વાહ કાશ્મીર, આહ કાશ્મીર... નિષ્ફળ નેતાઓ ફરી વાર મેદાનમાં

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 24th August 2020 12:55 EDT
 
 

કાશ્મીરમાં પ્રજાએ તો રાહતનો શ્વાસ લીધો અને ૩૭૦મી કલમની નાબુદીને વધાવી લીધી. ભ્રષ્ટ અને કાશ્મીરના ભલા માટે નેતૃત્વ કરવાનું નાટક કરી રહેલા પ્રાદેશિક રાજકીય પક્ષો અને નેતાઓથી મુક્તિ મેળવી છે. કોઈને ય હવે આઝાદ કાશ્મીર જોઈતું નથી, આતંકવાદીઓ પાકિસ્તાન પ્રેરિત છે અને યુવાન પેઢીને ગલત રસ્તા પર લઇ જાય છે એવું સમજુ કાશ્મીરી સમજી ગયો છે.

કાશ્મીરના આવા પક્ષોના નેતાઓ અને ફારુક અબ્દુલ્લા તેમજ ઓમર અબ્દુલ્લાને કઈ થશે તો કાશ્મીર ભડકે બળશે એવી ધમકી સુરસુરિયું સાબિત થઇ. અત્યાર સુધી આ નેતાઓ જેલમાં કે નજરબંધ હતા, પ્રશાંત ભૂષણ જેવાં ધરાર માનવાધિકારવાદીઓએ નિવેદનબાજી તો કરી પણ કશું ચાલ્યું નહીં. જે અબ્દુલ્લાના આકા શેખ અબ્દુલ્લાએ કાશ્મીરને પોતાની મિલકત સમજીને ડો. શ્યામા પ્રસાદ મુખર્જીને પ્રવેશ ના આપ્યો અને જેલમાં પુરીને તદ્દન ગલત સારવાર દ્વારા મોતને ઘાટ ઉતાર્યા અને સમય આવતા સ્વતંત્ર કાશ્મીરની પેરવી શરૂ કરી એટલે ‘પરમ સખા’ જવાહરલાલ નેહરુએ જ તેને જેલવાસી બનાવવા પડ્યા.

આ પછીની સરકારોના કાર્યકાળમાં પાંચ લાખ કાશ્મીરીઓને ઝનૂની લોકોએ હિંસા અને ધમકીથી કાઢી મૂક્યા, જે ભારતમાં અમદાવાદથી આબુ અને દિલ્હીથી ચંદીગઢ સુધી આશ્રય મેળવીને રાહ જોતા રહ્યા, હવે તેમની ઘર વાપસીના દરવાજા ખુલી રહ્યા છે ત્યારે પ્રજાને એક નવો તમાશો જોવા મળ્યો.

ફૂટી ગયેલા ફટાકડા જેવાં આ પક્ષોએ ભેગા થઈને ફરી વાર કાશ્મીરમાં ૩૭૦મી કલમ લાગુ પાડવા માટે ‘લડી લઈશું...’ એવી શેખી મારી છે. શેખ અને શેખીને તો એક બીજાની સાથે સંબંધ હોય જ, અહીં તો બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના જેવો પણ ઘાટ છે! ‘અબ્દુલ્લા બાપ - બેટેને કશ્મીર કો ખિલૌના સમજ રખા હૈ, કોઈ ઉન્હેં પૂછતાં ભી નહીં... ફિર ભી કાશ્મીરી અવામ કે નામ પર સિયાસત શુરુ કર દી હૈ...’ આ વિધાન એક કાશ્મીરી મહિલાનું છે તે રાજકીય વાસ્તવિકતાની તદ્દન નજીક છે.

આ અબ્દુલ્લાઓ અને બીજાં લોકપ્રિયતા વિનાના પક્ષો ભેગા થયા, એક ખરીતો બહાર પાડ્યો અને પ્રજાના નામે ભ્રમ ફેલાવ્યો છે કે કાશ્મીરમાં કોઈ ખુશ નથી, આ વાતનો સીધો સંબંધ અલગાવ અને આતંક સાથે જોડાયેલા હિંસાખોર જેહાદીઓનો છે.

ધીરે ધીરે સેના અને સામાન્ય પ્રજાએ સાથે મળીને આવા કાશ્મીર દ્રોહી તત્વોને નિષ્ફળ બનાવ્યા છે, રોજેરોજ પાક.-પ્રેરિત આતંકવાદીઓનો સફાયો થવા માંડ્યો છે, ત્યારે આ એકત્રિત રાજકીય પક્ષો અને તેના નેતાઓના નિર્ણયથી સૌથી વધુ ખુશ આતંકવાદીઓ છે, પાકિસ્તાન તો રાજી થાય જ.

