વેદ વ્યાસના પિતા ઋષિ પરાશર વાત્રક નદીના કિનારે...?

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 17th February 2016 09:54 EST
 
 

વેદ વ્યાસનું નામ તો ક્યારેક આપણે ભાગવત-પારાયણમાં યે સાંભળ્યું હશે, પણ પરાશર મુનિનું?

અમદાવાદથી મહેમદાવાદ જતાં કેટલાંક આધુનિક દેવાલયો જોવા મળે છે. પાવાપુરીની કઠીન યાત્રા ના કરી હોય તો રાસ્કા ગામના રસ્તે એવી જ દેવાલય-નગરી ખડી કરવામાં આવી છે. મહેમદાવાદ પહોંચતાં સિદ્ધિ વિનાયક મંદિરના દૂરથી જ દર્શન થાય. વિશાળકાય ગણપતિને સાક્ષાત્ કરાવતું આ એકથી વધુ માળનું દેવાલય અને આસપાસ આનંદમેળા જેવો માહોલ - એટલે લોકો અહીં ઊમટે છે.

મહેમદાવાદમાં યે મહાકાલ સહિતનાં છ-સાત મંદિરો છે, બધાં પ્રાચીન મહિમા ધરાવે છે. એક ભમ્મરિયો કૂવો તેની દંતકથા સાથે અસ્તિત્વ જાળવી રહ્યો છે. પણ મહેમદાવાદ પહોંચતા પહેલાં નેનપુર આવે. જરીક સ્મૃતિ ખંખોળશો તો મહાગુજરાત આંદોલન હોઠે ચડશે. આખ્ખી જિંદગી - મઝદૂર, કિસાન, આદિવાસી, પત્રકારત્વ, પરદેશવાસ, ફિલ્મનિર્માણ, નવલકથા લેખનના પડાવો પાર કરીને ઇન્દુલાલ યાજ્ઞિક નૈનપુર આવીને વસી ગયા હતા. વંચિતો-દલિતોનો આશ્રમ તેમનું નિવાસસ્થાન.

૧૯૪૭ પછીના ધસમસતાં રાજકારણમાં ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક લગભગ ભૂંસાઈ ગયા હતા. એ જ પરિસ્થિતિ આજે ય છે. અહીં આશ્રમ શાળામાં ઇન્દુલાલનો જ્ઞાનવારસો ધનવંત ઓઝાએ જાળવી રાખ્યો હતો. ધનવંતભાઈ જૂના સામ્યવાદી બિરાદર. ઇન્દુચાચાની આત્મકથાનો છેલ્લો ભાગ તેમણે પૂરો કર્યો. ‘જનસત્તા’માં કોલમ લખતા. પુસ્તક પ્રેમી એટલે ૧૯૮૨ની આસપાસના સમયમાં, નાનકડી થેલી લઈને આવે, ‘જનસત્તા’, ‘ચાંદની’, ‘રંગતરંગ’ સંભાળવાનું બન્યું હતું એટલે મારી પાસે નવાં પુસ્તકો આવ્યાં હોય તે લઈ જાય અને તે વિશે લખે પણ ખરા.

નૈનપુરમાં ઇન્દુલાલ - ધનવંત ઓઝાને યાદ કરનારી કોઈ યુવા પેઢી રહી નથી. સનત મહેતાએ તેમની આત્મકથાના બધા ભાગ પુનમુદ્રિત કરીને સંતોષનો શ્વાસ લીધો હતો, તે કહેતા હતા એક વારઃ ‘એમની આત્મકથા વાંચ્યા પછી મેં મારી આત્મકથા લખવાનો વિચાર માંડી વાળ્યો છે!’

એક ગામ હલધરવાસ

નૈનપુરથી દસેક કિલોમીટર અંતરિયાળ એક ગામ છે હલધરવાસ. સરસવણી, ભરકંડા, છિપીયાલ, અડબોલી, હાથનોલી, ટીંબલી, પથાવત... આ પણ આસપાસનાં ગામડાં. હરિયાળા રસ્તે હલધરવાસ પહોંચો ત્યાંથી થોડેક દૂર વાત્રકના કાંઠે પરાશર મહાદેવનું મંદિર છે, વાત્રકના બીજા છેડે ભૃગુ ઋષિનું દેવાલય. આ વેદકાલીન ઋષિવરો તત્કાલીન સમાજના આર્ષદૃષ્ટા હતા. સાંસ્કૃતિક પરંપરા જાળવવા તેઓ તપસ્યા કરતા અને આશ્રમો બાંધતા. નગર-મહાનગરોથી દૂર કોઈ નદી કિનારો, પર્વતની તળેટી કે અરણ્યમાં તેવા આશ્રમો તે સમયની મહાવિદ્યાલયોની ભૂમિ બની જતાં. શ્રીકૃષ્ણ, અર્જુન કે એકલવ્ય આવા આશ્રમોમાં જ જીવન ઘડતર પામ્યા હતા.

