હા, કેનેડાના વડા પ્રધાને ગુજરાતની માફી માગીને પોતાની ઊંચાઈ વધારી દીધી!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 25th May 2016 07:59 EDT
 
 

કેનેડાના વડા પ્રધાને સંસદમાં સાર્વજનિક માફી માગીને જણાવ્યું કે છેક ૧૯૧૪માં ભારતીય મુસાફરોના ‘કોમાગાટા મારુ’ જહાજને સરકારે કનડગત કરી અને કોલકતાના સમુદ્રકિનારે આ જહાજ પર ગોળીબાર કરીને શીખ ભારતીયોને મારી નાખવામાં આવ્યા તે અનુચિત જુલમ હતો. આજે ૧૦૪ વર્ષે કેનેડા તેની માફી માગે છે.

કેનેડાના વડા પ્રધાને ચૂંટણી દરમિયાન આ ખાતરી આપી તે પાળી બતાવી છે તેના ધન્યવાદ પાઠવવા જોઈએ. આપણે ગુજરાતીઓ પણ તેમને અભિનંદીએ કેમ કે આ ‘કોમાગાટા મારુ’ જહાજ વેંકોવરમાં રોકવામાં આવ્યું ત્યારે ભૂખ્યાતરસ્યા મુસાફરો માટે અનાજ, પાણી અને બીજી વ્યવસ્થા ઉપરાંત કાનૂની જંગ માટે સમિતિ બનાવનારો એક ગુજરાતી હતો. સી. બી. પટેલે ‘જીવંત પંથ’ કોલમમાં તેનો નિર્દેશ કર્યો છે તે ‘ગદર’ ગુજરાતી અખબાર કેનેડાથી પ્રકાશિત કરનારો છગન ખેરાજ વર્મા ઊર્ફે ખેમચંદ દામજી ઉર્ફે હુસેન રહીમ પોરબંદરનો રઘુવંશી હતો!

વેંકોવરમાં સ્થળાંતરિતોનો કેસ લડીને તે જીત્યો અને સાન ફ્રાન્સિસ્કોમાં લાલા હરદયાળની સાથે તે જોડાયો. ચાર ભાષામાં પ્રકાશિત ‘ગદર’માં ગુજરાતી અખબારનો તે તંત્રી હતો. પછી સિંગાપુર જઈને ભારતીય સૈન્યમાં વિદ્રોહ કરવા માટે પકડાયો ત્યારે તેને ફાંસી અથવા તોપના ગોળે ઊડાવી દેવાયો હતો.

પણ વિદેશોમાં આ ગૌરવસ્થાનો?

ગદર ચળવળ ૨૦ વર્ષ સુધી લગાતાર ચાલી તેમાં વીસેક હજાર શીખ બહાદુરો વિદેશ અને દેશમાં ફાંસીના માચડે ચડ્યા, આંદામાનની જેલોમાં મર્યા, તોપના ગોળે દેવાયા. આમાં ગુજરાતીઓ પણ હતા. ૨૦૧૪માં ગદર-સંગ્રામની શતાબ્દી ભારતે ઊજવવી જોઈતી હતી, પણ ત્યાં - કેનેડામાં, સાન ફ્રાન્સિસ્કોમાં, વેંકોવરમાં કોઈ સ્મૃતિ-ઊજવણી થઈ કે નહીં? થોડાંક વર્ષો પૂર્વે હરદયાળના ગદર સ્મારક ‘યુગાંતર આશ્રમ’ વિશે અહીં આવેલા ગુજરાતી એનઆરજી સાથે વાત થઈ ત્યારે મેં તેમનું ધ્યાન દોર્યું હતું. દુર્ભાગ્યે છગન ખેરાજ વર્માના મહાન પ્રદાન વિશે કોઈને ખબર નથી!

