૮૬ દેશ, ૭૬૧ કવિ, ૧૨૫ ભાષા અને ૧૩૦૩ કાવ્યો!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 01st July 2020 05:57 EDT
 
 

ગ્રંથનું નામ છેઃ Amaravati Poetic Prism, 2019. આંધ્ર પ્રદેશના વિજયવાડા જેવા આ સોહામણા નગરમાં ‘આંતરરાષ્ટ્રીય વિવિધ ભાષી કવિ મિલન’ યોજાયું હતું. ‘મિલન’ શબ્દ ટૂંકો પડે એટલા કવિઓ, વિવેચકો ૨૧-૨૨ ડિસેમ્બર, ૨૦૧૯ના કૃષ્ણા નદીના કિનારે આ અમરાવતીમાં મળ્યા, કાવ્યપઠન થયું, પરસ્પર પરિચય થયો. સુદૂર દેશથી આવેલા કવિઓ માટે ‘ભારતના આત્મા’ને પ્રત્યક્ષ થવાનો આ મોકો હતો એમ એક વિદેશી કવિએ કહ્યું, ત્યારે મને તેની વાણીમાં ધન્યતાનો આનંદ અનુભવાયો.

કેટલા કવિઓ? ૧૨૫ ભાષામાં ૧૩૦૩ કાવ્યો અને ૮૬ દેશોના ૭૬૧ કવિઓ!

હવે તેનો ૧૩૦૪ પાનાંનો દળદાર કાવ્યગ્રંથ પ્રકાશિત થઈ ચૂક્યો છે.

૨૦૧૯ના એ કાવ્યકુંભમાં જવાનો મને મોકો મળ્યો હતો અને ‘ધ સેન્ટર ઓફ વિજયવાડા એન્ડ અમરાવતી’ (CCVA)ના ઉપક્રમે યોજાયેલા આ મહામિલનમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે આયોજકોએ પ્રારંભિક સત્રમાં સન્માન કર્યું. મંચ પર ત્યારે જ્ઞાનપીઠ વિજેતા સાહિત્યકાર સીતાકાંત મહાપાત્ર, આંધ્ર પ્રદેશના રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદન, મહાલક્ષ્મી ગ્રૂપના ચેરમેન અને આ સમગ્ર કાર્યક્રમની આધારશિલા જેવા વાય. હરિશચંદ્ર પ્રસાદ તેમજ શ્રીમતી ડો. તેજસ્વિની પુરાવિંદ, ડો. ઈ. શિવાત્રી શેટ્ટી સહિત વિરાજમાન હતા.

આમ તો આ કાવ્યગ્રંથમાં ‘એ’ ટુ ‘ઝેડ’ કવિઓ અને તેમના કાવ્યોની ટૂંકી નોંધ લઈએ તો યે પચીસ જેટલા પાનાં થાય. માત્ર ભાષાની દૃષ્ટિએ વિહંગાવલોકન કરીએ તો અલ્બેનિયન, અરેબિક, અસમિયા, અવધી, અઝરબેજાની, ભાષા બંજર (ઇન્ડોનેશિયા), ભાષા ઇન્ડોનિયા, ભાષા મેલાયુ (મલેશિયા), બંગાળી (બંગાળ અને બાંગ્લાદેશ), બેલારુસિયન, ભોજપુરી, બોડો, બોસ્નિયન, વ્રજ ભાષા, બલ્ગેરિયન, ચેરોકી (યુએસ), છત્તીસગઢી, ચિની, ક્રોસિયન, દક્ખિની હિન્દી, ડેનિશ, ડોગરી, ડચ, ઝોન્ખા (ભુટાન), એકેગુસી (પશ્ચિમ કેન્યા), અંગ્રેજી, ઇસ્ટોનિયન, ફિલિપ્પિનો, ફ્રેન્ચ, ગેલિસીઅન, ગારો (મેઘાલય), જર્મન, ગોજરી (કાશ્મીર), ગ્રીક, ગુજરાતી, ગુંજાલા ગોંડી (તેલંગણ), હરિયાણવી, હાઉસા (નાઇજિરિયા), હિબ્રુ, હિન્દી, હંગેરિયન, ઇલોકાનો (ફિલિપીન), આઇરિશ, ઇટાલિયન, જાહરસ્તાફરી (જમૈકા), જમૈકિન પોટવા, (જમૈકા), જાપાનિઝ, જાવાનિઝ, કૈથી (બિહાર), કાલેંજિન (કેનિયો), કાન્ડુ (છોટા નાગપુર), કન્નડ, કરબી (આસામ), કાશ્મિરી, કઝાક, ખાસી (મેઘાલય), ખત્રી (તેલંગણ), કિ’સે (ગ્વાટેમાલા), કોલામ (તેલંગણ), કોંકણી, કોરાપુટિયા, દેસિયા (ઓરિસા), કોરિયન, કોસ્લી (ઓરિસા), કોટા (તેલંગણ), કુર્દિશ, લેટીન, લિસાન-ઉદ દાવત, મેસિડોનિયન, મગધી, મૈથિલી, મલયાલમ, મેંડેરિયન, મરાઠી, મોરિસિઅન, ક્રેઓલે, મેરાનઉ, (ફિલિપીન્સ), મિઝો, મોંગોલિયન, નાગામિઝ ક્રેઓલ (નાગાલેન્ડ), નેપાળી, ઉડિયા, પહાડી, પાલી, પેંગાસિનન, પર્સિયન, પ્નાર (મેઘાલય), પોલિશ, પોર્ચ્યુગિઝ, પંજાબી, રાજસ્થાની, રોમા, રોમાનિયન, રશિયન, સંબલ (ફિલિપીન્સ), સંકેથી, સંસ્કૃત, સાંથાલી, સ્કોટ્સ, સર્બિઅન, સિસિલસ ક્રિઓલ, શિના (કાશ્મીર), સિંધી, સિંહાલા, સ્લોવિનિયન, સ્પેનિશ, શ્રીલંકન તમિળ, સુદાનિઝ, સ્વાહિલી, સ્વીડિશ, ટેગલોગ, તાઇવાનિઝ, તમિળ, તે-રિઓ-માઓરિ (ન્યૂઝિલેન્ડ), તેલુગુ, થારુ (નેપાળ), તુલુ, ટ્યુનિશિયન, અરેબિક, ટર્કિઝ, ઉર્દુ, ઉઝબેક, વિયેતનામિઝ, વાર (મેઘાલય), યોરુબા (નાઇજિરિયા), ઝેપોટિક... બોલો, આપણે આમાના કેટલાં કાવ્યો વાંચ્યા હશે કે કયા કવિને જાણતા હોઈશું.

