૨૦૧૯ની ચૂંટણીમાં ‘મહાગઠબંધન’નો પ્રયોગ હાસ્યાસ્પદ સાબિત થશે?

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 15th January 2019 05:10 EST
 
લખનઉમાં ૧૨ જાન્યુઆરીએ સંયુક્ત પત્રકાર પરિષદમાં ઉત્તર પ્રદેશમાં ચૂંટણી જોડાણની જાહેરાત કરતાબહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ
 

હિન્દુસ્તાની લોકશાહીની સૌથી વિચિત્ર – પણ દૂર ન થઈ શકે તેવી માયા - રાજકીય પક્ષોની સંખ્યાની છે. બંધારણ રચાયું ત્યારે પણ ભારતમાં ૨૦૦ જેટલા પક્ષો હતા. એવું નથી કે આઝાદી પછી જ આવું બન્યું છે. પૂર્વે પણ પક્ષો તો હતા જ. કોંગ્રેસ, મુસ્લિમ લીગ, હિન્દુ મહાસભા, રામરાજ્ય પરિષદ, રિપબ્લિકન વગેરે તેમાં મુખ્ય, પણ પછી ફાંટા પડતા ગયા તે આજ ’દિ સુધી ચાલ્યા કરે છે!

કોંગ્રેસમાંથી પહેલું સમાજવાદી જૂથ નીકળ્યું પછી - અત્યાર સુધીમાં - કોંગ્રેસમાંથી અલગ પડેલી ૨૭ કોંગ્રેસો છે! કેટલીક પાછી મૂળ કોંગ્રેસમાં ભળી ગઈ, પણ બીજી ઘણી અલગ અસ્તિત્વ ધરાવે છે. ‘કોંગ્રેસ’ નામધારણ મહત્ત્વનું રહ્યું. કર્ણાટકમાં બંગરપ્પા કોંગ્રેસ હતી, યાદ છે? કેરળની પોતાની એક નહીં, બે નહીં, ત્રણ કોંગ્રેસ છે. બંગાળ તેમાં પાછું પડે તેમ નથીઃ મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ તો ખરી જ, બીજી એક ‘બાંગ્લા કોંગ્રેસ’ પણ છે. ‘વિદેશી’ છાપવાળો કોઈ નાગરિક વડા પ્રધાન ન બની શકે એવા મુદ્દે ઇન્દિરા કોંગ્રેસમાંથી શરદ પવારે છૂટ્ટા પડીને એનસીપી યાને નેશનલ કોંગ્રેસ પાર્ટી ઊભી કરી હતી, હવે તે રાહુલ ગાંધી જેના પ્રમુખ છે તેની સાથે હાથ મિલાવવા તત્પર છે.

ગુજરાતમાં રતુભાઈ અદાણીએ એક અલગ કોંગ્રેસની સ્થાપના કરી હતી, આજે ન તો તેનું પાટિયું છે, ન ઓફિસ. ૧૯૬૭ પછી કોંગ્રેસનાં બે મુખ્ય ફાડયાં થયાં અને એકમાં ઇન્દિરાજી સુકાની બન્યાં, બીજી ‘સિન્ડિકેટ’ કે ‘સંસ્થા કોંગ્રેસ’ના નામે અસ્તિત્વમાં રહી, તેણે ૧૯૭૭માં જનતા પક્ષમાં વિલીનીકરણ કર્યું હતું. એક ‘જનતા પક્ષ’ તો એવો છે કે તેમાં પ્રમુખ સિવાય બીજું કોઈ હતું જ નહીં, તે સુબ્રમણ્યમ સ્વામીનો. (હવે તેઓશ્રી ભાજપમાં છે).

કોણ અસલી-નકલી?

૧૯૬૭ પછી ગજગ્રાહ રહ્યો હતો કે ‘અસલી કોંગ્રેસ’ કઈ? હિતેન્દ્ર દેસાઈ પહેલા સંસ્થા કોંગ્રેસને ‘અસલી’ માનતા હતા, પછી ઇન્દિરા કોંગ્રેસને ‘અસલી’ ગણાવી હતી! એવું નથી કે કોંગ્રેસની જ આ સ્થિતિ છે. ‘જનતા પક્ષ’ એક વાર ૧૯૭૭માં કેન્દ્રમાં સત્તા પર આવ્યો તે પછી ‘જનતા’ નામ ધરાવતા વીસેક રાજકીય પક્ષો બન્યા.

