સત્તરમા વર્ષના રાજકીય સંઘર્ષનો નકશો...

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 09th May 2017 07:52 EDT
 
 

પડે છે ત્યારે બધું જ પડે છે!

ગુજરાત કોંગ્રેસની હાલત કંઈક એવી છે. વિરોધ પક્ષ તરીકે શક્તિ બતાવવાનું છોડીને ૨૦૧૭માં સત્તા હાંસલ કરવાની તેની ઇચ્છા સમજી શકાય તેવી છે પણ એકલી ઇચ્છાથી શું વળે? તેમાં શક્તિ ઉમેરાય અને ‘ઇચ્છાશક્તિ’ બને તો તેનાં પરિણામ આવે.

અત્યારે તો જાણે કે કોંગ્રેસનું ઘર જ ઠીકઠાક વ્યવસ્થિત ન હોવાની ઘટનાઓ એક પછી એક બહાર દેખાતી થઈ છે. પહેલાં જે પ્રભારી - ગુરુદાસ કામત-થી એવો અભિપ્રાય અપાઈ ગયો કે ગુજરાતમાં કોંગ્રેસે મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર જાહેર કરીને ચૂંટણી લડવી જોઈએ. કામતે કાંઈ અમસ્તો મમરો મૂક્યો નહોતો. ‘વસંત વગડા’માં કોંગ્રેસના ધારાસભ્યોએ રજૂઆત કરી હતી કે શંકરસિંહ વાઘેલાને મુખ્ય પ્રધાન પદ માટે જાહેર કરીને ચૂંટણી લડવી જોઈએ. કામત સંમત હતા, તેમણે બાપુની સાથે પણ વાત કરી. તખતો ગોઠવાતો હોય એવું લાગ્યું પણ ત્યાં વિદેશેથી ભરતસિંહ સોલંકી પાછા વળ્યા, દિલ્હીથી અહમદ પટેલ આવ્યા. વળી બેઠકો થઈ. દિલ્હીએ બધા નેતાઓને બોલાવ્યા પણ મગનું નામ મરી પડતું નથી. એટલું થયું કે શંકરસિંહ વાઘેલાને ચૂંટણી સંકલનના ઇનચાર્જ બનાવવાની વાત વહેતી કરાઈ એટલે વિધાનસભા પક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીનું નામ આગળ ધરાયું. પરેશ ધાનાણીને સમગ્ર ગુજરાતના કોંગ્રેસજનો પોતાના નેતા તરીકે સ્વીકારે એવી સ્થિતિ નથી. અમરેલી જિલ્લામાં તેમનું કામ જરૂર છે, પણ પાટીદાર ફેક્ટરને વશમાં લેવા માટે આવાં બીજાં બે-પાંચ નામો આગામી દિવસોમાં ચમકશે.

...અને શંકરસિંહ વાઘેલા?

- પણ બાપુનું શું? અને ભરતસિંહ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ... બીજા મુરતિયા પણ પરદા પાછળ ભૂમિકા ભજવી રહ્યા છે. સર્વોચ્ચ નેતાગીરીને માટે ગુજરાત કોંગ્રેસ પોતે જ એક રહસ્ય છે. તેના નેતાઓ યાદ કરે છે કે ભૂતકાળમાં માધવસિંહ સોલંકી, ઝીણાભાઈ દરજી, હિતેન્દ્ર દેસાઈ, અમરસિંહ ચૌધરી, ચીમનભાઈ પટેલ જેવા ધરખમ નેતાઓ હોવાથી દિલ્હીને તેમનું માનવું પડતું હતું. ઇન્દિરાજી તો કહે છે કે કચ્છના મહિપતરાય મહેતાની યે સલાહ લેતા. અત્યારે રાહુલ ગાંધીએ કેટલાક ‘નેતા’ઓના અખતરા કરી જોયા પણ ગુજરાતમાં કોંગ્રેસી ઇમારતને સુધારી શકે એવું તેમાંના કોઈનું ગજું નથી. આવા સંજોગોમાં ગુજરાતમાં ભાજપને પડકારવા માટે શું થવું જોઈએ?

