રાજકીય વ્યૂહરચનાનો બદલાતો નકશો

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 30th March 2016 07:25 EDT
 
 

ગુજરાત અને દેશભરમાં ભાજપ અને કોંગ્રેસ, તેમજ જુદા જુદા પ્રદેશોના પોતાના પક્ષોની રાજકીય વ્યૂહરચના બદલાતી હોય એવું દેખાવા માંડ્યું છે. એમ કરવા સિવાય છૂટકો જ નથી. ૨૦૧૬નું પ્રજાકીય જીવન અનેક રીતે ‘માગણી અને પુરવઠો’ (ડિમાન્ડ એન્ડ સપ્લાય)માં ઉમેરો કરી ચૂક્યું છે.

ગુજરાતમાં હમણાં ભાજપે તેનાં મહાસંમેલનો શરૂ કર્યાં તેમાં કિસાન રેલીઓનો યે સમાવેશ થાય છે. હજુ થોડાંક - વીસેક વર્ષ - પહેલાં સુધી આ સંમેલનો ભારતીય કિસાન સંઘ દ્વારા આયોજિત થતાં. હવે સમય બદલાયો, ખુદ ભાજપ પક્ષ તરીકે તેવાં સંમેલનો યોજે છે. પ્રદેશ ભાજપના નવા પ્રમુખ વિજય રૂપાણી પાસે વિદ્યાર્થીકાળની વિદ્યાર્થી પરિષદની સંગઠનાનો અનુભવ છે. અમદાવાદમાં શરૂઆતમાં તે પાલડી ખાતેના શ્રીલેખા ભવનમાં રહેતા, વિદ્યાર્થી પરિષદના સંગઠનનું ‘પૂર્ણકાલીન’ કામ કરતા અને સાઇકલ પર જુદી જુદી કોલેજોમાં છાત્રોને મળવા જતા. પછી રાજકોટમાંથી રાજકારણમાં પ્રવેશ્યા.

રાજકોટ ભારતીય જનતા પક્ષ અને પૂર્વે ભારતીય જનસંઘનું મુખ્ય મથક ગણાતું. કેશુભાઈ પટેલ, હરીસિંહજી ગોહિલ, ચીમનભાઈ શુકલ, વજુભાઈ વાળા વગેરે શરૂઆતની પેઢીના નેતાઓ. તેમને ટેકો આપનારાં ભારતીય મઝદૂર સંઘ, નાગરિક સહકારી બેન્ક, વિદ્યાર્થી પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ પણ મજબુત. તે સૌની પાછળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પીઠબળ રહેતું. વર્ષો સુધી સંઘના પ્રાંત સંઘ ચાલક રહેલા ડો. પી. વી. દોશી (પપ્પાજી) રાજકોટના નિવાસી હતા. અરવિંદ મણિયાર જેવા મેયર પણ રાજકોટે આપ્યા હતા. હવે વિજય રૂપાણીએ આ નેતૃત્વના અનુગામી તરીકે ‘પેંગડામાં પગ’ નાખ્યો છે. હવે તેમની સંગઠન ટીમ જાહેર થઈ રહી છે. બેશક, તેમાં રાષ્ટ્રીય સ્તરે વડા પ્રધાન અને પ્રમુખનું ‘માર્ગદર્શન’ ન હોય તો જ નવાઈ!

પ્રશ્નો અને પડકારો

ગુજરાત ભાજપની સામે કાંઈ ઓછા પ્રશ્નો નથી. માથાના દુઃખાવા જેવી પાટીદાર અનામતની માગણી છે. માધવસિંહ સોલંકીના જમાનામાં ‘ખામ’ના ઇરાદાની વિરુદ્ધમાં બે વાર અનામત આંદોલનનો હિંસાચાર ગુજરાતે અનુભવ્યો છે. ગયા વર્ષે ઓગસ્ટમાં પટેલોની અનામત માગણીમાંથી એવો ભડકો થશે એવી ભીતિ અને અનુમાન હતા. પાટીદાર નેતૃત્વ કંઈ ૧૯૭૪નાં નવનિર્માણ વિદ્યાર્થી આંદોલન જેવું નહોતું એટલે તેમાં તરેહવારના ભાગલા પડી ગયા છે, તેમને માટે ‘અનામત’ને બદલે ‘ભ્રષ્ટાચાર’નો મુદ્દો પ્રથમ સ્થાને રહ્યો જ નહીં એટલે અને પટેલ સમાજો ભાજપ - કોંગ્રેસ - એનસીપી, કડવા અને લેઉવા એવી છાવણીઓમાં સક્રિય છે એટલે એકમતથી સંઘર્ષ કરી શકે તેવી સ્થિતિમાં નથી.

અજંપાનાં બીજ

પરંતુ એનો અર્થ એવો નથી કે પ્રશ્નો અને પડકારો રહ્યા જ નહીં. એ તો છે જ, અમુક અંશે તેમાં સામાજિક વિભાજનની વિસંગતિ છે. ઓબીસી, દલિત, આદિવાસી - ત્રણ તો અનામતની સુરક્ષા માટે ચિંતિત છે. પાટીદાર ઉમેરાય તો તે ચોથું પરિબળ બનશે, પછી બીજા સમાજો જો તેના બોલકણા નેતાઓને આગળ ધપાવે તો તેમને ય મોકો મળે. દરેક વર્ણ - સંપ્રદાય - જાતિમાં નવી પેઢી છે તેના પ્રશ્નો નોકરીની અસલામતી અને ગુણવત્તાથી વંચિત શિક્ષણનું રાજકારણ - આ બન્ને છે.

