ભીની માટી, ડહોળું જળ, આ કેવો કૃપાપ્રસાદ મા!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 20th March 2018 07:57 EDT
 

હમણાંથી વળી પાછાં બંગાળ-પૂર્વોત્તર ભારતની સાંસ્કૃતિક સફરનો ભૂતકાળ વર્તમાનમાં પળોટાતો થયો છે. ૨૭ માર્ચે સોરઠના ‘માધુપુરના મેળા’ નીમિત્તે યોજાયેલા સાંસ્કૃતિક નાટ્ય-ઉત્સવમાં ઈશાન ભારત અને ગુજરાતના સ્નેહ સંબંધોને ઊજાગર કરવાનું કામ લિખિત સ્વરૂપે કરી રહ્યો છું.

ઓલે અસમ - વાયા બંગાળનું - કેવું મીઠું સ્મરણ થઈ આવે?

મારું બંગાળ

મારાં મનોગતનું બંગાળ એક અને અખંડ છે. ‘આ પાર બાંગલા, ઓ પાર બાંગલા’ની ઐતિહાસિક ઈમારત ઊભેલો ‘દેશ’ છે. ‘દેશ’ શબ્દનો જે કોઈ અર્થ કરો. એક ભૂરાજકીય રાજનીતિ, એક દીર્ઘ પરંપરા, એક માનસિકતા અને જીવનશૈલી... આ સઘળું બંગાળ નામે છબીમાં અંકિત થયેલું છે. જ્યારે કોઈ વાર બંગાળ વિશે વિચારવાનું થાય કે બંગભૂમિ પર ભ્રમણ થતું હોય અથવા તેના વિશે લખવા-બોલવાનું થાય ત્યારે તેજતર્રાર બાંગ્લાદેશી લેખિક તસલિમા નસરીનની ભાવના-શામ્ય અનુભવું છુંઃ તેની કવિતાને ગણગણું છું.

હિન્દુસ્થાન રદ્દી અખબારનું એકાદ લાવારિસ પાનું તો નહોતું, કે

તેને ફાડીને ટૂકડે ટૂકડા કરી શકાય! સુડતાળીસ વર્ષના શબ્દને

હું રબ્બરથી ભૂંસી નાખવા ઈચ્છું છું, સુડતાળીસની શ્યામવરણી મેશને

સાબુપાણીથી મારે ધોઈ નાખવી છે.

આ કાંટો ભારતવિભાજનનો મારા ગળામાં ખૂંચી રહ્યો છે, તેને

મારે પેટમાં ઉતારી જવો નથી, બહાર ફેંકી દેવો છે.

હિફાજત કરવા ચાહું છું મારી

પરંપરિત અખંડ માટીની.

જેમ ચાહું છું હું મારી બ્રહ્મપુત્રને

એવી જ છે મારી સુવર્ણરેખા

સીતાકુંડ પહાડની જેમ કંચનજંઘા પણ, શ્રીમંગલ અને જલપાઈગુડી

પણ મારાં જ! કર્ઝન કિલ્લો જો મુજ ભૂમિ પર

તો ફોર્ટ વિલિયન શાને પરાયો, વળી?

એકોતેરના યુદ્ધમાં વિજિત

અમ બેઉ કૌમના આદર્શોને

ભલેને લાત મારીને કાઢી મૂકાયા, સુડતાળીસની સામે

કદિ હારશે નહીં તે આદમી!

આ જે ઈચ્છા અને વેદનાનો આકાર કવિતારૂપે બંધાયો છે, ભલે વીસમી સદીના અંત ભાગે, પણ તેનો સંબંધ બંગાળના આત્માની સાથે છે. કોઈ જરજમીનને ય ‘આત્મા’ હોઈ શકે? આ સવાલ જ નકામો છે. તેને ખંખોળવાની, ઝકઝોરવાની તાકાત ગુમાવી દઈએ ત્યારે જ એનો નિરર્થક સવાલ ઊઠે છે.

બંગાળને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે ‘શસ્ય-શ્યામલા’ કહી હતી અને તે જ ‘આનંદમઠ’ નવલકથાની પ્રસ્તાવનામાં દુઃખ અને ગૌરવપૂર્વક એક વાક્ય નોંધ્યું હતું. આ એક એવા હતભાગી દેશની મધુર છતાં કરુણ કહાણી છે. જેવાં સ્વાધીનતાને ચાહવાનો અર્થ થાય છે, શહીદી પ્રાપ્ત કરવી!

હતભાગી દેશ.

