ભારતીય બંધારણની અંદર અને બહાર...

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 27th January 2020 06:44 EST
 
 

આજકાલ સંવિધાનની ચર્ચા નહીં, શોરબકોર વધુ ચાલે છે. જેમની ઈચ્છા જ ભાગલા પાડવાની, અસમ-કશ્મીરને અલગ કરવાની, પોતાના બાપદાદા અહીં રાજ કરતા હતા એવી નાદાન કેફિયત કરવાની, જેમણે ગાંધી-સુભાષ-સરદારની ખિલાફ ઝંડા ઊઠાવ્યા હતા તેવા વામપંથીઓની હિકમતને વધારવાની છે, તેઓ જ્યાં હોય ત્યાં - મીડિયામાં, શાહીન બાગમાં, જેએનયુ અને જાદવપુર યુનિવર્સિટીઓમાં, કોલકાતાના ‘રાઈટર્સ બિલ્ડિંગ’માં - વાત તો ‘સંવિધાનને બચાવવાની’ જ કરે છે, પણ લક્ષ્ય કંઈક જૂદું જ છેઃ કહીં પે નિગાહેં, કહીં પે નિશાના!

હમણાં પ્રજાસત્તાક દિવસ ઊજવાઈ ગયો, બડી ધામધૂમથી. ઈતિહાસના ભાષ્યકારોએ નોંધ્યું છે કે ૧૫મી ઓગસ્ટના કરતાં ૨૬મી જાન્યુઆરી પોતાની લાગે છે. કારણ? ૨૬મીએ આપણું પોતાનું ‘સાર્વભૌમ લોકશાહી ભારત’ સ્થાપિત થયું, પોતાના પ્રતિનિધિઓ, પોતાના રાષ્ટ્રપતિ, પોતાના વડા પ્રધાન અને ખુદ પ્રજાનું જ સંવિધાન!

સંવિધાનને માટે એક શબ્દ ‘કોન્સ્ટિટ્યુશન’ છે. બીજો ‘બંધારણ’, અને આ સંવિધાન. કેટકેટલી રાષ્ટ્રીય સ્તરની મથામણ પછી આ બંધારણ રચાયું હતું? છેક ૧૯૪૫માં યોજાયેલી પ્રાંતીય ધારાસભાઓના પ્રતિનિધિઓની ‘બંધારણ સભા’ રચવી. રાજા-રજવાડાં અને બીજા નિષ્ણાતો પણ તેમાં હોય. ૧૧મી બંધારણ સભાએ રાષ્ટ્રપ્રમુખ રાજેન્દ્રપ્રસાદને ચૂંટ્યા અને ૧૩ ડિસેમ્બર ૧૯૪૬ના ભારતીય સ્વતંત્રતા માટેનો ઠરાવ થયો. ૧૯૪૭ની જાન્યુઆરીમાં તે પસાર થયો અને તેમાં ‘સ્વાધીન, સાર્વભૌમ, લોકશાહી ભારત’ની ઘોષણા થઈ. વિશ્વના તખ્તા પર સૌથી મોટી જનસંખ્યા ધરાવતા, અને સૌથી પ્રાચીન સંસ્કૃતિના ધ્વજધારી દેશની સ્વાધીન પ્રતિષ્ઠાનો પ્રારંભ થયો.

સંવિધાન ઘડવાનું ભગીરથ કાર્ય શરૂ થયું તે સમિતિના નામો યાદ કરવા જેવાં છેઃ ડો. ભીમરાવ આંબેડકર, કનૈયાલાલ મા. મુનશી, ટી. ટી. કૃષ્ણાચારી, ગોપાલસ્વામી આયંગર, અલ્લાદી કૃષ્ણાસ્વામી અય્યર, બી. એન. રાવ અને એસ. એન. મુખરજી - મુસદ્દો તૈયાર કરતાં લગભગ છ મહિના લાગ્યા.

