સરદાર, જૂનાગઢ અને સોમનાથ

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 29th October 2018 05:09 EDT
 
ખંડિત સોમનાથ મંદિરની મુલાકાતે સરદાર પટેલ
 

૩૧મી ઓક્ટોબરે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના લોકાર્પણ સમયે સરદાર વલ્લભભાઈનો જૂનાગઢ-મુક્તિનો અધ્યાય યાદ કરવા જેવો છે.

૧૪મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાની પોતાની ઇચ્છા જાહેર કરી! ૮૦ ટકા હિન્દુ પ્રજા ધરાવતું આ રાજ્ય પાકિસ્તાનમાં જોડાય તો અખંડિતતા પર જોખમ હતું. પ્રજાના આગેવાનો એકત્રિત થયા. મુંબઈમાં જૂનાગઢવાસીઓની બેઠક થઈ. જૂનાગઢના આગેવાનોએ પણ નવાબના નિર્ણય સામે વિરોધ વ્યક્ત કર્યો.

વી. પી. મેનન માણાવદરના નવાબને મળ્યા. માણાવદર ૧૦૪ માઇલનો નાનો નવાબી તાલુકો હતો. ત્યાંના ખાને પણ જૂનાગઢના પગલે પગલે પાકિસ્તાન સાથે માણાવદરને જોડવાની ઇચ્છા જાહેર કરી હતી. મેનનની સલાહ ખાને માની નહિ. માંગરોળના શેખે સ્ટેન્ડ બિલના કરાર પર સહી કરી આપી.

દરમિયાન જૂનાગઢમાં બહુમતી હિન્દુ પ્રજા પર ત્રાસ શરૂ થયો. લોકો હિજરત કરવા લાગ્યા. જૂનાગઢ તાબાનાં ૫૧ ગામ ધરાવતા બાબરિયાવાડના ગરાસદારોએ ખુલ્લો બળવો કરીને હિન્દી સંઘમાં જોડાવાની જાહેરાત કરી અને વિલયના કરારપત્ર પર સહી કરી આપી.

૧૩મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે કેપ્ટન બનેસિંહે રાજકોટના રેસિડેન્ટનો ચાર્જ સંભાળ્યો. એજન્સીનાં ત્રીજાથી પાંચમા વર્ગનાં તમામ રજવાડાં અને એજન્સીનાં બાર થાણાં આ રીતે હિન્દી સંઘ તળે આવી ગયાં, પણ જૂનાગઢનો સવાલ એવો ને એવો હતો. એણે બાબરિયાવાડ કબજે કરવા માટે પોતાનું દળ મોકલ્યું હતું. હિન્દી સરકારે આ પગલાંને પોતાના પરના આક્રમણ તરીકે ગણ્યું અને એની ગંભીર નોંધ લીધી. નેહરુને સમજાવીને સરદારે હિન્દી સંઘની લશ્કરી ટુકડીઓ બાબરિયાવાડના રક્ષણ માટે મોકલી આપી.

આ દરમિયાન પ્રજાકીય લડતને પણ વેગ મળ્યો. ૨૫ ઓગસ્ટે રાજકોટમાં ‘કાઠિયાવાડ રાજકીય પરિષદ’ મળી તેમાં એક ‘સંરક્ષણ સમિતિ’ નિયુક્ત કરવામાં આવી. ૨૫ સપ્ટેમ્બરે મુંબઈમાં માધવબાગ ખાતે મળેલી સૌરાષ્ટ્રવાસીઓની સભામાં ઢેબરભાઈ, દુર્લભજી ખેતાણી, નરેન્દ્ર નથવાણી, પુષ્પાબહેન મહેતા, ‘જન્મભૂમિ’ના તંત્રી અમૃતલાલ શેઠ, બળવંતરાય મહેતા, શામળદાસ ગાંધી વગેરેની જૂનાગઢની મુક્તિ માટે હાકલ કરી. ‘આરઝી હકૂમત’ સ્થપાઈ અને એના ‘સરનશીન’ શામળદાસ ગાંધી બન્યા. જૂનાગઢની કામચલાઉ સરકારના મુખ્ય પ્રધાન અને બીજા પ્રધાનોનું પ્રધાનમંડળ રચાયું. શામળદાસ ગાંધી અને બીજા નેતાઓ જૂનાગઢ તરફ નીકળવા રવાના થયા. મહમદ અલી ઝીણા અને મુસ્લિમ લીગના નેતાઓ જૂનાગઢ-બાંટવા વગેરે સ્થાનોએ જઈને હિન્દી સંઘ-વિરોધી વ્યૂહરચના ગોઠવી આવ્યા હતા.

