વીત્યું સપ્તાહ કવિતા અને પત્રકારત્વનું...

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 20th March 2017 07:50 EDT
 
તારક મહેતા અને ચીનુ મોદી
 

ગઝલની મહેફિલમાંથી ચીનુ મોદીની વિદાય

પહેલાં તારક મહેતા અને પછી ચીનુ મોદી. ગુજરાતી સાહિત્યમાં હાસ્ય, નાટક, કવિતા અને નવલકથા - એમ વિવિધ સ્વરૂપે ઝળકતા આ બે સિતારા હમણાં ગુજરાતી વાચકે ખોયા. બન્ને છેલ્લા દિવસોમાં ખાસ્સા બીમાર તો હતા જ, પણ એક સાહિત્યકારની વિદાય અહીંનાં સાંસ્કૃતિક જગતમાં આઘાતજનક નિવડતી આવી છે. કેટલાકે તો એવો અફસોસ વ્યક્ત કર્યો છે કે બીજા તારક મહેતા અને ચીનુ મોદી ક્યાં શોધવા?

તારક હાસ્ય સમ્રાટ હતા. તેના ‘ઉલટા ચશ્મા’એ પુસ્તકો, સામયિક અને પછી ટીવી માધ્યમોમાં જબરજસ્ત હલચલ મચાવી. એકલા ગુજરાતીઓમાં નહીં, હિન્દી ભાષામાં પણ તે લોકપ્રિય સિરિયલ બની રહી. તેના પાત્રો ટપુડો અને દયાભાભી ઘરેઘરમાં હોઠ પર રહેતાં થયાં. તારક મહેતાને માટે તેમની જિંદગીનાં પાછલાં વર્ષોમાં આ સિદ્ધિ-પ્રસિદ્ધિ મળી અને રાષ્ટ્રપતિએ ‘પદ્મશ્રી’ના સન્માનથી નવાજિત કર્યા હતા.

ગુજરાતી સાહિત્યમાં ‘લોકપ્રિયતા’ ધરાવનારા લેખકોની એક અલગ છાવણી રહી છે. રમણલાલ વસંતરાય દેસાઈ, કનૈયાલાલ મુનશી, અશ્વિની ભટ્ટ, શેખાદમ આબુવાલા, ગુણવંતરાય આચાર્ય અને ઝવેરચંદ મેઘાણી એવાં નામો છે કે જેમણે સાહિત્યપંડિતો દ્વારા અવગણના સહન કરીને ય લોકપ્રિયતા હાંસલ કરી હતી. તારક મહેતા - શેખાદમ આબુવાલા - અશ્વિની ભટ્ટને એ રીતે કામ કરતા જોવાની મને તક મળી હતી.

ચીનુ મોદી એટલે ગઝલકારઃ આવું એક પ્રચલિત વલણ છે ખરું, પણ તેમણે ગઝલને એક ચોક્કસ માળખામાં કઈ રીતે વિકસિત કરાય તેનો વિધિવત્ પ્રયાસ કર્યો અને શિખવાડ્યો તેના તરફ બહુ ઓછાની નજર પડી છે. ગઝલ એ જાણે કે તદ્દન સહજ-સરળ પ્રકાર હોય તેમ તેનો ફાલ વધી પડ્યો. આકાશ, પંખી, મિલન, વિરહ અને વસંત જેવા શબ્દોની ભરમારથી ગઝલને અસલી-નકલી ઘરેણા પહેરેલી શેઠાણી બનાવવાનું કામ, ધાણીફૂટ ગઝલકારો કરતા રહ્યા તેનો રોષ અને દુઃખ ચીનુ મોદીને હતું.

‘ચાંદની’નો હું સંપાદક હતો ત્યારે અમૃત ઘાયલ અને ચીનુ મોદી અમદાવાદના મીરઝાપુરમાં આવેલા જનસત્તા કાર્યાલયમાં એક વાર આવી ચડ્યા અને તેમાં અમારા ‘રંગતરંગ’ના સંપાદક-ગઝલકાર રતિલાલ જોગી ભળ્યા. તે ત્રિપુટીનો આગ્રહ એવો હતો કે ગઝલના નિશ્ચિત શાસ્ત્રનો અભ્યાસ કરીને તે લખાવી જોઈએ. ‘ચાંદની’માં ઘાયલ સાહેબે તે વિશેની લેખમાળા શરૂ કરવાનો નિર્ણય લીધો અને એ લેખમાળા છપાઈ પણ હતી. ચીનુ મોદી તેનાથી રાજી થયા અને કહ્યું કે આ લેખો પરિષદ-અકાદમીનાં સામયિકોને બદલે ‘ચાંદની’ જેવા લોકપ્રિય વાર્તામાસિકમાં છપાયા એનો વધુ લાભ થશે.

