વાદ, વિવાદ, વિતંડાવાદથી ધમધમતું ગુજરાત

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 18th October 2016 08:51 EDT
 
 

ગુજરાતમાં ચર્ચાનું વાતાવરણ જ નથી?

કેટલાકને એવું લાગે છે. કેટલાકને એવું લાગતું નથી. પણ જે રીતે ગુજરાતમાં આજકાલ બૌદ્ધિક વિચારોના કાર્યક્રમો થતા રહ્યા છે તે જોતાં એમ ‘ડિબેટિંગ ઇંડિયા’ માટેનો આશાવાદ વધુ મજબૂત થઈ રહ્યો છે.

હમણાં લોર્ડ ભીખુ પારેખ દર્શક વ્યાખ્યાનમાળામાં આ વિષય પર બોલ્યા. ‘ભારતમાં વાદવિવાદની પ્રણાલિકા’નાં તેમણે સુંદર ઉદાહરણો આપ્યાં. આ સભામાં હું જઈ શક્યો નહોતો, પણ કોઈ મિત્રે ખબર આપ્યા કે સભાખંડ ભરચક હતો. ત્યાં એવી ચિંતા યે વ્યક્ત થઈ કે હવે વાદવિવાદ અને ચર્ચાને બહુ સ્થાન રહ્યું નથી.

વાદવિવાદનો અભાવ છે?

ખરેખર? છેલ્લા થોડાક દિવસોમાં ગુજરાતમાં યોજાયેલા સભા - ગોષ્ઠિ - પરિસંવાદના કાર્યક્રમો પર સરસરી નજર નાખો તો યે આવી આશંકા રહેતી નથી. છાપાંઓમાં - ભલેને અધકચરા પણ - વિવાદ લેખો તો આવે જ છે. તેમાં નરેન્દ્ર મોદીને ય કોરા છોડવામાં આવતા નથી. ‘આપ’, કેજરીવાલ, સર્જિકલ સ્ટ્રાઇક, ઊનાનો હત્યાકાંડ, થાનગઢ-પ્રકરણ, ધર્મપરિવર્તન, ચૂંટણી, ભ્રષ્ટાચાર... કોઈ મુદ્દો બાકી રહેતો નથી. તેઓ મુક્ત રીતે બોલે-લખે છે. કેજરીવાલને તો ‘જંગલરાજ’ ગુજરાતમાં ચાલતું હોય એવું યે લાગ્યું, પણ તેને જો ‘વાદ-અસહિષ્ણુતા’ હોત તો બોલવા દેવાયા ના હોત. હા, દેખાવો જરૂર થાય છે અને એ દેખાવોથી સભા-રેલીમાં બાધા આવવાની શક્યતા લાગે ત્યાં પોલીસ તેની ધરપકડ કરીને બે-પાંચ કલાક પૂરી રાખે છે. આવા ‘દેખાવો’માં ચમકતા ચહેરાઓના ફોટો અખબારોમાં આવે છે અને પછી ‘પોલીસનું ઘોર દમન’ કે ‘માનવાધિકારનો ભંગ’ ગણાવતાં નિવેદનો પણ થાય છે.