મધુર છતાં કરુણ કહાણી -

સ્વાધીનતા અને

શહીદી.

આટલા શબ્દોમાં બંગાળનો ઈતિહાસ અને જનજીવન બંને આવી જાય છે. તેના બે છેડા સર્જાતા રહ્યા છે. પ્લાસીના યુદ્ધમાં સિરાજુદ્દીનનો પરાજ્ય થયો તેના કારણો શા હતા? અમીચંદ કોણ અને કેમ તેણે આવું કુકૃત્ય કર્યું - ગુલામીને નોંતરવાનું? ઈસ્ટ ઈન્ડિયા કંપનીને કોલકાતાની કોઠી કેમ પસંદ પડી? અને રઈસ શાસકોએ - બ્રિટિશરોએ - કોલકાતાને બીજું પાટનગર બનાવવાનું શા માટે પસંદ કર્યું હતું?

અદભૂત તવારિખ

આ એક છેડો છે આપણી લજ્જાસ્પદ પ્રજા જીવનનો અને બીજો તેનાથી સા-વ અંતિમે! આજે જેને આપણે ‘બાંગલાદેશ’ નામે ઓળખીએ છીએ, અને ૧૯૪૭થી જેને ‘પૂર્વ પાકિસ્તાન’ નામ અપાયું હતું, કે લોર્ડ કર્ઝનને ઈસ્ટ-વેસ્ટ બંગાલનો નક્શો રચવાનો મન થઈ આવ્યું હતું તેની એક ઓર તવારિખ પણ છેઃ પીડા અને મહત્ત્વાકાંક્ષાની, રક્તરંજિત યુદ્ધોની, અસ્તિત્વની લડાઈની. નાનકડાં નગર અને ગ્રામ બંગાળનાં ઘરોમાં ચાર દિવારીની વચ્ચે રાત-દિવસની છાયા તળે જીવતાં, આંસુ, ઉદ્વેગ! અને હાસ્યની લકીર દોરતાં પાત્રોથી આ ‘પોલિટિકલ બંગાળ’ સા-વ અલગ અલગ નહોતું. બંગાળની પરિવારિક્તા, ઉપાસના, વેપારવણજ, વહીવટ, શિક્ષણ અને સુધારા - આ બધું એકબીજામાં ભળી જઈને તેનું નિર્માણ થતું રહ્યું છે. તેમાં ‘સેઈ સમય’ના સુધારવાદી પાત્રો છે, સતીપ્રથાની સામે ઝઝૂમતા રાજા રામમોહનરાય છે. બ્રહ્મોસમાજના જુવાનો અને રૂઢિચુસ્ત ધર્મશાસ્ત્રીઓ છે. શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયના સવ્યસાચી, ભારતી અને અ-પૂર્વ છે. રવિન્દ્રનાથ ટાગોરના ‘ઘરે-બાહિરે’નાં પાત્રો છે. ગોરા છે, દેવદાસ છે, રાજલક્ષ્મી છે, શ્રીકાંત છે, ‘આનંદમઠ’નો ઝૂઝાર નાયક છે...

અને, તેણે ઘડ્યા તે મહાનાયકો પણ! અને તે પણ કેવા? ત્યાગની કસોટી પર એકબીજાની સ્પર્ધા કરે તેવા! તેમનું જ્ઞાન, નિષ્ઠા, આદર્શોને મૂર્તિમંત કરવાની અભિપ્સા, સમર્પણ અને તેને કાર્યાન્વિત કરતી પ્રતિભાશક્તિ... બંગભૂમિને નમન કરવા માટે આ મહાનાયકોનું જીવન પણ પૂરતું છે! તેમાં માસ્ટરદા સૂર્યસેન (જેને ફાંસી આપવામાં આવી ત્યારે જેલના દરવાને અશ્રુપ્રેરિત નયને કહ્યું હતું - જુઓ, જુઓ, આજે માસ્ટરદાના માનમાં સૂરજ પણ ઊગ્યો નથી!)થી સુભાષચંદ્ર બોઝ સુધીની દીર્ઘ યાદી છે. લોકશાહી ભારતને પહેલવેલા વિપક્ષી નેતા બંગાળે આપ્યા હતા, તે ડો. શ્યામાપ્રસાદ મુખરજી હતા. દેશનું રાષ્ટ્રીય ગીત રચનારા અને જનજનાર્દનનું રાષ્ટ્રીય ગીત રચનારા બંને બંગ કવિ, રવિન્દ્રનાથ અને બંકિમચંદ્ર!

અગ્નિપથે...

