના આ અરણ્યમાં મુસાફરી કરવા જિંદગીના છ વર્ષ અહીં ગાળવા પડશે. કોલકાતાથી પાછા ફર્યા બાદ ન્યૂ યોર્કના તેના વિશ્વ વિદ્યાલયના ગ્રંથાલયમાં એક જુનું પુસ્તક હાથમાં આવ્યું, નામ હતુંઃ ‘મેમરી’સ ઓફ વિલિયમ હિકી’. અઢારમી સદીના આ વકીલે છેક ભારતથી આરોપી તરીકે સ્થાપિત કરાયેલા પત્રકાર જેમ્સ ઓગસ્ટસ હિકીનો બચાવ અદાલતમાં કર્યો તેના સંસ્મરણ આ પુસ્તકમાં આલેખ્યા હતાં. બન્ને હિકી, બન્ને કંપની સરકારની સામે મનુષ્યના અધિકાર માટે મેદાને પડેલા પાત્રો!

આ ડાયરી એન્ડ્ર્યુએ વાંચી, ને સંશોધનનો આત્મા પ્રખર બન્યો. આ ડાયરીમાં સ્પષ્ટ પ્રમાણ આપ્યા હતાં કે હિકીએ પત્રકારત્વના માધ્યમથી ભ્રષ્ટાચારનો વિરોધ કર્યો હતો. કોલકાતાનું ચર્ચ તેમાં કેવું કેટલું સામેલ હતું તેના અહેવાલો છાપ્યા હતાં. બ્રિટીશ ભારતીય અખબારોના સંશોધન માટે તેને છાત્રવૃત્તિ મળી. મહિનો લંડનમાં ગાળ્યો. પુસ્તકો ઉથલાવ્યા. સરકારી દસ્તાવેજો શોધ્યા, તેણે નોંધ્યું છે: ‘આ બધું ઉથલાવતા જાણે કે હું ૨૦૦ વર્ષ પહેલાની જિંદગી જીવી રહ્યો હતો!’ તેમાં પણ હિકી તેને માટે સંશોધન માટેનું કેન્દ્ર બની ગયો! તેની સાહસિક અને જોખમી પત્રકારત્વ જિંદગી માટે કોલકાતા જવું હતું. એક વાત તેના દિમાગમાં સ્થાયી થઇ ગઈ કે તત્કાલીન ભારતમાં શાસક અને પ્રજાની વચ્ચે ભારે અંતર હતું, ઉદ્વેગ હતો, ગુલામીનો અભિશાપ હતો. તેને આશ્ચર્ય થયું કે અરે, આ હિકી એકલા ભારતનો જ નહીં, સમગ્ર એશિયાનો પહેલો તંત્રી હતો જેણે મુદ્રિત અખબાર પ્રકાશિત કર્યું હતું.

એન્ડ્ર્યુને મોકો મળી ગયો. ફુલબ્રાઇટ છાત્રવૃત્તિ મળતા તે ભારત આવ્યો અને સંશોધન શરૂ કર્યું. પણ વાત એટલી આસાન ક્યાં હતી? આવીને તે વિક્ટોરિયા મેમોરિઅલ પહોંચ્યો, ત્યાં ૨૦,૦૦૦ પાનામાં તત્કાલીન સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે લખેલા પુસ્તકની મૂળ પ્રત સચવાયેલી પડી હતી તે જોવા મળે તેવી ઈચ્છા વ્યક્ત કરી. ત્યાં જવાબ મળ્યો કે સંસ્થા તેને ડીજીટલ કરવા માગે છે એટલે છ મહિના રાહ જોવી પડશે. દરમિયાન નેશનલ લાઇબ્રેરીમાં તેના થોડાંક જીર્ણશીર્ણ પાનાં મળ્યા. આ પ્રતમાં ન્યાયાધીશે કેટલાક ગુપ્ત સંકેત ચિહ્નો પણ નોંધ્યા હતાં. તેને માટે છેક ન્યૂ જર્સીના નિષ્ણાતની મદદ લીધી, તેમાં રહસ્ય દર્શાવાયું હતું કે આ ન્યાયાધીશે, તેના બીજા સાથી ન્યાયાધીશે ભ્રષ્ટાચાર કર્યો હતો. કોલકાતા અદાલતમાં આ સંશોધક ગયો અને શોધખોળ પછી કેટલાક દસ્તાવેજ માટે વિનંતી કરી, પણ તેને મંજુરી મળી નહિ.