ચર્ચિત ગુજરાત

એની સમાંતરે ચર્ચાની લાક્ષણિકતાઓ જુઓ. ગાંધીજીને ‘ઇશ્વરપ્રેરિત’ ભેટ ગણાવતું ભાષણ ગુણવંત શાહે કર્યું. સુરતમાં ખરા અર્થમાં કલાકારોનું સન્માન થયું. સુરેન્દ્રનગર - વઢવાણમાં લોકોની વચ્ચેના અધ્યાત્મને જગાડનારા બાબુ રાણપુરાનો સ્મૃતિગ્રંથ પ્રકાશિત થયો અને મોરારીબાપુ તેમાં સરસ બોલ્યા. મહુવામાં સંસ્કૃતિ અને સંસ્કૃતની ચિંતા કરનારાઓનું સન્માન થયું. જિલ્લા સાપ્તાહિક તરીકે વિકસિત થયેલા ‘સમય’ના તંત્રી ભાનુભાઈ શુકલને બિરદાવતો કાર્યક્રમ થયો. રાજકોટના ‘ફૂલછાબ’એ સમાજમાં ઉત્તમ કામ કરનારાઓનું સન્માન કર્યું. ભાષા મરતી જાય છે એની વિગતો ભાષા-અભ્યાસી ડો. ગણેશ દેવીએ ‘વિશ્વકોશ’ના એક નાના પણ મહત્ત્વના કાર્યક્રમમાં આપી. જૂનાગઢમાં ભક્ત કવિ નરસૈયાના નામે અપાતું માતબર સન્માન જલન માતરીને અપાયું...

વિવાદ જ્યારે વિતંડાવાદ બને...

આ થોડાંક ઉદાહરણો એટલા માટે આપ્યાં કે સાર્વજનિક જીવનમાં ચર્ચા નથી જ નથી અને ગૂંગળામણનો માહોલ પ્રવર્તે છે એવી આશંકાનું ખાસ મહત્ત્વ નથી. લોર્ડ ભીખુ પારેખની એ વાતની સાથે જરૂર સંમત થવાય કે ચર્ચા થાય છે તેને ઉત્તમ વિવાદમાં પળોટવામાં આવતી નથી.

પણ, તેને માટે શું ભાજપા કે નરેન્દ્ર મોદી જવાબદાર છે? આ બે નામો જાણી જોઈને આપ્યા કેમ કે લગભગ બધી ચર્ચાનું નિશાન આ બે તરફ હોય છે અને તેને માટે હરીફરીને ઉદાહરણો અપાય છે - પેલા બે રેશનાલિસ્ટ વિદ્વાનોની હત્યા થઈ (જોકે તે ગુજરાતમાં નથી થઈ.) પેલા સાધ્વી-આચાર્યો કટ્ટરવાદ ફેલાવે છે (તેમાંના કોઈ ગુજરાતી નથી.) અખબારોને એક જ વલણનું જણાવવામાં આવે છે વગેરે વગેરે. પછી તેમાં ઉમેરવામાં આવે કે જેએનયુના વિદ્યાર્થીઓના અભિપ્રાયોની સામે રાષ્ટ્રદ્રોહનો શોરબકોર કરવામાં આવે છે. આ આક્ષેપની વિગતમાં જવાની એટલા માટે જરૂર છે કે જેએનયુ (અને અશોકના નામે ચાલતી) યુનિવર્સિટીઓના કેટલાક (જ) અધ્યાપકો એમ માની બેઠાં છે કે ભારતમાં ડાબેરી ક્રાંતિની મશાલ આપણે સળગાવવાની છે. આમ કરવા માટે તેને કનૈયા જેવા ‘નેતા’ઓ મળી રહે છે.

તેમની ‘ક્રાંતિ’ કેવા તરિકાથી આગળ વધારવામાં આવે છે? દશેરાના દિવસે નરેન્દ્ર મોદી નામે રાક્ષસ - અને તેનાં દસ માથાં એટલે પક્ષમાં બોલનારા કેટલાક-નું પૂતળાં દહન કરવામાં આવ્યું. મહિષાસુરની પૂજા કરવાના અહેવાલો યે બહાર આવ્યા. અહીં ગુજરાતમાં કેટલાંક ‘બૌદ્ધિક’ તરીકે ગણાતાં પરિબળોએ ઉના-કાંડ પછી દલિતોની લડત કરનારા એક યુવા નેતાને જાણે કે ગુજરાત (અને દેશનું) ધરમૂળથી પરિવર્તન કરનારો સમાજિક અગ્રદૂત હોય તેવો ચિતરવામાં આવે છે. આ નેતાએ ‘અન્યાય યાત્રામાં વિના કપડે નગ્ન બનીને દોડવા’નો કાર્યક્રમ જાહેર કર્યો અને પછી ના કર્યો એવું અખબારોમાં હતું...

