સરદાર પ્રતિમાના સાંનિધ્યે દેશવ્યાપી સુરક્ષા અફસરોએ ચર્ચી સમસ્યા

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 07th January 2019 05:29 EST
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલી દેશના પોલીસ વડાઓની બેઠકને સંબોધતા વિષ્ણુ પંડ્યા 
 

સરદારના રાજકીય જીવનનો સૌથી પડકારયુક્ત સમય ૧૯૪૫થી ૧૯૫૦નો હતો. જેમાં વિભાજન, હિજરત, રાજ્યોનું વિલીનીકરણ અને કાયદો-વ્યવસ્થાની જાળવણી મુખ્ય રહ્યા તે વાત દેશવ્યાપી આંતરિક સુરક્ષાકર્મીઓ સમક્ષ પ્રસ્તુત થાય તે વર્તમાન સંજોગોમાં એકદમ ઉપયુક્ત હતું તેનો અનુભવ દેશના તમામ રાજ્યોના ડીજીપી (ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ) અને આઈજીપી (ઇન્સપેક્ટર જનરલ ઓફ પોલીસ) અધિકારી અને કેન્દ્રીય ગૃહ વિભાગના વરિષ્ઠ સચિવોને થયો - અને તે પણ ગુજરાતમાં, એકતા પ્રતિમા (સ્ટેચ્યુ ઓફ યુનિટી)ની નિશ્રામાં કેવડીયા કોલોની સભાગૃહમાં- તે નજરે ચડે તેવી રાષ્ટ્રીય ઘટના હતી. ડિસેમ્બરના અંતમાં બે દિવસ સુધી નર્મદા અને પૂર્વ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈની વિરાટ પ્રતિમા પાસેના ટેન્ટ સિટીમાં આ બેઠકો થઇ તેમાં વડા પ્રધાન, ગૃહ પ્રધાન, રાજ્ય સ્તરના કેન્દ્રીય ગૃહ પ્રધાનની દરેક બેઠકમાં ઉપસ્થિતિ રહી.

દેશને માટે મહત્વની સુરક્ષા સમસ્યા પર તેમાં પ્રસ્તુતિ થઇ, ચર્ચા પણ થઇ. સાયબર ક્રાઈમથી નક્સલ અને અલગાવવાદી સમસ્યા પર સજાગ અને સક્રિય તંત્રનો એજન્ડા રહ્યો. છેલ્લે દિવસે વડા પ્રધાન અને પ્રારંભે ગૃહ પ્રધાને મહત્વના મુદ્દા પર સરકાર અને સમાજના દૃષ્ટિકોણને સ્પષ્ટ કર્યો. વડા પ્રધાને કહ્યું કે વર્તમાનને વધુ પ્રભાવી તેમજ પરિણામકારી બનાવવા સરદાર વલ્લભભાઈનું જીવણ અને કર્મ બન્ને સહુથી અધિક પ્રેરક બનશે. સરદાર વિશે બે પેનેલિસ્ટ બોલ્યા તેમાં એક દિલ્હી ઉદ્યોગ ભવનના વરિષ્ઠ અધિકારી રાઘવેન્દ્ર નાથ હતા. બીજા વક્તા તરીકે આસામથી તામિલનાડુ સુધીના તમામ આંતરિક સુરક્ષા વડા સમક્ષ સરદારના ચાર મહત્વના કર્યો અને તેની મહત્તા વિષે મારે બોલવાનું થયું.

રસપ્રદ વાત એ હતી કે ભૂતકાળમાં વિપક્ષે અને હવે સત્તા પક્ષે સરદારની ઐતિહાસિક ભૂમિકાથી પ્રેરિત રહેલા પક્ષના વડા પ્રધાન સામે જ શ્રોતા તરીકે બેઠા હતા અને ધ્યાનથી સાંભળતા હતા! મેં કહ્યું કે સરદાર સાહેબનું સમગ્ર જીવન તો એક રાષ્ટ્રીય મહાકાવ્ય - નેશનલ એપિક - જેવું છે, પણ સમગ્રપણે જો વિશેષતા તારવવામાં આવે તો તે છે સરદારની રાષ્ટ્રનીતિ, રાજનીતિ અને કુટનીતિ. દેશ, રાજ્ય અને તેની નીતિની છબી સરદારમાં સ્પષ્ટ દેખાય છે, જરાય ધૂંધળી નહીં. તેમાંથી વર્તમાન અને ભવિષ્ય માટેની તમામ પ્રેરણા અને શક્તિ પ્રાપ્ત થશે. એક જ ક્ષણ વિચાર કરીએ કે ૧૯૪૭ ની ૧૫મી ઓગસ્ટે ભારતને ખંડિત સ્વાધીનતા મળી ત્યારે કાનુન વ્યવસ્થાની સ્થિતિ શું હતી?

વિભાજન, કોમી રમખાણો, હજારો - લાખો સંખ્યામાં હિજરત, નૃશંસ હત્યાઓ, અને ૫૬૫ દેશી રજવાડાંનું વિલીનીકરણ. આ બધા કલુષિત અને ભયાવહ વાતાવરણની વચ્ચે અલગાવની આંધીમાં ભારત ‘ભારત’ ના રહે તેવી સમ્પૂર્ણ સંભાવના હતી. તેની મુખ્ય જવાબદારી ગૃહ પ્રધાન વલ્લભભાઈ પર રહી, આમાંથી બચવા કોઈ અવતાર તો થવાનો નહોતો, માત્ર ભારતીય એકતા, અખંડિતતા, આઝાદીને સમ્પૂર્ણ સમર્પિત વ્યક્તિવિશેષ કોઈ રીતે કામ કરે અને કામ લેવડાવે, તે જનતામાં વિશ્વસનીયતા સાથે જોડાય અને તમામ વિપત્તિમાંથી રાષ્ટ્રને બચાવે તેવું સામર્થ્ય કોનું હતું? સરદારનું.

