શિવરાત્રિ, ભવનાથ, ગિરનાર અને... જૂનાગઢ!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 25th February 2019 07:43 EST
 
 

શિવરાત્રિનો મેળો આ સપ્તાહે સોરઠની ધરતી પર રંગેચંગે શરૂ થઈ જશે. સરકારે તેને ‘મિની કુંભ’ નામ આપ્યું તે સા-વ સાચું છે. કુંભ મેળાની જેમ અહીં પણ ‘શિવરાતના મેળે’ નિરંજની અખાડામાં નાગા સાધુઓ એકઠા થાય છે અને મધરાત્રે કડકડતી ટાઢમાં મૃગીકુંડમાં સ્નાન કરે છે. પછી? પછી તે ક્યાં ચાલ્યા જાય છે તેની કોઈને ખબર પડતી નથી! આ નાગા બાવાઓની યે રોચક કહાણી છે અને છેક આદિ શંકરાચાર્યના યુગથી પરંપરા છે.

અખાડાઓ આદિ શંકરાચાર્યે ધર્મ પરનાં આક્રમણની સામે સુરક્ષા માટે સર્જ્યા હતા અને આક્રમકોનાં મોટાં યુદ્ધોમાં નાગા બાવા સ-શસ્ત્ર બનીને લડ્યા છે! સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લામાં ‘ભૂચર મોરી’નું યુદ્ધ તેનું ઐતિહાસિક પ્રમાણ છે.

ગુજરાતમાં ૧૫૦૦ જેટલા મેળા ભરાય છે તેમાં ગરવા ગિરનારના ત્રણનું મહાત્મ્ય અધિક છે. કારતક સુદ પૂનમ, મહા માસની મહાશિવરાત્રિ અને ભાદરવી અમાસના આ મેળામાં સોરઠ આખું ઉમટે છે. પરકમ્મા થાય છે, ભજનવાણી જામે છે. દોહાની રંગતથી મહેરામણ ગાજે છે. મેઘાણીએ નોંધ્યું છે કે મીરાણી અને સામે દૂહાગીર – બેની ત્રણ રાત-દિવસ સ્પર્ધા થતી. એક દૂહો બોલે ને બીજો લલકારે! ડાંગના ટેકે બન્ને ઊભા રહે. બેસે નહીં ત્યાં જ તે દૂધ પીએ અને દોહરા-સ્પર્ધા ચાલે!

આસ્થાનો કુંભ

શિવરાત્રિનો મેળો પાંચ દિવસ ચાલે છે. મહા સુદ નોમે ભવનાથ મહાદેવના શિખરે ધજા ચડે અને તેરસ – ચૌદશ – અમાસ તેની પરાકાષ્ઠાએ હોય. તેનું મુખ્ય આકર્ષણ નાગા બાવાઓ દ્વારા યોજાતી ‘રવાડી’ છે. દશનામી અખાડાથી ૩૦૦ જેટલા સાધુઓનું સરઘસ નીકળે. પરંપરાગત ભાષામાં ‘રવેડી’ કહેવાય છે. આસ્થા તો એવી કે આ જૂલુસનું નેતૃત્વ સ્વયં ભોળાનાથ મહાદેવ જ લે છે એવું કહેવાય છે! એટલું જ નહીં, ભગવાન દત્તાત્રેય પણ હાજર રહે છે! પંચદશનામી અખાડાની ‘ગુરુ દત્તાત્રેયની પાલખી’નો આગવો મહિમા છે. પોતાની ધર્મધજા અને ધર્મદંડ. ભાલા, તલવારની પટાબાજી. ગળામાં પુષ્પહાર. હઠયોગના પ્રયોગો.

