સાધ્વી પ્રજ્ઞા પર વિના આરોપ મુકદમો, અને સાહિત્ય અકાદમી

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 03rd June 2015 06:11 EDT
 
 

માલેગાંવ પ્રકરણમાં ગુજરાતના સાધ્વી પ્રજ્ઞાને ૭-૮ વર્ષથી કોઈ જ આરોપ મૂકાયા વિના જેલમાં રાખ્યાં. તેમની પોતાની ફરિયાદ પ્રમાણે જેલમાં તેના પર ત્રાસ ગૂજારવામાં આવ્યો, ફરજિયાત ‘નોન-વેજીટેબલ’ ખાણું અપાયું, બિબીમારીમાં સારવાર ન કરાઈ અને હવે તો કેન્સરના રોગમાં પીડાઈ રહી છે... આજે પણ તે જીવન-મૃત્યુની વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં છે. એક કોર્ટથી બીજી કોર્ટ સુનાવણી ચાલે છે.

આ વિગતો મુંબઈથી એક ગુજરાતી વાચકે મોકલીને વધુમાં ઉમેર્યું કે સલમાન ખાનથી માંડીને જયલલિતા અને તિસ્તા સેતલવાડથી માંડીને કશ્મીરી આતંકવાદી વિશે ન્યાયાલયોમાં જે ચૂકાદાઓ આપવામાં આવે છે તેની સરખામણીમાં સાધ્વી પ્રજ્ઞા-કેસ વિશે શું કહેવું? શું તેમના માનવધિકારની ચીસ કોઈના કાને પડશે?

અમારા ગુજરાતમાં આજકાલ માનવાધિકારના સભા-સરઘસોની મૌસમ ચાલે છે. તેમને આતંકવાદવિરોધી કાયદો યોગ્ય લાગતો નથી. કેટલાંક તો તિસ્તા સેતલવાડ અને મેઘા પાટકરના બચાવમાં યે સામેલ છે. યોગેન્દ્ર યાદવને તેમના સભાસ્થાને બેઠક ભરવાની ના કોણે પાડી એ તો બહાર આવ્યું જ નથી. હજુ સુધી આ ખાનગી મિલકત છે એટલે તેને તાળું મારનારાઓને કારણ પૂછવું પડે, પણ તપાસ કર્યા વિના જ સીધેસીધું આરોપણ કરવું એ એક નાનકડા વર્ગની ખાસિયત છે.

હમણાં તેમને ગુજરાતી સાહિત્ય અકાદમી સ્વાયત્ત થવી જોઈએ એવો મુદ્દો મળી ગયો છે, તેને માટે મહા-સંમેલન બોલાવાઈ રહ્યું છે. ખરેખર તો આ ચળવળમાંના મોટા ભાગના ‘સાહિત્યકારો’એ અકાદમીના ખર્ચે પરિસંવાદોમાં ભાગ લઈને પુરસ્કારો મેળવ્યા છે. કેટલાક તો અકાદમીમાં નોકરી પણ કરતા હતા. બીજા કેટલાકે અકાદમીની સહાયથી પુસ્તકો છપાવ્યાં છે, તેમનાં સામયિકમાં લેખો લખ્યા છે. નિર્ણાયક સમિતિમાં રહીને વેતન લીધું છે. ખરેખર તો ‘સ્વાયત્તતા’ શબ્દ જ ભ્રામક છે. પણ માની લઈએ કે તેઓ ખરેખરી સ્વાયત્તતા માટે લડી રહ્યા છે તો પછી તેમની પ્રથમ ફરજ અત્યાર સુધીમાં અકાદમીમાંથી મેળવેલાં નાણાં પાછાં વાળવાં જોઈએ.

અકાદમીની પારાયણ

સુરેશ જોશીની ૩૦મીએ ૯૫મી જન્મજયંતી ઊજવાઈ ત્યારે આ મુદ્દાનો ગણગણાટ થયો. સુરેશ જોશી ગુજરાતી સાહિત્યમાં નવી આબોહવા સર્જનારા સર્જક-વિવેચક હતા. વડોદરાનિવાસી સુ.જો.નું નિબંધ, વિવેચન, કાવ્ય, નવલકથા, અનુવાદ અને સંપાદન ઉપરાંત શિક્ષણમાં યે મહત્ત્વનું પ્રદાન હતું. કેન્દ્રની સાહિત્ય અકાદમીએ તેમનું સન્માન કર્યું તે પાછું વાળેલું અને પત્રમાં જણાવ્યું કે છેવટે તો કોઈ પણ સંસ્થા તેના આયોજકો, તેનું તંત્ર, લેખક અને વાચકની વચ્ચેની આત્મીયતા વધારે તેવા હોવા જોઈએ.