રાજકોટમાં જૂનાગઢ રાજ્યની મિલકત સમાન ‘જૂનાગઢ હાઉસ’નો કબજો ૩૦મી સપ્ટેમ્બર ‘આરઝી હકૂમતે’ લીધો. યુવકોને સશસ્ત્ર તાલીમ અપાઈ, પોરબંદરની મેર, આયર, બાબરિયા વગેરે લડાયક કોમો ‘આરઝૂ હકૂમત’માં જોડાઈ અને કુતિયાણા, નવાગઢ, ગાધડકા, અમરાપર વગેરે મુખ્ય ગામો તેમજ બીજાં ૩૬ સ્થાનો પર કબજો મેળવ્યો. કુતિયાણામાં સામે થોડીક અથડામણ પણ થઈ, પણ એકંદરે ઝડપથી જૂનાગઢ, માણાવદર અને સરદારગઢ-બાંટવા વગેરેમાં હિન્દી સંઘમાં વિલય માટેનું વાતાવરણ સર્જાતું થયું. જૂનાગઢ રાજ્યનો પોલીસ કમિશનર નકવી પાકિસ્તાનની લશ્કરી મદદ માટે કરાંચી ગયો તે પાછો જ ન ફર્યો.

હિન્દી સંઘે ૨૨મી ઓક્ટોબર અને ૧૯મી નવેમ્બરે માણાવદર, માંગરોળ અને બાબરિયાવાડમાં બ્રિગેડિયર ગુરુબક્ષસિંઘની આગેવાની હેઠળ પોલીસ ટુકડીઓ મોકલી આપી એટલે આ સ્થાનોએ સોઢાણા-વડાણાના જે ‘સંધીઓ’ ત્રાસ વર્તાવી રહ્યા હતા તે પણ કાબૂમાં આવી ગયા. તકેદારીનાં પગલાં તરીકે પોરબંદર-માંગરોળના સમુદ્રકિનારે યુદ્ધનૌકાઓ પણ લંગારવવામાં આવી. વાતાવરણ તંગદિલી ભર્યું હતું અને ક્યારે શું બનશે એવી કલ્પનાથી હિન્દુ પ્રજા ફફડતી હતી.

જૂનાગઢના નવાબ ઓક્ટોબરની ૧૭મીએ કરાંચી ચાલ્યા ગયા એટલે પાછળ વહીવટ માટે દીવાન શાહનવાઝ ખાન ભૂતો રહ્યા હતા. છેવટે એણે પણ સૌરાષ્ટ્રના પ્રાદેશિક કમિશનર નીલમ બૂચને પત્ર લખીને જણાવ્યું કે ‘રાજ્યના અંદરના અને બહારનાં અનિષ્ટ તત્ત્વોથી પ્રજાને બચાવી લેવા માટે, નિર્દોષ લોકોને રક્તપાત તથા જાનમાલના જોખમથી ઉગારવા ભવિષ્યમાં પ્રજાની ઇચ્છા પ્રમાણે સમાધાન થાય તેવી આશાથી જૂનાગઢ રાજ્ય કાઉન્સિલ રાજ્યનો હવાલો હિન્દી સંઘને સોંપવા તૈયાર છે.’ ભૂતોએ આ પત્ર સાથે તારીખ ૭ નવેમ્બર ૧૯૪૭ના રોજ કાઉન્સિલના અંગ્રેજ સભ્ય કેપ્ટન હાર્વે જોન્સને રાજકોટ મોકલ્યો. ૯મીએ ફરી વાર એ રાજકોટ ગયો. આ વિનંતીની જાણ લોર્ડ માઉન્ટબેટનને પણ કરવામાં આવી અને કોંગ્રેસ નેતાઓને એક પત્ર લખવામાં આવ્યો. કરાંચીથી નવાબે આપેલી સૂચના પ્રમાણે આમ કરવામાં આવ્યું. પાકિસ્તાન સરકાર ત્યારે ચૂપચાપ ઘટનાપ્રવાહ તપાસી રહી હતી.

