૨૦૧૭ની ચૂંટણી, મીડિયા અને અલગાવઃ ૨૦૧૮માં શું?

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 01st January 2018 07:52 EST
 
 

વર્ષ ૨૦૧૮નો સૂર્યોદય થઈ ચૂક્યો છે.

ગુજરાત હવે વીત્યા વર્ષના પડછાયાની સાથે, સમગ્ર ૨૦૧૮ના દિવસોના પગથિયાં ચઢશે. નરસિંહ મહેતાનું એક સરસ ભજન છે - ‘ઊંચી રે મેડી તે મારા સંતની રે...’ ત્યાં પહોંચવું સરળ નથી. સાર્વજનિક જીવનની મંઝિલ પણ એવી જ કપરી છે. તેને પાર પાડવા માટે શક્તિવાન નેતૃત્વ, સમર્પિત કર્તૃત્વ, નાગરિકની જાગૃતિ અને સિદ્ધિનો સંકલ્પઃ આટલાં વાના જોઈએ.

અમે રાજકીય વિશ્લેષકો મીડિયા પર છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાતના રાજકીય ચિત્રની તરેહવારની તસવીર દોરતા હતાં. ક્યાંક સાવ સપાટી પરનાં વિધાનો, ક્યાંક આછકલાઈ, ક્યાંક પક્ષપાત, તો વળી પૂર્વગ્રહઃ આવું બધું તેમાં ભેળસેળ બની જતું હતું.

ઘટનાઓ જ એવી હતી કે તેમાં ઊંડા ઉતરવાનો સમય બગાડવો કોને પોસાય? પણ ટીઆરપીની લાલચમાં મીડિયા કોઈના ધક્કા વિના આગળને આગળ ઠેલાતું જતું હતું તે રમૂજનો વિષય હતો. તેઓ બીજું કરે પણ શું? એંકરોએ ચહેરા પર શાણપણ દર્શાવીને - કંઈક નવું વિધાન કઢાવવાની કરામત સાથે - પ્રશ્નો પૂછવા પડે. કોઈક એંકર વળી જાતે જ વિશ્લેષક અને જાણકાર હોવાનો પ્રયાસ કરે અને પક્ષ-પ્રવક્તાઓ જાણે કે જાહેર સભા હોય તેમ ‘હું તમારા મંચ પરથી જનતાને જણાવવા માગું છું કે...’ એમ કહીને પ્રચાર શરૂ કરી દે (પ્રચાર તો શું, હું - અમે તારા કરતાં ચઢિયાતાં છીએ, એ જ) અને સામા પક્ષના કામોનો ઉકરડો ફંફોસતા રહે ત્યારે ટીવી તે બે ચહેરાને એક વિરુદ્ધ બીજો એમ દર્શાવવા માટે બન્નેની બાખડતી તસવીરોની વચ્ચે V/s એમ પણ લખે!

અને, રાજકીય વિશ્લેષકો? આ એક નવી ઓળખ (જાતિ કહી શકાય? આમેય ચૂંટણીમાં જાતિવાદ પૂરેપૂરો રંગમાં છે) હમણાંથી મીડિયામાં દેખાતી રહી છે. ગણ્યાગાંઠ્યા નામો હોય એટલે પ્રબંધકો ‘જે મળ્યા તે ઠીક’ એવું માનીને બેસાડી દે. મોટાભાગના ‘વિશ્લેષકો’ પોતાનું વિશ્લેષણ દર્શાવતા હોય તેવું લાગે. ‘હું માનું છું કે...’ ‘મારો મત છે કે...’ ‘હું સ્પષ્ટપણે માનું છું કે...’ ‘હું જાણું છું કે...’ ‘મારે જણાવવું છે...’ ‘મેં ફલાણા ભાઈ સાથે વાતચીત કરી તે મુજબ...’ ‘મારો અભ્યાસ દર્શાવે છે કે...’ ‘મેં અગાઉ કહ્યું હતું તે જ...’ ‘હું તેમની સાથે સંમત નથી કે...’ આ શબ્દાવલિ અચૂક કાને પડે. ભલા’દમી, દર્શકોને ‘તારું’ નહીં, પરિસ્થિતિનું વિશ્લેષણ જોઈએ છે!!

પક્ષ-પ્રવક્તાઓ આમ તો જે તે પક્ષના મીડિયા વિભાગે નક્કી કરીને મોકલ્યા હોય છે. તેમનું ‘વાણી-શૂર’ વર્તન બીજાને બોલવા ન દે અને બીજા કોઈ ટીકા કરે તે સહન ન કરે! ‘તમે ભાજપ તરફી વલણ ધરાવો છો’ અથવા ‘તમે કોંગ્રેસની તરફેણ કરો છો’ અથવા ‘તમે ખોટ્ટું બોલો છો’, ‘તમે જૂઠ્ઠા છો’ આવું પણ જણાવી દે. ચર્ચામાં ઊંડાણ અને સહિષ્ણુતાઃ બન્નેની ખાસ્સી ખોટ વર્તાય છે. પ્રાદેશિક કે રાષ્ટ્રીય ચેનલો પર આવી એક સરખી ખામી છે તે ચર્ચાને ફ્રી સ્ટાઈલ કુશ્તીમાં બદલાવી નાખે છે.