અરે, અહીં ગુજરાતથી રંગેચંગે ‘ગુજરાત ઉત્સવો’ ત્યાં ઊજવાય છે પણ આવાં મહાન કાર્યનો નાનોસરખો કાર્યક્રમ પણ થતો નથી! બ્રિટિશ ગુજરાતી આગેવાનોને ય મારો આગ્રહ છે કે તમે ભલે ગાંધીજીની પ્રતિમા લગાવો, આંબેડકરનિવાસને સ્મારકમાં બદલાવવાથી રાજી થાઓ, ટાગોર અને બસવેશ્વરના સ્મૃતિ-ઉત્સવ ઊજવો... સરદાર ત્યાં ભણ્યા એ જગ્યાને ય યાદ રાખવી જોઈએ, પણ શ્યામજી કૃષ્ણવર્માનું ‘ઇન્ડિયા હાઉસ’ કેમ ભૂલી જવાય છે? પેન્ટોનવિલા જેલમાં શહીદ થયેલા મદનલાલ ધિંગરા અને કરતાર સિંહ સરાબાને યાદ કરવા જોઈએ કે નહીં? દાદાભાઈ નવરોજી જ્યાં રહેતા તે નિવાસ વિશે કંઈ થયું? શ્યામજીનું નિવાસસ્થાન રોઇટરનો સંવાદદાતા ત્યાં રહે છે તે પણ ઇચ્છે છે કે સ્મારક બને. ઇન્દુલાલ યાજ્ઞિક રણછોડદાસ લોટવાળાના ભવ્ય મકાનમાં રહેતા તેનું શું થયું? ગાય-દ-અલ્ડ્રેડ એક માત્ર અંગ્રેજ આઇરિશે ‘ઇન્ડિયન સોશ્યોલોજિસ્ટ’ સંભાળીને જેલવાસ સેવ્યો હતો તેનું કોઈ સ્મરણ ખરું? મેડમ કામા અને વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય ક્યાં રહેતા હતા? વડોદરાના મહારાજા આ બધાને ક્યાં મળ્યા હતા?

વિસ્મૃતિના અભિશાપથી બચવા માટે

આવા એક પછી એક સવાલો આપણી ‘વિસ્મૃતિના અભિશાપ’થી બચવા માટે કરવા પડે છે. રંગીલું ગુજરાત કરો, જરૂર કરો. કવિ - બારોટ - ગઢવીઓને બોલાવો, ભલે બોલાવો. મનોરંજક ભાષણો આપનારાઓને ય ભલે બોલાવો. સ્ટોલ ઊભા કરીને જરૂર ખર્ચની રકમ ઊભી કરો. નાટક, નૃત્ય, ગીત-સંગીત પણ રહો, પરંતુ આજે - આપણા આજના મોકળાશભર્યા દિવસો માટે - જીવ્યા અને મર્યા તેમનો સ્મરણોત્સવ થવો જોઈએ તો નવી પેઢીને ખબર પડશે કે કેવાં બલિદાનો પછી આઝાદી અને લોકશાહી મળ્યાં છે? શૈલેષ વારા, પ્રીતિ પટેલ, લોર્ડ ભીખુભાઈ પારેખ, લોર્ડ નવનીત ધોળકિયા, સાંસદ કીથ વાઝ, લોર્ડ રાજ લુમ્બા, વીરેન્દ્ર શર્મા, લંડનના નવા મેયર સાદિક ખાન, લોર્ડ કરણ બીલિમોરિયા અને બેશક, બ્રિટિશ-ગુજરાતનો સફળ અને સાહસિક અવાજ બનનાર સી. બી. પટેલ... હજુ બીજાં નામો ઉમેરી શકાય, પણ આ બધા ભારત-ગુજરાત માટેના પ્રતિનિધિઓ છે, ગૌરવવંતા ઇતિહાસને ખૂણેખાંચરેથી શોધીને ય જ્વલંત કરવો જોઈએ. આવું જ કેનેડાના ગુજરાતીઓ વિસ્મૃત ક્રાંતિ-પત્રકાર છગન ખેરાજ વર્મા માટે ય કરી શકે. તો ‘ચાલો ગુજરાત’ કે ‘રંગેચંગે ગુજરાત’ કે ‘વાયબ્રન્ટ ગુજરાત’ને વધુ સાર્થકતા સાંપડે.

તાપ-પરિતાપ સૂરજનો, રાજકારણનો

ગુજરાતના આ દિવસો ભારે તાપ-ઉત્તાપ-પરિતાપના છે. આટલી ગરમી? આ સવાલ ચારેતરફ અથડાવા લાગ્યો છે કેમ કે ગરમીનો પારો ૪૮-૪૯ સુધી તો પહોંચી ગયો! હવે? અરણ્યરુદન ચાલુ છે કે પર્યાવરણનો બચાવ ના કર્યો એટલે આવું થયું. ‘વિકાસ’નો વિસ્તાર ઝાડપાન, નદીનાળાં, તળાવને ય ખલાસ કરી નાખે ત્યારે તેવા વિકાસને ‘બ્રહ્મરાક્ષસ’ નામ આપવું પડે. વિકાસ નામે પૂણ્યવાન બ્રાહ્મણ ખરો, પણ શાંતિ - સંવાદ - તંદુરસ્તીને હરી લેતો રાક્ષસે ય ખરો! અમદાવાદ અને આસપાસ ઊભાં થયેલાં કોંક્રિટનાં જંગલોએ થોડાઘણાં હતાં તે ઝાડવાં તોડી પાડ્યાં ને બીજાં ઊગાડ્યાં નહીં! નિયમ હોવા છતાં નિયમ કી ઐસી તૈસી!