ગુજરાતી સહિત સર્વ ભાષા બોલીનું વિશ્વ એટલું વિશાળ છે કે આશ્ચર્ય સ્તબ્ધ થઈ જવાય. આ સર્જનવિશ્વ આપણી ‘કૂપમંડુક’ મનોદશાથી સાવધ કરે છે. દરેક ભાષા અને બોલીનું એક અસ્તિત્વ હોય છે, આસપાસના સમાજ સાથેનો તંતુ હોય છે. અભિવ્યક્તિનું આકાશ સર્જાય છે. એવું પણ નથી કે પાઠ્યપુસ્તકોમાં પુરાયેલા, જૂનાપુરાણા ‘ક્લાસિક’ કવિઓની જ બોલબાલા છે. નવો અવાજ કુંપળની જેમ ફૂટવા તત્પર હોય છે... અહીં મંચ પરથી જે કવિતાઓનું પઠન થયું હતું - પોતાની જ ભાષામાં - ત્યારે એક શબ્દથી યે અપરિચિત હોવા છતાં, તેના ભાવવિશ્વનો અનુભવ થઈ જતો હતો. સર્જકતાની આ તો વિશેષતા છે!

આ સમગ્ર ગ્રંથની સમૃદ્ધિ ભલે વિવિધ દેશોના અને આપણી પ્રાદેશિક ભાષાઓના કવિઓને આભારી હોય પણ તેનું સફળ સંકલન અને આયોજન જેમણે કર્યું છે તે પદ્મજા આયંગર-પેડ્ડી ઓળખવા જેવા કવિ-લેખિકા છે. સહજ, સરળ અને ઉત્સાહી વ્યક્તિત્વ. સીસીવીએના સાહિત્યિક સલાહકાર તો છે જ, ‘P-En-Chants’ તેમનો કાવ્યસંગ્રહ છે. દેશવિદેશે સાહિત્યનાં વ્યાખ્યાનો આપ્યાં છે. ૨૦૧૫થી લગાતાર વિવિધ ભાષી આંતરરાષ્ટ્રીય કવિ-મિલનનું આયોજન કરે છે. હૈદરાબાદ, તેલંગણ તેમની કાર્યભૂમિ અને અમરાવતીમાં વાય. હરિશ્ચંદ્ર પ્રસાદ તેમજ શ્રીમતી ડો. તેજસ્વિની પ્રસાદના સાહિત્ય વિશ્વના સ્વપ્નને સાકાર કરવામાં સહયોગી. આ ગ્રંથ તે બધાંની મહેચ્છાનું પરિણામ છે. ડો. હરિશ્ચંદ્ર મહાલક્ષ્મી ગ્રૂપના ચેરમેન છે.

ગુજરાતી ઉદ્યોગપતિઓ ટચુકડા કાર્યક્રમોને પ્રોત્સાહન આપીને સંતુષ્ટિનો ઓડકાર લેતા રહ્યા છે તેમને માટે આવા - સુદૂર પ્રદેશોમાં - કાર્યરત ઉદ્યોગપતિઓ બોધપાઠ જેવા બની શકે છે. ડિસેમ્બરની ૨૧-૨૨મીના ખુશનુમા દિવસે, હોટેલના ભવ્ય સભાખંડમાં પ્રારંભ થયો ત્યાર મારા ઉદ્બોધનમાં કહ્યું હતું કે હરિશ્ચંદ્રપ્રસાદે તો આ નગરને ‘Poetic Capital’ બનાવી દીધું છે!

ગુજરાતને પણ પ્રેરિત કરી શકે તેવી આ ‘સાહિત્યિક ઘટના’ છે તેને આપણે અભિનંદન આપીએ.


comments powered by Disqus