રાજકારણ પાછળ રહ્યું, ઉત્સવો આગળ દોડે છે...

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 07th October 2019 07:07 EDT
 
 

ગુજરાતમાં - અને દેશમાં પણ – તહેવારોનું આગમન બાકી બધું ભૂલાવી દે છે, રાજકારણ પણ નીરસ અને એકલું પડી જાય છે. હમણાં બીજી ઓક્ટોબર ગઈ. ગાંધી-જન્મદિવસ શાનદાર રીતે ઊજવાયો. વડા પ્રધાન થોડા કલાક આવ્યા પણ તેમાં તેમણે ત્રણ-ચાર કાર્યક્રમ કર્યા! વિમાનીમથકે કાર્યકર્તાઓનો જમેલો હતો ત્યાં દેશનું વિશ્વમાં કેવું નામ થઈ રહ્યું છે તે વાતો કરી. આશ્રમે જઈને ગાંધી-જીવન નિહાળ્યું. પછી સીધા રિવરફ્રન્ટ જઈને ચાર હજાર સરપંચોને સંબોધન કર્યું, ને છેલ્લે યુનિવર્સિટી મેદાનમાં નવરાત્રિની ભવ્ય આરતી કરી. એક ખ્યાત ગાયકે સ્વચ્છતાનો ગરબો તો ગાયો, પણ જામ્યો નહીં. અધવચ્ચે વડા પ્રધાને મુખ્ય પ્રધાનને સૂચના આપી અને કાફલો નીકળી ગયો. કદાચ, વિમાની સફર મોડી થાય એમ હતું.

આ નવરાત્રિ?

આ દિવસોએ કુદરતે ભારે કસોટી કરી! પહેલા ચારેક દિવસ તો ધોધમાર વરસાદ થયો. ગરબા-ગરબીના મંડપો ધોવાઈ ગયા. ખેલૈયાઓના ચોળી-ચણિયા - ચોરણા - દાંડિયા બિચારા ઘરમાં પડ્યા રહ્યા! પછી પાછો રંગ જામ્યો. ગુજરાતની નવરાત્રિઓમાં હવે પરંપરાગત સૌંદર્ય રહ્યું નથી. મીઠ્ઠા અવાજમાં ગરબા-ગરબી અને લયબદ્ધ રાસ ક્યાંક જ દેખાતા હોય છે. બાકી જાણીતા-અજાણીતા ગાયકો બૂમબરાડા પાડે, દોહાને અણઘડ રીતે દોહરાવે, ઠુમકા તો મારે પણ તે અંગ-કસરતના દાવ જાણે! અને ખેલૈયાનું વર્તુળ, ન લય, ન શિસ્ત... બસ હો-હા અને અવાજો! નવરાત્રિમાં રહેલી ભક્તિ - શક્તિ - સૌંદર્ય માત્ર આરતી કરવામાં આવે ત્યારે થોડું ઘણું દેખાય. બાકી બધું જય હો! એક નવરાત્રિ-ઊજવણીમાં તો કોઈ ખ્યાત ગાયિકા ‘વક્તને કિયા ક્યા સિતમ, હમ રહે ન હમ, તુમ રહે ન તુમ...’ ફિલ્મી ગીતને રાસગીત તરીકે રજૂ કરતી ટીવી ચેનલ પર જોઈ! હોય. સમય બળવાન છે.

સમાજને જૂનામાં રસ ન હોય અને સ્વૈરવિહાર કરવો હોય તો કોણ રોકી શકે? બસ, સમાજ પોતાની પરંપરાની સુંદરતાને ગૂમાવી રહ્યો છે એટલું જ દુઃખ કેટલાકને લાગશે. નવરાત્રિના ગરબા સાથે એક જાહેરાત આવતી હતી તે મને પૂણેના એક મિત્રે મોકલી. તેમાં ‘મોજ માણો નવરાતની...’ કહીને કોન્ડોમની જાહેરાત કરાઈ છે. એ હકીકત વારંવાર બહાર આવે છે કે નવરાત્રિ દરમિયાન યુવક-યુવતીઓનો એક વર્ગ આવી તક મેળવી લે છે. ‘બહેકના હૈ મુમકીન, ભટકને કા ડર હૈ’ તો છેલ્લો મુકામ ભ્રૂણહત્યા તરફ દોરી જાય. છતાં, આપણી પરંપરાનો સાંસ્કૃતિક ચન્દ્ર તો આકાશે ખીલે જ છે!

