‘લંડન ટાઈમ્સ’ સુધી પહોંચ્યો હતો કનડા ડુંગરનો સત્યાગ્રહ

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 17th February 2020 05:44 EST
 

સવાલ રસપ્રદ હતો.

ગુજરાતમાં પહેલો મોટો સત્યાગ્રહ ક્યાં થયો હતો? સુરતના વેપારીઓનો અસહકાર? ગાંધીજીની દાંડીકૂચ? અસહકારના ૧૯૨૦ના આંદોલનો? મીઠાના સત્યાગ્રહની સાથે જ ધંધૂકાથી ધરાસણા સુધીના સત્યાગ્રહો? સૌરાષ્ટ્રમાં પણ સરધાર, ખાખરેચી, લીંબડી, રાજકોટ જેવા કંઈકેટલા સત્યાગ્રહો થયા હતા.

...પણ, એક રક્તરંજિત સત્યાગ્રહ ભૂલાઈ ગયો છે. ગાંધીજીના સત્યાગ્રહો કરતાં તે સાવ અલગ હતો. જેના હાથમાં કાયમ તલવાર હોય અને ધીંગાણું થાય ત્યારે આ બહાદુર રાજપૂત મહિયાઓ અણનમ યુદ્ધ આદરે તેવી શૂરવીર કોમ જો હથિયાર હેઠાં મૂકીને, પોતાની મામૂલી જમીન માટે બેસી જાય અને લશ્કરી પોલીસ તેના પર ઘાતક રીતે તૂટી પડે, કુહાડા અને ધારિયાંથી તેમનાં માથાં કાપી નાંખવામાં આવે, તેમાં નવ વર્ષની કન્યા અને તેનો ભાઈ પણ મોતને વરે... તેને ‘સત્યાગ્રહ’ કહેવો જોઈએ કે નહીં?

મેઘાણીએ એ ઘટનાની નોંધ લઈને તેને પહેલો કાઠિયાવાડી સત્યાગ્રહ કહ્યો હતો. જૂનાગઢના ઈતિહાસકાર સ્વ. શંભુપ્રસાદ દેસાઈની દસ્તાવેજી ચોપડી પણ છે. સૌરાષ્ટ્રના ગીર જંગલ - ડુંગરની વચ્ચે અંતરિયાળ રસ્તે એક નાનકડાં ડુંગર પર આ પાળિયાઓ ઊભા છે.

માર્ચ ૨૦૦૮ના વાસંતી દિવસોમાં અમે એ લોહીભીની વસંતના ખોવાયેલા નાયકોની ભાળ મેળવવા નીકળ્યા હતા.

જૂનાગઢમાં ગિરનારને પ્રણામ કરીને કેશોદ તરફ મોટરમાર્ગે નીકળ્યા. જવું’તું કનડા (કે કનરા?) ડુંગરની ટોચે; જ્યાં છેક ૧૮૮૩માં સા-વ મૂંગા બેઠેલો મહિયાઓનો ક્રૂર વધ કરાયો હતો. પોતાનો અધિકાર જતાવવાની તેમને સજા! એક નહીં, ૮૨ મહિયા સ્ત્રીપુરુષો, એક તો પોતાના નાના ભાઈની ઢાલ બનવા આવેલી બહેનડી પણ!

આ ઘટનાના સ્થાનકને મારે અને આરતીએ નજરોનજર જોવું હતું. કેશોદ પહોંચતાં પૂર્વે રસ્તામાં ક્યાંક ગેબનશા પીરની ‘દુવા’ હતી, ક્યાંક ભગવાન સ્વામીનારાયણ આ મુલકમાં આવ્યા ત્યારના દેવસ્થાનો, માણેકનગરમાં બહાદુર આહીરો વસે છે. ‘માલબાપા’ અહીં દેવપુરુષની જેમ પૂજાય છે... આગળ જાઓ તો અક્ષયગઢ આવે. રતુભાઈ અદાણીએ તેને સેવાકેન્દ્રમાં પલટાવી નાંખ્યું હતું, ક્ષયગ્રસ્તો માટે તે સાચા અર્થમાં અ-ક્ષયસ્થાન!