યુનિવર્સિટીઓમાં અભ્યાસની ગુણવત્તા સિવાયનું બીજું બધું જ થાય છે. કેટલાકની ચિંતા પ્રમાણે ગુજરાતમાં યે જેએનયુ જેવા ઉત્પાત કેન્દ્રો યુનિવર્સિટીઓમાં પાલનપોષણ મેળવે છે, પણ બિચારા કુલપતિઓને તેની ખબર પણ નથી. ભાવનગર યુનિવર્સિટીના દીક્ષાંત સમારંભમાં રાજ્યપાલે - પોતે વ્યાખ્યાન આપી રહ્યા હતા ત્યારે જ - સામે બેઠેલા શ્રોતાજનો ખુરશી છોડીને ચાલ્યા જતા જોયા, તેની આલોચના પણ કરી.

સાહિત્યમાં પણ...

ક્યાંક કશુંક, બેદરકારી અથવા બીજા કારણોસર કાચું કપાયાનાં ઉદાહરણો બહાર આવતાં થયાં છે. ઉર્દુ સાહિત્ય અકાદમીએ આપેલા ગૌરવ એવોર્ડ વિશે એક ઉર્દુ કવિ-સાહિત્યકારે મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો છે કે આ વખતે જે એવોર્ડઝ અને ઇનામો અપાયા તેમાંના કેટલાકને તો ઉર્દુ લિપિ લખતાં જ નથી આવડતી. બીજા એક ભાઈ મુંબઈ રહે છે અને ગુજરાતમાંથી ઇનામ મળે તે માટે સુરતનું સરનામું આપ્યું. બીજા બે કોંગ્રેસના કોર્પોરેટરો રહી ચૂક્યા છે - તેમનું સાહિત્યક પ્રદાન શૂન્ય છે!

બીજા એક સાહિત્યપ્રેમીએ વડોદરાથી મુખ્ય પ્રધાનને લખેલા પત્રમાં તો તેનાથી યે વધુ ગંભીર આરોપ છે કે ૨૦૧૨-૧૩ના શ્રેષ્ઠ પુસ્તકોના ઇનામોમાં, એક વિભાગનું પ્રથમ ઇનામ એવા સાહિત્યકારને અપાયું છે જેણે ભૂતકાળમાં તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની જાતિ-વિષયક ખરાબ ટિપ્પણી કરી હતી! ઇનામો ભલે નિર્ણાયકો પસંદ કરતા હોય, પણ અકાદમીના પ્રમુખ, મહામાત્ર વગેરે તો હશે ને? તેમને ય આ ખબર નહીં પડી અને આખ્ખું કોળું શાકમાં ગયું એટલે સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાની ઝંડી ફરકાવનારાઓને તો નવો મુદ્દો હાથ લાગી ગયો!

અલ્ટ્રા લેફિટસ્ટોનો ગુજરાત પ્રેમ

ભાજપ સરકાર અને સંગઠને ‘સર્વ ક્ષેત્રે મરમ્મત’ સાથે વળી પાછો ‘રાષ્ટ્રવાદ બનામ અલગાવવાદ’નો મુદ્દો ઉપાડ્યો છે એ જરૂરી છે. ગુજરાતમાં દિલ્હીથી કેટલાક (રોમિલા થાપર જેવા) પ્રખર બૌદ્ધિકોને બોલાવીને તેમનાં ‘વિભાજિત’ મનોદશા ધરાવતાં વ્યાખ્યાનોનું આયોજન કરાતું રહ્યું છે. કેટલાક માનવાધિકારવાદી આયોજકોની વિદેશોમાં પ્રવૃત્તિ ચાલુ છે. યુનિવર્સિટીઓ અને તેના જુદા જુદા વિભાગોમાં યે આવી ગતિવિધિ ચાલે છે, પણ કુલપતિઓ પોતાની ખુરશી સલામત રહે તેની ચિંતામાં હોય ત્યારે આવી નજર કોણ રાખે? તિસ્તા સેતલવાડની ‘મહાન સેવા’ માટેનો બૌદ્ધિકોની સહીથી પ્રસ્તાવ પણ થયો હતો... પણ ભાજપના પ્રચાર વિભાગને તેની ખાસ જાણ નથી.

ગુજરાત કોંગ્રેસની વ્યૂહરચના મોંઘવારી - ભ્રષ્ટાચાર - અનામતના મુદ્દે ભાજપને ભીડવવાની છે. તેવા કાર્યક્રમો યે થઈ રહ્યા છે. શંકરસિંહ વાઘેલા, શક્તિસિંહ ગોહિલ જેવા નેતાઓ સક્રિય છે, પણ પક્ષની હાલત ‘લાંબા સમયથી દેવાળું ફૂંકીને થાકેલી વેપારી પેઢી’ જેવી છે. આનાં મૂળમાં ભૂતકાળમાં ભોગવેલી સત્તાથી થઈ ગયેલી દૂરી છે. બધા પોતપોતાના ‘પોકેટ્સ’ પૂરતા શક્તિશાળી છે, રાજ્યવ્યાપી પ્રભાવનો નવી કાર્યકર્તા પેઢીમાં અભાવ નજરે દેખાય તેવો છે.


comments powered by Disqus