શિવ, શ્રાવણ, ગુજરાત અને વિશ્વ

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 12th August 2019 09:00 EDT
 

મહિનો શ્રાવણનો છે, તમે તેને ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાના દિવસ-રાત કહી શકો. છેક ગૌરી શિખર, કૈલાસેથી દેવાધિદેવ મહાદેવ ધરતી પર પધાર્યાનો અહેસાસ દરેકને થાય જ થાય.

આનું કારણ એકલું ધાર્મિક નથી, સાંસ્કૃતિક છે અને ભૌગોલિક પણ! જુઓને, ગુજરાતમાં પ્રાચીનતમ તીર્થ સોમનાથનું. ૧૯૪૭ના નવેમ્બરની દિવાળી પછી, દેશના ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથના સમુદ્ર કિનારે નરહરિ ગાડગીળ, જામ સાહેબ, ઉછરંગરાય ઢેબર, કનૈયાલાલ મુનશીની સંગાથે સંકલ્પ લીધો, સોમનાથનાં ભગ્ન ખંડિયેરોના જિર્ણોદ્ધારનો. ને તેમ થયું.

બરાબર, આટલા વર્ષે - એક બીજા ગુજરાતી વડા પ્રધાન અને ગૃહ પ્રધાને કાશ્મીરને કલમ ૩૭૦ અને ૩૫-એથી બચાવી લીધું, ત્યાં પણ આદિ શંકરાચાર્યની ટેકરી છે. આ જૂનાગઢ-સોરઠ અને આ કાશ્મીર, જેના પર પાકિસ્તાને કાયમ દાવો કર્યો છે, તે પાકિસ્તાનમાં હોત તો આપણે શ્રાવણને ઊજવવા માટે પાકિસ્તાનનો વીસા લેવો પડ્યો હોત! આ છે ભૌગોલિક-સાંસ્કૃતિક મહત્ત્વ, આસ્થા-સ્થાનોનું. યાદ રહે, ‘બિન સાંપ્રદાયિક’ સાથી વડા પ્રધાનનાં વલણોને બાજુ પર રાખીને સરદારે સોમનાથનો જિર્ણોદ્ધાર કરાવવા માટે નિર્ણય લીધો હતો.

અત્યારે ગુજરાતનો શ્રાવણી-રંગ અદ્ભુત છે, બિલીપત્ર સાથે શ્રદ્ધાળુઓ ઉમટે છે. દૂધથી શિવલિંગને સ્નાન કરાવે છે. આરતી, ભજન અને સ્તોત્ર સ્વરિત થાય છે. સોમનાથ, પંચનાથ, ભડકેશ્વર, કર્ણમુક્તેશ્વર, ધોળેશ્વર, નાગેશ્વર, ગોપનાથ, કાશી વિશ્વનાથ... અહોહો, કેટકેટલાં નામધારી શિવાલયોમાં ઘંટારવ થાય છે. ‘ઓમ નમઃ શિવાય’ તો પ્રાણપ્રિય સૂત્ર, ‘હર હર મહાદેવ’ તેવું જ ગૌરવભર્યું સૂત્ર. મહમદ ગઝનવી, અલાઉદ્દીન ખીલજી, ઔરંગઝેબ, મહમદ બેગડો અને બીજા ઘણા આક્રમકોની સામે જે રણબાંકુરા લડ્યા, તેમના હોઠ પર ‘હર હર મહાદેવ’ જ હતું. ભૂચર મોરીથી સોમનાથ અને ઘેલા સોમનાથ (આ ઘેલા સોમનાથ સુધી, આક્રમકોથી બચાવવા શિવલિંગ લઈ જનારા અને રણભૂમિમાં ઢળનારાઓમાં ઘેલો વણિક અને કુંતલ – શહેનશાહની બેટી, પણ હતાં, આજે તેમની સમાધિઓ ત્યાં છે.)

