‘વાંચે સરદાર’ઃ પણ કેવા-કોણે દર્શાવેલા સરદારનો આગ્રહ હોવો જોઈએ?

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 28th October 2015 07:46 EDT
 
રાજમોહન ગાંધીના પુસ્તક ‘સરદાર પટેલ’નું કવર પેજ અને (જમણે) લંડનસ્થિત ડો. બાબાસાહેબ આંબેડકરનું નિવાસસ્થાન
 

વર્તમાન ગુજરાત અને ભારત (તેમ જ વિદેશો)ને સમજવા માટે ઉત્તમ પુસ્તકો જાણવા-વાંચવા વર્ગમાં ઉત્સુક વિદ્યાર્થીઓએ આવી યાદી (અને તેની વિગતો) માગી ત્યારે મને જ સવાલ થયો કે ખરેખર, આ નવી પેઢીએ શું વાંચવું જોઈએ?

પુસ્તકો તો થોકબંધ લખાય છે અને તેમાંથી ‘પસંદ કરાયેલા’ (સિલેક્ટીવ) ઉદાહરણો આપીને કોલમો છલકાતી રહે છે, પણ તેની નિરર્થકતા તો બીજી ઘડીએ જ સમજાઈ જાય છે. પુસ્તક લેખકોનું યે તેવું છે. ગુજરાતી ભાષામાં થોડાંક જ ઉત્તમ પુસ્તકો છપાય છે, બાકી બધો છાલો - પાલો - મરીમસાલો! સાહિત્ય પરિષદ અને અકાદમી જેવી સાહિત્યિક સંસ્થાઓએ સ્વાયત્તતા અને બીજી તદ્દન અમૂર્ત (એબસ્ટ્રેક્ટ) અને અવાસ્તવિક ઝંડીઓ ફરકાવવાને બદલે શ્રેષ્ઠ પુસ્તક પ્રકાશનો અને તેની ચર્ચાના માહૌલ તરફ જલદીથી વળવું જોઈએ, અન્યથા ઇમારત અને માળખું સ્થાપિત હિતોની ખેલભૂમિ બની જાય, તેવાં ઉદાહરણો ઓછાં નથી.

અત્યારની અનામતનાં મૂળિયાં તપાસવા માટે બંધારણસભાના વિસ્તૃત અહેવાલો (જે ભારત સરકારના માહિતી પ્રસારણ વિભાગે બહાર પાડ્યા છે) જોયા પછી જ ખ્યાલ આવે છે કે સરદારના નામે સંસ્થાઓ અને ગપ્પાંબાજી કેટલાં બધાં ચાલે છે! આ સંજોગોમાં સરદારને ખરેખરા જાણવા હોય તો યશવંત દોશીએ લખેલી ‘સરદાર-જીવની’ અને રાજમોહન ગાંધીનું ‘સરદાર’ વાંચવાં રહ્યાં. પાટીદાર અમીનોનો ઇતિહાસ દર્શક નિધિએ બહાર પાડ્યો તે સરદારને વાસ્તવિક આલેખે છે. આઈ. જી. પટેલે લખેલું ‘વિઠ્ઠલભાઈ પટેલ’નું અંગ્રેજી જીવનચરિત્ર ‘ભૂલાઈ જતા ભાઈ’ની ઝાંખી કરાવશે. સરદાર જો ગાંધી-મિત્ર બની રહ્યા તો વિઠ્ઠલભાઈએ સુભાષને ‘માનસપુત્ર’ ગણ્યા હતા અને પોતાની મિલકતનું વસિયતનામું લખી આપ્યું હતું.

સરદારનો પત્રવ્યવહાર પણ છપાયો છે અને નવજીવને સાબરમતી જેલમાં સરદારે લખેલી ડાયરી પ્રકાશિત કરી હતી. સુભાષચંદ્ર બોઝનું ‘ધ પિલગ્રિમેજ’ વાંચવાથી એ રાષ્ટ્રનેતાની છબિ - વિચારછબિ - આકાર લે છે. દિલીપકુમાર રાય સાથેનો તેમનો પત્રવ્યવહાર તો ‘રાષ્ટ્રવાદી ભારત’ની સંપૂર્ણ પરિકલ્પના પૂરી પાડે છે. હમણાં નવરાત્રિનો ઉત્સવ ધામધૂમથી ઊજવાયો. ગરબી, ગરબો અને રાસ તેમ જ ૪૦૦ વર્ષ જૂની વલ્લભ ભટ્ટની આરતી તેમાં છવાયેલાં રહ્યાં. એ સમયે વડોદરા-નિવાસી અરવિંદ ઘોષની સાવ નાની સરખી પુસ્તિકા ‘ભવાની મંદિર’નું સ્મરણ થઈ આવ્યું. સાત-દસ પાનાંમાં બદ્ધ આ શબ્દોએ ૧૯૦૫ના ભારતને વીર વિપ્લવી દેશભક્તિનો માર્ગ બતાવ્યો હતો.

તત્કાલીન સંવેદનાને ઝીલતી એક નવલકથા ‘પથેર દાબી’ (પથનો અધિકાર) શરદબાબુએ લખી અને પ્રતિબંધિત થઈ હતી. રવીન્દ્રનાથની ‘ઘરે બાહિરે’થી બીજા છેડાનો ક્રાંતિસંસાર વ્યક્ત કરતી એ નવલકથા છે. નવલકથા જ જો વાંચવી હોય તો બંગલેખક ‘શંકર’ની ‘ચૌરંઘી’ પણ તમને તરબતર કરી મૂકશે. હમણાં તેમણે સ્વામી વિવેકાનંદની સા-વ અજાણ વિગતોનું પુસ્તક પણ આપ્યું છે. બંગાળમાં આજે ય અતિપ્રિય નવલકથાના ત્રણ ખંડ ‘આમિ સુભાષ બોલે છે’માં કથાશૈલી આશ્ચર્ય પમાડે તેવી અસરકારક છે. સત્યજિત રાયનો ‘ફાલુદા’ અને વિભૂતિભૂષણ બંધોપાધ્યાયની ‘આરણ્યક’ પણ વાંચવા-વસાવવા જેવાં પુસ્તકો છે.