જેવું કુંભમાં શાહી સ્નાન છે તેવું જ અહીં મૃગીકુંડના સ્નાનનું મહત્ત્વ છે. સ્નાન પછી ભવનાથની આરતી અને પૂજા. મધરાતનો આ માહૌલ જેણે નિહાળ્યો હોય તેને જ અંદાજ આવે. આ દિગંબરો તે પછી ક્યારેય દેખાતા નથી. પણ હરિદ્વાર, કાશી, પ્રયાગ, નેપાળ અને હિમાલયમાંથી તેઓ આવતા હોય છે. તેમની ધૂણી એટલે શિવ-પ્રેરિત સ્થાન! શૈવધર્મમાં અખંડ ધૂણીનું મહત્ત્વ છે. (માનગઢ પંચમહાલમાં આદિવાસીઓની યે ધૂણીની પરંપરા છે એ ધૂણીને ખેદાનમેદાન કરીને એકાદ હજાર જેટલા આદિવાસીઓને માનગઢની ટેકરી પર લશ્કરે રહેંસી નાખ્યા હતા તે ગુજરાતનો ‘જલિયાંવાલા બાગ’ છે. હવે તો ત્યાં તેનું સ્મારક પણ છે અને ગોવિંદ ગુરુની ભવ્ય પ્રતિમા છે. આનું વર્ણન અમે લખેલાં પુસ્તક ‘ગુજરાતનાં ક્રાંતિતીર્થો’માં વિસ્તારથી આપ્યું છે.)

અખંડ ધૂણીનો મહિમા

અખંડ ધૂણીમાં ચીપિયો ખોંસેલો રાખવાનો હોય. નાગફણી નામનું વાજિંત્ર પણ હોય. ધૂણીને ઓળંગવાનો કે પીઠ રાખવાનો નિષેધ હોય છે. સાધુઓના યે ભેદવિભેદ ખરા. વેદાંતી, બૌદ્ધ, જૈન, શૈવ, વિષ્ણુ, સ્વામીનારાયણ વગેરેનો પોતાનો સાધુ-સમાજ. શંકરાચાર્યે તો શ્રદ્ધા, જ્યોતિ, ગોવર્ધન અને શૃંગેરી પ્રતીકો સાથે ભારતના ચાર ખૂણે ચાર મઠ સ્થાપ્યા. સૌરાષ્ટ્રમાં એવી દ્વારિકાની શારદા પીઠ છે. તેના પ્રથમ શંકરાચાર્યો પદ્મપાદ, હસ્તામલક, શૂરેશ્વર અને તોતક હતાં, હિન્દુ સમાજ અને સંસ્કૃતિના એ સાચા રખેવાળ સંગઠક ગુરુઓ હતા.

આ ચારે ધર્મગુરુના બીજા દસ શિષ્યોની પાછળ ઓળખ અપાય છે. અરણ્ય, આશ્રમ, ભારતી, પર્વત, પૂરી, સરસ્વતી, સાગર, તીર્થ, ગિરિ અને વન! તેમનાં ‘દળ’ બનાવાયાં, પરંતુ આ ‘દશનામી’ દળમાં સમય જતાં ફાંટા પડ્યા છે. ૨૫ મઢી તેમાં ઉમેરાઈ રામદત્તી, યતિ, વૈકુંઠી, ઋદ્ધિનાથી, મેઘનાથી, સહજાવત અને ભારતી - એવી ‘મઢી’ની સ્થાપના થઈ. તેઓને ‘ફક્કડ’ ગિરનારી પણ કહેવામાં આવતા. તેમને કાળક્રમે મહંત, ભંડારી, અધિકારી, પૂજારી, કોઠારી, કોટવાળ, બંદગીદાર, પરતિયા અને સમાધાની જેવા ‘હોદ્દા’ઓ એનાયત થયા.

આમાં વળી દંડી, અવધૂત, અઘોરી જેવી ઓળખ પણ પ્રાપ્ત થવા માંડી. અઘોરીઓ પશુપતિશ્વર અને રુદ્રભૈરવની ઉપાસના કરે છે. આવા અઘોરીઓની - વામમાર્ગીઓની - વચ્ચે સૌરાષ્ટ્રના લીંબડીમાં યુવા સંન્યાસી વિવેકાનંદ ફસાઈ ગયા. તેમને લીંબડીના રાજવી જસવંતસિંહજીએ પોલીસ મોકલીને છોડાવ્યા હતા.