અને, અગ્નિપથેર બંગાળ? સ્વાધીનાતાની સશસ્ત્ર લડાઈમાં હૂતાત્મા થનાર બાર-તેરની વયથી બત્રીસના યુવા ક્રાંતિકારોની દસ્તાવેજી માહિતી આજેય અધૂરી છે. તેમણે ઘરબાર-કુટુંબ ત્યજ્યાં હતાં. ગામેગામ ભટક્યા હતા. હાથમાં બોંબ લીધો હતો. પિસ્તોલ ફોડી હતી. ગીતાપાઠ સાથે ફાંસીને તખ્તે ચઢ્યા હતા, આંખમાં ક્યાંય ભય નહોતો. વિહ્વળતા નહોતી, આંસુ નહોતાં, એ સ્વપ્નિલ તરુણોની અંગારા સરખી જિંદગીએ સ્વતંત્રતાના આકાશનો ઊઘાડ કરાવ્યો હતો.

થોડાક બંગતરુણોના નામ અને કામ પણ આ વાતને સમજવા માટે પૂરતાં છેઃ ફક્કડ ફકીર શા વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય (સરોજિની નાયડુના ભાઈ, જેમની શતાવધાની શક્તિ જાણીતી હતી) રશિયામાં રાષ્ટ્રવાદી અભિપ્રાય માટે મર્યા - શાયદ તેમની હત્યા થયેલી. રાસબિહારી બોઝે લાંબા ગાળાની ગદર ચળવળનો વિદેશોમાં પાયો નાંખ્યો હતો. જાપાનમાં અંતિમ શ્વાસ લીધો ત્યારે બીજો બહાદૂર બંગનેતા સુભાષચંદ્ર આઝાદ હિન્દ ફોજને ત્યાં સંગઠિત કરી રહ્યા હતા. ભૂપેન્દ્રનાથ દત્ત વિવેકાનંદના ભાઈ હતા, વિશ્વભ્રમણ કરીને સ્વાતંત્ર્ય યુદ્ધ ચાલુ રાખ્યું. પ્રિયનાથ આચાર્ય (કાળા પાણી), કન્હાઈ દત્ત (ફાંસી), ગોળીમાં ‘ડોન્ટ ડિસ્ટર્બ મી, લેટ મી ડાય પીસફૂલી’ કહીને શહીદ થનાર નલિનીકાંત બાગચી, ઢાકામાં શહીદીને વરેલ તારિણી, પોતાના આખા કુટુંબને હોમી દેનારા હરિષદ ભટ્ટાચાર્ય, લાહોરથી બોસ્ટન જેલમાં ૬૩ દિવસના અનશન પછી મૃત્યુ પામનાર યતીન્દ્ર દાસ (મેં બ્રિટિશ સામ્રાજ્યને પરાજિત કરવાના કસમ ખાધા છે...), સુકોમળ નામધારી પણ ક્રાંતિની ખરબચડી જમીન પર લોહીથી લથપથ યાત્રા કરનારી સુવર્ણાદી, સુશિલાદીદી, શાંતિ અને સુનિતા, વીણા દાસ, પ્રીતિલતા, કલ્પના દત્ત, પારુલ મુખરજી, સુહાસીની (પુટૂદી), લીલાવતી નાગ, રેણુકા સેન, લીલા કમાલ, અમિત સેન, કલ્યાણી દેવી, કમલા ચેટરજી, સુશીલા દાસગુપ્તા, સુરમા દાસ, ઉષા મુખરજી, સુનીતિ દેવી, ઈન્દુ સુધા ઘોષ, પ્રફુલ્લ નલિની ગુહ, દેલેના બાલ, મમતા મુખર્જી, આશા દાસગુપ્તા, પ્રભા ભદ્ર, શાંતિકલા સેન...

આગવો અંદાજ

એકલો ઈતિહાસ નહીં, બંગાળની પાસે જીવનનો એક આગવો અંદાજ છે. નહિતર સ્વામી વિવેકાનંદ ઉર્ફે નરેન્દ્રનાથ એકલા કંઈ શિકાગોની ધર્મપરિષદમાં નહોતા ગયા. ભારતમાંથી બીજા સંપ્રદાયોના નિષ્ણાતો - ધર્મગુરુઓ - ચિંતકો યે પહોંચ્યા હતા. પણ વિશ્વભરમાં છવાઈ ગયા એકલા તરુણ ‘યોદ્ધાસ્વામી’ વિવેકાનંદ!

