રાજકીય ગુજરાત હવે ચૂંટણીની તૈયારીમાં!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 07th March 2017 11:50 EST
 
 

ગુજરાતી રાજકારણના પ્રવાહો

ગુજરાતમાં અત્યારે વસંત અને ગ્રીષ્મ એકબીજામાં ભળી ગયા હોય તેવું લાગે છે. સાર્વજનિક જીવનમાં કેટલાક ફટાકડા ફૂટતા રહે છે. ડાહ્યો નાગરિક જાણે છે કે ૨૦૧૭ની ચુંટણી પૂર્વેના રિહર્સલ છે. ૨૦૧૨માં નરેન્દ્ર મોદીની સરકારનો દબદબો હતો. કોંગ્રેસને એવું લાગે છે કે મોદી ગયા પછી હવે ગુજરાતમાં ભાજપની નેતાગીરી નબળી પડી છે. ‘આપ’ પક્ષના હાથમાં ચળ ઉપડી છે અને પાટીદારોના જુદા જુદા સંગઠનો એક યા બીજી રીતે પોતાની માંગણી સાથે આગળ વધે છે. તેનું એક જૂથ કેજરીવાલની સાથે જોડાઈને ચુંટણી લડવા માંગે છે, બીજું સ્વતંત્ર નવો પક્ષ સ્થાપીને કોઈની સાથે જોડાણ કરીને લડવાની વ્યૂહરચના કરી રહ્યું છે, પણ ભાજપને માટે એ હાશ છે કે પાટીદારનો ઘણો મોટો વર્ગ હજુ તેની સાથે છે. અને રહેશે. નીતિન પટેલ, પુરુષોત્તમ રૂપાલા, જીતુ વાઘાણી, વિઠલ રાદડિયા, ભીખુભાઈ દલસાણિયા વગેરે નેતાઓ તેને માટે મહેનત કરી રહ્યા છે.

આવી જ રીતે ઠાકોર સમાજને અને કોળી સમુદાયને સાથે રાખવાનું કાર્ય શરૂ થયું. જેમ સંગઠન તે રીતે સરકાર. એક પછી એક વિકાસ કામો અને યોજનાઓની જાહેરાતો કરે છે તે પણ નજરે ચડે છે. કોંગ્રેસે કેટલીક રેલીઓ શરૂ કરી છે અને હવે તો ખુલ્લી રીતે પાટીદારોની અનામતની તરફેણ કરવા માંડી છે. પરંતુ કોંગ્રેસનું શિથિલ અને થાકેલું માળખું તેમજ એક મજબુત પ્રાદેશિક નેતાની જાહેરાત કરવાને બદલે સામુહિક નેતૃત્વનો આગ્રહ એ તેની ભીતરની નબળાઈ સિવાય કશું નથી. હજુ દિલ્હીને ગુજરાતની નેતાગીરી વિષે ખાસ ઉત્સાહ પેદા થતો નથી. કોંગ્રેસના એક મોટા વર્ગની માંગણી શંકરસિંહ વાઘેલાને ભાવિ મુખ્ય પ્રધાન તરીકે પ્રસ્તુત કરવાની છે, પણ એક વર્ગ તેવું ઈચ્છતો નથી,

આ દરમિયાન વિધાનસભાની અંદર અને બહાર જે દૃશ્યો સર્જાયા તે છેક ચુંટણીમાં પસંદગીના પ્રશ્ને વિચારવા ફરજ પાડે તેવી ઘટનાઓ છે. વિધાનસભામાં એક મહિલા પ્રધાન સહિતને મારામારીનો અનુભવ થયો અને બહાર પ્રદીપસિંહ જાડેજા પત્રકારો સાથે વાત કરવા માંગતા હતા ત્યારે એક કર્મચારીએ તેમના પર જૂતું ફેંક્યું. અગાઉ આ જ વ્યક્તિએ નીતિન પટેલ સાથે ફોન પર ખોટી ઓળખ સાથે અસભ્ય વાતો કરી હતી અને કેટલીક એવી માહિતી આપી છે કે તેને ‘આપ’ પક્ષ કે બીજેથી ચુંટણી લડવી છે. જે હોય તે, અત્યારે તો આવું વર્તન કરીને તેણે પોતાની નોકરીથી હાથ ધોઈ નાખ્યા છે.