સ્વાયત્તતા પણ એક રસિક દંતકથા છે! સરકારી અને બિનસરકારી સાહિત્યિક સંસ્થાઓ પોતાની રીતે ચાલતી આવી છે. માધવસિંહ સોલંકી અને ચીમનભાઈ પટેલે સાહિત્ય અકાદમીનું સ્વાયત્ત માળખું બનાવવા ‘દર્શક’ જેવા સાહિત્યકારને તેના પ્રમુખ નિયુક્ત કર્યા હતા. પણ તે સમયની અકાદમીએ કેટલાક પુસ્તક વિષયક નિર્ણયો મુખ્ય પ્રધાનને પૂછીને કરવાનું વલણ રાખ્યું હતું, જે ખુદ મુખ્ય પ્રધાન ઇચ્છતા નહોતા! વ્યક્તિગત લાગે તેમ છતાં આ મુદ્દે રસપ્રદ રહે તેવી એક ઘટનાનું મને સ્મરણ છે.

મારી ‘મુખ્યમંત્રી’ નવલકથાને ૧૯૮૯-૯૦માં અકાદમીએ પસંદ કરેલા નિર્ણાયક સાહિત્યકાર રામપ્રસાદ શુકલને નિર્ણય માટે મોકલી હતી. બીજી ઘણી નવલકથાઓની વચ્ચે તેમણે આ નવલકથાને શ્રેષ્ઠ ગણાવીને નિર્ણય મોકલ્યો તો તત્કાલીન અકાદમી-પ્રમુખ - જેમને અત્યારે સ્વાયત્તતાના ઝંડાધારી ગણાવાઈ રહ્યા છે તેમણે - બેઠક બોલાવીને કહ્યું કે આમાં તો (કારણ કે એ એક રાજકીય નવલકથા હતી અને તેમાં ૧૯૮૦ના દશકનાં ગુજરાતી ભૂમિકા હતી એટલે તે સમયનાં રાજકીય પાત્રો - તેમનાં નામ સિવાય - આલેખાયાં હતાં. તેમાંના એક ચીમનભાઈ પટેલ પણ હોય જ!) હાલના મુખ્ય પ્રધાનનું યે આલેખન છે. એ નવલકથાને પ્રથમ શ્રેષ્ઠ કેમ ગણાય? એટલે આ નવલકથા વાંચી જવા માટેની ફરી સમિતિ બનાવવામાં આવી! (આ હકીકત સમિતિના સભ્ય દિલીપ રાણપુરા અને નિર્ણાયક રામપ્રસાદ શુકલે મને કહી હતી.) એ સમિતિને ય લાગ્યું કે ઉત્તમ નવલકથા માટે આ બરાબર છે. હવે? મઝાની વાત એ થઈ કે ‘સ્વાયત્તતા’ની વાત બાજુ પર રહી અને પ્રમુખ સહિતના અકાદમીના વરિષ્ઠ સાહિત્યકારો ચીમનભાઈને મળવા ગયા.

ચીમનભાઈએ શું કહ્યું?

કહાણીનો આ ભાગ વધુ રસપ્રદ છે. સૌને સાંભળી લીધા પછી ચીમનભાઈએ પૂછયુંઃ ‘તમે બધાએ તો આ નવલકથા વાંચી હશે, નહીં?’ કેટલાકે હા પાડી, કેટલાકે મૌન રાખ્યું.

‘એમાં તમને વાંધાજનક શું લાગ્યું?’ બીજો પ્રશ્ન.

‘જ્યોર્જ ફિફ્થ હોલમાં તમારી સરકારનો સોગંદવિધિ વર્ણવાયો છે...’

ચીમનભાઈ હસ્યા. તેમણે પોતાના અંગત સચિવને બોલાવ્યાઃ પેલી નવલકથા આપોને, જરા...

સચિવ ‘મુખ્યમંત્રી’ નવલકથાનું પુસ્તક લાવ્યા.

ચીમનભાઈઃ ‘જુઓ, મેં ‘ગેટ ટુગેધર’ રાખ્યું હતું તેમાં લેખકે મને આ પુસ્તક ભેટ આપ્યું હતું...’