ચોટીલામાં ચામુંડા છે, પાવાગઢમાં કાલી છે, કચ્છમાં આશાપુરા છે, પોરબંદર પાસે હરસિદ્ધિ છે, ગિરનાર પર અંબાજી છે, પટેલોનું જાતિ-સ્વભાન જાગ્યું છે એટલે ઊંઝા અને ખોડલધામનો દબદબો છે. બહુચરાજીમાં મા બહુચર છે. આનંદ ભટ્ટનો ‘આનંદનો ગરબો’ ભક્તિપૂર્વક ગવાય છે. શિવાનંદ સ્વામીની ‘ભણે શિવાનંદ સ્વામી...’ આરતી તો દરેક ગરબીના પ્રારંભે દીપ-પ્રજવલન સાથે વાતાવરણ સર્જે છે. વનવાસી પ્રજા તેમાં પાછળ નથી. તેની નવરાતના યે ઘણા રંગો છે. ક્વાંટ, દાહોદ-પંચમહાલ, આહવા, વ્યારા અને દૂર ભીલોના ગામોમાં પણ ભક્તિનો સુંદર રંગ આકાર પામે છે.

રામની રાહ જોવાય છે!

બોલો, આમાં રાજકારણને કોણ યાદ કરે? ઓક્ટોબરમાં આ અંક છપાશે ત્યારે વિજયાદસમી ઊજવાઈ ગઈ શે. ભગવાન રામની અયોધ્યામાં પુનઃ પ્રતિષ્ઠા માટે સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોવાઈ રહી છે. ભલું હશે તો કોર્ટ પણ હાથ ઊંચા કરી દે અને સરકાર અને સંસદ પર છોડી દે! તો કેટલાક રાજ્યોની ચૂંટણી દરમિયાન સંસદનો નિર્ણય કે અધ્યાદેશનો વાવટો ફરકશે. જય શ્રી રામ!

વિજય પર્વનો રસ્તો એક દિવસ પૂરતો નથી. ‘શરદ પૂનમની રાતડી, ને ચાંદો ચડ્યો આકાશ, રે આવેલ આશાભર્યાં!’ ડભોઈનો દયારામ યાદ આવે, અને નાનાલાલ કવિનું સ્મરણ થાયઃ ‘ઝીણા ઝરમર વરસે મેહ, હરી આવોને ને...’ હેમુ ગઢવીનો સૂર સંભળાયઃ ‘હું તો સૂતી’તી મારાં શયનભૂવનમાં, સાંભળ્યો મેં મોરલીનો નાદ...’ બોલો, પૂનમ એકલી દૂધ-પૌંઆની મહેફિલમાં બંધાઈ કેમ જાય? થોભો...

આ પછી આવશે દીપોત્સવની પર્વની ઝાકઝમાળ. વચ્ચે રેંટિયા બારસે ગાંધી-સ્મરણ. વિજયાદસમીએ જયપ્રકાશ નારાયણની જન્મજયંતિ. આ દિવસે ૧૯૨૫માં સ્થપાયેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પણ ‘વિજયાદસમી ઉત્સવ.’ ડો. રામ મનોહર લોહિયાનો વિદાય-દિવસ (ચોથી ઓક્ટોબરે જન્મ્યા હતા પંડિત શ્યામજી કૃષ્ણવર્મા અને બીજીએ લાલબહાદુર શાસ્ત્રી!) ૨૩ ઓક્ટોબરે ભારતની બહાર, પહેલવેલી સુવ્યવસ્થિત ‘આઝાદ ભારત સરકાર’ની રંગુનમાં, ૧૯૪૩માં સ્થાપના, જેની બેંક, ચલણ, રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજ, બંધારણ – બધું જ હતું અને રાષ્ટ્ર પ્રમુખ હતા નેતાજી સુભાષચંદ્ર બોઝ... તેમનું રાષ્ટ્રગીત હમણાં પાંચમી ઓક્ટોબરે, અમદાવાદમાં યોજાયેલી છાત્ર-સંસદમાં મેં સંભળાવ્યું. રવીન્દ્રનાથનાં ‘જન ગણ મન..’ પરથી કોઈ અ-જાણ સૈનિકે રચ્યું હતું. ‘શુભ સુખ ચેન કી બરખા બરસે, ભારત ભાગ હૈ જાગા!’ એ તેની પ્રથમ પંક્તિ. બંધારણીય સભાએ તે રાષ્ટ્રગીત પસંદ કરવા જેવું - ભવ્ય અને બલિદાનો તરફ પ્રેરિત – હતું. આ ગીત પર ૧૭ હજાર સૈનિકોનાં રંગુન-મોરચે બલિદાન અપાયાં હતાં!

ખોયા-પાયાનો તહેવાર આવે છે

બારસ પછી ધનની તેરસ આવશે. કાલી ચૌદસને જૈન દર્શન રૂપ ચૌદસ પણ કહે છે. પછી અમાસની અંધારી રાતે, મબલખ દીવડાઓ, આકાશમાં તારલિયા અને ધરતી પર માટીના દીપ! વિક્રમ સંવતનો છેલ્લો દિવસ, છેલ્લી રાત. ચાલો, સરવૈયું કરી લઈએઃ ક્યા ખોયા, ક્યા પાયા... ‘ચોપડા પૂજન’, રંગોળી અને ફટાકડા... બસ, રાહ જુઓ... રોજરોજના દિવસ-વિશેષોના રસ્તે આપણે ત્યાં પહોંચીશું.


comments powered by Disqus