અને સૌથી મહત્વની બાબત તો એ છે કે આ આતંકવાદીઓ અને અલગાવવાદીઓ જુદા જુદા સંગઠનનું પાટિયું લગાવીને બેઠા છે, પણ બધાનો ઈરાદો ભારતથી કાશ્મીરને આઝાદ કરવાનો અને તેને પાકિસ્તાન સાથે જોડવાનો છે, તેને માટે તેઓ મઝહબનો આશરો લઈને કાશ્મીરમાં ‘ઇસ્લામિક સ્ટેટ’ બનાવવા ઈચ્છે છે. જે કામ વિશ્વના તખ્તા પર આઈએસઆઈએસ કરી રહ્યું છે તે જ કામ કાશ્મીરમાં આ જેહાદીઓ કરી રહ્યા છે.

૧૯૯૦માં આ કાશ્મીરમાં ૬૩ ઉગ્રવાદી સંગઠનો સક્રિય હતાં, જેકેએલએફ (જમ્મુ એન્ડ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ) તેમાં મુખ્ય હતું, બીજું હિઝ્બી ઇસ્લામી, ત્રીજું અન્સરુલ ઇસ્લામ, ચોથું પીપલ્સ લીગ... હવે આ સંગઠનોના નામ જુઓ, નામથી જ ખબર પડી જાય છે કે તેઓ કેવો ઈરાદો રાખતા હશે?

(૧) જેએન્ડકે લિબરેશન ફ્રન્ટ (૨) હિઝબુલ મુઝાહિદીન (૩) ઇસ્લામિક જમિયત તુલ્બા (૪) દુખ્નામ-એ-મિલ્લત (૫) અલ-બદર (૬) ઓપેરેશન બાલાકોટ (૭) ઝિયા ટાઇગર્સ (૮) કાશ્મીર ફ્રિડમ આર્મી ગેરીલા કમાન્ડો (૯) સ્ટુડન્ટ્સ લિબરેશન ફ્રન્ટ (૧૦) અલ ખોમેની (૧૧) હિઝ્બી ઇસ્લામી (૧૨) હિઝબુલ્લા (૧૩) કાશ્મીર ફ્રિડમ મુવમેન્ટ (૧૬) કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (૧૭) પીપલ્સ લીગ (૧૮) ઇસ્લામિક સ્ટુડન્ટ લીગ (૧૯) અલ-મહેમુદી મુઝાહિદીન (૨૦) ઇન્કલાબી કાઉન્સિલ (૨૧) જેએન્ડકે મુહાઝી આઝાદી (૨૨) વિક્ટરી કમાન્ડો ફોર્સ (૨૩) ઇસ્લામિક જમ્હુરિયત કાશ્મીર (૨૪) એએન્ડકે ઇન્કલાબી ફ્રન્ટ (૨૫) કાશ્મીરી સ્ટુડન્ટ ફોર્સ (૨૬) પીપલ્સ લિબરેશન (૨૭) તેહરિક-એ-જેહાદ (૨૮) ઓલ જેએન્ડકે સોલ્જર્સ ફિલ્ડ ફ્રન્ટ (૨૯) હિઝબ-ઉલ્લાહ-ઇસ્લામિક જમ્હૂરિયા જેએન્ડકે (૩૦) ઇખ્વાન-ઉલ-મુસલમાન (૩૨) કાશ્મીર લિબરેશન ટાઈગર (૩૩) પીપલ્સ ફ્રન્ટ (૩૪) હીજ્ર-ઉલ-જેહાદી (૩૫) નેશનલ મુસ્લિમ યુનાઇટેડ ફ્રન્ટ (૩૬) અલ હમઝાહ (૩૭) અનસર-ઉલ-ઇસ્લામ (૩૮) તેહરિક-એ-આઝાદી (૩૯) જિન્હા લિબરેશન ટાઈગર (૪૧) કાશ્મીરી ફ્રિડમ - કેએલએફ વિંગ (૪૨) કેવીસી (૪૩) તી.એફ. (૪૪) અલ કરબલા ગ્રુપ

 આમાંના કેટલાં, કેવું અસ્તિત્વ ધરાવે છે એ સવાલ છે પણ સાથે આ સવાલ પણ છે કે જે નેતાઓએ આવા અલગતાવાદના સાપને ઉછેર્યો છે તેઓ હવે કાશ્મીરની પ્રજાના નામે ધુણવા લાગ્યા છે!


comments powered by Disqus