શિવનાં સ્વરૂપો અનેકવિધ છે. બૌદ્ધ ધર્મના રાજવીઓની સામે રુદ્રદામને ઝીંક ઝીલી હતી તેની સ્મૃતિ જૂનાગઢમાં અશોકના શિલાલેખની પાછળના લેખનમાં છે! આ શિવભક્ત રાજવીએ કોઈ કરુણા-અહિંસાના ઉપદેશ શિલાલેખમાં અંકિત નથી કર્યા, પ્રચંડ પૂરમાં જૂનાગઢ તણાયું ત્યારે તેમને બચાવવાની નોંધ લીધી છે, અને શિવ તો હતા, સર્વવ્યાપી. કોઈ એક કર્મકાંડમાં ફસાયેલા જ નહીં, નગર અને ગ્રામનો ભેદ નહીં. સંસાર અને સંસારથી પર ઊઠીને જીવનનો અર્થ આપ્યો છે તેમણે. રીઝે તો વરદાન, કોપે તો શ્રાપ – આનું સંતુલન શિવે કર્યું અને પ્રજાકીય મહામંથન થયું ત્યારે અમૃતથી ઇચ્છા તો બધાંને થઈ, વિષ કેવળ શિવનું કંઠધારી બન્યું! પોતાની પ્રિય પત્ની પાર્વતીના બળ્યાઝળ્યા દેહને લઈને ભટક્યો હતો આ ગૌરી-પ્રેમી પુરુષ. જ્યાં જ્યાં પાર્વતીનાં અંગ જમીન પર પડ્યાં ત્યાં ‘શક્તિ’નો સાક્ષાત્કાર થયો! કામાખ્યાથી અંબાજી સુધીની આ કહાણીનો મર્મ ઘણો ઊંડો છે.

‘શક્તિરૂપેણ સંસ્થિતા’ને હૃદયગત ન કરો ત્યાં સુધી મનુષ્ય અને મનુષ્યત્વ અધૂરું છે. ‘માતાથી ભારતમાતા અને જગન્માતા’ આ પ્રાણસૂત્ર આ રીતે આવ્યું છે. ‘માતા ભૂમિઃ પૃથ્વિયો અહમ્’ કેમ કહેવાયું? રાજનીતિક સમીકરણોમાં ભારતીયો જ પોતાના દેશને ‘માતા’ ગણે છે, આ મધરલેન્ડ છે, બીજે ફાધરલેન્ડ હશે અથવા તો કોઈ ભાવાત્મક નામ જ નહીં હોય!

જુઓ, શિવને ગુગલ પર ‘એટ ધી’ - આઇડીમાં ગોઠવવા હોય તો શું કરવું? ઇજિપ્ત, એસેરિયા, મેસોપોટેમિયામાં શિવપૂજા હતી. આજે પણ ઇજિપ્તમાં મેફિસ અને અશીનરીશ સ્થાનો પર નંદી પર આરુઢ, ત્રિશુલધારી, વ્યાઘ્રચર્મ પહેરેલા શિવની પ્રતિમાઓ મળે છે. બેબિલોનમાં ૧૨૦૦ ફૂટ ઊંચું શિવલિંગ છે. અમેરિકાના દક્ષિણ ભાગમાં બ્રાઝિલ, યુરોપનું કોરિંથ, મુસોલિની અને શ્રીમતી સોનિયા ગાંધીનું ઇટાલી, ફિજી, સ્કોટલેન્ડ, ઇન્ડો-ચાઇનામાં જે દેવળો છે તેમનાં નામ છે ભદ્રેશ્વર, શંભુ, શ્રીશાન. કંબોડિયાનું અંગકોરવાટ જગજાણીતું છે. જાવા-સુમાત્રામાં કેટલાયે શિવમંદિરો છે. આપણા ઋષિવર અગસ્ત્ય મહાપ્રવાસી હતા, તેમણે જાવા-સુમાત્રામાં શિવ–સંકલ્પ સર્જ્યો. મેક્સિકોમાં શિવમંદિર છે. રંગુનમાં મહાદેવ અને કાર્તિક સ્વામી છે. એડનમાં શિવાલય છે, મલાકામાં ચીનાઓ રહે છે પણ તેની પાસેનાં ચાંગ ગામડામાં મહાદેવ વિરાજે છે!

શિવસ્તોત્રો તો સમૃદ્ધ કાવ્યોનો ખજાનો છે. ભગીરથે ગંગાવતરણ પૂર્વે શિવસ્તુતિ ગાઈ હતી. અશ્વત્થામાનું શિવ-સમર્પિત પ્રાર્થના-સ્તોત્ર છે. અર્જુને કિરાતવેશ ધારણ કરીને પ્રાર્થના કરી હતી. ઉપમન્યુ અને તંડિ જેવા પ્રખર શિવભક્તોની ઉપાસના કાવ્યમાં વ્યક્ત થઈ છે. મહાભારતકાર વેદ વ્યાસે તો સર્વત્ર શિવવંદનાનો સ્વર વહેવડાવ્યો છે. ‘દ્વાદશ જ્યોર્તિલિંગ સ્તોત્ર’, ‘શિવ પંચાક્ષર સ્તોત્ર’ જો તમે રમેશભાઈ ઓઝા અને લતા મંગેશકરના કંઠે સાંભળશો તો અલગ અનુભવ થશે.