પછી ઉમેર્યુંઃ ‘હું તે વાંચી ગયો છું. રસપ્રદ છે. મને તો તેને પુરસ્કૃત કરવાના નિર્ણયમાં કશું ખોટું લાગતું નથી!’

છેવટે એ નવલકથા પુરસ્કૃત થઈ અને આ ‘સ્વાયત્ત-કથા’ને પાછળ મૂકતી ગઈ. ખુદ રાજકીય મુખ્ય પ્રધાન પેલા મૂર્ધન્ય સાહિત્યકારો કરતાં વેંત ઊંચા ‘સ્વાયત્ત’ સાબિત થયા હતા... આવું પણ બને છે!

અકાદમી, દિલ્હીમાં...

ઉમાશંકર જોશીને ગુજરાત સાહિત્ય અકાદમીએ ‘સારસ્વત એવોર્ડ’ આપવાનું જણાવ્યું અને તેમણે તે સાદર પાછો વાળતા એવો પત્ર લખ્યો કે કેન્દ્રમાં પંડિત જવાહરલાલ વગેરેને કારણે કેન્દ્રીય સાહિત્ય અકાદમી રચાઇ અને તેમાં પ્રમુખ અને સભ્યો ચૂંટાઇને આવે છે તેવી સ્વાયત્તતા ગુજરાતી સાહિત્ય અકાદમીને મળવી જોઇએ.

હવે આ કેન્દ્રની સાહિત્ય અકાદમીની વાત. ત્યાં ચૂંટાયેલા અને નિયુક્ત થયેલા સભ્યોનું યે મોટું રાજકારણ છે. તેવા કેટલાય ઉદાહરણો છે કે જેમાં યોગ્ય લેખકને પુરસ્કૃત કરાયા નથી. હિન્દી સાહિત્યનાં મહા-કવિ મહાદેવી વર્માએ તો સાફ સાફ કહેલું કે આ અકાદમીમાં ડાબેરીઓનો એવો જમાવડો છે કે અમારા જેવા ઘણાને પાછળ ધકેલી દીધા છે.

હમણાંનું એક ઉદાહરણ એવું છે કે તેના ‘પ્રમુખ’ તરીકે ચૂંટાયેલા કન્નડ સાહિત્યકાર શ્રી કારંથે, ૨૦૧૪ની ચૂંટણી પહેલાં, જાહેરમાં એવું વિધાન કર્યું હતું કે ‘જો નરેન્દ્ર મોદી વડા પ્રધાન થશે તો હું આ દેશમાં રહીશ નહીં!’ ચૂંટણી પછી કેટલાકે તેમને વિદેશ ચાલ્યા જવા માટેની વિમાન-ટિકિટ આપી તો માનવાધિકારવાદીઓ તેમના પર તૂટી પડ્યા કે જુઓ, જુઓ, કારંથ જેવાને વિદેશ ભગાડવાનું કાવતરું ચાલે છે!

એક બીજા નાટ્યકાર વિજય તેંડુલકર હતા. ‘સખારામ બાઇંડર’ નાટક તેમણે લખેલું. એક વાર તેમણે અખબારી પ્રતિનિધિ સમક્ષ કહ્યુંઃ ‘જો મારી પાસે પિસ્તોલ હોય તો હું પહેલવેલા નરેન્દ્ર મોદીને ઠાર કરીશ!’ ગુજરાતમાંથી અકાદમી-પુરસ્કૃત એક બીજા પ્રોફેસર ગણેશ દેવીએ પણ કહ્યું કે ‘મને પડોશી ગુજરાતીની સાથે વાત કરવાનું યે મન થતું નથી!’

આમ તો આવું બધું મોદીને વધુ જાણીતા બનાવે છે, પણ સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાનો મુદ્દો આવે ત્યારે એ સમજવું જોઈએ કે સ્વાયત્ત અકાદમી અને બીજી સંસ્થાઓમાં પ્રથમ સુધાર થવો જોઈએ તો ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાનું આંદોલન ખરેખર નૈતિક બળવાન હોઈ શકે.

બાકી તો બે-પાંચ લેખો, પાંચ-સાત આવેદનપત્રો અને એકાદવાર દેખાવ... આ બધાં ‘જનાંદોલનના કર્મકાંડ’ બની જાય છે... થોડા દિવસ અખબારોમાં ચમકશે ને પછી ભૂંસાઈ જશે!


comments powered by Disqus