મહાભારતકાર વેદ વ્યાસના પિતા અહીં સ્થાયી થયા હતા એ ઘટના પોતે જ પ્રાચીન ગુજરાતનો ભવ્ય અહેસાસ કરાવે છે. તેની કથા કંઈ ઓછી રસપ્રદ નથી. ‘માછીમારના સંતાન’ તરીકેનો સામાજિક બોજ ઊઠાવનાર કૃષ્ણ દ્વૈપાયન વ્યાસે લાંબા સમયથી જે વેદ ઋચાઓ વિખરાયેલી પડી હતી અને જનસામાન્યનાં દિમાગ પરથી ભૂંસાઈ જવાના આરે હતી ત્યારે આ કૃષ્ણ દ્વૈપાયને તેને એકઠી કરવાનું મહા-કાર્ય કર્યું. તેના પિતા પરાશર અને પિતામહ મહર્ષિ વશિષ્ઠ.

આકાશમાં આજેય એક તારક સપ્તર્ષિમાં ચમકે છે તે વશિષ્ઠ સૌથી પ્રથમ વેદનું શ્રવણ કરનારા ઋષિ હતા. વેદ વ્યાસે વેદોનું વર્ગીકરણ કર્યું અને પછી વિચાર આવ્યો કે જનસામાન્યને રસ પડશે મહાગાથાથી. એટલે શ્રીગણેશને ‘લેખક’ બનાવ્યા. નામ આપ્યું - ‘જય’. તેના ૬૦ ભાગ હતા, તેમાંથી એક જ ભાગ વ્યાસ-શિષ્ય વૈશંપાયન દ્વારા મનુષ્ય સમાજ સુધી પહોંચ્યો. પ્રાપ્ત ૧૮ ભાગ વિશે સામાન્ય લોકમાન્યતા એવી છે કે મહાભારત પૂરેપૂરું વાંચવું નહીં!!

એકલાં કુરુક્ષેત્રના યુદ્ધમાં જ ન જાણે માણસનાં કેટલાં બધા રુપ-કુરુપનો અંદાજ મળે છે, એટલે એવું કહેવાયું હશે. તેના ૧૮ ભાગમાં પહેલો પાંડવ-કૌરવોની શત્રુવટનો છે. બીજા ત્રણમાં ભીષણ યુદ્ધ છે, પછીના છમાં યુદ્ધનું વર્ણન અને બાકીના આઠ ભાગમાં યુદ્ધનાં ભાવાત્મક, ભૌતિક, આધ્યાત્મિક પરિણામોનું આલેખન છે.

કેવી ભવ્ય કથા!

‘એક દીપ સે જલે દુસરા’ એ મહાભારતનો પ્રત્યક્ષ પાઠ છે. કોઈ એકે તે બીજાને સંભળાવી, બીજાએ ત્રીજાને. આ ક્રમ લાંબો ચાલ્યો હતો. વ્યાસે શ્રીગણેશ, જૈમિની, વૈશંપાયન અને શુકને મહાભારત સંભળાવ્યું હતું. વૈશંપાયને એ દોર આગળ ચલાવીને જન્મેજય અને રોમહર્ષણાને કહી. રોમહર્ષણા (જુઓ નારીપાત્ર પણ ઓછું પ્રદાન કરનારું રહ્યું નથી!) ઉગ્રશ્રવાને, ઉગ્રશ્રવા શૌનકને, શૌનક શુકને, શુક પરીક્ષિતને અને જૈમિનીને... કેટલી પેઢી આવી અને ગઈ હશે?

આ વેદ વ્યાસના પિતા પરાશર ઋષિ જો વાત્રક (વેત્રવતી)ના કિનારે વસ્યા હોય તો તે કેવી ભવ્ય ભૂમિ હશે?

વિચારતાં રોમાંચ થાય, પણ હલધરવાસથી આગળ કાચા રસ્તે વાત્રક કાંઠે ‘પરાશર મહાદેવ’નું મંદિર જોયું. નીચે નદીનો સૂક્કો મોટો પટ છે. ભેખડ પર એક કાચીપાકી ભીંતનાં બનાવેલાં મંદિરમાં મહાદેવ વિરાજે છે. થોડાક વર્ષ પહેલાં મંદિર હશે તે પૂરમાં તણાઈ ગયું. પાંત્રીસેક વર્ષથી આવી હાલત હતી એટલે ગ્રામજનોએ જિર્ણોદ્ધારનો સંકલ્પ લીધો. તેને માટે હમણાં મહારુદ્ર યજ્ઞનું આયોજન થયું. સાધ્વી ઋતંભરાદેવી (દીદી) તેને માટે આવ્યાં. વેત્રવતીનો કાંઠો ધમધમી ઊઠ્યો. હવે મહાદેવના દેવાલયનો જિર્ણોદ્ધાર થશે. સંસદસભ્ય દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, ભવાનભાઈ ભરવાડ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા-વડા તખતસિંહ ઝાલા, નટુભાઈ સોઢા અને છપ્પન જાતિ સહિતનાં ગામડાંઓએ સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

નવું નિર્માણ પછી, પહેલાં જિર્ણોદ્ધાર

ગુજરાતમાં આવા કંઈકેટલાં વિસ્મૃત સ્થાનો હશે એમ વિચારતાં એક સવાલ થયો કે પ્રાચીનતમ ભૂંસાઈ રહેલાં સ્થાનોનો જિર્ણોદ્ધાર કરવાને બદલે અન્યત્ર નવાં મંદિરો ઊભાં કરવાનું ઔચિત્ય ખરું?


comments powered by Disqus