જેએનયુ સહિત કેટલીક જગ્યાએ આવું વાતાવરણ થઈ રહ્યું છે. ગુજરાતમાં પણ એ પ્રકારના ‘બૌદ્ધિકો’નો એક વર્ગ છે, તે કંઈક બોલે તો તેનો વિરોધ પણ થાય છે. ક્રિયા સામેની આવી પ્રતિક્રિયા માટે બૂમરાણ થાય છે કે જુઓ, જુઓ... અમારા વિચારોની અભિવ્યક્તિને ગૂંગળાવવામાં આવે છે!

આપણી તો પરંપરા છે

ભારતમાં ‘વાદે વાદે જાય તે તત્વબોધઃ’ની પરંપરા છે. અપવાદે થોડીક અસહિષ્ણુતા થઈ પણ હશે, પણ સામાન્યજન વિચારમાંથી જન્મતી વિવિધતામાં માને છે. આદિ શંકરે મંડનમિશ્રા સાથેના શાસ્ત્રાર્થમાં ‘મારો અભિમત તે સમજે અને સ્વીકારે નહીં ત્યાં સુધી ચર્ચા કરીશ’ એમ જ કહ્યું હતું એ પરંપરામાં ‘એકમ્ સત્, વિપ્રા બહુધા વદંતિ’નો નિષ્કર્ષ આવ્યો. આસ્તિક અને નાસ્તિક બન્ને હિન્દુ (કે ભારતીય) સમાજમાં અસ્તિત્વ ધરાવે છે એવી સહિષ્ણુતા બીજા ધર્મમાં છે? ભારતમાં પ્રભાવી લોકતંત્રીય મિજાજ છે એટલો મુસ્લિમ રાષ્ટ્રોમાં છે? અરે, અતિ શ્રેષ્ઠ લોકશાહી દેશ ગણવામાં આવે તે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખોની ચૂંટણીમાં કેવી હલકા સ્તરની ભાષા પ્રયોજાય છે? પાકિસ્તાનમાં વડા પ્રધાન ભુટ્ટોને ફાંસી આપી દેવામાં આવી તેવું ભારતમાં બન્યું છે?

હા, ‘બૌદ્ધિકો’નાં વચનોમાં એવું ક્યાંક છલકાતું રહ્યું છે. ૨૦૦૨માં પ્રખ્યાત નાટ્યકાર (અને મોટા ભાગે પદ્મશ્રી, કેમ કે આજકાલ પદ્મશ્રી પણ ગુજરી બજારમાં મળતી સસ્તી ચીજ બની રહી છે અને અપવાદોને બાદ કરતાં પદ્મશ્રી માટે સન્માનની લાગણી પેદા નથી થતી એટલે મોટા ભાગે) વિજય તેંડુલકરે શું કહ્યું હતું, યાદ છે ને? ‘જો મારી પાસે બંદૂક હોય તો હું મોદીને ઠાર કરી નાખું!’ કોઈ આતંકવાદી બોલે તેવી ભાષા તેંડુલકરે કેમ પ્રયોજી હશે? બેંગલોરના એક ‘સાહિત્ય અકાદમી’ના પ્રમુખે કહેલું કે ‘૨૦૧૪માં જો મોદી જીતી જશે તો હું ભારત છોડીને ચાલ્યો જઈશ’. મોદી તો જીત્યા એટલે તેમના ચાહકોએ આ લેખકને વિદેશ જવા માટેની વિમાની ટિકિટ મોકલી તો બૌદ્ધિકોમાં હાહાકાર વ્યાપી ગયો... અરે, આવી અસહિષ્ણુતા કે તેમને દેશ છોડવાની ફરજ પાડવામાં આવે? અમારા ગુજરાતમાં રહેલા અને આદિવાસીઓની ભાષા વગેરે પર અધ્યયન-સંશોધન કરનારા, વડોદરાના વિદ્વાન (કદાચ તેઓ પણ પદ્મશ્રી હશે? કોણ જાણે!!) એવું બોલ્યા કે હું પડોશના કોઈ ગુજરાતી સાથે વાત નથી કરતો... ૨૦૦૨નાં રમખાણો પછી આવું કંઈક બોલેલા એટલે સાહિત્ય પરિષદે તેજગઢ (તેમના ગ્રામ કેન્દ્રમાં) અધિવેશન યોજવાનું મુલતવી રાખ્યું હતું...