‘જગ્યા’ઓનું મહાત્મ્ય

ભવનાથના મેળે થાકી જવાય એટલી ધાર્મિક પૌરાણિક ‘જગ્યાઓ’ છે. કેટલી? દામોદર કુંડની આસપાસ ૨૫ જગ્યા, ભવનાથમાં ૫૩, ગિરનાર ઉપરનાં સ્થાનો ૪૫, ગિરનારની આસપાસ બીજાં ૧૧, દાતારની ૧૮ જગ્યા... આ બધે પહોંચતા એક ભવ તો જોઈએ ને? એટલે ભવનાથનાં દર્શન કરીને સૌ બાકીનાં સ્થાનોનું પૂણ્ય મેળવી લે છે.

...અને પરકમ્મા એટલે?

મૂળ શબ્દ પરિક્રમા, પણ સોરઠી લોકબાનીમાં તે ‘પરકમ્મા’ છે. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને જમણી બાજુ રાખીને તેની આસપાસ ફરવું એ પરકમ્મા છે. લોકબોલીમાં તે ‘લીલી પરકમ્મા’ છે. કારતકની અગિયારથી પૂનમ સુધી આ યાત્રા ચાલે. અંતર ૩૬ કિલોમીટરનું. કાળભૈરવ સ્થાનક, મહાકાળીનો ઘેઘુર વડલો, ઝીણાબાવાની મઢી, સરખડિયા હનુમાન, સુરજકુંડ, અંબાજી, માળવેલના ડુંગર, શ્રવણની કાવડ, નાગદેવતાનું સ્થાનક, બોરદેવી, અઘોરી વડલો... આ સ્થાનો રસ્તામાં આવે. છેલ્લો પડાવ બોરદેવીનો. ‘સ્કંદપુરાણ’ના જણાવ્યા પ્રમાણે અહીં યમ રાજાએ સ્થાપેલાં જગદંબા બોરદેવી છે.

જય ગિરનાર!

જરા વધુ નજર કરીએ. ગિરનારના ‘પંચરત્ન’ છેઃ ગિરી, ગિરીશ, ગિરજા, ગંગા અને ગુરુ. તેનાં શિખરોનાંયે નામ છે. જૈનોના નેમીનાથ, પાર્શ્વનાથ વગેરે પણ બિરાજીત છે. અહીં ૧૩ કુંડ છે. આપણા ઉત્તર પ્રદેશમાં ગોરખપુરના આદિત્યનાથ હવે મુખ્ય પ્રધાન છે. નાથ સંપ્રદાયનો મહિમા ગિરનારના ગોરખનાથ સાથે જોડાયેલો છે. મત્સ્યેન્દ્રનાથને ચેતવવા ખુદ ગોરખનાથ આવ્યા ત્યારથી એક કહેવત દાખલ થઈઃ ‘ચેત મછંદર, ગોરખ આયા!’ નાથ સંપ્રદાયને કારણે મહારાષ્ટ્રના સંત જ્ઞાનેશ્વરનો પણ ગોરખનાથ સાથે સંબંધ.

હવે ગિરનાર-વાસીની સંખ્યા સાંભળી લો. કેટલા દેવી-દેવતા - સાધુ-સંતોનું અહીં સ્થાનક છે?

૩૩ કરોડ દેવતાઓ.

૯ નાથ.

૬૪ યોગિની (જોગણી).

૮૪ સિદ્ધ.

બાવન વીર!

ગિરનારની વય ૨૬ કરોડ વર્ષ છે - અર્થાત્ હિમાલય કરતાં તે જૂનો છે!


comments powered by Disqus