શંકરસિંહે કોંગ્રેસનાં, ‘રેતીમાં વહાણ’ ચલાવવાની મહેનત ચાલુ રાખી?

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 27th June 2017 07:10 EDT
 
 

કોંગ્રેસ પક્ષની એ ‘લાયકાત’ માટે પીઠ થાબડવા જેવી છે કે તેમાં ભલભલા શક્તિશાળી નેતાઓને મૂંઝવી નાખવાનો કસબ લાંબા સમયથી ચાલતો આવ્યો છે. ચીમનભાઈ પટેલ જેવા શક્તિશાળી રાજકીય નેતાની સામે નવનિર્માણ આંદોલન થયું તેમાં કોંગ્રેસજનોનો મોટો ફાળો હતો. પ્રથમ મુખ્ય પ્રધાન જીવરાજ મહેતાને હટાવવા ઠાકોરભાઈએ બાંયો ચડાવી અને પક્ષ અવિશ્વાસની દરખાસ્ત માટે તૈયાર થઈ ગયો હતો. ચીમનભાઈ વિરુદ્ધ કાંતિલાલ ઘીયા અને પછી ઝીણાભાઈ દરજી - એ પ્રકરણ જાણીતું છે.

માધવસિંહ વત્તા ઝીણાભાઈ વત્તા સનત મહેતા ‘ખામ’ થિયરીથી ગુજરાતનો ગઢ જીતી લાવ્યા પણ પછી સનત મહેતાને સુરેન્દ્રનગર લોકસભાની ટિકિટ માટે દિલ્હીના ગુજરાત ભવનમાં બે-ત્રણ દિવસ બેસાડી રાખીને પછી ‘તમને ટિકિટ નહીં મળે’ તેવું જણાવ્યું હતું. માધવસિંહ સોલંકીનું રાજીનામું માંગવામાં આવ્યું ત્યારે ઘણા કોંગ્રેસ નેતાઓ રાજી થયા હતા. છબીલદાસ મહેતા અને ઊર્મિલાબહેન પટેલ વચ્ચે કોણ મુખ્ય પ્રધાન બને તેનો અંટસ થયો હતો.

હવે વારો શંકરસિંહ વાઘેલાનો છે! પોતાના પક્ષમાં બહુમતી ટેકો ધરાવતા, શક્તિશાળી નેતા તરીકે તેમની ગણના - રાજપામાંથી કોંગ્રેસમાં જોડાયા ત્યારથી - થઈ. શ્રીમતી સોનિયા ગાંધી સાથેની તેમની પહેલી મુલાકાત દરમિયાન એક હવા બંધાઈ હતી તે કોંગ્રેસના જ કેટલાક નેતાઓને માટે તકલીફરૂપ થઈ પડી અને એવી ચર્ચા વહેતી કરવામાં આવી કે શંકરસિંહ તો મૂળ આરએસએસના માણસ છે અને કોંગ્રેસમાં તેમને ‘પ્લાન્ટ’ કરવામાં આવ્યા છે!!

આજકાલ કોંગ્રેસમાં જે ધમાસાણ ચાલી રહ્યું છે તેને સમજવું મોટાભાગના લોકોને માટે મુશ્કેલ બની રહ્યું છે. મીડિયા બાપુના વાક્યો અને વર્તનને ‘કોંગ્રેસમાં બગાવત’ તરીકે ફેરવી નાખે છે. બાપુ પણ ઓછા ચતુર રાજકારણી નથી. બગાવત કરીને, યશવંતરાવ ચવ્હાણ જેવા હાલ થાય એવું તે ઇચ્છતા નથી, પણ પોતાનાં જ મેદાનમાં આંતરિક દુશ્મનોને ‘ચિત’ કરવાની રણનીતિ અપનાવી રહ્યા છે એટલે સૌથી વધુ પરેશાન તો કોંગ્રેસના જ એ નેતાઓ છે જે ઇચ્છે છે કે શંકરસિંહ ‘નિરાધાર’ બનીને કોંગ્રેસમાંથી નીકળે અને ભાજપમાં જાય કે નવો પક્ષ બનાવે તો કોંગ્રેસને નુકસાન ન થાય.

ચતુર બાપુ હોંશિયારીપૂર્વક કદમ ભરે છે. પક્ષના ખેરખાંઓ અને વ્યૂહરચના વિનાની હાલતને ખૂલ્લી કરે છે એટલે કોંગ્રેસનો મોટો વર્ગ તેમની વાતને સાચી માને છે અને ખૂલી રીતે કહેવા લાગ્યો છે કે તૂટી પડેલા પક્ષને બચાવવો હોય તો જલદીથી ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ ચૂંટણીલક્ષી બનાવી તે બાપુને સર્વસત્તા સોંપવી જોઈએ. પણ આમ કરવાથી બીજા નેતાઓનાં જૂથોને ભય લાગે છે અને દિલ્હીથી આવેલા મોવડીઓ પણ ઇચ્છે છે કે કોંગ્રેસમાં હવે વધુ ભાગલા ઇચ્છનીય નથી. આમેય ૧૯૯૦થી તો ગુજરાતમાં પાટલો નખાઈ ગયો છે તેમાં વધારો શા માટે કરવો? ‘સાપે છંછુંદર ગળ્યા’ જેવી આ સ્થિતિ છે અને જો બાપુ ભાજપમાં જાય કે કોંગ્રેસથી છેડો ફાડે - બન્ને જોખમો કોંગ્રેસને માટે ખતરનાક નીવડી શકે તેમ છે.