નિષ્ણાતોની નજરમાં બે મહત્ત્વની બાબતો હતી. એક તો, લાંબા સમયનો ભારતીય સ્વાતંત્ર્ય માટેનો સંગ્રામ અને બીજી, દુનિયાના દેશોમાં પ્રવર્તતી લોકતંત્રીય પરિસ્થિતિ. બ્રિટન તો ‘માલિક સામ્રાજ્ય’ તરીકે હાજર હતું, તેની પોતાની અ-લિખિત બંધારણની લોકશાહી હતી, અમેરિકાનો માનવાધિકાર હતો, ફ્રાંસની ક્રાંતિએ જન્માવેલી સમાનતા-સ્વતંત્રતા-બંધુતાની મોહિની હતી, કેનેડાનું સમવાય તંત્ર હતું અને ભારતના પૂર્વ ગણરાજ્યો સહિતની ફિલસૂફી આ સઘળા વિચારવિમર્શ પછી ફેબ્રુઆરી ૧૯૪૮માં એક મુસદ્દો પ્રસ્તુત થાય છે.

આવડો મોટો દેશ, આટલી ભૌતિક - આધ્યાત્મિક સંપદા, આટલી વિચારછાવણીઓ... બધાંને કંઈક કહેવું હતું, અને છતાં ઘણાંનું કહેવું બાકી રહી ગયું! વિશદ્ ચર્ચામાં ૭૬૩૫ સુધારા મૂકાયા. આપણા ગુજરાતી વિદ્વાન અર્થશાસ્ત્ર કે. ટી. શાહે પણ કેટલીક મહત્ત્વની બાબતો ચર્ચા કરી. ૨,૪૭૩ સુધારા પર મતદાન કરવું પડ્યું.

છેવટે ૨૬ નવેમ્બર ૧૯૪૯ના ભારતીય બંધારણને આખરી સ્વરૂપ મળ્યું. કેવું દળદાર અને દમદાર? ૩૯૫ કલમ, આઠ પરિશિષ્ટ, પ્રથમ ગ્રંથના થોડાં પાનાં પર ભારતીય સાંસ્કૃતિક વ્યક્તિ-ઘટનાઓનાં ચિત્રો... ચર્ચા અને ચર્ચા. ૨ વર્ષ, ૧૧ મહિના, ૧૮ દિવસના અંતે રચાયેલું આપણું સંવિધાન છે. અને તેમાં જે બાકી રહી ગયું તેના હિસાબ વારતહેવારે થાય છે. ૧૯૪૬ની ૧૯મી ડિસેમ્બરે આપણા હોકી-રમતવીર જયપાલ સિંહ મુંડાએ બંધારણ સભાની બેઠકમાં કહ્યું હતું કે ‘ભારતમાં જેને ‘જંગલી’ કહેવાયા તે આદિવાસી હોવાનું મને ગૌરવ છે, કારણ કે સેંકડો જનજાતિએ વર્ષોથી લોકશાહીને ઉછેરી હતી.’

તેમની વાત સાચી છે. દૂર-સુદૂર નાગાલેન્ડ સહિતના વનવાસીઓની ‘ઘોટુલ’ વ્યવસ્થા તો સામાજિક જાગરણનો પણ અદ્ભૂત પ્રયોગ છે, બીજે પણ આવા નીતિનિયમો છે, જયપાલે કહ્યું હતું કે આ અસંખ્ય જનજાતિઓએ ‘અનસંગ હીરો’ની જેમ સ્વતંત્રતાની લડાઈ કરી હતી. તેનો અવાજ બંધારણમાં હોવો જોઈએ.