ત્યાં વળી એક વધુ મુસીબત આવી, તેના ભારતમાં રહેવાની મુદત પુરી થઇ અને એક રાજદૂતે આચરેલા વિસા કૌભાંડની તપાસ ચાલુ હતી એટલે આ સંશોધક બિચારો અધૂરું કામ છોડીને પાછા જવું પડે તેવી સ્થિતિમાં મુકાયો. વિક્ટોરિયા મેમોરિઅલના સત્તાવાળા હવે પેલી નોંધ આપવા તૈયાર થયા હતાં એ નિમિત્તે ભારત નિવાસની મુદત વધારવામાં આવી. હાઈ કોર્ટનું નવું મકાન બનવાનું હતું એટલે તોડફોડ અને ખંડિયેર જેવા કોર્ટ રૂમમાં આ સંશોધક ૨૦૦ વર્ષ પહેલાંની અદ્દભુત કહાનીને દસ્તાવેજી આધારે શોધી કાઢવા આખો દિવસ બેસી રહેતો. ત્યાં તેને ખબર પડી કે એક નહીં, છ અભિલેખાગાર કોર્ટમાં છે. કારકુનોના અતડા વર્તનને સહન કરીને ય આ અધ્યાપકે પોતાનું કામ કરવાનું ચાલુ રાખ્યું, પુસ્તકો અને દસ્તાવેજોની કોઈ રીતસરની નોંધ નહોતી અને ગમેત્યાં વેરણછેરણ પડ્યા હતાં. તેવા થોકડામાંથી ધૂળ ખંખેરીને હિકીને શોધવાનો હતો. કેટેલોગ જ નહિ, અને ક્યા દસ્તાવેજ મેળવવા છે તેની નોંધ જોઈએ તો મંજુરી મળે! ક્યાં સુધી ખુલ્લું રહેશે? તો જવાબ મળ્યો કે બપોરે બે સુધી. સંશોધકે મંજુરી માંગી કે મારે તો આખો દિવસ જોઈએ તો વધારાના એક કારકુનને બેસાડવામાં આવ્યો. તે ખુરશી પર બેસીને બગાસા ખાય અને આ એન્ડ્ર્યુ દસ્તાવેજોના પાનાં ઉથલાવે, નોંધ કરે, દેશી ચા પીતાં પણ શીખી ગયો. અહીં તેને હિકીના ગેઝેટ નામે ખ્યાત અખબારની ફાઈલો મળી. જાણે કે સ્વર્ગ પ્રાપ્તિ થઇ!

અદાલતમાં મુકદ્દમાના આગલા દિવસે તેણે પોતાના અખબારમાં તંત્રીલેખ લખ્યો હતો અને જનતાને અખબારી સ્વાતંત્ર્ય માટે મેદાને પડવાનું આહવાન કર્યું હતું. હિકી પહેલેથી પત્રકાર નહોતો, તે એક ડોક્ટર હતો અને બે વર્ષની સજા ભોગવી આવ્યો હતો, પછી તેણે મુદ્રણાલય અને અખબાર પ્રકાશિત કર્યું. અખબારનું પૂરું નામ હતું: HICKY'S BENGAL GAZETTE; OR THE ORIGINAL CALCUTTA GENERAL ADVERTISER. અને પછી તેનો મુદ્રાલેખ: A Weekly Political and Commercial Paper, Open to all Parties, but influenced by None.

હિકીના પત્રકારત્વના મૂળમાં હતું તેનું આયરીશ ખમીર. આ પ્રજાએ બ્રિટીશરો સામે દીર્ઘકાલીન સંઘર્ષ કર્યો. તેના નેતાઓ અને વિચારકોએ ભારતીય ક્રાંતિકારોને પ્રેરણા આપી હતી. હિકી ભારતમાં પત્રકારત્વની પ્રથમ લડાઈ કરે તે પણ એટલી જ સહજ સ્વાભાવિક હતી, આપણા પત્રકારત્વના અત્યાર સુધી ભણાવાયેલા અને લખાયેલા ઇતિહાસથી સાવ અલગ હિકી આ સંશોધક એન્ડ્ર્યુના કારણે પ્રાપ્ત થાય છે. પત્રકારત્વનો ઇતિહાસ મેં પણ લખ્યો છે અને ભણાવ્યો છે એટલે તો થયું કે અરે ઇતિહાસ કેવો અવળચંડો છે! હિકીને હવે નવેસરથી ભણાવવો રહ્યો! (બીજો અને અંતિમ ભાગ આવતા સપ્તાહે)


comments powered by Disqus