બાપુએ સમજદારીપૂર્વક બે રસ્તા અપનાવ્યા છે. એક તરફ તે કાર્યકર્તા અને ટેકેદારોને પક્ષની ખરાબ હાલત ગણાવીને સાવધાન કરે છે. બીજી તરફ પોતે મુખ્ય પ્રધાનની હરીફાઈ દોડમાં નથી એમ જણાવીને નેતૃત્વને વધુ ધારદાર બનાવે છે ને ત્રીજી તરફ ‘હું કોંગ્રેસને છોડવાનો નથી’ એમ જણાવીને મોવડી મંડળને ‘હા...શ’ કરાવવા માગે છે. આ ઈશારો પણ છે કે દિલ્હીમાં બેઠેલા નેતાઓએ જલદીથી બાપુ પર ભરોસો રાખીને તેમને ચૂંટણી સુધીનું સમગ્ર કામ સોંપવું જોઈએ.

પણ કોંગ્રેસમાં સર્વોચ્ચ નેતાગીરી અનિર્ણાયક પરિસ્થિતિનો શિકાર બની ચૂકી છે. માત્ર ગુજરાત જ નહીં, સમગ્ર દેશમાં તેને માટે અસ્તિત્વના પ્રશ્નો પર ઝઝૂમવાનું નસીબ છે. તેને માટે કોઈ પ્રેરક કેન્દ્રીય નેતાગીરી જોઈએ તે દેખાતી નથી. પી. ચિદમ્બરમ્, કપિલ સિબ્બલ, આઝાદ, સુરજેવાલા... આ બધા સંકોચાઈને બેસી ગયા છે. તેમનું આમેય કશું નીપજે તેમ નથી એટલે ચિદમ્બરમે ફરિયાદ પણ કરી કે તેમના વકીલ દીકરા પર આઇટીએ દરોડા પાડ્યા તેની સામે નેતાગીરીએ કંઈ કહ્યું જ નથી! પોતાના પક્ષના નેતાઓનો બચાવ પોતે જ કરવાનો હોય તો પક્ષની જરૂર શી? રાહુલ ગાંધીને કોંગ્રેસમાં જ હવે ગંભીરતાથી લેવાનું ઓછું થયું છે અને સોનિયા ગાંધી બિમારીને લીધે બહુ સક્રિય નથી. મનમોહન સિંહ વડા પ્રધાન હતા ત્યારે કશું નીપજતું નહોતું તે રાષ્ટ્રીયસ્તરે પક્ષને કઈ રીતે દોરી શકે?

ભાજપા અને કોંગ્રેસમાં આ નજરે ચડે તેવો તફાવત છે. ભાજપે પ્રદેશોમાંથી એવા અસરકારક નેતાઓ શોધવા માંડ્યા છે જે રાષ્ટ્રીયસ્તરે પણ કામ લાગે છે. રાષ્ટ્રપતિપદના ઉમેદવાર રામચંદ્ર કોવિંદ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ એવાં ઉદાહરણો છે. ડો. રમણ સિંહ, ફડણવીસ, વિજય રૂપાણી, શિવરાજ ચૌહાણ તો પોતાનાં રાજ્યોને કુશળતાથી સંભાળી રહ્યા છે, અસમ-મણિપુર જેવા નવા મુખ્ય પ્રધાનો પણ સરસ કામ કરી રહ્યા છે. નવી નેતાગીરી પ્રસ્થાપિત થઈ રહી છે. પણ કોંગ્રેસમાં એવું દેખાતું નથી. દિગ્વિજય સિંહ જેવા નેતાઓ તેવું કરવા દેતા નથી એવી ફરિયાદો પણ શરૂ થઈ. ઉત્તર પ્રદેશમાં રિટા બહુગુણા જેવા કોંગ્રેસ નેતા અને અસમમાં પણ સમર્થ કોંગ્રેસ નેતા ભાજપમાં ચાલ્યા ગયા તેનાં કારણોમાં, ઉપલી નેતાગીરી તેમને ગણનાપાત્ર સમજતી નહોતી તે મુખ્ય છે.

આવા સંજોગોમાં ગુજરાતમાં વર્ષ પૂરું થતાં સુધીમાં ચૂંટણીના ઢોલ ધબુકશે એ પહેલાં જ નગારાં તો વાગવા માંડ્યા છે. નગારખાનું હોય ત્યાં પીપૂડાં પણ હોય તેમ છોટા-મોટા જૂથો, નવા પક્ષોની ભરમાર પણ થશે જ થશે!


comments powered by Disqus