મુદ્દા જ નહીં, મહામુદ્દા પણ હાજર છે!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 25th March 2019 12:04 EDT
 
 

(ચૂંટણી ડાયરી - ૧)

ઈરાદો એવો છે કે આગામી બે મહિના દરમિયાનના ચૂંટણી-પ્રવાહોને ‘ગુજરાત સમાચાર’ના વાચકો સુધી પહોંચાડવા છે.

આ લેખથી તેની શરૂઆત કરીએ. સમગ્ર દેશને ૨૦૧૯માં ‘નવો રાજકીય નકશો’ કેવો મળશે? મતદાર કેટલો તૈયાર છે અને રાજકીય પક્ષોની પાસે કેવી વ્યૂહરચના છે?

એટલું તો મોટું આશ્વાસન છે કે ભારતનું ચૂંટણી પંચ એકદમ સજ્જ છે અને વધુમાં વધુ મતદાન માટેની તમામ સુવિધાઓનું માળખું ઊભું કરી દીધું છે. એટલું જ નહીં, પણ નવા મતદારે કેવી રીતે મતદાન કરવું તેના કાર્યક્રમો પણ આયોજિત કરવા માંડ્યા છે.

બીજી વાત હિંસાચાર વિનાના શાંત મતદાનની છે. એ માટે કંઈ એકલું ચૂંટણી પંચ કે પોલીસ દળ જવાબદાર નથી. જવાબદેહી જાળવવાની છે રાજકીય પક્ષોએ, મતદારોએ. ખાસ કરીને ઝારખંડ, છત્તીસગઢ, કેરળ જેવાં રાજ્યોમાં નકસલવાદ, ઇશાન ભારતમાં ઉગ્રવાદી જૂથો, ઉત્તર પ્રદેશમાં કોમી જૂથો, આંધ્ર-તેલંગણનાં જેહાદી તત્ત્વો અને ટચુકડા પક્ષો દ્વારા ઊહાપોહ. આટલાં પરિબળો ઠેકઠેકાણે અથડામણો કરે તેવો ભય છે. કેટલાક નિરીક્ષકોના મતે માત્ર નાના પક્ષો નહીં, પણ કુંઠાગ્રસ્ત મોટા પક્ષોના ઉમેદવારો પણ આવા કારનામા કરી શકે છે. અસમના એક પત્રકારે હમણાં ફોન પર કહ્યું કે અગાઉ કોંગ્રેસના મોટા નેતાઓએ અહીં ઉશ્કેરણીજનક ભાષણો કર્યાં હતાં તેને લીધે ચૂંટણી દરમિયાન નેલ્લીનાં ભીષણ રમખાણો થયાં હતાં. બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ આવું કરશે? આ સવાલ ચર્ચાઈ રહ્યો છે.

ત્રીજો મુદ્દો મતદાનની ટકાવારીનો છે. જે રીતે રાજકીય પક્ષો મચી પડ્યા છે તે જોતાં મતદાનની ટકાવારી વધશે એ નિશ્ચિત છે, જેટલું મતદાન વધશે એટલું સત્તા માટેની બહુમતી મેળવવામાં આસાની થાય છે અને તેમ થાય તો રાજકીય અસ્થિરતાનો ભય ટળી જાય.

આ રાજકીય સ્થિરતા-અસ્થિરતા, અત્યંત ગંભીર મુદ્દો છે. ૨૦૧૯ની ચૂંટણીમાં પક્ષોના બખડજંતરની ખોટ નથી. તૂટેલા-ફૂટેલા મહાગઠબંધન ઉપરાંત બીજા પક્ષો છે. ગઠબંધનના પક્ષો એકબીજાથી પ્રામાણિક નથી, તેઓનો હેતુ - એકમાત્ર હેતુ - સત્તાપ્રાપ્તિની સફળતાનો છે. એમ થાય તો જ તેનું અસ્તિત્વ ટકી શકે! એટલે બધાંની વચ્ચે એક જ ‘કોમન એજન્ડા’ છે - નરેન્દ્ર મોદી અને ભાજપને હઠાવો, હરાવો! આવું વલણ એકદમ સ્વાભાવિક છે કેમ કે ‘મોદીનું મુમકિન’ હોવું તેમને માટે ‘ભયજનક’ છે. પરંતુ મજબુરી બીજી પણ છે. વડા પ્રધાન પદની લાલસા - આજ સુધીની ચૂંટણીઓમાં હતી તેના કરતાં - ઘણી વધારે છે.

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી (સપા) અને બહુજન સમાજ પાર્ટી (બસપા)ની વચ્ચે બાપે માર્યાં વેર હોવા છતાં હાથ મેળવ્યા. કારણ? જો ઉત્તર પ્રદેશમાં ઠીકઠીક સીટ મળી જાય તો કેન્દ્રમાં કોંગ્રેસ અને બીજા પક્ષો સાથે ‘બાર્ગેનિંગ’ કરીને વડા પ્રધાન પણ બની શકાય. માયાવતીને લાગે છે કે ભારતમાં ‘દલિત વડા પ્રધાન’ની સંભાવના અત્યારે છે, પછી નહીં હોય. બીજી તરફ અખિલેશની પાસે તૂટ્યો-ફૂટ્યો રાજકીય પક્ષ છે. યાદવ વત્તા મુસ્લિમ એવું રાજકારણ રમીને સપાએ ઉત્તર પ્રદેશમાં સત્તા મેળવી હતી, પણ માયાવતી જો દલિત વોટબેંક હસ્તગત રાખે તો? વળી, મુલાયમ સિંહે પુત્ર સાથે લગભગ છેડો ફાડી નાખ્યો છે.