ગુજરાત વિધાનસભા સામાન્યપણે પોતાની ગરિમા જાળવે છે તેવી પરંપરા છે. ભૂતકાળમાં ૧૯૬૭માં પક્ષાંતર અને કોંગ્રેસ સામે સ્વતંત્ર પક્ષનો પડકારના દિવસો હતા ત્યારે એક વાર અવિશ્વાસની ચર્ચા દરમિયાન વિપક્ષની પાટલી પરથી કોઈ ધારાસભ્યે ગુસ્સામાં પીનકુશન સત્તાપક્ષ તરફ ફેંક્યું. આ ક્ષોભજનક ઘટના વિશે વિધાનસભામાં જ લાંબી ચર્ચા થઇ અને આવું ના બને તે માટે બન્ને પક્ષે ગંભીરતાથી નિર્ણય લીધો. રાજકીય પક્ષો ભલે ‘જીતે તેવા’ ઉમેદવારો પસંદ કરે પણ તેમને સંસદીય લોકશાહી અને ગરિમાની તાલીમ અનિવાર્યપણે આપવાની ઘડી પાકી ગઈ છે.

જય સોમનાથ!

આ અંક તમારા હાથમાં હશે ત્યારે - આઠમી માર્ચે - સોમનાથનાં સાંનિધ્યે એક સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ, પૂર્વ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણી અને પૂર્વ મુખ્ય સચિવ પી. કે. લહેરી એમ પૂર્વ-અપૂર્વનો જમાવડો ભેગો થશે! નરેન્દ્ર મોદી ૨૦૧૪ની ચૂંટણીમાં વડા પ્રધાન બન્યા પછી પહેલી વાર સોમનાથ દાદાનાં દર્શને આવી રહ્યાં છે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલ છે. આ ટ્રસ્ટે સોમનાથને સજાવવામાં ભારે મહેનત લીધી અને પરિણામે સમગ્ર પરિસર ઐતિહાસિક દર્શનીય સ્થાન બની ગયું છે. સોમનાથની ધ્વનિ-પ્રકાશ પ્રસ્તુતિ હવે નવેસરથી નિહાળી શકાશે તેમાં અમિતાભ બચ્ચનનો ‘અવાજ’ ઉમેરાયો છે.

સોમનાથ જેમ ભારતીયોનું આસ્થા-કેન્દ્ર છે તેવું જ ડાબેરીઓ અને ડાબેરી હોવાના ભ્રમમાં રાચનારાઓ માટે ‘ખંડન-કેન્દ્ર’ પણ છે. તમે જેએનયુ પ્રતિષ્ઠિત ‘ઇતિહાસકાર’ રોમિલા થાપરને વાંચો - સાંભળો એટલે આપોઆપ સોમનાથની સાંસ્કૃતિક પરંપરાને બદલે મહમદ ગઝનવીની પ્રતિષ્ઠાનો ઇતિહાસ મળશે. હમણાં રાજીવ મલહોત્રાએ એક સરસ, સંશોધનાત્મક પુસ્તક ‘બ્રેકિંગ ઇન્ડિયા’ લખ્યું તે આંખ ઊઘાડે તેવું છે તેમાં ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિને વિકૃત સ્વરૂપે રજૂ કરનારા નિષ્ણાતો, એનજીઓ, દેશો, સંગઠનોની નામજોગ હરકતો દર્શાવવામાં આવી છે. આનાથી આગળ વધીને ડાબેરી બૌદ્ધિકો તો એવો અભિપ્રાય આપી રહ્યા છે કે હિન્દુ પ્રતિક્રિયાવાદીઓની સામે ‘જંગે’ ચડવાનો સમય આવી ગયો છે. (રોમિલા થાપર અને બીજા કેટલાકની આવી પુસ્તિકા - લેખ છપાયાં છે.) કેરળના માર્કસવાદીઓએ આર.એસ.એસ.ના ૨૩૭ને મોતને ઘાટ ઉતાર્યા. આમાંનો એક શિક્ષક છઠ્ઠા ધોરણમાં બાળકોને ભણાવતો હતો ત્યારે વિદ્યાર્થીઓની નજર સામે મારી નાખવામાં આવ્યો. આવું તો અફઘાનિસ્તાનના તાલીબાનોએ કર્યું હતું!

આનો અર્થ એવો થાય કે છેલ્લો સંઘર્ષ ફરી વાર વિચારધારાના નામે થાય અને તેમાં સોમનાથ વિરુદ્ધ માર્કસવાદી ગઝનવીઓ ભાગ ભજવે! ‘ક્લેશ બિટવિન ટુ સિવિલાઇઝેશન્સ’માં હટિંગ્સને ઇસાઈ વિરુદ્ધ ઇસ્લામના સંઘર્ષની ચેતવણી આપી હતી. સિરિયાની ‘ઇસ્લામિક સ્ટેટ’ની વિનાશક પ્રવૃત્તિની સામે યહુદી - બૌદ્ધ - હિન્દુ - ઇસાઈ અને અરબ રાષ્ટ્રોના કેટલાક પ્રગતિશીલ મુસ્લિમો પણ એકત્રિત થાય તેવાં વૈશ્વિક વાદળાં બંધાતાં જાય છે.


comments powered by Disqus