અગિયારેક વાગે કેશોદના અતિથિગૃહમાં રસ્તાની કાચી-પાકી ખબર મેળવીને અજાબ તરફ જવા નીકળ્યા, ત્યાંથી મેંદરડા. કેશોદના અતિથિ ગૃહના મેનેજરે સંદેશો મોકલી દીધો હતો એટલે ભાગ્યે જ કોઈ અધિકારી અતિથિ આવે છે તેવા અહીંના અતિથિ ગૃહના સર્વેસર્વા રખેવાળ દેવશીભાઈ ગાડીમાં સાથે નીકળ્યા, ‘કનરો બતાવવાનો’ તેમનો ઉત્સાહ અજબ હતો!

મેંદરડાથી ડાબી તરફ એક કાચો રસ્તો જાય છે... અંતરિયાળ વિસ્તારમાં વૃક્ષો અને ટેકરીઓની વચ્ચે ત્યાં ‘દેવવીરડા’ નામનું સ્થાન છે; આટલા વિસ્તારમાં ડંકીના પાણીની સગવડ દેવવીરડા અને ડેડકિયાળ – બે સ્થાનો એ જ! મેંદરડા, બાબરતીરથ, અંબાળા પછી દેવવીરડા. આમ તો મઢીવાસી એક અકેલા સાધુ ‘રામ ભારતી બાપુ’, દૂરથી આવેલા બે-ત્રણ ગ્રામજન ભક્તો. આંબાના ઝાડ, એક કૂવો.

ગુજરાતના નક્શામાં કનડો ડુંગર ક્યાં આવ્યો? રિસામણે બેસેલી એક બહાદુર કોમના ૮૨ સ્ત્રી-પુરુષોના ‘માથા વાઢી લેવાની’ આ હાહાકાર મચાવે તેવી ઘટના હજુ અંધારામાં કેમ અટવાયા કરે છે?

સવાસો વર્ષ પહેલાં આ કત્લેઆમ થઈ અને મહિયા કોમના ૯૦૦માંથી ૮૨ને નવાબની સેનાએ મારી નાંખ્યા, બીજા ઘણા ઘાયલ થયા. આને ‘સત્યાગ્રહ’ કહેવાય કે નહીં તેવા વિતંડાવાદની જરૂર નથી. પોતાને થયેલા અન્યાયની સામે તેઓ એકઠા થયા હતા, અને પછી...

મેઘાણી આ ઘટનાતિથિ વિક્રમ સંવત ૧૯૩૯ની પોષ મહિનાની પાંચમ ગણાવે છે. જૂનાગઢ-ઈતિહાસના લેખક શંભુપ્રસાદ દેસાઈના જણાવ્યા પ્રમાણે એ દિવસ ૨૮મી જાન્યુઆરી ૧૮૮૩નો હતો અને વિક્રમ સંવતની પોષ વદી ત્રીજે નવાબી ફોજે કનડાના ડુંગરને ઘેરો ઘાલ્યો હતો.

પછીના થોડાક કલાકોમાં સૈનિકો અંધારા-અજવાળાની વચ્ચે મહિયાઓ ઉપર તૂટી પડ્યા, અને ક્રૂરતાપૂર્વક તેમને મારી નંખાયા. જે બાકી રહ્યા તેમના ઘાયલ શરીરો લઈ જવાયાં. મૃતદેહોના માથા કાપીને બળદગાડામાં ઠાલવવામાં આવ્યા અને નવાબને બતાવવા વિજયકૂચ કરી. મેજર સ્કોટે આ ધડ વિનાના મસ્તકોને જૂનાગઢ નજીકના પલાસવા ગામે ખાડા ખોદીને દાટી દીધા.

ચૂપચાપ મૃત્યુને સ્વીકારનારી મહિયા કોમનો અપરાધ શો હતો? કેમ તેમણે કનડાનો ડુંગર પસંદ કર્યો? આ ઘટના પર આજ સુધી અંધારપટ શા માટે છવાયેલો રહ્યો? ગાંધીજી આ જગ્યાએ ગયા હતા કે આ ઘટનાનું મૂલ્યાંકન કરેલું કે નહીં તેની વિગતો મળતી નથી, ન તેમના લેખો-પ્રવચનોમાં ક્યાંય મહિયા-સંઘર્ષનો ઉલ્લેખ છે.

આમ તો કનડા ડુંગર પોરબંદર-રાજકોટથી બહુ દૂર નથી. કેશોદ થઈને મેંદરડાં જતાં ડુંગરધાર દેખાય. ત્યાં જવા માટે કોઈ કાચો-પાકો રસ્તો નથી. સિંહની વસતિની વચ્ચેથી કનડા સુધી પહોંચવું પડે.

