સ્વીસ બેંકનાં ૧૧૯૫ નામોમાં ડઝનબંધ ગુજરાતીઓ!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 11th February 2015 06:29 EST
 

મુંબઈનાં પત્રકારત્વે દાદાભાઈ નવરોજીથી હરીન્દ્ર દવે જેવા ઉત્તમ પત્રકારો આપ્યા. તેની બીજી બાજુ શબ્દોની ગોલંદાજી કરીને છવાઈ જનારા, નકારાત્મક અને નિરર્થક પત્રકારોની યે રહી - જેમનો તંત્રીલેખ એક દિવસે કોઈની બદનામી કરવામાં શૂરોપૂરો હોય તો બીજા દિવસે તેનું જ પૂજન-અર્ચન હોય! પત્રકારે ટેબલ પર કે ભીંત પર માથું અફળાવવાની કે શબ્દનાં છબછબિયાં કરવાની જરૂર નથી હોતી, ઘટનાની સોંસરવા જવાનું તેનું કાર્ય હોય છે. આ સંજોગોમાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’નું ઉદાહરણ નોંધવા જેવું છે. અરુણ શૌરી જેવા પત્રકાર અને ફ્રેન્ક મોરાઇસ, બી. જી. વર્ગિસ જેવા તંત્રીઓ તેણે આપ્યા હતા. હમણાં ફ્રાંસના લે મોન્દ અને ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ્ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ કોલોબરેશનના સંયુક્ત પ્રયાસથી સ્વીસ બેંકના ૧૧૯૫ ભારતીય નામો વિગતે શોધી કાઢવામાં આવ્યાં. તેમનાં ૨૫,૪૨૦ કરોડ રૂપિયા બેંકમાં પડ્યા છે. ૨૦૧૧માં ફ્રેન્ચ અધિકારીઓએ ભારત સરકારને માત્ર ૬૨૮ નામ આપેલાં, સંખ્યા તેનાથી ઘણી મોટી ઘણાય. ‘ગુજરાતીઓ’ પણ તેમાં છે જ. ચેતન મહેતા, ગોવિંદ કાકડિયા, કુણાલ શાહ, નીના ભદ્રશ્યામ કોઠારી (ધીરુભાઈ અંબાણીનાં પુત્રી), રિહાન હર્ષદ મહેતા, શૌનક પરિખ, મુકેશ અંબાણી, અનિલ અંબાણી, રવિચંદ્ર મહેતા, કનુભાઈ પટેલ, કુમુદચંદ્ર મહેતા, બળવંતકુમાર વાઘેલા, દિલીપ મહેતા, નટવરલાલ દેસાઈ, દિલીપ ઠક્કર, લલિતાબેન ચીમનભાઈ પટેલ, પ્રતાપ છગનલાલ જોઇસર, દેવાંશુ મહેતા, દીપેન્દુ બાપાલાલ શાહ, અર્શદ હુસેન જસદણવાલા, હરિશ શાંતિચંદ ઝવેરી, મિલન મહેતા, અતુલ ઠાકોરભાઈ પટેલ, શોભા ભરતકુમાર આશર... આ બધાં યાદીમાં છે. કેટલાકે ખુલાસો કર્યો કે અમે કાયદેસર રીતે જ નાણાં જમા કર્યા છે, કોઈ ગુનો કર્યો નથી.

એક્સપ્રેસ યાદીમાં નામાવલી તો ઘણી મોટી છે. તેમાં બિરલા - અંબાણી - બર્મન - નંદા - રાહેજા - કોઠારી ઉદ્યોગપતિઓ છે, હીરાના વેપારીઓમાં રસેલ મહેતા, અનુપ મહેતા, સૌનક પારેખ, ચેતન મહેતા, ગોવિંદ કાકડિયા અને કૃણાલ શાહ છે. રાજકારણીઓમાં યુપીએ કેન્દ્રીય પ્રધાન પ્રનીત કૌર, કોંગ્રેસ સાંસદ અન્નુ ટંડન, મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્ય પ્રધાન નારાયણ રાણેનો પરિવાર, પૂર્વ પ્રધાન વસંત સાઠેનો પરિવાર, બાળ ઠાકરેનાં પુત્રવધૂ સ્મિતા ઠાકરે છે. એનઆરઆઇમાં સ્વરાજ પૌલ, મનુ છાબરિયાનો પરિવાર, રાજેન્દ્ર રુઇયા, વિમલ રુઇયા, નરેશકુમાર ગોયલ વગેરેનાં નામો છે.

એક્સપ્રેસે ત્રણ પાનાં ભરીને આ અહેવાલ નવમી ફેબ્રુઆરીએ આપ્યો. ‘એક્સપ્રેસ’ના પત્રકાર રીતુ સરીને આ સંશોધન ટીમમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. તેને આ ઐતિહાસિક પત્રકારિતા માટે અભિનંદન આપવાં જોઈએ.