૪૫થી ૫૦ આ વર્ષો એટલે સ્વતંત્રતા પૂર્વેના અને પછીના પાંચ વર્ષો, ભારતને સરદાર સ્વરૂપે જનનાયક અર્પિત કરે છે. રાષ્ટ્ર માટે તેમણે શસ્ત્ર અને શાસ્ત્ર બન્નેનો ઉપયોગ કર્યો, એક જ દિશા હતી તેમની, ‘દેશ’ અને દેશ સિવાય કશું નહિ. તેણે માટે ચાર બાબતો પરનું તેમનું પ્રદાન. એક, ખંડિત ભારતની કલ્પના તેમણે કરી નહોતી, પણ કારમી વાસ્તવિકતાના પરિણામે એવું બન્યું તો તેમણે કહ્યું કે વિભાજન પછીના શેષ ભારતના વધુ ટુકડા ન થાય તે આપણો પ્રથમ એજન્ડા રહેવો જોઈએ. બીજી વાત તેના સંધાને ૫૬૫ રાજ્યોના ‘સફરજનની ટોપલી’ ના ફળ વિખેરાઈ ન જાય તે માટેનો અથાગ પુરુષાર્થ.

એ સમયે સરદાર ૭૨ વર્ષના યુવાન હતા. જ્યાં જે નીતિ અને વ્યૂહ અપનાવવા પડે તે અમલમાં મુક્યા. જૂનાગઢ માટે આરઝી હકુમત રચાઈ, હૈદરાબાદમાં પોલો ઓપરેશન થયું, કાશ્મીરમાં રાજવીએ ખતપત્ર પર સહી કરી તે જ ઘડીએ સૈન્ય મોકલ્યું. ત્રાવણકોર, જોધપુર, ઇન્દોર, ધોલપુર, ભરતપુર, બિલાસપુર, નાભા, મયુરગંજ, પટના, બામરા, નવા ગઢ, સોનપુરા, છત્તીસગઢ, કોલ્હાપુર, આક્લકોટ, સુધોલ, ફલ્ટન, સાવંતવાડી, ઔંધ, ભોર, સાંગલી, દંગ, રાજપીપળા, દેવગઢ બારીયા, છોટા ઉદેપુર, લુણાવાડા, બાલાસિનોર, ખંભાત, રાધનપુર, બુંદેલ ખંડ, રીવા,ગ્વાલિયર, ઇન્દોર, રતલામ, અલીરાજપુર, ઝાબુઆ, નરસિંહ ગઢ, પતિયાલા, નાભા, જીન્દ, ફરીદકોટ, અલવર, ભરતપુર, ઉદેપુર, જયપુર, ત્રિપુરા, મણિપુર, તેહરી ગઢવાલ, ખાસી પર્વતમાળા... આ થોડાંક નામો છે. કેટલાંક સ્વૈચ્છિક, કેટલાંક અવઢવ પછી, કેટલાંક અલગ મંડળમાં પ્રવૃત્ત... બધાને ભારતીય માનચિત્રમાં સમાવ્યા અને તેમની કદર તરીકે સાલિયાણાની બંધારણીય જોગવાઈ પણ કરી આપી હતી.

સરદારને સમજવા માટે તેમના પત્રવ્યવહારના ૧૦ ગ્રંથો મદદરૂપ બને તેવા છે. તેમાં ૮૭ પ્રકરણોમાં અંદાજે ૨૦૦૦ પત્રો તો આ વિલીનીકરણ અને અલગાવ સમસ્યા પર સરદારે લખ્યા અને લખાવ્યા છે. ત્રીજી મહત્તા સોમનાથના જિર્ણોદ્ધારની. તે કોઈ મંદિરમાત્રની પુન: પ્રતિષ્ઠા નહોતી, વિનાશથી નિર્માણની ભારતીય પરંપરાનો ઉદ્દઘોષ હતો. જુનાગઢ મુક્તિના દિપોત્સવે સરદારે સોમનાથ જઈને સંકલ્પ લીધો અને સ્યુડો સેક્યુલારિઝમની પરવા ના કરી. બીજા બે મહત્વના કર્યો એટલે બંધારણ નિર્માણમાં પ્રદાન અને પ્રશાસનિક સેવાનું નવનિર્માણ. આંબેડકર અને શ્યામાપ્રસાદને તેમણે પ્રધાનમંડળમાં આમંત્રિત કર્યા. ગાંધીહત્યામાં નિર્દોષ પુરવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા ‘દેશભક્ત’ છે, તેમને લાંબા સમય સુધી જેલોમાં રાખી શકાય નહીં તેવું સ્પષ્ટ મંતવ્ય નેહરુ પરના પત્રમાં દર્શાવ્યું...

આ હતી સરદારની કલ્પનાનું ભારત, નાગરિક જાગૃતિ સાથેની રાજકીય સજ્જતાના તેમના ઇતિહાસ બોધને વર્તમાન વડા પ્રધાન અને તેમની સરકાર અનુસરી રહી છે એટલે સરદારની પ્રેરણા અને આશીર્વાદ આપણી સાથે છે. આ વક્તવ્યને અનુરૂપ હરિવંશરાય બચ્ચનની એક હિન્દી કવિતા પણ મે સંભળાવી. બેઠક પછી દૂર-સુદુરના પોલીસ વડા અને સચિવોને મળવાનું થયું ત્યારે તેમના કર્તવ્ય સાથે સરદારના સંકલ્પનું સંધાન તેઓ અનુભવતા હતા.


comments powered by Disqus