મૌસમ આવી ધમધમાટની, કારણ એક નથી, અનેક છે!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 20th July 2016 08:28 EDT
 
 

હમણાંથી ગુજરાતમાં રાજકીય પરિભ્રમણ નજરે ચડવા લાગ્યાં છે. શ્રીમતી આનંદીબહેન પટેલ અને વિજય રૂપાણી તો લગભગ રોજેરોજ આખા ગુજરાતમાં કાર્યક્રમો કરી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં શંકરસિંહ વાઘેલા પણ પ્રવાસમાં રહે છે. જોકે ભાજપ-કોંગ્રેસના અખિલ ભારતીય નેતાઓ હજુ ગુજરાતને ધમરોળવા તરફ નથી. હા, ‘આપ’ નેતા અરવિંદ કેજરીવાલ સોમનાથ - વાયા રાજકોટ - આવી ગયા. આશુતોષ જેલમાંથી છૂટેલા હાર્દિકને મળવા આવ્યા.

કેજરીવાલ પછીનો અડતાળીસ કલાકનો હાર્દિક-પ્રવાસ સુરતથી શરૂ થયો અને ઉદેપુર જવા સુધીમાં પૂરો થયો. આ દરમિયાન તેમણે પટેલોનાં માતાજી, સિદસર - ખોડલ - સારંગપુરનાં દર્શન કર્યાં. વિરમગામમાં રામ મંદિરે માથું ટેકવ્યું. સુરતમાં દૂરથી જ સરદારને પુષ્પાંજલિ આપી. મા-બાપ-બહેનને મળ્યાં. દીકરાનો પહેલીવારનો જેલ-અનુભવ હતો ને તેય નવ મહિનાનો. જે મુક્તિ મળી છે તે શરતોને અધીન છે. ગુજરાત બહાર રહેવાનું આવ્યું એટલે હાર્દિકની રાજકીય સફર અમદાવાદ ટુ ઉદેપુર, વાયા વીરમગામ થઈ છે. આ અડતાળીસ કલાક દરમિયાન પાટીદાર જનતાની હેલી ચડે એવી યોજના જરૂર કોઈ કાબેલ માણસોએ ગોઠવી આપી હશે. જ્યાં પાટીદાર - પ્રભાવ છે તેવા સુરતથી પ્રવાસ શરૂ થયો.

પાટીદારોનો એક વર્ગ હાર્દિકમાં ‘હીરો’ જુએ છે ને તે સ્વાભાવિક છે. બાવીસની વયનો યુવક માગણીઓનું બળવાન પ્રતિનિધિત્વ કરે એટલે સમાજ તેની તરફ એક યા બીજી રીતે આકર્ષાય છે. મોટા ભાગનાં આંદોલનોમાં માગણી અને લાગણીનાં પૂર આવે છે. તેનાં પાણી રેલાઈ જાય પછી થોડાક સમયમાં શાંત થાય એટલે પરિસ્થિતિ બદલાઈ જાય! જરીક જ પાછળ નજર કરો એટલે અંદાજ આવી જશે કે કેવાં હચમચાવી નાખે તેવાં આંદોલનો થયા પછી તેના નેતાઓનું શું થયું? આંદોલનોએ કેવી કેવી સમજૂતિ કરી? જે નેતાઓને ટકી રહેવું હતું તેમણે કોઈ એક (કે તેથી વધુ) રાજકીય પક્ષોમાં જોડાઈ જવું પડ્યું?

૧૯૫૬માં મહાગુજરાત આંદોલનનો મુખ્ય મોરચા પક્ષ જનતા પરિષદ જ સંકેલાઈ ગયો. ઇન્દુચાચા જેવા મોટા કદના નેતા છેવટનાં વર્ષોમાં ઇન્દિરા કોંગ્રેસમાં ભૂંસાયેલા નેતા બની ગયા. છપ્પનના આંદોલનમાં જ બ્રહ્મકુમાર ભટ્ટ, જયંતિ દલાલ, હરિહર ખંભોળજા, હરિપ્રસાદ વ્યાસ, સનત મહેતા, પ્રબોધ રાવળની બોલબાલા હતીઃ દલાલસાહેબ સિવાયના તમામે કોંગ્રેસ તરફ જવું પસંદ કર્યું હતું! નવનિર્માણ આંદોલનના તે સમયે છાપાંઓમાં ચમકતા-દમકતા નેતાઓ ક્યાં છે? કેટલાક તો તે સમયે ચીમનભાઈ પટેલના કટ્ટર વિરોધી હતા. તેમણે જ તેમના ટેકેદાર બનવાનું પસંદ કર્યું હતું. ૧૯૮૩-૮૫ના અનામત તરફેણ - વિરોધના નેતાઓ તત્કાલીન અખબારોની સુર્ખી પૂરતા મર્યાદિત બની ગયા. હા, કટોકટી અને અયોધ્યા - આંદોલનમાં સામેલ મોટા ભાગના આગેવાનોએ પછીથી રાજકીય વિકાસ સાધ્યો અને મુખ્ય પ્રધાન તેમજ વડા પ્રધાન પણ બન્યા છે.

