શિક્ષણ-સુધારનો રાષ્ટ્રીય સંકલ્પ

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 22nd July 2019 12:49 EDT
 
 

‘અરરરર... શિક્ષણ કેવું ખાડે ગયું છે, આપણું?’

આ વિધાન ગમે ત્યાં, ગમે તેની પાસેથી સાંભળવા મળે. જેમણે શિક્ષણને બગાડવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું હોય તેવા શિક્ષણકારો, જેમણે ડોનેશન અને અનામતનો ઉપયોગ કર્યો હોય તેવા લોકો, જે ટ્યૂશનો અને બીજા ધંધા કરીને અધિક કમાણી કરે છે તેવા શિક્ષક-અધ્યાપકો, જેમના પેપર્સ વારંવાર ફૂટી જાય છે તેવી કોલેજો, જ્યાં નિયત પગારને બદલે ઓછા પગારે અધ્યાપકોને નોકરી કરાવે છે તેવી ‘સેલ્ફ ફાઈનાન્સ’ વિદ્યા-સંસ્થાઓ, એકાદ-બે ઘટનાના આધારે આખ્ખું શિક્ષણ ખાડે ગયું છે ને શિક્ષણ પ્રધાને તો રાજીનામું જ આપી દેવું જોઈએ... તેવા નિવેદનબાજ નેતાઓ, યુનિવર્સિટીને નિમ્નસ્તરના તોફાનોનો અડ્ડો બનાવનારાં વિદ્યાર્થી યુનિયનો, એકનું એક ચવાઈ ગયેલું દરેક વર્ષે ભણાવનારા અધ્યાપકો, અમારા જેવા કતાર લેખકો (જેઓને કોઈ વિષય ન મળે તો શિક્ષણમાં બગાડો કે ગુજરાતમાં સ્વાદિષ્ટ વાનગીઓનાં સ્થાનો જેવા વિષય પર લખતા રહે છે) વગેરે વગેરેને માટે આ વિધાન કાયમી બની ગયું છેઃ ‘શિક્ષણ ખાડે ગયું છે...’

વાત અતિરેકી છે. શિક્ષણ સા-વ જ ખાડે ગયું હોત તો જે ઉત્તમ વિદ્યાર્થીઓ કે અધ્યાપકો હજુ મળે છે તેવું થયું ના હોત. હા, તેની ગુણાત્મક સંખ્યા ઓછી થતી જાય છે.

એટલે ભારત સરકારે ‘નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’નો સંકલ્પ જાહેર કર્યો છે. ડો. કસ્તુરી જેવા નિષ્ઠાવાન શિક્ષણ-નિષ્ણાત સાથેની ટીમે આ કામ કર્યું. એક મુસદ્દો તૈયાર કર્યો, આખા દેશમાં મોકલ્યો, ૮૦ હજાર લોકોએ તો સીધાં સૂચનો મોકલી આપ્યાં. તેમાં ઉમેરો કરવા તમામ રાજ્યોના શિક્ષણ વિભાગે નિસબત ધરાવતા મહાનુભાવો (અધ્યાપકો, કુલપતિઓ, શિક્ષણવિદો, શિક્ષણ સંસ્થાઓ વગેરે)ને બોલાવ્યા, આખો દિવસ મુદ્દાસર ચર્ચા કરાવી. જૂથશઃ ચર્ચા થઈ. શિક્ષણ પ્રધાન આખો દિવસ હાજર રહ્યા (આમેય ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મેં કહ્યુંઃ તમે ગમે તે સ્થાને હો, મૂળભૂત રીતે શિક્ષક છો!) તેઓ અને મુખ્ય પ્રધાન નિસબત સાથે બોલ્યા.

ગાંધીનગરમાં એક સરસ જગ્યા છે. કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (જીસીઇઆરટી). તેના પરિસરમાં ૨૧ જુલાઈએ આ બેઠકો થઈ.

નવી શિક્ષણ નીતિનો મુસદ્દો સ્પષ્ટ સૂચવે છે કે વડા પ્રધાને જે ‘નૂતન ભારત’ની પરિકલ્પના આપી છે તેમાં શિક્ષણનીતિમાં મૂળભૂત, ગુણાત્મક પરિવર્તન ભારે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સરસરી નજરે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મુસદ્દાની મુખ્ય બાબતો આ પ્રમાણે છે.

(૧) શિક્ષણનું સ્તર સુધારવું.

(૨) ૨૦૩૫ના વર્ષ સુધીમાં ૫૦ ટકા સુધીના સુધારા સાથે વૈશ્વિક (ગ્લોબલ) કક્ષાની શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત કરવી.

(૩) ૮૦૦ યુનિવર્સિટીઓ, ૪૦,૦૦૦ કોલેજોની કાયાપલટ કરીને ૧૫,૦૦૦ જેટલી ભવ્ય, સર્વાંગી અને તમામ વિદ્યાકીય શાખાઓનો સમન્વય થયો હોય તેવી ઉત્તમ શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપિત કરવી.