સ્વામી વિવેકાનંદનો ગુજરાત સાથેનો અનુબંધ હમણા યાદ કરવાનું નિમિત્ત મળ્યું હતું મહારાષ્ટ્રના સોલાપુરમાં. ‘જ્ઞાન પ્રબોધિની’ના ઉપક્રમે વ્યાખ્યાનમાળા હતી. સોલાપુરના નાગરિકોથી સભાખંડ ભરાઈ ગયો. ‘સ્વામીજી અને સાંપ્રત’ પર બોલતાં મેં જ્યારે સૌરાષ્ટ્રના જેતલસર જંક્શનના સ્ટેશન માસ્તરની વાત કરી ત્યારે શ્રોતાઓને એક નવો મુદ્દો મળ્યો એમ લાગ્યું. આ માસ્તરે જ જુવાન સાધુને કહ્યું હતુંઃ ‘તમે જ્ઞાની છો, વિદ્વાન છો, તેજસ્વી છો. બધું સાચું પણ ભારતવર્ષમાં સ્થાપિત થવું હોય તો પહેલાં જાઓ વિદેશમાં. ત્યાં કોઈ ધર્મપરિષદ યોજાવાની છે. પશ્ચિમની દુનિયાને પ્રભાવિત કરશો તો સમગ્ર દેશ પણ તમને સાંભળશે!’

એવું જ થયું હતું. સ્વામીએ જેતલસરના સ્ટેશનમાસ્તરની વાત ગાંઠે વાળી લીધી અને વિદેશભ્રમણ કર્યું. પછીની વાતથી સૌ પરિચિત છીએ. ગુજરાત સાથેનો બંગાળનો અનુબંધ અનેક રસ્તેથી પહોંચ્યો છે. કવિતા, નાટક, નવલકથા, અધ્યાત્મ, ચિત્રકલા, સુભાષ પહેલવહેલા કોંગ્રેસ સભાપતિ પણ અહીં હરિપુરામાં જ બન્યા હતાને?

આ બંગાળ હવે અધુનાતન રસ્તા પર છે. હવે તેનો એક ભાગ ‘દેશ’ છે ને બીજો ‘પ્રદેશ’ છે પણ હજુ ઘણાના મનમાં ‘બૃહદ’ બંગાળના ઓરતા તો હશે જ. ૮૮.૭૫૨ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા બંગાળની છેલ્લી વસતિ ૬૮,૦૭૭,૯૬૫ નોંધાઈ હતી. તિસ્તા, તોરસા અને જલઢાકા જેવી નદીઓ ગંગાની સમાંતરે રહે છે. ગંગા અર્થાત્ ભાગીરથીની મૈત્રેયી સરિતાઓમાં મયુરાક્ષી છે, દામોદર છે, કાંગસાબાતી અને રૂપનારાયણ પણ ખરા! અને અહીંના નગરો - બાંકુરા, સૂરી, બર્દવાન, કૂચબિહાર, દાર્જિલિંગ, ચિનસુરા, હાવડા, જલપાઈગુડી, માલદા, મિદનાપુર, બહરમપુર, કૃષ્ણગોરે, પુરુલિયા, મેદિનીપુર, બારાસાત, બાલુરઘાટ... હજુ તે બધાં સુધી પહોંચવાની ઈચ્છા એવી ને એવી છે.

કૃપાપ્રસાદ

કોલકાતાને ઘણી બધી રીતે નિહાળવાનું બન્યું છે. (બક્ષીબાબુ, શિવકુમાર જોશી કે મધુ રાય જેટલું જેવું નહી!) પહેલી વાર યાત્રામાં બે વ્યક્તિ વિશેષને (એક સદેહ, બીજા વિદેહ) મળવાની ચાહના હતી, તે સત્યજિત રાયને તેમના નિવાસસ્થાને મળવાનું થયેલું, મર્યાદા પાંચ મિનિટની હતી, થઈ ગઈ પિસ્તાળીસ મિનિટ અને બીજું સુભાષચંદ્ર બોઝનું નિવાસસ્થાન.

તેની વચ્ચે આ ચૌરંઘી કે હાવડા બ્રિજ અને દક્ષિણેશ્વર... આની સાથે જ સ્મરણ છે, તમે બધા કોલકાતાના સૌ ગુજરાતી મિત્રો અને મુરબ્બીઓનું! હુગલીના કાંઠે એક ગીત સાંભળ્યું હતું. તેનાથી લેખ પૂરો કરુંઃ

‘આ તારી ભીની માટી અને આ તારું ડહોળું જળ -

એ ય કેવો કૃપાપ્રસાદ છે, મા!’


comments powered by Disqus