સ્મારકો પણ જીવતો શ્વાસ લેતા હોય છે!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 11th September 2018 06:35 EDT
 
 

સ્મારકનો અર્થ જ, તેનાં અસ્તિત્વથી પ્રેરણા મેળવવાનો હોય છે. અતીતની સ્મૃતિનો વૈભવ આપણને વર્તમાનની ભોંય પરથી ભવિષ્યના મહા-પથ તરફ પ્રેરિત કરે તે ‘સ્મારક’ છે.

આવાં સ્મારકોની સૌરાષ્ટ્રમાં ક્યારેય ખોટ નથી રહી. કોઈ પણ ગામને પાદર જાઓ અને જટાજૂટ વડલા નીચેના પાળિયાને ઉકેલો એટલે સા-વ સામાન્ય માણસે દાખવેલાં ખમીર, ખુમારી અને બલિદાનની ગાથાઓ સાંભળવા મળશે. આ પ્રજાએ અનેક યુદ્ધો, આક્રમણો, આપત્તિઓના સાક્ષી બનીને, સક્રિયતાનો અંદાજ પૂરો પાડ્યો અને ઇતિહાસ રચ્યો છે.

જેવું વ્યક્તિનું સમર્પણ, એવું જ તેણે રચેલાં સાહિત્ય, શિલ્પ-સ્થાપત્ય અને ચિત્રો સહિતની કળાનું સર્જન છે. લોથલના ખંડિયેરો આપણને ૫૦૦૦ વર્ષ જૂની નગરરચના તરફ લઈ જાય છે, તો ભગવાન સોમનાથનાં જીર્ણ દેવાલયથી ઘૂમલીનાં ખંડિયેરો સુધી શિલ્પવૈભવ પડેલો છે.

સમય સર્વસ્પર્શી છે અને સમય સર્વનાશી છે એ ‘સમયનું સત્ય’ સ્વીકારીને ય મનુષ્ય સમાજ તેના ભૂતકાલીન ગૌરવને કોઈને કોઈ રીતે જાળવવા પ્રયાસ કરતો રહે છે તેમાંથી ‘સ્મારક’નો વિચાર આકાર પામ્યો.

સમજીએ સ્મારકોને

સૌરાષ્ટ્રનાં સ્મારકોને સમજવાની દૃષ્ટિએ બે પ્રકારમાં વિભાજિત કરી શકાય. એક, અતિ પ્રાચીન સ્મારકો, બીજા આધુનિક – છેલ્લાં ૨૦૦-૩૦૦ વર્ષનાં સ્મારકો. બન્નેનું મહત્ત્વ ઇતિહાસબોધની દૃષ્ટિએ અનિવાર્ય છે. પ્રાચીનતમ સ્મારકોમાં જે દેવાલયો છે એ કોઈને કોઈ રીતે જીર્ણોદ્ધાર દ્વારા, કે પછી યથાતથ જાળવવામાં આવ્યાં છે. સોમનાથનો જીર્ણોદ્ધાર થયો, ઘૂમલીનાં સ્થાપત્યમાં યથાતથ્ સ્વરૂપ છે. અશોકનો અને રુદ્રદામનનો શિલાલેખ, બન્ને જળવાયાં છે. પરંતુ એવા ઘણાં સ્થાનો છે, મહેલો છે, દેવાલયો છે, તળાવો છે, હવેલીઓ છે... જેને જોઈને માત્ર નિસાસો નાખવો પડે કે ‘ખંડહર બતા રહા હૈ, ઇમારત કિતની બુલંદથી!’

અને આ પણ તીર્થો

મારું અભ્યાસક્ષેત્ર ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં ગુજરાતનાં પ્રદાન પૂરતું સીમિત છે. સીમિત છતાં તેની કહાણી દીર્ઘ છે! ૧૮૭૫થી ૧૯૪૭ સુધીમાં સ-શસ્ત્ર અને નિઃશસ્ત્ર એમ બે પ્રકારના સંઘર્ષો ખેલાયા તેનાં સ્મારકો આપણી વચ્ચે છે? કેટલાં છે? કેવાંક જળવાયાં છે?