‘સમાજવાદ’ છોગાં સાથે ૧૨ પક્ષો છે. ‘રિપબ્લિકન’ એક નથી, ત્રણ છે. શિવ સેના પણ એક જ નથી. મુસ્લિમ લીગના અલગ-અલગ સાત ફાંટા છે. હજુ થોડા સમય પહેલાં સુધી બલરાજ મધોકનો જનસંઘ અલગ રીતે કામ કરતો હતો. કાશ્મીરમાં નેશનલ ફ્રન્ટની આવી જ હાલત છે. ફોરવર્ડ બ્લોક પણ બે છે. અસમ ગણ પરિષદ (એજીપી) કેમ બાકાત રહે? એવું જ ગુરખા લીગનું છે. કેટલાક પક્ષો ‘દલિત’, ‘દલિત મઝદૂર’, ‘દલિત મુસ્લિમ’, ‘આમરા બેંગાલી’, ‘જગજીવનરામ’, ‘કામરાજ’, ‘લોહિયા’, ‘આદિવાસી’, ‘ક્રાંતિકારી’ વગેરે નામો સાથે પણ રાજકીય પક્ષો અસ્તિત્વ ધરાવે છે અને કુલ સંખ્યા ૨૭૦૦ જેટલી થવા જાય છે. ચૂંટણી પંચના ચોપડે નોંધાયા હોય અને રજિસ્ટ્રેશન ન થયું હોય, બધા તેમાં આવી જાય છે.

આ ભૂમિકા એટલા માટે આપી કે ૨૦૧૯ની ચૂંટણી આવી રહી છે ત્યારે આ પક્ષો કોઈને કોઈની સાથે ગઠબંધન કરશે, સમજૂતીનો મુસદ્દો તૈયાર થશે. આમ તો બે મુખ્ય પક્ષો - કોંગ્રેસ અને ભાજપ – છે, બન્નેનાં જોડાણ ‘યુપીએ’ તેમજ ‘એનડીએ’ છે. કેટલાક પક્ષો બન્નેમાં દાવ અજમાવતા રહ્યા છે. એક સમયે મમતા અને જયલલિતા એનડીએમાં હતા. કોઈક સમયે બસપાના માયાવતીએ ભાજપની સાથે રહેવાનું નક્કી કર્યું હતું. એજીપી પણ સામેલ હતી. નીતિશ કુમાર અને શરદ યાદવનો પક્ષ એક હતો, હવે નથી.

કારણનું કારણ!

પણ, ૨૦૧૯ની ચૂંટણીમાં ભલે પોતપોતાના ચૂંટણી ઢંઢેરા, નીતિ અને સિદ્ધાંતો, કાર્યક્રમો રહે, મૂળ એજન્ડા એક જ હોય તેવા રાજકીય પક્ષોનો ખેલ જોવા જેવો છે. મમતાને ભાજપ જોઈતો નથી, ચંદ્રાબાબુ તો ‘હોઉં તો હોઉં’ એવા વડા પ્રધાનપદના ખ્યાલ સાથે તેલુગુ દેશમને ભાજપ-વિરોધી જ નહીં, કોંગ્રેસ સાથે જોડાવાની પહેલ કરી. કર્ણાટકમાં એ કોંગ્રેસ સાથે સમજૂતી કરી, જેના પ્રમુખ – વડા પ્રધાન રાજીવ ગાંધીએ આંધ્રમાં પોતાના જ પક્ષના મુખ્ય પ્રધાનનું અપમાન કર્યું. તેમાંથી તેલુગુ દેશમનો જન્મ થયો અને એન.ટી. રામારાવ જેવા નેતા મળ્યા આજે તે પક્ષ કોંગ્રેસની સાથે રહેશે!

કારણ શું? વિવિધ પ્રાદેશિક પક્ષોમાં જે નોતાઓ છે, તેમાં અખિલેશ, માયાવતી, શરદ પવાર, રાજ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે, સ્તાલિન, દેવે ગૌડા, ચંદ્રાબાબુ નાયડુ, મમતા બેનરજી વગેરેને ભય છે કે આ નરેન્દ્ર મોદી અને ભાજપ જો વધુ વિસ્તરશે તો આપણે બધા હાંસિયામાં ધકેલાઈ જશું. આવો જ ફફડાટ સામ્યવાદી પક્ષોને પણ છે અને તેના ઇલાજરૂપે પહેલાં ‘જનતા દરબાર’નો પ્રયોગ થયો પણ ચાલ્યો નહીં. હવે ‘ગઠબંધન’ થવાનું છે જેના કોઈ ઠામઠેકાણા જ નથી.