૧૯૫૦થી ૨૦૨૦ સુધીમાં સંવિધાન-સંશોધન થતાં રહ્યાં છે. એક વાર ડો. આંબેડકરે કહ્યું હતું કે ગમે તેવું ઉત્તમ બંધારણ હોય તે ખરાબ પ્રતિનિધિઓના હાથમાં આવે તો સાર્થક બનતું નથી. અને બંધારણ બહુ ઉત્તમ ન હોય તો યે ઉત્તમ પ્રતિનિધિઓ દેશને આગળ લઈ જઈ શકે. આનું દેખીતું ઉદાહરણ ૧૯૭૫-૭૬માં ‘બંધારણીય જોગવાઈ’ મુજબ જ લાદવામાં આવેલી આંતરિક કટોકટી છે. વાસ્તવમાં તે ખતરનાક આપખુદીનો પ્રયોગ હતો જેમાં જે.પી. સહિતના ૧,૧૦,૦૦૦ મહાનુભાવોને અનિયતકાળ સુધી જેલમાં રાખવાનો અટકાયતી ધારો લાગુ પાડવામાં આવ્યો અને પ્રિ-સેન્સરશિપ હેઠળ ૩૭,૦૦૦ પ્રકાશનોનું ગળું ટૂંપવામાં આવ્યું. પરદાનશીન (કારણ કે તેની કાર્યવાહી પ્રકાશિત કરવાની મનાઈ હતી) પાર્લામેન્ટમાં એક એવો બંધારણીય સુધારો સૂચવાયો હતો કે કોઈ ‘પ્રતિનિધિ’ ચૂંટાઈને આવે અને વડા પ્રધાન કે બીજા હોદ્દા પર હોય તો તેણે પાછલા વર્ષોમાં કરેલા કોઈ અપરાધ માટે સજા થઈ શકે નહીં! આવું પણ બન્યું છે!

ભારતીય બંધારણની આસપાસ ઘૂમરાઈ રહેલા કાશ્મીરની ૩૭૦મી કલમ કે ત્રણ વાર તલાકના નિયમોનો છેદ ઊડાડવાનું કામ ૨૦૧૯માં થયું તે ૧૯૫૦માં જ થવું જોઈતું નહોતું?

૨૬મી જાન્યુઆરીથી ૧૫ ઓગસ્ટની કહાણી વળી અલગ છે. ભારતનો સ્વતંત્રતા દિવસ જાહેર કરવો એ નક્કી હતું પણ કયો દિવસ? તેમાં લોર્ડ માઉન્ટબેટનનું ‘બ્રિટિશ અભિમાન’ કામ કરી ગયું. બીજા વિશ્વયુદ્ધમાં જાપાન-જર્મનીને પરાસ્ત કર્યાનો દિવસ ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૫નો હતો. તેની દ્વિતીય ઊજવણી ૧૯૪૭ની પંદર ઓગસ્ટે બ્રિટને ઊજવવાની જાહેરાત કરી હતી. ભારતનો આઝાદી દિવસ એ જ હોય તેવો આગ્રહ લોર્ડ માઉન્ટબેટને કર્યો, તેનું બીજું કારણ એ હતું કે ભારતના આસામ-બર્મા મોરચે નેતાજી સુભાષચંદ્રે આઝાદ હિન્દ ફોજ રચી હતી, જાપાન તેની મદદે હતું, બ્રિટિશ સેનાના દાંત ખાટાં કરે તેવો સંઘર્ષ થયો અને આંદામાન-નિકોબાર તો ‘સ્વાધીન ભારત’ના ટાપુ બની ગયા હતા. ઈમ્ફાલના રણમોરચે આઝાદ ફોજે મોયરાંગમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ અપમાનનું વેર વાળવા માઉન્ટબેટને ૧૫ ઓગસ્ટનો દિવસ નક્કી કર્યો અને આપણા તત્કાલીન નેતાઓ માની પણ ગયા!

બંધારણ અને બંધારણની બહાર આવી સ્વદેશાભિમાનની કસોટીઓ પણ થતી રહે છે! શાહીન બાગ, જેએનયુ, જાદવપુર તેના અનિષ્ટ અને કનિષ્ઠ પ્રમાણો છે.


comments powered by Disqus