આ લેખકને અંગત અનુભવ છે કે હજુ ત્રીસેક વર્ષ પહેલાં અમદાવાદથી ગાંધીનગર જતાં રસ્તાની બન્ને બાજુએ ઘટાદાર આમ્રવૃક્ષો કાચી કેરીથી લચી પડતાં દેખાતાં. આજે તેમાંનું એક ઝાડ પણ સમ ખાવા પૂરતું રહ્યું નથી! અમદાવાદમાં તો વાહનો અને બહુમાળી મકાનોએ મિજાજ બદલાવી નાખ્યો છે. શું આ ‘સ્માર્ટ સિટી’ પર્યાવરણને જાળવશે? રામ જાણે! ગુજરાતમાં જે વન-વિસ્તાર હતો તેનો માંડ દસેક ટકા અસ્તિત્વમાં છે. પછી ગરમીનો હાહાકાર થાય કે નહીં? રોગચાળો મે’માન બને કે નહીં?

આવી ગરમીમાં રાજકીય ગરમાવો ના હોય એવું બને? એક દિવસે હું ગાંધીનગર હતો ત્યાં ટીવી ચેનલનો ફોન આવ્યોઃ ‘દિલ્હીમાં પરિવર્તન રંધાઈ ગયું છે. આનંદીબેન રાજીનામું આપવાનાં છે. તેમને પંજાબનાં રાજ્યપાલ બનાવવામાં આવી રહ્યા છે. અમિત-નીતિન મળ્યા અને આ નિર્ણય લેવાયો છે. તમારી ‘બાઈટ’ જોઈએ છે!!’ અફવા આગની જેમ બધે ફરી વળી.

મીડિયા તેમાંથી બાકાત રહે? અપવાદને બાદ કરતાં બધે સમાચાર - ચર્ચા ચાલ્યાં... દરમિયાન આનંદીબહેન કુંભમેળામાં ક્ષિપ્રા નદીમાં ‘સ્નાન’ કરી આવ્યા અને ત્યાં સુધીમાં તાલાળા (જેની કેસર કેરી વખણાય છે) વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારે કોંગ્રેસની પરંપરાગત બેઠક ‘આંચકી’ લીધી તે સમાચાર બન્યા. ઘીનાં ઠામમાં ઘી પડ્યું.

હવે બે વર્ષ પૂરાં થયાના ઉત્સવ શરૂ થયા. જોકે પીવાના પાણીની તંગીને નિવારવની પ્રાથમિકતા રાજ્ય સરકાર ભૂલી નથી ગઈ એ સારું થયું.

બે કલાકારોની વિદાય

ગુજરાતે આ દિવસોમાં દિવાળીબેન ભીલ અને પી. ખરસાણીને વિદાય આપી. ચાર ચોપડી ભણેલા દિવાળીબેન પાસે નરવો ગામઠી અવાજ હતો. તેમની નકલ આજ સુધી કોઈ ગાયક કરી શક્યો નથી. ‘મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે...’ તો દિવાળીબેનનું ખ્યાત ગીત! પદ્મશ્રી બન્યા, પણ છેલ્લે સુધી તેડાંગરની નોકરી કરતાં રહ્યાં. લંડનની ગુજરાતી કન્યાઓ - મીરા સલાટ અને પ્રીતિ વરસાણી તેમને મળવા છેક જૂનાણે પહોંચી હતી.

કલાકારની એક પેઢી બીજી પેઢીને તેનો હાથ આપે એ સ્વાભાવિક સંગત છે. ખરસાણી પણ જૂના જમાના સાથે બંધાયેલા અકબંધ હાસ્ય કલાકાર. એક પેઢી હવે વિદાય લઈ રહી છે. થોડા સમય પર ઉપેન્દ્ર ત્રિવેદી પણ ગયા. રાજકોટ આકાશવાણીમાં મારી એક મુલાકાત માટે જવાનું થયું ત્યારે હેમુ ગઢવી અને ગીજુભાઈ વ્યાસ યાદ આવ્યા. પ્રખર ભજનિક પ્રાણલાલ વ્યાસ પણ ના રહ્યા! એક યુગ વીતે છે અને બીજો આવે છે, તેના મધ્યાંતરે ઊભેલાઓને માટે બન્નેનો અંદાજ માણવાની તક મળતી રહે છે!


comments powered by Disqus