આ ચૂંટણીમાં સારા અનુભવો પણ થયા. કેન્દ્રમાંથી આવેલી જોયિતા બસુ એક સુપ્રતિષ્ઠ સામયિકની તંત્રી છે. પિંકી રાજપુરોહિત રાષ્ટ્રીય હિન્દી ચેનલની સંવાદદાતા છે. બ્રિજેશ કુમાર સિંહ અગાઉ ગુજરાતમાં એબીપી ચેનલ સંભાળતા, હવે ઝી-હિન્દુસ્તાનીના મુખ્ય ચાલક છે. વિજય ત્રિવેદી સહારા-સમયને સંભાળે છે. દક્ષિણ ભારતની ચેનલોના કેટલાક પ્રતિનિધિઓ અને બીબીસીનો યે અનુભવ થયો. તેઓ ગુજરાતને તરાશવા ઇચ્છતા હતા અને સંતુલિત તૈયારી સાથે આવતા હોય તેમ લાગ્યું. ઝી-હિન્દીના જાણીતા એંકર ચહેરાઓની સાથે પણ ચર્ચા થઈ. દૂરદર્શનની ટીમ અને અનુપમ શ્રીવાસ્તવ મળ્યા. નવાઈ લાગી કે અલ ઝઝીરાની સંવાદદાતા પણ ગુજરાત આવી, તેણે સમગ્ર ગુજરાતને સમજવા માટે એક કલાક વાતચીત કરી! બ્રિટિશ રાજદૂતાલયને પણ ચૂંટણી-પ્રવાહો વિશે જાણવું હતું.

એકંદરે ચૂંટણીનું રાજકારણ એ ૨૦૧૭ના છેલ્લા મહિનાઓની ચિત્રવિચિત્ર બક્ષીસ રહી! ૨૬ ડિસેમ્બરે ૯૯ ધારાસભ્યોની સાથે શપથવિધિ થયો તેમાં ભાજપની જીતના પુનરાવર્તનની સાથોસાથ મુખ્ય પ્રધાનપદે પણ પુનરાવર્તન રહ્યું. વિજય રૂપાણીએ પાછલા દિવસોમાં - નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને સાથે રાખીને - શાસન ચલાવ્યું હતું તે આગળ ધપાવવાનું મોવડીમંડળે નક્કી કર્યું હશે. સોગંદવિધિ સમારંભમાં કોંગ્રેસને બાદ કરતાં બધાની હાજરી દેખાઈ. ધર્મગુરુઓની મોટી ફોજ મંચ પર ઉપસ્થિત હતી પછી આશીર્વાદની ઊણપ ક્યાંથી રહે?

શંકરસિંહ – કેશુભાઈ – નરેન્દ્ર મોદીને મંચ પર એકબીજાની સાથે વાતચીત કરતાં જોઈને ઘણાને ૧૯૬૭થી ૧૯૯૫ સુધીનાં વર્ષોનું સ્મરણ થઈ આવ્યું હશે... ભાજપનાં ૨૨ વર્ષની રણનીતિના આ સૂત્રધારો હતા એવું રાજકીય ઇતિહાસમાં નોંધાઈ ચૂક્યું છે. ભવિષ્યે, એવી બીજી ત્રિપુટીઓ મળશે. ખાતાં-વહેંચણીમાં નીતિન પટેલને ‘થોડું’ ખોટું લાગ્યું, પણ મામલો જલદીથી આટોપી લેવાયો. એ પણ સારું થયું કે સૌરભ દલાલે નાણા ખાતું પાછું આપી દેવામાં એક મિનિટનો યે વિલંબ ન કર્યો. હવે વિજય-નીતિનની જુગલબંદી, કોઈ પણ પરિબળોમાં ફસાયા સિવાય, આગેકદમ કરશે તે ૨૦૧૮નું રાજકીય નસીબ રહેશે.