અગાઉ ‘ગ્રાન્ડ એલાયન્સ’ શ્રીમતી ઇન્દિરા ગાંધી સમયે વિપક્ષોએ કર્યું હતું, પછી ૧૯૭૭માં બોધપાઠ લઈને પક્ષોનું ‘ગઠબંધન’ નહીં પણ વિલીનીકરણ કરાયું. જનતા પક્ષ બન્યો, સત્તા પર આવ્યો પણ વડા પ્રધાન બનવાની ખતરનાક મહત્ત્વાકાંક્ષા અને બીજા વધુ શક્તિશાળી નહીં થઈ જાયને એવો ડર આપણા રાજકારણમાં પડ્યો છે તે વારંવાર બહાર આવે છે. ચરણસિંહ ચૌધરી, ચંદ્રશેખર, જગજીવનરામ – જનતા પક્ષના એવાં ‘પ્રતીકો’ હતાં, જેને લીધે તે પક્ષ ચાલ્યો નહીં.

અત્યારનાં ‘મહા-ગઠબંધન’ની હાલત નવ મહિને બચ્ચું જન્મશે કે નહીં તેવી આશંકા સાથેનું છે. માયાવતી વત્તા અખિલેશ વત્તા તેજસ્વી યાદવ ઉત્તર પ્રદેશમાં ભેગા થયા અને કોંગ્રેસને જાણે ભીક્ષા આપવી હોય તેમ બે સીટની ઓફર કરી! કોંગ્રેસ મધ્ય પ્રદેશ – રાજસ્થાન – છત્તીસગઢની જીત પછી એવી દિશા તરફ જવા માગે છે કે રાહુલને વડા પ્રધાન તરીકે માન્ય કરવામાં આવે તેવા પક્ષોની સાથે જોડાણ કરવું પણ મુદ્દો એ છે કે બધા પ્રાદેશિક પક્ષોમાં પણ ‘વડા પ્રધાન’ બનવાના મહત્ત્વાકાંક્ષી નેતાઓ પડ્યા છે તેનું શું? મુલાયમસિંહ આડા ફાટ્યા ત્યારે સોનિયા ગાંધીનો વડા પ્રધાન તરીકે મોં સુધી આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો હતો ને? કાંશીરામે કહ્યું હતું કે વડા પ્રધાન પદે દલિત આવે તે કામ બસપા કરશે. માયાવતીના મનમાં આ વાત ન હોય તેવું કેમ કહેવાય?

બે બાજુનો મોરચો

આખો ‘સિનારિયો’ વિચિત્ર છે. દરેક પક્ષને - શિવ સેના, બસપા, સપા, બીજુ જનતા દળ વગેરેને પોતાના પ્રદેશોમાં સરકાર બનાવવી છે અને બીજી બાજુ લોકસભા ચૂંટણી દ્વારા કેન્દ્ર સરકારમાં રોફ જમાવવો છે, એવું યે બને કે વિપક્ષોને વધુ બેઠક મળે (દરેક પક્ષ એમ માને છે કે અમને કોંગ્રેસ કરતાં વધુ બેઠકો મળશે) અને વડા પ્રધાન બની જવાય... ‘બંદા સોતે સોતે ઘીમેં ઝબોળકર પુડિયાં ખાયેંગે!’ જીવરામ જોશીએ શેખચલ્લીની એક વાર્તામાં, ડાળી પર પુરી ચાંચમાં રાખીને બેઠેલા કાગડાને જોઈને, વૃક્ષના છાંયડે સૂતેલા શેખચલ્લી બતાવ્યા છે એવું જ કંઈક!!

બીજું મોટું કારણ શ્રીમાન નરેન્દ્ર મોદી છે. તેનો ભાજપ છે અને તેની પાછળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે, ૨૦૧૪માં જે તામધામથી નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા તેવું જ પુનરાવર્તન ૨૦૧૯માં થાય તો આપણી રાજકીય દુકાનોનું શું થાય તે ચિંતા જે રાજકીય પક્ષોની છે તેઓને કેટલાક ‘અનુભવી’ અને કેટલાક ‘બુદ્ધિજીવી’ઓએ ઠસાવી દીધું છે કે મહાગઠબંધન કરવામાં આવે તો ભાજપ હારશે એટલે મને-કમને એનો મોરચો રચવાની તૈયારી ચાલે છે.

તમિળનાડુમાં ડીએમકેનો એઆઇએડીએમકે સામે ગજ ન વાગ્યો અને ‘પિતામહ’ ગણાતા કરુણાનિધિએ આંખો મીંચી એટલે તેના પુત્ર સ્તાલિને કોંગ્રેસને આગળ ધરીને ‘ભાવિ વડા પ્રધાન’ તરીકે રાહુલ ગાંધી પર જાહેરમાં મહોર મારી દીધી! બીજા પક્ષો ‘તેલ જુઓ, તેલની ધાર જુઓ’ની નીતિ અપનાવી રહ્યા છે. બીજેડીના પટનાયકે તો કહ્યું પણ ખરું કે અમે કોંગ્રેસ – ગઠબંધનનું વિચારતાં નથી. માયાવતી-સપાએ ના નથી પાડી, પણ મામલો બેઠકોનો છે. કોંગ્રેસે સાચો ખોટો ખોંખારો ખાઈને કહ્યું છે કે અમે સ્વતંત્ર રીતે લડીશું.