આનંદીબહેન સામે અફવાની આંધી

ગુજરાતી રાજકારણનો વાયરો બહુ તોફાની નથી અને સાવ શાંત પણ નથી. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલથી નીકળીને કેટલીક અફવાઓ રાજકીય પક્ષોના કાર્યાલય સુધી પહોંચે છે અને કેટલીક ચેનલો તેમાંથી ‘સ્ટોરી’ પણ બનાવીને દર્શકોની થાળીમાં ચોપાટીની ભેળ પીરસે છે. તે ચટપટી તો છે, પણ તેની સામગ્રીમાં શંકા નીપજે છે. આનંદીબહેનને જો પૂછો તો તે ક્યારેક હસતા ચહેરા સાથે કહેશે કે ના...રે ના... આ બધી તો અફવાઓ છે. પ્રધાનમંડળમાં મારા બધા સાથીઓ મનમેળથી જ કામ કરે છે. દિલ્હીમાં પણ ગુજરાત સરકાર પર ભારે ભરોસો છે.

અફવાની બજાર એવી છે કે આનંદીબહેનની જગ્યાએ બીજા કોઈ મુખ્ય પ્રધાન બનવાના છે. બહેનના અમેરિકા-પ્રવાસ વિશે એટલે જ પુનર્વિચાર કરાઈ રહ્યો છે. કેટલાક વળી એ વાતને તાજી કરાવે છે કે કેશુભાઈ પટેલ ૧૯૯૬માં વિદેશ પ્રવાસે ગયા ત્યારે જ ગુજરાત ભાજપમાં આગ લાગી હતી અને તખતો બદલવામાં નિમિત્ત બનેલો અસંતોષ ફાટી નીકળ્યો હતો. પણ અત્યારે એવી તો કોઈ પરિસ્થિતિ નથી. ધીમે ધીમે નિગમો - સમિતિઓમાં નેતા-કાર્યકર્તાઓને નિયુક્ત કરવાનું શરૂ થયું છે પછી અસંતોષ શાનો?

જોકે, છાને ખૂણે ખેડૂત આંદોલનો, વડોદરાના ધારાસભ્યોનો વિરોધ, હાંસોટનું રમખાણ વગેરે મુદ્દા આગળ ધરવામાં આવે છે, પણ તે કુનેહપૂર્વક શાંત પાડી દેવામાં આવ્યા છે. સંગઠન અને શાસન - એ બે વચ્ચેનો સંઘર્ષ કોંગ્રેસ-શૈલીમાંથી છેક ૧૯૬૦-૬૨માં જ પેદા થઈ ગયેલો. પક્ષપ્રમુખ ઠાકોરભાઈ દેસાઈ અને મુખ્ય પ્રધાન ડો. જીવરાજ મહેતાની વચ્ચેનો ગજગ્રાહ અંતિમે પહોંચ્યો હતો. ભાવિ મુખ્ય પ્રધાનો તરીકે જેમને ગણાવાયેલા તે બળવંતરાય મહેતાથી બાબુભાઈ જ. પટેલને ચૂંટણીમાં પક્ષે જ હરાવેલા એ બધી વાતો હવે તો ભૂતકાળ બની ગઈ છે. અત્યારે ભાજપમાં સંગઠન વિરુદ્ધ શાસન જેવી કોઈ સ્થિતિ પ્રવર્તતી નથી. આનંદીબહેનના નેતૃત્વમાં વાઇબ્રન્ટ પરિષદ, પ્રવાસી ભારતીય દિવસની ઊજવણી ધામધૂમથી ઉજવાઈ ગયાં તેની ગણતરી કરાઈ રહી છે.

એટલે અત્યારે તો ગાંધીનગરનો ‘સિનારિયો’ યથાતથ છે. રાજકારણમાં અફવાઓ આવે અને જાય છે. હા, દરેક ટોચના નેતાઓએ પોતાની આસપાસ ઝીણી નજર રાખવી પડે અને તે રીતે વ્યૂહરચના પણ ગોઠવવી પડે. આનંદીબહેન તેમાં નિષ્ણાત ન હોય તો જ નવાઈ!

સ્વાઈન ફ્લુનો પડછાયો

‘સ્વાઈન ફ્લુ’ એ મહમદ ગઝનવીનાં આક્રમણ જેવો ફફડાટ પેદા કરનારી બીમારી છે તેમાં ક્યાંક ‘સ્વાઇન’ તો હોતું નથી પણ સામાન્ય ખાંસી - શરદી - તાવનાં લક્ષણો ખતરનાક રીતે આગળ વધી જાય તો મામલો ગંભીર બને છે. અમદાવાદ - સુરત - કચ્છમાં એવા કિસ્સાઓ બન્યા અને કેટલાંક મોત પણ થયાં. આરોગ્ય પ્રધાને જાતે મુલાકાત લઈને તંત્રને સાબદું તો કર્યું, પણ આ રોગ એમ જલદીથી ઉકેલાઈ જાય એવો નથી. ‘ઈબોલા’ કરતાં અહીં ચિંતા ‘સ્વાઈન ફ્લુ’ની છે. તેનાં કારણો અને ઉપાયોની અજબ ચર્ચાઓ સાંભળવા મળે છે. એવું યે કહેવાયું કે આ વાયબ્રન્ટ - પ્રવાસી ભારતીય દિવસ વગેરેમાં મોટા પાયે દેશ-વિદેશોથી લોકો આવ્યા તે પણ નિમિત્ત હતું!

