સામાન્ય જિંદગીમાં અજવાસ પાથરતા અ-સામાન્ય પદ્મશ્રીઓ

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 04th April 2017 08:12 EDT
 
 

૩૦ માર્ચ, ૨૦૧૭ની સાંજ. રાષ્ટ્રપતિ ભવન, દિલ્હીના ભવ્ય દરબાર સભાખંડમાં વિશિષ્ટ મહાનુભાવો આવી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, અધ્યક્ષ સુમિત્રા મહાજન, લાલ કૃષ્ણ અડવાની, મુરલી મનોહર જોશી, ઉપરાષ્ટ્રપતિ અન્સારી, સ્મૃતિ ઈરાની.... અને દિલ્હીના મહાનુભાવો.

ડાબી તરફ પદ્મભૂષણ, વિભૂષણ સન્માન પ્રાપ્ત કરનારા વિશેષો છે. તેમાં શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં માનવવિકાસ સંસાધન ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર મુરલી મનોહર જોશી, આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન ક્ષેત્રે ખ્યાત ઉડીપી રામચંદ્ર રાવ, શ્રેષ્ઠ અધ્યક્ષની પ્રતિભા સર્જનાર સ્વ. પૂર્ણો સંગમાના પત્ની, શરદ પવાર, સ્વામી નિરંજનાનંદ સરસ્વતી, થાઈ દેશમાં અધ્યયન અધ્યાપન અને સંસ્કૃતિક ક્ષેત્રે અત્યંત મહત્વની ભૂમિકા ભજવનાર રાજ સુતા પરમ રાજકુમારી મહા ચક્રી સીરીથોન, ડો. ઉદવાડિયાની બેઠકો હતી. જમણી તરફ ૩૭ પદ્મશ્રીઓ અને મીડિયાકર્મીઓ.

...પછી આવ્યા મહામહિમ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી. સન્માનમાં બ્યુગલ વાગ્યું, રાષ્ટ્રગીતની તર્જ છેડાઈ. સહુએ ઉભા થઇને સન્માન વ્યક્ત કર્યું.

સન્માન પ્રાપ્તિની વિધિ સરળ છતાં ભવ્ય હતી. પ્રાપ્ત કરતા વચ્ચેની જાજમ પર આવી નમસ્કાર કરે અને દસ ડગલા આગળ વધીને રાષ્ટ્રપતિ સમક્ષ પહોંચે. રાષ્ટ્રપતિ તેમના પોષાક પર છાતી પાસે મેડલ પહેરાવે અને અભિનંદન આપે.

આ કાર્યક્રમમાં સામેલ ૩૦૦ જેટલા દર્શકો હતા. અને એક પછી એક સન્માન-પ્રાપ્ત મહાનુભાવો તાળીના ગડગડાટ સાથે પદ્મ અવોર્ડથી વિભૂષિત થઇ રહ્યા હતા.

ગુજરાતમાંથી પદ્મશ્રી પ્રાપ્ત કરનારા સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાય, ડો. વી. જી. પટેલ અને આ લેખક ઉપસ્થિત હતા, પણ મારે તમારી સમક્ષ જે વાત કરવી છે તે આ સમારંભની વિશેષતાની છે. હા, સાવ સામાન્ય ગણાયેલા લોકો પોતપોતાના ક્ષેત્રમાં કેવું ઐતિહાસિક પ્રદાન કરી શકે છે તેના ઉત્તમ ઉદાહરણો અહીં દેખાયા.

૩૦ માર્ચની બપોરે વડા પ્રધાનને મળવા ગયો હતો કેમ કે આ સદા-સક્રિય વડા પ્રધાનને રૂબરૂ મળવાનો ૨૦૧૪ પછી કોઈ સમય જ પેદા થયો નહોતો. સંસદ સત્ર ચાલુ હતું એટલે સુરક્ષા ચક્ર ભેદીને ૧૧.૪૫ સમયે સંસદમાં વડા પ્રધાન કાર્યાલયમાં પહોંચ્યો. ત્યાં મુલાકાતીઓની ઠીક ઠીક સંખ્યા હતી... પણ આ વ્યસ્તતાની વચ્ચે પણ મળાયું. બીજી ઘણી વાતોની સાથે આ પદ્મ સન્માનની વાત થઇ. અગાઉ તેમાં સંસદ સભ્યો કે પ્રધાનો ભલામણ કરે એ બધા ઉમેરાતા હતા એટલે સન્માનનો સાચો અભિગમ રહેતો નહોતો. આ વખતે ૪૭,૦૦૦ નોમિનેશન આવ્યા અને (મારા જેવા) કેટલાકે તેવું પણ કર્યું નહીં. તે બધાની યાદી સાથે એક સમિતિએ દેશભરમાં પોતાની રીતે પ્રવાસ કરીને માહિતી મેળવી, નામાંકનો વિશે ચર્ચા થઇ અને છેવટે આ પદ્મ સમ્માન માટેની યાદી તૈયાર થઇ.

વડા પ્રધાને કહ્યું કે આ એવા નામો છે જે ખરેખર અનસંગ હીરો છે. કેટલાકને તો પદ્મ સન્માન એટલે શું તેની યે ખબર નહોતી!