પોરબંદર નજીક વછોડા ગામના પાદરે દલિતવાસમાં ૧૮૫૭ સાથે સંકળાયેલા મૂળુ માણેક અને તેના પાંચ બહાદુર યોદ્ધાઓ (મેઘાણીએ તેમને પાંચ પાંડવ કહ્યા હતા)ના સ્મૃતિશેષ પાળિયા ઊભા છે. કોઈ પણ પ્રકારની સંભાળ નહીં, કોઈ શિલાલેખ નહીં, કોઈ પરિચયની સામગ્રી નહીં.

વનચરડા કે વછોડાના પાદરે ‘ના છાડિયા હથિયાર...’ના વીર નાયકો સૂતા છે, બીજો કોઈ દેશ કે સમાજ હોય તો ત્યાં ભવ્ય સ્મારક રચાયું હોત! અત્યારે તો વાઘેર કૂળના પરિવારો વરસે- દિવસે ત્યાં ‘માનતા-બાધા’ કરવા આવે છે એવું ત્યાંના ગ્રામવાસીએ જણાવ્યું હતું.

સ્વાતંત્ર્ય યુદ્ધો માત્ર પુસ્તકોમાં નહીં, ખુલ્લાં મેદાનોમાં લડાયાં હોય છે. કાલાવડથી આગળ માછરડાની ધાર પર વીર માણેકો બહાદૂરીપૂર્વક લડ્યા હતા ત્યાં કીર્તિ સ્તંભ તો છે, પણ કોનો? વાઘેર-માણેકો સામે લડેલા બ્રિટિશ ફોજના ભાડૂતી સૈનિક, અફસરો અને સિપાહીઓનો!! આવું જ દ્વારિકાના દરિયાકાંઠે છે, બ્રિટિશરોનાં સ્મારક, અને તેય આપણી છાતી પર – અમે તમારા પર શાસન કર્યું હતું, અમે તમને જીત્યા હતા - તેમ કહી રહ્યા છે.

કોણ હતો, છગન ખેરાજ?

એવાં તો ઘણાં નામો અને ઘટનાઓ છે. આરઝી હકુમતે જૂનાગઢ-માણાવદરને મુક્ત કર્યાં હતાં, કોઈ પ્રેરક અને ભવ્ય સ્મારક ખરું? ના. બહાઉદ્દીન કોલેજના મેદાનના એક ખૂણે સ્મારકની તખતી છે!

પોરબંદરથી, ગાંધીજીની પૂર્વે છગન ખેરાજ વર્મા કેનેડા પહોંચ્યો અને ‘ગદર’ સંઘર્ષમાં સામેલ થયો હતો. વિદેશોમાં ભારતીય સશસ્ત્ર ક્રાંતિનો એ પહેલો ગુજરાતી પત્રકાર! ‘ગદર’ ગુજરાતી અખબાર ૧૯૧૪માં ત્યાંથી પ્રકાશિત થયું હતું, તેનો તંત્રી હતો. સિંગાપુરમાં તેને ફાંસી આપવામાં આવી. ગુજરાતમાંથી સશસ્ત્ર જંગમાં કોઈને ફાંસી અપાઈ હોય એવો તે પહેલો (અને છેલ્લો) સૌરાષ્ટ્રવાસી હતો. આજે તો તેના કુટુંબના કોઈ સગડ મળતા નથી. પોરબંદરની કઈ ગલીમાં તેનું બાળપણ વીત્યું હતું, એની કોને ખબર? સૌરાષ્ટ્રમાં પત્રકારત્વનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ આ સ્મૃતિશેષ પત્રકારના જીવન-લેખનનું અધ્યયન કરવું - તેય સ્મારકનો જ પર્યાય છે ને? એટલું જ નહીં, પણ વિદેશોમાં ગુજરાતી પત્રકારત્વ જેવો મહત્ત્વનો મુદ્દો તેમાં કેન્દ્ર સ્થાને છે.