મજબૂર કે મજબૂત?

ખરેખર? કોઈ માનતું નથી. પણ નરેન્દ્ર મોદીએ રામલીલા મેદાનમાં જણાવ્યું કે ‘મજબૂર’ની સામે અમે ‘મજબૂત’ છીએ. મજબુરી એ છે કોંગ્રેસની અને બીજા મોદી-વિરોધી ભાજપ-વિરોધી પક્ષોની કે કરવું શું? લોટ ફાંકવો છે ને હસવું પણ છે! આવું થાય કઈ રીતે?

તેમની પાસે મોદી-ભાજપ વિરોધી મુદ્દાઓ જ ક્યાં છે? આજકાલ રાહુલ ગાંધી - સુપ્રીમ કોર્ટના ચુકાદા પછીયે રાફેલ મુદ્દે આલાપ-પ્રલાપ ચાલુ રાખ્યા છે. બીજો મુદ્દો વિદેશે તેમણે આરએસએસને મુસ્લિમ બ્રધરહુડ સાથે સરખાવ્યો તે અહીં પ્રચલિત કરવા માગે છે. હમણાં તેમની એક પ્રેસ કોન્ફરન્સ પૂર્વેની મિનિટો ટીવી ચેનલોએ દર્શાવી હતી. રાહુલભાઈ તેમના કોંગ્રેસ નેતાઓની વચ્ચે વિંટળાયેલા છે. દરેક તેમને સલાહ આપે છે કે તમે આમ બોલજો, તેમ બોલજો! અને આ રાહુલ ભૈયા હવે તો સંસદમાં યે આંખ મિચકારતા થઈ ગયા! દેશને આજ સુધીમાં વિરોધ પક્ષનો આવો પ્રમુખ – નેતા મળ્યો નથી એવું રાજકીય ઇતિહાસકારોએ દુઃખી થઈને ય નોંધ્યું છે.

વડા પ્રધાન અને સરકાર પાસે પાંચ વર્ષમાં થયેલાં કામોની યાદી છે. આ કામો નાના નથી. જનધન યોજનાથી ગેસ સિલિન્ડર વિતરણ સુધીની યોજનાઓએ મોટા વર્ગમાં ખુશહાલી સર્જી છે. પાકિસ્તાન સામે સર્જીકલ સ્ટ્રાઇક કરી બતાવી અને કાશ્મીરમાં એક પછી એક આતંકવાદી ઠાર થવા માંડ્યા. સરદાર વલ્લભભાઈને તેમણે ‘એકતા અને અખંડિતતા’ના ભવ્ય પ્રતીક બનાવ્યા અને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની પ્રતિષ્ઠાપના કરી. પાંચ વર્ષમાં કોઈ કેન્દ્રીય પ્રધાનનું ભ્રષ્ટાચાર સાથે નામ સંડોવાયું નથી. સામે લાલુ પ્રસાદથી માંડીને ચિદમ્બરમ્ અને ‘નેશનલ હેરાલ્ડ’માં ગાંધી-પરિવાર ખરડાયેલા હોવાની સાબિતી આવતી જાય છે. છેલ્લે આર્થિક રીતે ગરીબ વર્ગ માટે દસ ટકા આરક્ષણ અને તેને માટે બંધારણીય સુધારા કરીને સમગ્ર વિકાસના સંકેતો પૂરા પાડ્યા તે તો આજે સૌથી સ્વીકૃત નિર્ણય બની રહ્યો છે.

સ્થિરતા - મોટો મુદ્દો

આમ ‘ગઠબંધન વિરુદ્ધ મોદી’ના તખતા પર કોંગ્રેસને જ પાછળ રાખી દેવાની રણનીતિ કેટલાક પક્ષોએ કરી હોવાનું નજરે ચડે છે. ગુજરાતી કહેવાત પ્રમાણે ‘શિયાળ તાણે સીમ ભણી, કુતરું તાણે ગામ ભણી’ જેવો આ ઘાટ છે. સામે દેશ અને દરિયાપાર વિદેશોમાં એકલા ગુજરાતીઓ જ નહીં, તે દેશોના રાજકીય વિચારકો પણ માનતા થયા - ઇચ્છતા થયા - છે કે ભારતમાં સ્થિર સરકાર જ વિકાસની હરણફાળ ભરી શકે.


comments powered by Disqus