કવિ ચીનુ મોદીએ નવલકથાઓ પણ લખી. ‘પહેલા વરસાદનો છાંટો’ અમે જનસત્તામાં છાપી હતી. તેમણે પત્રકારત્વ અને પ્રચાર માધ્યમોનું કામ લાંબા સમય સુધી કર્યું. બળવાખોર કવિઓની બોલબાલા થઈ તેમાં લાભશંકર - આદિલ મન્સુરી - ચીનુ મોદી મુખ્ય હતા. ચીનુ મોદી જતાં ‘આકંઠ સાબરમતી’ના સૂત્રધારોમાં છેલ્લાની વિદાય થઈ ગઈ. બહુ ઓછા લોકોને જાણ હશે કે ચીનુ મોદી ધોળકામાં નગરશેઠના દીકરા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની (આરએસએસ) શાખામાં જતા - અમે મળતા ત્યારે આ બધી વાતો પણ થતી. હું તેમને સીએમ (ચીનુ મોદી) કહું એટલે ખડખડાટ હસતાં જણાવે કે એક સીએમ કવિતામાં બીજો રાજકારણમાં, બન્ને મોદી!!

અમારી છેલ્લી વાત દુર્ભાગ્યે રૂબરૂ ન થઈ, ફોન પર તેમણે છવીસમી જાન્યુઆરીએ કહ્યું કે કોઈ પણ પ્રકારના પ્રાપ્તિ-પ્રપંચને નજરમાં રાખ્યા સિવાય, કેન્દ્ર સરકારે અને રાષ્ટ્ર પ્રમુખે આ વખતે પદ્મશ્રી સન્માન માટેની પસંદગી કરી છે. તમે તેના ઘણાં વર્ષથી અધિકારી હતા, પણ કશા પ્રયાસો કરવાની તમારી આદત નહીં એ હું જાણું છું!

એકવીસમી સદીનું પત્રકારત્વઃ કઈ દિશા?

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને પત્રકારત્વ વિભાગે ગયા સપ્તાહે ૧૯મી માર્ચે, એક વિચારોત્તેજક વિષય પર ‘ઓપન હાઉસ’નું આયોજન કર્યું તેમાં પત્રકારત્વ વિભાગમાં ભણી ચૂકેલા અને તંત્રી, સંવાદદાતા, એન્કર, ફોટોગ્રાફર, અધ્યાપક જેવાં સ્થાનોએ પહોંચેલા તમામને બોલાવ્યા હતા. વિષય હતો - એકવીસમી સદીમાં મુદ્રિત માધ્યમો સામેનો પડકાર.

આ મુદ્દે ઘણી સારી ચર્ચા થઈ. ઇલેક્ટ્રોનિક મીડિયાનાં ધસમસતાં પૂર વચ્ચે પ્રિન્ટ મીડિયાનું અસ્તિત્વ કેવુંક અને ક્યાં સુધી રહેશે તે સવાલ અને તેના વિવિધ જવાબો આ ચર્ચામાં આવ્યા. ૨૩૭ વર્ષ પૂર્વે ‘હીકીના ગેઝેટ’ નામે જેમ્સ ઓગસ્ટ્સ હીકીએ શરૂ કરેલા અખબારથી ભારતમાં પત્રકારત્વનો પ્રારંભ થયો હતો. આટલાં વર્ષોમાં દેશે-વિદેશે ભારતીય ભાષાનાં પત્રકારત્વે અનેક શિખરો સર કર્યાં, મોટા ગજાના પ્રતિબદ્ધ પત્રકારો આપ્યા. દાદાભાઈ નવરોજી, ગાંધીજી, રામાનંદ ચેટરજી, રાજા રામમોહનરાય, ગણેશશંકર વિદ્યાર્થી, શ્યામજી કૃષ્ણવર્મા, લાલા લાજપતરાય, બિપીનચંદ્ર પાલ, લોકમાન્ય તિલક, નર્મદાશંકર દવે, કરસનદાસ મૂળજી, અલારખિયા શિવજી, રણછોડદાસ લોટવાળા, એ. ડી. ગોરવાલા, ફ્રેન્ક મોરાઇઝ, અરુણ શૌરી, શામ લાલ, સુબ્રહ્મણ્યમ્ ભારતી... આ કેટલાંક ઝળકતાં નામો છે.