સુભાષપ્રેમી ગુજરાતીઓ

સૌરાષ્ટ્રમાં આઝાદ હિન્દ ફોજના સૈનિકોની કોઈ સ્મૃતિ છે? નથી. સરદારસિંહ રાણા જેવા તેજસ્વી ક્રાંતિકાર સુરેન્દ્રનગર જિલ્લાના કંથારિયામાં જનમ્યા હતા. પંડિત શ્યામજી કૃષ્ણવર્માનું ભવ્ય ક્રાંતિતીર્થ માંડવી, કચ્છમાં થયું. રાણા સાહેબના વારસદારો અને ચાહકોની સૌરાષ્ટ્રમાં કોઈ ખોટ નથી. કલાપીનાં જન્મ સ્થળની હાલત અસંતોષજનક નથી. ઝવેરચંદ મેઘાણીનાં બગસરા, બોટાદ, રાણપુર અને ચોટીલા - આ સ્થાનો પર પ્રેરણાનો કીર્તિસ્તંભ કેમ ના હોય? હમણાં થોડાંક વર્ષ પર રાજકોટમાં જ વિશ્વ ગુજરાતી સમાજનાં મહોત્સવમાં આવો ઠરાવ થયો અને આદરણીય મોરારિબાપુએ વ્યાખ્યાનમાં જ સ્મારકનિધિના શ્રીગણેશ કરી દીધા હતા! હવે તેની વિસ્તૃત યોજના બની છે.

પુરાતત્ત્વ વિભાગની સૂચનાપટ્ટિકાથી કેટલાંક સ્મારકોને ‘સુરક્ષિત’ તો ઠેરવાયાં છે પણ તેમાંના ઘણાની દશા સારી નથી હોતી. આમાં દોષ કોનો? ધૂમકેતુની એક વાર્તા છે - ‘વિનિપાત’. ગામનો વહીવટદાર અંગ્રેજ પોતાના દેશ પાછો ફરવાનો છે. તે શાસ્ત્રીજીને કહે છે, ‘વિદાયનું સ્મૃતિચિહન આપવું છે ને, તમારે? તો ગામના ગોંદરે પેલા અદભુત શિલ્પનો એકાદ ટૂકડો આપો. હું મારે ગામ જઈશ, ત્યાં ચોકમાં એક ઉદ્યાનમાં તેને સ્થાપિત કરીશ ને મારાં સંતાનો સહિત ગ્રામજનોને ગૌરવભેર બતાવીશ કે જુઓ, આ સુંદર કલાકૃતિ જે દેશની છે ત્યાં હું કામ કરતો હતો!’

ગામના લોકોને માટે જે નકામી ચીજ હતી, ઢોરઢાંખર ત્યાં ફરતા રહેતા, ભરવાડોને બેસવાની તે વસ્તુ હતી, તેમાંનું એક શિલ્પ! શાસ્ત્રીએ ઊંડો નિશ્વાસ નાખીને કહ્યુંઃ ‘લઈ જજે ભાઈ, અહીં તો તે ઉપેક્ષિત જ રહેશે. કોઈ મહત્ત્વ જ નથી તેનું. પડે છે ત્યારે સઘળું પડે છે!’

પ્રાણ જાગે છે...

સૌરાષ્ટ્રનાં ઘણાં ખરા સ્મારકો જોઈને આટલો અહેસાસ થાય તોયે આપણો પ્રાણ જાગતો છે એમ કહેવાશે. સમાજ અને સરકાર – બન્ને સક્રિય ન થાય તો આવાં સ્મારકો ઉપેક્ષિત રહેશે અને આપણામાં રહેલા ઇતિહાસબોધના અભાવની ચાડી ખાતાં રહેશે.


comments powered by Disqus