ખરી વાત એ છે કે ગુજરાતમાં રોગચાળા અગાઉ પણ આવ્યા અને સાવધાનીપૂર્વક નાબૂદ પણ કરાયા છે. આ વખતે આરોગ્યતંત્ર અમુક બાબતોમાં ઊણું ઉતર્યું હોય તેવી શંકા કેટલાકને જાય છે. આરોગ્ય પ્રત્યેની બેદરકારીમાં વધારો ન થવો જોઈએ અને પાણી - ખોરાક - હવાની તકેદારી રાખવી જોઈએ તેના વિશે સામાન્ય નાગરિકો જેટલો સાવધ થશે એટલો જ આ ગંભીર રોગનો ભય અને પડછાયો ઓછો થશે. આરોગ્ય ખાતું તેની જવાબદારીમાંથી છટકી શકે નહીં.

ઉત્સવનો માહૌલ

બુદ્ધિવંતોને પોંખવાની મૌસમ હમણાંથી વસંતની જેમ વહેતી રહી છે. વિશ્વ ગુજરાતી સમાજે લોર્ડ મેઘનાદ દેસાઈ અને ડો. (સ્વ.) ધીરુભાઈ ઠાકરને અનુક્રમે વિશ્વ પ્રતિભા તેમ જ ગુજરાત પ્રતિભા સન્માનથી નવાજ્યા. હમણાં સુરતમાં સુધા મૂર્તિ અને લોર્ડ ભીખુ પારેખનું વાજતે ગાજતે સન્માન થયું. ૨૬મી જાન્યુઆરીએ પોલીસચંદ્રકોમાં ગુજરાતના કેટલાક પોલીસકર્મી નવાજિત થયા તો પદ્મ-પુરસ્કારોમાં સર્વશ્રી ગુણવંત શાહ, ડો. તેજસ પટેલ, ડો. એચ. એલ. ત્રિવેદી અને તારક મહેતાની પસંદગી થઈ.

વર્ષો પછી ફાધર વાલેસની ‘ગુજરાતી’ સાંભળવા મળી. સરકારમાં બેઠેલા સચિવ - કવિ ભાગ્યેશ જ્હાનાં ત્રણ પુસ્તકોનો ‘શબ્દ-સ્વીકૃતિ’ સમારોહ થયો તેમાં મોરારિ બાપુ અને વિનોદ ભટ્ટ સાથે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ પણ વક્તવ્યમાં ખીલ્યા. રાજ્યપાલ ડો. ઓમ પ્રકાશ કોહલી છેક કચ્છમાં - માંડવીના ક્રાંતિતીર્થ-નાં દર્શન કરી આવ્યા. ઉપરાષ્ટ્રપતિ અન્સારીએ કચ્છના હસ્તકલા-લોકકલાને નવાજ્યા. ભૂજ પાસેનાં ભુજૌડી પહોંચ્યા. હવે ‘કચ્છ-વાયબ્રન્ટ’નો ઉત્સવ મોટા પાયે ઊજવવાની તૈયારી થઈ રહી છે. સર્જક રઘુવીર ચૌધરીને પંચોતેરમે સરસ રીતે પોંખવામાં આવ્યા. સીતાંશુ યશશ્ચંદ્ર અને સુમન શાહને ગુજરાત ગૌરવ સન્માન અપાયાં. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં અમદાવાદી સાહિત્યપ્રેમીઓ ઊમટ્યા. ત્યાં ગાંધી અને ગાંધીવાદી વિશે રસપ્રદ ચર્ચા પણ થઈ...

આ સન્માન અને ઉત્સવોની સાથોસાથ ગુજરાતભરમાં ‘લગ્નોત્સવ’ની યે ધૂમ મચી છે. એકલી વસંતપંચમીએ ૫૦૦૦ લગ્નો થયાં, આ દિવસોમાં ટેબલ પર લગ્ન પત્રિકાઓનો થોકડો થતો જાય છે તેમાં યે અવનવી તરાહ છે. સુરતમાં સવજીભાઈ વેકરિયાએ તો કુટુંબની ત્રણ દીકરીઓનાં લગ્ન નિમિત્તે ‘સપ્તપદી’ નામે એક સુંવાળું પુસ્તક જ કંકોતરીરૂપે મોકલ્યું છે. એવું મનાય છે કે પછી વચ્ચે લગ્ન ન થઈ શકે એવો સમય જ્યોતિષીની દૃષ્ટિએ આવી રહ્યો છે એટલે સહુ ઉતાવળા થયા. ‘પાર્ટી પ્લોટ’માં યે લાંબી યાદી પ્રતીક્ષાની છે, પણ આ તો ‘શિવાસ્તે સંતુ પંથાનઃ’ છે ભાઈ, તેમાં વળી અવરોધ થોડો ગણકારાય?


comments powered by Disqus