‘મહિયા’ સોરઠની બહાદુર કોમ છે. એ સમયે કેશોદ, માળિયા, મેંદરડા અને જેતપુરની આસપાસ તેમનો નિવાસ હતો. યુદ્ધનો રસ્તો લગભગ છોડી દઈને ખેતીમાં સક્રિય થયા હતા.

રાજ-રજવાડાંની રક્ષા માટે શરૂઆતમાં વર્ષોમાં મહિયા-બાબરિયાઓનો ઉપયોગ થયો, પણ પછી તેમની સામે નવાબી શાસને લાલ આંખ કરી. બ્રિટિશ અફસરોની તો લાંબા સમયની ચાલ હતી કે આવી બહાદુર અને ખડતલ કોમોને નકામી કરી નાખવા માટે તેમની સામે લૂંટફાટ, ચોરી, ધાડની આબોહવા ઊભી કરવી. ઓખાના વાઘેરોને આવી જ રીતે બદનામ કરીને હરાવવાની કોશિશ થઈ.

મહિયા-બાબરિયા પણ આવી ચાલબાજીનું નિશાન બન્યા, પોતાની નાનીસરખી જમીનના ટુકડાની ‘લગાન’ માટે, મહેસૂલ અને બીજા વેરા માટે જોરજુલમ કરવામાં આવે, પછી આ સમુદાય જાય ક્યાં?

સ્વાભાવિક રીતે જ તે દિવસો ‘બહારવટા’ના હતા. આ બહારવટિયા કોણ હતા અને શા માટે રજવાડાઓની સામે રણે ચડેલા?

ઝવેરચંદ મેઘાણીએ ‘સોરઠી બહારવટિયા’ કથામાળા લખી તેની પ્રસ્તાવનામાં આનો ખુલાસો પણ કર્યો છેઃ ‘બહારવટિયાઓનો ખરો યુગ અઢારમી સદીના અસ્તથી આરંભાયો. ઓગણીસમી સદી પર પથરાઈ ગયો અને વીસમી સદીની પહેલી વીસીમાં ખલાસ થઈ ગયો. રાજસત્તા જેને ‘હરામખોરો’ શબ્દથી પતાવે છે અને બીજી તરફ પ્રજા જેને દેવતુલ્ય બનાવે છે એવા આ બહારવટિયાઓ વિશે વિવેકપૂર્વક વિચાર કરવાની સામગ્રી હું પૂરી પાડી રહ્યો છું...’

ખમીર અને ખુમારીની સાથે નૈતિક્તાને જોડી દેવાની આ કહાણીના કાઠિયાવાડી સાહિત્યને સમજવા જેવું છે. ત્યાં તેમને રા’નવઘણ, ખેંગાર, હોથલ-પદમણી, માંગડાવાળો, જોગીદાસ ખુામણ, વીર રામવાળો અને મહિયાઓની જેવી સંખ્યાબંધ લોકકથા, લોકગીતો અને લોકવાણીનો અનુભવ મળે છે.

મહિયાઓની પાસેથી પહેલાં તેમની જમીન ખૂંચવી લેવાઈ, પછી ‘પસાયતા’ તરીકે હડધૂત કરાયા, કરવેરાઓ અને જપ્તી-જડતીની નોટિસોથી કોમ ધૂંધવાતી રહી. ગીગો મહિયો બહારવટાના રસ્તે ચડ્યો. ગીગો મરાયો તે પછી, ૧૮૫૭ની આગને અવિરત રાખવા માટે ઓખાના મૂળુ માણેકે બહારવટું ખેડ્યું તેને મહિયા કોમે સમર્થન આપ્યું એટલે રજવાડાંઓ તેમજ બ્રિટિશ સેનાએ તેને આર્થિક રીતે ખલાસ કરવાની શરૂઆત કરી દીધી.

જૂનાગઢ રાજ્યે મહિયાઓ સાથે સમાધાન અને કરાર તો કર્યાં, પણ પાળ્યા નહીં એટલે આ કોમે કનડા ડુંગર પર જઈને સત્યાગ્રહ આદર્યો. તત્કાલીન શબ્દ ‘રીસામણાં’નો હતો, પણ રઘવાયા થયેલા શાસને આ સાવ વેરાન જગ્યા પર હુમલો કરીને તેમના પર ધડાધડ ગોળી છોડીને તેમના પ્રાણ હરી લેવાયા.