૨૦૧૭નાં ગંભીર સંકેત ૨૦૧૮માં વધુ ગંભીર બનશે? એવું લાગે તો છે. ગુજરાત કોંગ્રેસે બે કાખઘોડીનો સહારો લીધો તે - પાટીદાર આંદોલનનો હાર્દિક અને ઓબીસીનો અલ્પેશ – બન્ને આંદોલનમાંથી નિપજેલા નેતાઓ છે. અલ્પેશ તો હવે કોંગ્રેસ-નેતા છે (જોકે બીજા સિનિયર કોંગ્રેસ નેતાઓને તે પસંદ ન પડે સાવ સ્વાભાવિક છે.) રાહુલ ગાંધીની સાથે મંચ પર જે રીતે ઝૂમતા હતા, ઘણાને ભાવિ નાયબ મુખ્ય પ્રધાનની સંભાવના લાગતી હતી. પણ એ તો ભેંસ ભાગોળે, છાશ છાગોળે ને ઘેર ધમાધમ! ગુજરાતી મતદારે ગણતરીપૂર્વક – કેલ્ક્યુલેટિવ – ખેલ પાડ્યો છે; ભાજપ વધુ સાવધ અને સક્રિય બને, કોંગ્રેસ તેની ખામીઓ દૂર કરે... બે બોધપાઠ આપી દીધા છે.

વડગામમાં કોંગ્રેસના ટેકાથી જીતેલા જિગ્નેશનું ‘દલિત નેતાગીરી’નું સપનું છે. સ્વાધીન ભારતમાં કોઈ વિશેષ સમુહ કે ટોળાંની નેતાગીરી નવી નવાઈની વાત નથી. કે-ટ-લા બધા દલિત નેતાઓ થયા! બધાએ ‘રણઘોષ’ ફૂંક્યો હતો, ગર્જનાઓ કરી હતી, આંબેડકરનું નામ લીધા કર્યું હતું... માયાવતી, કાશીરામ, પ્રકાશ આંબેડકર, આ તો હોઠે ચડ્યાં નામો. આવા બીજા ઘણાં. કોઈ રિપબ્લિકન પાર્ટીના, કોઈ દલિત સંઘના. કોઈ વળી ‘દલિત-મુસ્લિમ મંચ’ના. જિગ્નેશને ઊના ઘટનાએ આગળ વધાર્યો, જોકે સમગ્ર દલિત સમાજ તેની સાથે નહોતો. ડાબેરી અને સેક્યુલર બૌદ્ધિકો તેની વાકછટાથી અંજાઈને તેને ગુજરાતના રાજકીય-સામાજિક આંદોલનનો મહાન ઊભરતો નેતા ગણાવી રહ્યા છે. તેની જીત અને ‘ફાંસીવાદી પરિબળો’ને હરાવવા માટે કર્મશીલ બૌદ્ધિકોએ એક જાહેર અપીલ પણ બહાર પાડી હતી. જિગ્નેશ કહે છે કે ‘હું હિન્દુ રાષ્ટ્ર બનવા નહીં દઉં. ભાજપને ઉખાડી નાખીશ.’

હમણાં પૂનામાં એક ઉજવણી થઈ. ૨૦૦ વર્ષ પહેલાં અંગ્રેજો-પેશ્વાઓનું યુદ્ધ થયું તેમાં અંગ્રેજો જીત્યા હતા. અંગ્રેજોની ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં દલિત સૈનિકો હતા. ‘ભીમ કોરેગાંવ’ નામે આ ઘટના દલિતો માટે સવર્ણોની ખિલાફનું નિમિત્ત છે. તેની ઉજવણીમાં જિગ્નેશે કહ્યું (૩૦ ડિસેમ્બર, ૨૦૧૭) ‘ભાજપા નવી પેશવાઈના પ્રતિનિધિઓ છે. આપણે દલિતોએ તેમની સામે મેદાનમાં લડવાનું છે... સડકોં કી લડાઈસે ક્રાંતિ લાના હૈ... માત્ર બે ટકા લોકો જ શાસન કરે છે, ૯૮ ટકા આંદોલકો છે. આ બ્રાહ્મણવાદીઓ અને મૂડીવાદીઓને પરાસ્ત કરવા છે. તેની શરૂઆત ગુજરાતમાં થઈ ચૂકી છે. અમે ભાજપને ૯૯ના આંકડા સુધી મર્યાદિત કરી દીધો છે. આગામી ચૂંટણીઓમાં ગમે તે જીતે, ભાજપ હારવો જોઈએ. ‘જય ભીમ’ કે ‘લાલ સલામ’ના નારા લગાવનારા આ મેદાનના જંગમાંથી પ્રેરણા લે અને સંઘ-ભાજપાની સામે લડે.’

જેએનયુનો આરોપી ઉમર ખાલિદ પણ બોલ્યો. ઓલ ઇન્ડિયા પર્સનલ લો બોર્ડના અબ્દુલ હમીદ અઝારી પણ બોલ્યો. અંગ્રેજોએ ઊભા કરેલા પોતાની સેનાના મરેલા ‘દલિત સૈનિકો’ના કીર્તિસ્તંભે બધાએ કૂચ કરી અને ઉજવણી કરી.

જિગ્નેશ વત્તા જેએનયુ વત્તા ડાબોરીઓઃ આ સમીકરણ ૨૦૧૭ના ચૂંટણી જંગનો ન દેખાતો પડછાયો છે.


comments powered by Disqus