બૂચને પત્ર મળતાંવેંત તેમણે વડા પ્રધાનને દિલ્હી જાણ કરી. વી. પી. મેનને સરદાર પટેલની સાથે મસલત કર્યા બાદ જોડાણ-સ્વીકારપત્રનો મુસદ્દો તૈયાર કર્યો અને સૌરાષ્ટ્રના પ્રાદેશિક કમિશનર નીલમ બૂચને હિન્દી સરકાર વતી જૂનાગઢ રાજ્યનો વહીવટ સંભાળી લેવા સૂચના આપવામાં આવી. ૯ નવેમ્બરે સાંજે પાંચ વાગ્યે જૂનાગઢ-મુક્તિ જાહેર કરાઈ અને ભારતીય સૈન્યે આ પ્રદેશમાં પ્રવેશ કર્યો. એ દિવસે જ્યારે શ્રી બૂચ જૂનાગઢ પહોંચ્યા ત્યારે દીવાન શાહનવાઝ ખાન પણ કરાંચી ઊપડી ગયા હતા. રાજ્ય કાઉન્સિલના સેક્રેટરીએ શ્રી બૂચને રાજ્યનો વહીવટ સોંપ્યો અને પોલીસ અને સૈન્યની ટુકડીઓનાં શસ્ત્રો વગેરેનો કબજો સંભાળી લેવાયો. પાકિસ્તાન સરકારને જણાવવામાં આવ્યું કે રાજ્ય કાઉન્સિલની ઇચ્છા અને માગણી મુજબ જૂનાગઢનો વિલય હિન્દી સંઘ સાથે કરવામાં આવ્યો છે.

વી. પી. મેનન અને બીજા રાજકીય નિરીક્ષકોની માન્યતા એવી હતી કે જૂનાગઢના પ્રશ્ને હિન્દી સંઘને ભીંસમાં લઈ પાકિસ્તાન કાશ્મીર પ્રશ્નને પોતાની તરફેણમાં લઈ જવા માગતું હતું.

૧૩મી નવેમ્બર ૧૯૪૭ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ જૂનાગઢ આવ્યા. આરઝી હકૂમતનું કાર્ય પૂરું થયું હોઈ પ્રતીકરૂપે તલવાર શામળદાસ ગાંધીએ સરદારને અર્પણ કરી. બહાઉદ્દીન કોલેજના પટાંગણમાં જનમેદનીને સંબોધતાં ‘રક્તપાત વિના વિજય મેળવવા’ માટે પ્રજાને અભિનંદન આપ્યા. આ સભામાં પણ સરદારે પ્રજાને પ્રશ્ન કર્યોઃ ‘તમે હિન્દ સાથે જોડાશો કે પાકિસ્તાનની સાથે?’ જવાબમાં ‘હિન્દની સાથે’ શબ્દો દ્વારા પ્રજાએ સંમતિ આપી. ત્યાર બાદ સરદારે કહ્યું કે, ‘જૂનાગઢની પ્રજાનો અભિપ્રાય પણ આપણે વિધિસર મતદાન-પદ્ધતિથી લઈશું.’

એ જ દિવસે સરદાર વેરાવળ ગયા અને પ્રભાસ પાટણમાં સોમનાથ મહાદેવના મંદિરનો પુનરોદ્ધાર કરવાની ઘોષણા કરી. વિનાશથી નિર્માણનો સાંસ્કૃતિક સ્વર પ્રગટાવતાં સોમનાથનો જીર્ણોદ્ધાર એ સરદારનો ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’ હતો. ‘સેક્યુલરિઝમ’ શબ્દ તેમણે સંપૂર્ણ જીવનમાં ભાગ્યે જ વાપર્યો હતો!


comments powered by Disqus