(૪) આ વિદ્યાકીય સંસ્થાઓ વિશ્વસ્તર, સંશોધન, ગુણવત્તા સાથેનું અધ્યાપન કરાવશે.

(૫) ‘મિશન નાલંદા’ અને ‘મિશન તક્ષશિલા’નો આધાર રહેશે. નમૂનારૂપ શૈક્ષણિક સંસ્થાઓમાં લિબરલ આર્ટસ, મલ્ટિ ડિસિપ્લીનરી એજ્યુકેશન અને રિસર્ચ યુનિવર્સિટીઓની સ્થાપના થશે.

(૬) તે સંસ્થાઓ સ્વાયત્ત રહેશે - શિક્ષણના ધ્યેય માટે.

(૭) આખું માળખું બદલવામાં આવશે. ત્રણ પ્રકારની યુનિવર્સિટીઓ (૧) સંશોધન માટેની (૨) તાલીમ માટેની (૩) કોલેજો - એમ વર્ગીકરણ થશે.

(૮) વિદ્યાર્થી પસંદગીનો વિષય લેશે, છોડી શકશે, ઉચ્ચ શિક્ષણ મળશે.

(૯) જીવન જીવવાનું કૌશલ્ય, વિષયની ઊંડી સમજ અને નૈતિક મૂલ્યોનો સમન્વય થશે.

(૧૦) આઇઆઇટીના સ્તર અને પ્રકારનું માળખું ધરાવતી ૧૦ આઇઆઇટી ઓફ લિબરલ આર્ટસ, રિસર્ચ યુનિવર્સિટી સ્થાપિત કરાશે.

(૧૧) પીએચ.ડી. માટે અનુસ્તાનક અથવા ચાર વર્ષની સ્નાતક ડીગ્રી અનિવાર્ય. એમ.ફિલ.ની પદવી રદબાતલ કરાશે.

(૧૨) ૩૦ વિદ્યાર્થીએ એક અધ્યાપક, તે પણ પૂરી તાલીમ સાથેનો સજ્જ. કામચલાઉ કે કરાર આધારિત પ્રાધ્યાપકોની નિયુક્તિને રદ કરાશે.

(૧૩) ‘નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન’ની સ્થાપના કરાશે. તેને રૂ. ૨૦,૦૦૦ કરોડની ગ્રાન્ટ અપાશે. ગુણવત્તા સાથેના સંશોધન માટે તે કામ કરશે તેમાં શરૂઆતમાં વિજ્ઞાન, ટેક્નોલોજી, સામાજિક વિજ્ઞાન અને આર્ટસ – આ શાખાઓ રહેશે.

(૧૪) શિક્ષક તાલીમનો અભ્યાસક્રમ એક જ રહેશે.

(૧૫) ગુણવત્તા વિનાની, બિનકાર્યક્ષમ અધ્યાપન સંસ્થાઓ બંધ કરાશે.

(૧૬) વ્યવસાયલક્ષી શિક્ષણ ઉચ્ચ શિક્ષણનો ભાગ બનશે.

(૧૭) નિયમન ક્ષેત્રે (મોનિટર્સ) વધુ અસરકારક બનાવવામાં આવશે. તે ઓછામાં ઓછો હસ્તક્ષેપ કરશે. યુજીસી (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન)ને ‘હાયર એજ્યુકેશન ગ્રાન્ટ્સ કાઉન્સિલ’માં બદલાવી નાખવામાં આવશે.

(૧૮) ભારતીય ભાષાઓનું જતન, સંવર્ધન, વિકાસ અને જીવંતતાને કાયમ કરાશે. પાલી, પર્શિયન અને પ્રાકૃત ભાષાની રાષ્ટ્રીય સંસ્થા ઊભી કરાશે.

(૧૯) સર્વસ્વીકૃત, સર્વગ્રાહી પારિભાષિક શબ્દ ભંડોળ ઊભું કરાશે.

આ તો કેટલાક જ મુદ્દા છે. ભારતીય શિક્ષણ એટલા બધા પ્રશ્નો અને સ્વરૂપોમાં ઘેરાયેલું છે કે તેમાં ખરો સુધારો કરતાં વર્ષો વીતી જાય. આ નીતિ પણ ‘ચટ મંગની, પટ બ્યાહ’ જેવા શોર્ટ કટને બદલે લાંબા સમયે પરિણામ લાવનારી પ્રક્રિયા બની રહેશે.

શિક્ષણ નીતિ કે બીજી કોઈ પરિવર્તનની મુખ્ય શરત છે, તેમાં સ્પિરિટ – જોસ્સો અને ઇચ્છાશક્તિ. ‘ભારતીયતાને આધાર રાખીને આ શિક્ષણનીતિ સંકલ્પબદ્ધ છે, આવો સંકલ્પ અગાઉની સમિતિઓમાં ગેરહાજર હતો.’


comments powered by Disqus