હમણાં મજાની વાત એ થઈ કે ૨૩ માર્ચે ડો. રામમનોહર લોહિયાની જન્મતિથિ હતી. મુલાયમ અને અખિલેશના પક્ષનો આદર્શ લોહિયા છે, પણ લોહિયાને યાદ કઈ રીતે કરવા? ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટરમાં લખ્યું કે લોહિયા જન્મજાત કોંગ્રેસવિરોધી સંઘર્ષશીલ હતા. તેમના આ શિષ્યો કોંગ્રેસની સાથે રહેવા ઇચ્છે છે! યાદ રહે કે છેક ૧૯૬૭માં ડો. રામ મનોહર લોહિયા અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયે સાથે મળીને ‘બિનકોંગ્રેસવાદ’નો ઝંડો ફરકાવ્યો હતો અને પહેલી વાર ઘણાં રાજ્યોમાં સંવિદ (સંયુક્ત વિધાયક દળ)ની સરકારો રચાઈ હતી. ૧૯૫૨ પછી પહેલી વાર કોંગ્રેસના પરાભવનો સંકેત ૧૯૬૭માં મળ્યો. એનડીએ સરકારમાં લોહિયાનિષ્ઠ જ્યોર્જ ફર્નાન્ડિઝ, નીતિશ કુમાર સહિતના નેતાઓ સામેલ થયા એ પૂર્વે ઇમર્જન્સીવિરોધી સંઘર્ષમાં પણ જનસંઘ-સંસોપા સામે રહ્યા હતા.

આજે સ્થિતિ બદલાઈ છે. જેવું ઉત્તરમાં અખિલેશનું તેવું દક્ષિણે તેલુગુ દેશમના ચંદ્રાબાબુ નાયડુનું વલણ છે! યાદ છે, આંધ્ર પ્રદેશમાં રાજીવ ગાંધીએ તેમના પોતાના જ પક્ષના મુખ્ય પ્રધાન રેડ્ડીનું વિમાનમથકે અપમાન કર્યું તેમાંથી ‘આંધ્રની અસ્મિતા’નો નાદ ઊઠ્યો. ‘ઇનાડુ’ અખબારના રામોજી રાવે ઝંડો ઊઠાવ્યો અને આંધ્રને એન. ટી. રામારાવ જેવો કોંગ્રેસને ઉથલાવનારો નેતા - મુખ્ય પ્રધાન મળ્યો! ચંદ્રાબાબુ તેમના જમાઈરાજ છે, પણ અત્યારે તેમને લાગે છે કે જો કોંગ્રેસની સાથે જઈએ તો ‘દક્ષિણમાંથી વડા પ્રધાન’ બનાવવાની વાત આવે તો આપણે ફાવી જઈએ!

‘બંદા ઘી મેં ઝબોલ ઝબોલ કર રોટી ખાયેંગે’ એ વાર્તા જીવરામ જોશીએ પચાસ વર્ષ પહેલાં લખી હતી, તેવા રાજકીય શેખચલ્લીઓ ૨૦૧૯માં પણ જોવા મળે છે.

એક ત્રીજુ પાત્ર પરદા પાછળ થનગને છે તે શરદ પવારનું. ઘણા વર્ષોથી તેઓ વડા પ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા રાખે છે, પણ જનતા પક્ષ કે કોંગ્રેસમાં યારી ફાવી નહીં એટલે છેવટે ‘વિદેશી મહિલા વડા પ્રધાન બની શકે નહીં’ એવા મુદ્દા સાથે શરદ પવારે કોંગ્રેસમાંથી છેડો ફાડીને એનસીપી (નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી) રચી હતી. અત્યારે શરદ પવાર મહારાષ્ટ્ર સહિત અન્યત્ર કોંગ્રેસ સાથે હાથ મેળવવા તત્પર છે, કારણ પેલું જ. ન કરે નારાયણ અને કોંગ્રેસ વત્તા અન્ય પક્ષો સત્તા મેળવવાની નજીક પહોંચી જાય તો વડા પ્રધાન બની શકાય ને? માયાવતીની જેમ તેમણે પણ લોકસભા ચૂંટણી લડવાની ના પાડી છે અને દીકરી સહિતના સગાંવહાલાંઓને આગળ ધર્યાં છે. વડા પ્રધાન બનવા માટે તો પછી પણ પેટા-ચૂંટણીમાં ઊભા રહી શકાયને?

નજરે ચઢતા આ મુદ્દા એકલા નથી, તેની પાછળ બીજા ઘણાની કતાર છે!


comments powered by Disqus