‘ડિબેટિંગ ઇન્ડિયા’

આમાં ન તો વાદ છે, ન વિવાદ છે. ન ચર્ચાનો અંશ છે. કાં તો તમે તેને પૂર્વગ્રહ કહો અથવા અમુકતમુકનો પક્ષપાત કહો અથવા અર્ધદગ્ધતા કહો કે પછી વિતંડાવાદ કહો.

અમર્ત્ય સેને ભારતીયોને ‘દલીલબાજ’ કહેતું એક સરસ પુસ્તક લખ્યું છે. લોર્ડ ભીખુ પારેખે ‘ડિબેટિંગ ઇન્ડિયા’ લખ્યું. (તેમના તરફથી સપ્રેમ ભેટ મળે તેવી રાહ જોઉં છું!) એ પુસ્તક ઓક્સફર્ડ દ્વારા પ્રકાશિત થયું છે, સાહિત્ય પરિષદ કે અકાદમી તેનું ગુજરાતી ભાષાંતર પ્રકાશિત કરે તો જ ગુજરાતનો સામાન્યજન (જે મેઘાણીના શબ્દમાં ‘વાત ડાહ્યો’ છે) અને ‘સાચું સોરઠિયો ભણે’ની પરંપરામાં જીવે છે તેને તેની પોતાની વિચાર ભાષામાં લેખનના મુદ્દા મળી શકે.

એટલું તો સાચું કે ગુજરાતમાં વાદવિવાદની બહોળી શક્યતા છે. વડોદરા - સુરત - રાજકોટ - અમદાવાદ - જૂનાગઢ - જામનગર - ભાવનગરમાં તો ખરી જ, નાનાં નગરોમાં પણ ચર્ચા અને ચિંતન કરનારો વર્ગ અસ્તિત્વ ધરાવે છે તેના પ્રત્યે સામાન્યજનને માન અને આદર પણ છે. યોગાનુયોગ, અમદાવાદમાં ‘વાદ વિવાદની સંભાવના’ વિશે લોર્ડ બોલી રહ્યા હતા તે જ દિવસે જૂનાગઢમાં ગીરનારની છત્રછાયામાં મોરારીબાપુ જેવા સમાજમાન્ય સંત અને લાભશંકર પુરોહિત જેવા વિદ્વદ્જનના હાથે કવિ જલન માતરીને નરસિંહ મહેતા એવોર્ડ અપાયો ત્યારે સરજાતાં સાહિત્યની ચર્ચાનું ઝરણું વહેતું થયું હતું. બીજા દિવસે રૂપાયતન દ્વારા આયોજિત રતુભાઈ અદાણી સ્મૃતિ વ્યાખ્યાનમાળામાં મેં ‘અજાણ્યા અને ઉપેક્ષિત રહી ગયેલા’ સૌરાષ્ટ્રના ઇતિહાસની માંડીને વાત કરી ત્યારે સામેના યુવા-તરુણ-વયસ્ક શ્રોતાઓની આંખોમાં આશ્ચર્ય અને અહોભાવનો ચમકાર હતો અને વાદ-વિવાદમાંથી છેવટે ગુણાત્મક પરિવર્તનનો સંવાદ પેદા થાય તેવી આસ્થાનો માહૌલ હતો!


comments powered by Disqus