પદ્મ-સમારંભમાં એવા ઘણા ચહેરા હતા, અંતરિયાળ ગામડાઓમાં, અજાણ્યા જંગલો કે પર્વતોની તળેટીમાં, ઉપેક્ષિતોની વચ્ચે... સાવ નિસ્પૃહ ભાવે તેઓ વર્ષોથી કામ કરતા આવ્યા છે. આ કરીમુલ હક્ક. બંગાળના જલપાઈગુડી જિલ્લાના ગામડાઓમાં તે ‘બાઈક એમ્બ્યુલન્સ દાદા’ના નામે ઓળખાય છે. આરોગ્ય અને આધુનિક ચિકિત્સા વિશે જરીકેય જ્ઞાન નહોતું, પણ એક દિવસે તેને લાગ્યું કે દૂર સુધીની હોસ્પિટલોમાં બીમારોને પહોંચાડવાનું કામ મુશ્કેલ હતું. પોતે સુબ્માંપુર ચાના બગીચામાં મજુરી કરે છે. માંડ ૫૦૦૦ રૂપિયા કમાય છે, પણ બાઈક પર પીડિતોને હોસ્પિટલે, જે ઘણી દૂર છે, પહોંચાડવા હાજર થઇ જાય. એક વાર સાથી મજદૂર જીવવાની આશા છોડી ચૂક્યો હતો. તેને પોતાના શરીર સાથે બાંધીને બાઈક પર જિલ્લા હોસ્પિટલ લઇ ગયો ને પેલો બચી ગયો. બસ, ત્યારથી આ કરીમુલ આ કામ કરતો આવ્યો છે. હોસ્પિટલો ૪૭ કિલોમીટર દૂર છે. રાતના સમયે રસ્તામાં વાઘ, હાથી વગેરે વચ્ચે દેખાય, પેટ્રોલ પોતાના ખર્ચે ભરાવે અને બીમાર માણસને હોસ્પિટલે અચૂક પહોંચાડે. તેનો ફોન ક્યારેય બંધ નથી હોતો, જાણે એક મસીહા સુધી પહોંચવાનો તે દરવાજો જ છે! પદ્મ શ્રી સન્માન મેળવવા સાદાસીધા વસ્ત્રોમાં પચાસ વર્ષનો કરીમુલ રાષ્ટ્રપતિને નમસ્તે કરીને તેમના સુધી પહોંચ્યો ત્યારે વડા પ્રધાન સહિત તમામ દર્શકોએ તેને વધાવી લીધો!

... અને આ બસંતી બિષ્ટ? વનવાસી પોશાક અને અલંકારોથી સજ્જ બસંતી ૧૯૬૮માં ચમોલી ગઢવાલના સાવ ટપકા જેવડા લુઆની ગામમાં જન્મી ત્યારથી વારસામાં પરિભ્રમણ અને સંગીત મળ્યા. આ વિસ્તારનું એક ‘જાગર’ ભક્તિગીત છે તેની એકમાત્ર ગાયિકા. પણ સ્ત્રી હતી એટલે તેને સાર્વજનિક રીતે ગાવાની મનાઈ. સમાજમાં તેણે નીડરતાથી ચીલો ચાતર્યો. સરપંચ બની. સમ્પૂર્ણ ઉત્તરાખંડમાં ઘૂમી વળી. વિલુપ્ત થઇ ગયેલા ૫૦૦ લોકગીતોને જીવતાં કર્યા. ‘નંદા કે જાગર સુફલ હુવે જાયે તુમરી જાત્રા’ રચનાથી લોકો ઝૂમી ઉઠે છે. ભગવતી નંદાની લોકગાથા પરનું એ પ્રાચીન મહાકાવ્ય છે. તેનું કામ નવી પેઢીને સ્થાનિક સાંસ્કૃતિક વિરાસતથી સજ્જ કરવાનું છે. એકદમ સમ્પૂર્ણ ગઢવાલી લોક-નારીએ પૂરી શાનથી સન્માન મેળવ્યું તે પછી આધુનિક મહિલાઓ અને કન્યાઓ તેને ઘેરી વળી હતી. આવું સહજ સૌંદર્ય અને ઠાઠ તેમના સહુના મનમાં વસી ગયું અને સેલ્ફી માટે પડાપડી થઇ.

મિશેલ દાનિનો? હા. જન્મ ફ્રાન્સમાં પણ કર્મભૂમિ ભારત. ૪૦ વર્ષથી તે ભારતવાસી નાગરિક છે અને હૃદયથી પાંચ હજાર વર્ષીય ભારતીય, પહેલા શ્રી અરવિંદ આશ્રમ પછી અધ્યયનની રઝળપાટ. મધરના ૧૩ ખંડનો અનુવાદ કર્યો. ‘અ સ્ટડી ઓફ ધ આર્યન પ્રોબ્લેમ’ જેવું ફ્રેંચ ભાષામાં પણ પ્રકાશિત તેમનું સંશોધન અને પુસ્તક ભારતીય ઇતિહાસની ભૂમિકા પૂરી પડે છે. સરસ્વતી નદીનો તેનો અભ્યાસ ગ્રંથ પેન્ગ્વીન દ્વારા પ્રકાશિત થયો છે. ગુજરાતમાં પણ તેમણે ટેકનોલોજી સંસ્થાનમાં સેવા આપી હતી એટલે મેં તેમને પદ્મ શ્રી પ્રાપ્ત ગુજરાતી ગણાવ્યા તેથી આ સાદાસીધા પોશાકમાં આવેલા વિદ્વાન હસી પડ્યા!


comments powered by Disqus