મહાભારતના વનપર્વ, દ્રોણ પર્વ, શાંતિ પર્વ અને અનુશાસન પર્વમાં શિવ મહિમા છવાયેલો છે. ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને કહ્યું હતુંઃ ‘ધર્મરત તપસ્વરૂપે શ્રીકૃષ્ણ શંકર જ છે.’ વેદના અનુયાયીઓએ તો ઇસવી સન પૂર્વે ૬૦૦ વર્ષોથી શિવપૂજા સ્વીકારી લીધી હતી. શ્રુતિ-વાક્ય આપણા માટે બ્રહ્માંડના જન્મની કથા આ શબ્દોમાં વર્ણવે છેઃ ‘સૃષ્ટિની પૂર્વે ન હતું સત, ન હતું અસત, કેવળ નિર્વિકાર શિવ જ વિદ્યમાન હતા...’ એટલે તો આપણે મહામૃત્યુંજય જાપથી આત્માનું સંધાન કરીએ છીએ ને? સમગ્ર વિશ્વ સુધીની પરમ વાણી આદિ શંકરાચાર્યે વ્યક્ત કરી છે. પુષ્પદંતની શિવારાધના હજુ ઉત્સુકતા પ્રેરે છે, ‘આવું સહજ, સુંદર અને ભવ્ય પ્રાર્થના - સ્તોત્ર રચનારો પુષ્પદંત કોણ હશે?’

હજુ બીજા નામો ઉમેરીએઃ યજુર્વેદમાં શતરુદ્રીય અધ્યાય. અથર્વવેદ, શતપથ બ્રાહ્મણ, અષ્ટાધ્યાયી, અર્થ શાસ્ત્ર (કૌટિલ્યનું), રામાયણ, મહાભારત, પુષ્પદંતનું ‘શિવમહિમ્નસ્તોત્ર’, અર્ધનારી નટેશ્વર મહાદેવ, તાંડવનૃત્યના સર્જક, (માલકૌંશ તેમણે પ્રથમ વાર ગાયેલો રાગ, ભૈરવી પણ અતિપ્રિય.) રુદ્રવીણા જેવું વાદ્ય, કવિવર કાલિદાસના ‘જગતઃ પિતરૌ વન્દે પાર્વતી પરમેશ્વરો.’ શિવ-નામના ૧૯૦ સ્વરૂપે... આ યાદી અધૂરી છે. એકલા શંકરાચાર્યની લેખિનીનો અંદાજ લઈએ તો-

શિવ પંચાક્ષર સ્તોત્ર.

વેદ સારાશિવસ્તવ.

ઊમા મહેશ્વર સ્તોત્ર.

શિવાષ્ટકમ્.

વિશ્વનાથનગરી સ્તોત્ર.

અર્ધનારીનટેશ્વર સ્તોત્ર.

શિવનામાવષ્યષ્ટકમ.

દક્ષિણામૂર્તિ સ્તોત્ર.

શિવભૂજંગ પ્રયાત સ્તોત્ર.

શિવ માનસપૂજા.

શિવાપરાધક્ષમાપન સ્તોત્ર.

બીજાં પણ છે જે મહર્ષિ વ્યાસથી ગોસ્વામી તુલસીદાસ રચિત છે.

એક વિચાર આવે છે. સૂઝ્યો તો હતો મોરિશિયસના મહાનગરના એક છેડે આવેલા શિવાલયને જોઈને. ‘ગ્લોબલાઇઝેશન’નો યુગ છે, વૈશ્વિકરણની ધૂમ ચાલે છે, દેશો એકબીજાથી વધુ પરિચિત થવા લાગ્યા છે, ઇલેક્ટ્રોનિક ઉપકરણોએ સા-વ નજીક કરી મૂક્યા. આ સ્થિતિમાં શિવ જ એવા દેવાધિદેવ છે, જે સર્વમાન્ય શ્રદ્ધા તરફ દોરી શકે. ‘જગતપિતા’ તો કહેવાયા જ છે, તો ‘ગ્લોબલ ગોડ’ - વિશ્વેશ્વર તરીકે સ્થાપિત થઈ શકે? એવું થાય તો ઘણા સંઘર્ષો ઓછા થઈ જાય!


comments powered by Disqus