એકલાં ગુજરાતી પત્રકારોની વાત કરીઠએ તો ઝવેરચંદ મેઘાણી, અમૃતલાલ શેઠ, ગુણવંતરાય આચાર્ય, રવિશંકર મહેતા, ઇન્દુલાલ યાજ્ઞિક અને સ્વાતંત્ર્યજંગના શિરમોર જેવા ગાંધીજીનું પત્રકારત્વ અણનમ અને અડીખમ હતું. આ ચર્ચામાં જ્યારે મેં ફાંસીના તખતે ચડેલા એકમાત્ર ગુજરાતી પત્રકાર - છગન ખેરાજ વર્મા ઉર્ફે ખેમરાજ દામજી ઉર્ફે હુસેન રહીમ-ની વાત કરી ત્યારે યુવા છાત્રોની આંખોમાં અલગ પ્રકારનો સ્વાભિમાનનો ઝબકાર હતો.

કેનેડાની ગદર ચળવળ સાથે છગન ખેરાજ વર્મા જોડાયેલો હતો. મૂળ પોરબંદરનો રહેવાસી અને ૧૯૧૪માં સાન ફ્રાન્સિસ્કોથી ગુજરાતી ‘ગદર’ પ્રકાશિત કર્યું હતું. કમનસીબે ન પોરબંદરમાં કે ન કેનેડામાં કોઈ ગુજરાતી નાગરિકને તેની જાણ છે, ન સ્મૃતિસ્થાન છે!

એકવીસમી સદીમાં ‘નિષ્ઠાવાન’, ‘સમર્પિત’, ‘બહોળું જ્ઞાન’ ધરાવનાર અને ‘સત્યને સમર્પિત’ પત્રકારોની જરૂરત છે એમ મંચ પરથી એક વક્તાએ જણાવ્યું. બીજો અભિપ્રાય એવો રહ્યો કે લોકશાહીમાં પત્રકારે સરકારની સામે રહેવું જોઈએ. ‘ડીસેન્ટ ઓપિનિયન’નો આગ્રહ રાખવો જોઈએ. એવું કહેવાયું કે સરકાર પત્રકારોને ખરીદે છે એટલે સત્ય દબાઈ જાય છે.

‘પદ્મશ્રી’ સન્માન પ્રાપ્ત કરવા માટે યુનિવર્સિટીના કુલપતિએ મારું અભિવાદન કર્યું અને પત્રકારત્વ વિભાગ તેમાં ઉત્સાહપૂર્વક સામેલ હતો. મેં કહ્યું કે પશ્ચિમી લોકશાહીનું અંધાનુકરણ કરીને તમામ બાબતોનો વિરોધ જ કર્યા કરવો એ જરૂરી નથી. જરૂરત પડે સાર્વજનિક જીવનમાં - સરકારો પણ - જો મહત્ત્વના નિર્ણયો લે તો તેને ખુલ્લી રીતે સ્વીકારવા જોઈએ, આવકારવા જોઈએ. પક્ષો કે શાસન પ્રત્યે પત્રકારનું વલણ ‘મૈત્રીપૂર્વકની આલોચના’નું હોવું જોઈએ. સામી છાવણીના દુશ્મન તરીકે નહીં. સમગ્ર સમાજના વિકાસને અનુલક્ષીને, મિત્ર બનીને ય સલાહસૂચન આપી શકાય.

મેં એક ઉદાહરણ આપ્યું કે હમણાં એક રાષ્ટ્રીય સ્તરના પત્રકારે એવી ટીકા કરી નાખી કે વડા પ્રધાનની રેલીમાં યુનિવર્સિટીના કુલપતિ પણ સામેલ થયા હતા! ખરેખર એવું નહોતું. કોઈક ભળતી વ્યક્તિ તેમાં સામેલ હતી! પૂર્વગ્રહ પર આધારિત પત્રકારત્વને દેશવટો આપવાનો - કે વાચક વર્ગ દ્વારા અપાવવાનો - સમય પાકી ગયો છે, જરૂરત પડ્યે પત્રકારની કલમ અગ્નિજ્વાળા સર્જી શકે છે.

પત્રકારત્વમાં અર્ધશતાબ્દિની સફરનો નિષ્કર્ષ દર્શાવતાં મેં કહ્યું કે મારે મન શબ્દ એ ભીડમાં ઘસાતો જતો પ્રચલિત શબ્દ નથી, તે ‘અગ્નિદિવ્ય’ છે. અને એકવીસમી સદીમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા એકબીજાના દુશ્મન માનવાને બદલે ‘બેરૂબંધ’ બનીને પૂરક બનશે તો નવું પત્રકારત્વ નિર્માણ પામશે.


comments powered by Disqus