બેશક, પહેલાં તો વ્યૂહરચના હોવી ઘટે. પણ તેને બદલે થીગડાંબાજી ચાલતી હોય એવું દેખાય છે. શંકરસિંહ નહીં, પણ પ્રદેશ પ્રમુખ ચૂંટણી ઉમેદવારોને નક્કી કરવાની સત્તા ધરાવે છે. બાપુને તો પ્રચારતંત્ર જ સંભાળવાનું છે એવા મતલબનાં વિધાનો શરૂ કરવામાં આવ્યાં તે દર્શાવે છે કે આગામી ચૂંટણી માટે કોંગ્રેસની પાસે કોઈ એક નેતૃત્વની રણનીતિ નથી. શું એવું કરે તો પક્ષમાં વધુ ભંગાણ પડે? કે પછી શંકરસિંહની તરફેણમાં વધુ જૂથો જાય અને બાકીનાઓનું વર્ચસ્વ ઘટી જાય એવું બને? કેટલોક વર્ગ ચૂંટણી દરમિયાન જ નિષ્ક્રિય થઈ જાય અથવા ભાજપ, ‘આપ’ કે એનસીપીમાં ચાલ્યો જાય?

આનો સરવાળે લાભ ભાજપને થાય એ દેખીતું છે. તેણે કુશળતાપૂર્વક માળખું ગોઠવી દીધું છે. છેક બૂથ સુધીના કાર્યકર્તાની યાદી તૈયાર થઈ ગઈ. સોમનાથ બેઠકમાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે તમામ મહેનત લગાવીને ગુજરાતના જય માટે તત્પર થવાની અપીલ કરી. કોણ ક્યાં ઉમેદવારો તરીકે અસરકારક રહેશે તેનો સર્વે પણ થયો છે. દરેક કાર્યકર્તાને ભાજપ સત્તા પર આવે તેવી રીતે તૈયાર કરાઈ રહ્યો છે. સ્વાભાવિક રીતે શાસક પક્ષ હોવાથી જૂદાં જૂદાં રાજકીય-બિન રાજકીય સમુહો ભાજપ તરફ વળી રહ્યા છે.

શાસક તરીકે સરકારે અસંખ્ય યોજનાઓ શરૂ કરી દીધી. પહેલી મેએ અમદાવાદને રાજ્યસ્તરની ઉજવણી માટે પસંદ કરાયું હતું એટલે અમદાવાદ અને જિલ્લાની વિકાસ યોજનાઓના ઉદઘાટનોનો દોર બે દિવસ સુધી ચાલ્યો! સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત સુધી આ પ્રકારના કાર્યક્રમો થવા લાગ્યા છે. રૂપાણી-નીતિન પટેલ લગભગ બધે હાજર હોય છે અને કાર્યકર્તાને તેમાંથી પ્રચાર-જંગમાં સાબદા થવાનું ભાથું પૂરું પાડે છે.

કોંગ્રેસ અને ‘આપ’

જો કોંગ્રેસ હજુ સુધી અનિર્ણાયકતાનાં વમળોમાં અટવાયા કરતી હોય તો બીજા પક્ષોની હાલત શી હોય? શરૂઆતમાં એવું લાગતું હતું કે ‘આપ’ કાઠું કાઢશે. કેટલાંક આંદોલનો પણ થયાં. પછી એવી વાત આવી કે ‘આપ’ પંજાબની જેમ ગુજરાત પર વધુ લક્ષ રાખવા માગે છે. પરંતુ ખાટલે મોટી ખોટ કે નેતાઓની નાની સરખી ટીમ પણ તૈયાર થતી નથી! કનુભાઈ કલસરિયા મૂળ જનસંઘ-ભાજપમાંથી આવે છે. વડનગરના અપક્ષ ધારાસભ્ય ડો. વસંત પરીખના હાથ નીચે ઉછરેલા. પણ ડો. પરીખ તત્કાલિન રાજકારણમાં મુગ્ધતાપૂર્વક ગમે તેની સાથે પોતાને સામેલ ન થાય તેવી સાવધાની રાખતા હતા.

કનુભાઈએ મહુવા આંદોલન કર્યું ત્યાં સુધી બરાબર હતું પણ પછી ‘આપ’-કંપની ત્યાં દોડી ગઈ અને કલસરિયાને નેતા બનાવ્યા ત્યારે જ ‘આપ’ની ગુજરાતમાં હાલત સ્પષ્ટ થઈ ગઈ હતી. કનુભાઈ જેવા લોકો વ્યક્તિગત રીતે પોતાનો પ્રભાવ રાખી શકે, પણ કોઈ પક્ષમાં જોડાઈ જવાથી તેમનું રહ્યું સહ્યું નેતૃત્વ પણ સમાપ્ત થઈ જતું હોય છે.

કો’કના ખભા પર બંદૂક?