પોતાનો અવાજ રાજગાદી સુધી પહોંચે એ માટે મહિયા આગેવાન અમરાએ દરેક ગામડે સંદેશો આપ્યો હતો. આમાં તરસીંગડા ગામના કુટુંબમાં એક નાનો સરખો કિશોર હતો. તેને એકલો તો કેમ મોકલાય? એટલે તેની બહેન સાથે આવી. આ ભાઈ-બહેન પણ ગોળીથી વીંધાઈ ગયા.

ધોમધખતા તાપમાં ગીરના જંગલમાં અંતરિયાળ વિસ્તારમાં કનડો ડુંગર ઊભો છે. અહીં નિઃશસ્ત્ર મહિયાઓની ખાંભીઓ છે, તેમાં પેલા ભાઈ-બહેનનો પાળિયો ય છે.

શેરગઢ, અજાબ, પળાંસલી, ગેલાણા, અવાણિયા, માતરવાણિયા, તરસીંગડા, મેસવાણ, રંગુપર, ગાંગેચા, ધાબ્રાવડ, આમલા... આમ ટપકાં જેવડાં ગામડાંઓના રહેવાસીઓ કનડા ડુંગર પર મરાયા તે ઘટનાની નોંધ ‘લંડન ટાઈમ્સ’ (૨૬ માર્ચ ૧૮૮૩), લોકમાન્ય ટિળકનું ‘કેસરી’ (૧૫ મે ૧૮૮૩), દાદાભાઈ નવરોજીનું ‘રાસ્ત ગોફ્તાર’ (૧૮૮૩), હોર્નિમેનનું ‘બોમ્બે ક્રોનિકલ’ (૧૮ એપ્રિલ ૧૮૮૩) એ લીધી હતી.

થોડાંક વર્ષ પહેલાં બે જર્મન વિદ્યાર્થીઓ ગાંધીના સત્યાગ્રહને સમજવા આવ્યા ત્યારે ગીરના જંગલમાં મુનિની મુદ્રામાં બેઠેલા કનડા ડુંગરની આ ઘટના જોવા-જાણવાથી શરૂઆત તેમણે કરી હતી.

કનડાની વિગતો ડુંગરથી જૂનાગઢ સુધી કોઈને કોઈ રીતે મળતી રહી. ૯૦૦ સૈનિકોએ ૮૨ શાંત મહિયાઓ ઉપર ગોળી ચલાવી, માથાં કાપીને ગાડામાં ભરી પલાસવા સુધી લઈ ગયા, રસ્તામાં ઘણાં મોતને ભેટ્યા, મહિયા ઉપરાંત બાબરિયા પરિવાર અને અજાબ-દરબાર દોલુમામા પણ વીંધાયેલાઃ અમરાબાપુ (શેરગઢ દરબાર)ની આગેવાની નીચે દરેક મહિયા પરિવારમાંથી એકે ભાગ લેવાનો હતો. માતરવાણિયા દરબાર સામતભાઈની ઉંમર માંડ સાત વર્ષની. તેની સાથે જ નવ વર્ષની બહેના હીરલબહેનની પણ કતલ કરાઈ હતી.

આ વિસ્તારમાં મહિયા દરબારોની નાગબાઈ માતામાં અનન્ય શ્રદ્ધા હતી. મોણિયાના નાગબાઈમાએ ક્ષત્રિયોને એકત્રિત કરવાના પ્રયાસ કર્યા તેમાં પકડાયા. પ્રમાણ નહોતાં એટલે નિર્દોષ છૂટ્યાં. ૧૮૮૨માં સત્યાગ્રહીઓને નાગબાઈમાનું માર્ગદર્શન હતું, ૨૮મી જાન્યુઆરી ૧૮૮૨ના જૂનાગઢ નવાબના સૈનિકોએ નિર્દોષો - નિઃશસ્ત્રોની લાશો ઢાળી; નાગબાઈમા પણ શહીદ થયાં. તેમની ખાંભી પણ મોજુદ છે. ઘાયલ થયેલાં મહિયાઓની ગણતરી કરવામાં આવે તો ૮૨ ઉપરાંત બીજા ઘણાએ જીવ ગુમાવ્યા હતા.

પાછાં ફરતી વખતે સમાજમાં વિસ્મૃતિના અભિશાપથી ઘેરાયેલી ગ્લાનિ સર્વત્ર અનુભવાતી રહી!


comments powered by Disqus