અત્યારે પાટીદાર અનામત આંદોલનનો હેતુ વ્યાપક નથી. નવનિર્માણ લડત ભ્રષ્ટાચારની સામેની હતી. મહાગુજરાત આંદોલન ગુજરાત રાજ્ય મેળવવાનું હતું. કટોકટીનો સંઘર્ષ પણ મોટા હેતુ સાથે સંકળાયેલો રહ્યો, તે લોકશાહીને બચાવવા માટેનો હતો. અનામત એ આપણી પરંપરાગત સામાજિક નબળાઈ અને ઉપેક્ષામાંથી જન્મેલી જરૂરિયાત હતી. દલિત અને આદિવાસીના આવડા મોટા સમાજને ઉપેક્ષિત કરી શકાય તેમ નહોતું. એટલે તેમના જીવનસ્તરને ઊંચે લાવવા માટે અનામત પ્રથા દાખલ થઈ હતી. પણ પછીના વર્ષોમાં તે રાજકીય ગાજર બની ગઈ!

દલિત - આદિવાસી પછી ઓબીસીનો ઉમેરો કરાયો. હવે તેમાં પાટીદાર કે બ્રાહ્મણ, વણિક જેવી ઉજળિયાત કોમો પણ ભાગીદારી માગે છે! પાટીદાર આંદોલનની નિરર્થકતા ઓબીસીમાં દાખલ થવાની માગણીમાં છે. રાજકીય પક્ષો વોટ બેન્ક સાથે તમામ મુદ્દા જોડી દે છે, અનામતનું યે તેવું થયું છે. જાટ અને ગુર્જર કોમો પ્રમાણમાં આર્થિક રીતે નબળી નથી. પાટીદાર પણ નથી. હા, તેનો એક વર્ગ જરૂર આર્થિક અભાવથી પીડાય છે, પણ તેનો ઉપાય અનામત છે? નથી. બહુજન સુખાયના નામે માયાવતી - કાંશીરામના પક્ષે ઉત્તર પ્રદેશમાં રાજ મેળવ્યું. ગુજરાતમાં ઓબીસી અનામતની જોગવાઈમાં માધવસિંહ સોલંકીએ રાજીનામું આપી દેવું પડ્યું. માંડલ પંચની ભલામણો દાખલ કરવાની જાહેરાત માત્રથી વિશ્વનાથ પ્રતાપસિંહનું રાષ્ટ્રીય સ્તરે શું થયું તે જાણીતી ઘટના છે.

ખરેખર તો નાની પાલખીવાલાથી (ગુજરાતના ન્યાયમૂર્તિ) પારડીવાલા સુધીના બિનપક્ષીય, બિન-જાતિવાદી મોભીઓએ અનામત પ્રથાની જ પુનઃ સમીક્ષા માગી છે તે જ આજની અને ભવિષ્યની પરિસ્થિતિને સુધારવાનો સાચો ઉપાય છે. અનામત મેળવનારાઓ સામાજિક - આર્થિક રીતે ઊંચા આવે પછી તેમણે તે લાભ છોડી દેવો જોઈએ. એવું તો કોઈએ કર્યું નહીં અને અનામત લાભ માટે એક પછી એક જાતિ - સમુદાયો ઉમેરાતા ગયા અને જે ન ઉમેરાયા તેમણે ઉગ્ર આંદોલનો શરૂ કર્યાં!!

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના મૂળ કારણો યુવકોમાં આર્થિક - શૈક્ષણિક સવલતોના અભાવમાંથી પેદા થયેલી અસુરક્ષા છે. પટેલ તો પત્થરમાંથી પાણી કાઢે એવો પરિશ્રમી છે. તેની આ દશા કેમ થઈ? ખરેખર થઈ હોય તો તેવા શિક્ષણ અને તંત્રમાં ફેરફારોનો ગુણાત્મક પ્રયાસ કેમ ના થયો? ખેતીના ભોગે ઉદ્યોગ એ તો ખતરનાક અસંતુલન છે. ખેતી અને ખેતઉદ્યોગને આધુનિક ભલે બનાવવામાં આવે, પણ તેને મનુષ્યની જિંદગીનાં કલ્યાણ સાથે જોડવા પડશે, માત્ર આર્થિક ભૂખ અને લાલસા માટે નહીં. આવા પાયાના પ્રશ્નોના વિચારને આગળ વધારવાનું કામ પાટીદાર અનામત આંદોલન કરી શકે તેમ નથી. એ તો માત્ર સંજોગોનું ફરજંદ છે.

અત્યારે હાર્દિક ઉદયપુરમાં છે. તે ગુર્જરોને મળશે. એક નવનિર્માણ સેના અમુક સ્થાનોએ છે, તેનો વિસ્તાર કરવાનું કહેવાયું છે. કેજરીવાલ ખેલ પાડવા માટે તૈયાર છે, તેને ગુજરાતમાં કંઈક કરી બતાવવું છે. તેનું મૂળ લક્ષ્ય નરેન્દ્ર મોદી છે. પોતાને જ તે મોદીના સમોવડિયા રાજનેતા માને છે. દિલ્હી સરકાર તેનું હુકમનું પાનું છે. પંજાબમાં થોડીઘણી ફતેહ મળે તો ગુજરાતમાં સ્થાપિત થવાનો તેનો પ્રયાસ રહેશે. એકંદરે ૨૦૧૭ની ગુજરાતની ચૂંટણી પર બધાંની નજર છે. મીડિયા અને પક્ષોના કાર્યક્રમો માટે આ ધમધમતી મોસમ બની ગઈ છે!


comments powered by Disqus