આવું જ પાટીદાર-ઓબીસી આંદોલનોનું થયું. શરૂઆતમાં જુવાળ તો હતો - તેમાંયે પોલીસે બળજબરી ન દાખવી હોત તો ત્યારે જ સુરસુરિયું થવાની શરૂઆત થઈ હોત, પણ આંદોલનના જે ‘નેતા’ઓ આવ્યા તે વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાથી આગળ ઉપર ઉઠીને યુવકોને બળવાન અને પ્રેરક નેતાગીરી પૂરી પાડવાની ક્ષમતા જ ધરાવતા નહોતા એટલે આંદોલનકારોના જ બે-પાંચ ચોકા ઊભા થયા, કોઈ ‘છોટે હાર્દિક’ તો વળી બીજા હાર્દિકના એક સમારંભમાં જઈને કેસ પણ નોંધી આવ્યો છે. યુવાનોને સ્પષ્ટ દેખાય છે કે આ તમામ નેતાઓ આપણા ખભા પર બંદૂક મૂકીને ફોડવા માગે છે.

અલબત્ત, ઠાકોર સેનાએ આમાં ચીલો ચાતર્યો અને ઠાકોર સમાજમાં દારૂનાં દૂષણ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું તે નોંધપાત્ર છે, પણ તેનું રાજકીય લક્ષ્ય ક્યારેક ઝગારા મારે છે. વળી સંપૂર્ણ ઓબીસીને એક બનાવીને તેનું નેતૃત્વ લઈ શકે તેવું કોઈ હવે દેખાતું નથી. બધાંના પોતપોતાનાં પ્રભાવક્ષેત્રો છે. કોંગ્રેસ પાસે એક સમયે માધવસિંહ – ઝીણાભાઈ – સનત મહેતાની ત્રિપૂટીએ ‘ખામ’ થિયરી પેદા કરીને ગુજરાતના રાજકારણને હલબલાવી મૂક્યું હતું, તેનાં પરિણામો પણ કોંગ્રેસને મળ્યા પણ પછી એવું થયું કે આ નેતાઓ વિશ્વામિત્રની જેમ મોં ફેરવતા થયા કે ના, ‘ખામ’ અમારું સંતાન નથી! એ સમયે કોંગ્રેસમાં ‘ઇન્દિરાજી કહે તો હું કૂવામાં કૂદી પડવા તૈયાર છું’ એવું કહેનારા સન્નિષ્ઠ કોંગ્રેસ નેતા રતુભાઈ અદાણીએ ખૂલ્લી રીતે ચેતવણી આપી હતી કે આ ‘ખામ’ થિયરી ગુજરાતમાં વિવિધ જાતિઓની વચ્ચે વૈમનસ્ય વધારશે. એમનું કોઈએ માન્યું નહીં અને રતુભાઈ સહિતના કેટલાક નેતાઓએ એક નવો ‘રાષ્ટ્રવાદી’ પક્ષ સ્થાપ્યો હતો. ગુજરાતમાં પ્રાદેશિક પક્ષોમાંના મોટાભાગના તદ્દન નિષ્ફળ ગયા તેમાં આ પક્ષ પણ હતો.

રાજકીય નકશાનો રંગ

ગુજરાતની આ રાજકીય પરિસ્થિતિ છે. ‘ટારગેટ-૧૫૦’ એ ઉત્તર પ્રદેશ પછીનો સીધો વ્યૂહાત્મક મુકાબલો છે. વડા પ્રધાનનો તો આ કાર્યપ્રદેશ છે, ‘હોમ સ્ટેટ’ છે, તો બીજી બાજુ ગુજરાતમાંથી ભાજપને કોઈ પણ ભોગે સમાપ્ત કરવામાં આવે તો જ નરેન્દ્ર મોદીનાં રાષ્ટ્રીય સ્તરે વળતા પાણી થાય એવું માનનારા પક્ષો - સંસ્થાઓની સંખ્યા ઓછી નથી. લગભગ બધા જ ભાજપવિરોધી પક્ષો, આરએસએસ-વિરોધી સંસ્થાઓ - સંગઠનો - સેક્યુલરોનો તેમાં સમાવેશ થાય છે.

૨૦૧૨ની વિધાનસભા ચૂંટણી થઈ ત્યારે મેં રાજકીય સમીક્ષા કરતું ‘ગુજરાત વિધાનસભાઃ ૨૦૧૨’ પુસ્તક લખ્યું હતું હમણાં કોઈ સંદર્ભ માટે તેનાં પાનાં ફરીવાર ઊથલાવવાનું થયું ત્યારે ખ્યાલ આવ્યો કે પાંચ વર્ષમાં રાજકીય તરાહ જ કેવી બદલાઈ ગઈ છે! ૨૦૧૭નાં ગુજરાતનો રાજકીય નકશો ભારતીય રાજકારણને ખાસ્સી અસર કરશે.


comments powered by Disqus