૨૦૧૪ની નોબેલવિજેતા સ્વેતલાનાની નવલકથા અને મુલાકાતોનું પ્રકાશન ભારત સુધી પહોંચે ત્યારે ખરું, પણ તેની આપવીતીની ૧૦૦ પાનાની પુસ્તિકા બહુ મહેનત પછી મળી. અદ્ભુત અને અનન્ય છેઃ બીજાં વિશ્વયુદ્ધ વચ્ચે અંધારી ગલીઓમાં પીડિત અને સ્તબ્ધ યુદ્ધગ્રસ્ત મહિલાઓનાં જીવનની કેવીકેટલી છાયા વિખરાયેલી હતી તેને શબ્દબદ્ધ કરવાની લેખિકાની કોશિશની તેમાં આત્મકહાણી છે.

એમ તો ૫૦ વર્ષ પૂર્વે એક બીજી સ્વેતલાના પણ રશિયાથી ભારત આવીને અમેરિકા વસી ગઈ હતી. સરમુખત્યાર સ્તાલિનની આ પુત્રીએ ભીષણ રશિયામાં એક ભારતીય સામ્યવાદી સાથે પ્રેમ કર્યો અને મૃત્યુ પછી તેનાં અસ્થિ ગંગામાં પધરાવવા આવી ત્યારે જ તેને ‘મુક્તિની હવા’નો અહેસાસ થયો. તેની ‘સમ લેટર્સ ટુ એ ફ્રેન્ડ’ પત્રોનાં માધ્યમથી ભયાવહ સામ્યવાદી રશિયાનો ચહેરો ખૂલ્લો કરે છે.

જો લાંબા સમય સુધી વાંચવાની ધીરજ હોય તો અલેકઝાંડર સોલ્ઝેનિત્સીનની દળદાર નવલકથા (નવલકથા માત્ર? ના સમગ્ર રશિયાની કરુણ આત્મકથા!) હાથમાં લેવી. તેનું નામ છે ‘ગુલાગ આર્કીપિલેગો’ અને બીજી ‘ધ કેન્સર વોર્ડ.’ નોબેલવિજેતા બોરિસ પાસ્તરનાકને હમણાં નોબેલપ્રાપ્ત સ્વેતલાનાએ આદરપૂર્વક યાદ કરતાં કહ્યુંઃ ‘મને ગૌરવ એ વાતનું છે કે જે પારિતોષિક પાસ્તરનાકને મળેલું, તેને હું અનુસરી રહી છું!’ પાસ્તરનાકની નવલકથા ‘ડો. ઝિવાગો’ (તેના પરથી સુંદર ફિલ્મ પણ એ જ નામે બની તેમાં ઓમર શેરીફે મુખ્ય ભૂમિકા ભજવી, તેનું અવસાન થોડાક મહિના પહેલાં થયું.)

નવલકથાની જ વાત કરીએ તો દક્ષિણના લેખક ભૈરપ્પાની ‘આવરણ’ વાંચી? ગુજરાતી અનુવાદ પણ થયો છે અને વિવિધ ભાષામાં અસંખ્ય આવૃત્તિ થઈ. અકાદમીએ હમણાં એક નવલકથા બહાર પાડી તે ‘હિન્દ અને બ્રિટાનિયા’ લખી તો છે ઇચ્છારામ સૂર્યરામ દેસાઈએ, પણ તેના મૂળ એક બ્રિટિશ અધિકારી - જે પછી મુસલમાન બની ગયો હતો - તે મુરાદ અલીનાં લેખનમાં પડ્યું છે. બ્રિટિશ સરકારે જ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો.

દેસાઈ પંથનો સૌથી ઉમદા અને ચિંતનાત્મક પ્રવાહ સ્વીડનબોર્ગે શરૂ કર્યો હતો. તેનાથી પ્રેરાઈને આપણા કવિ મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાંત’એ તો ઇસાઇ ધર્મ અંગીકાર કર્યો હતો. કવિ કલાપી પર સ્વીડનબોર્ગની ભારે અસર હતી, તેમણે ‘સ્વીડનબોર્ગના વિચારો’ પુસ્તક એકસો વર્ષ પહેલાં લખ્યું હતું!

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી મહિને લંડનની મુલાકાતે છે. શું તેઓ પંડિત શ્યામજી કૃષ્ણવર્માના ‘ઇન્ડિયા હાઉસ’નાં દર્શને જશે? શું સરદાર જ્યાં રહ્યા હતા ત્યાં જશે? શું આંબેડકર ભણતા તે ઇમારતે (મહારાષ્ટ્ર સરકારે તો આંબેડકરનિવાસ ખરીદીને સ્મારક બનાવવા ધાર્યું છે.) પહોંચશે? દિલ્હીના બાબુ સાહેબોને તો આમાંની કશી ખબર જ ના હોય તેવું બને! પણ ૧૯૩૫માં લંડનમાં બેસીને આપણા મહાગુજરાત આંદોલનના નાયક ઇન્દુલાલ યાજ્ઞિકે પંડિત શ્યામજી કૃષ્ણવર્માનું પહેલવેલું જીવનચરિત્ર લખ્યું હતું, જે ૧૯૫૦માં છપાયું તેનું સ્મરણ આ યાદીમાં મોખરે આવીને આપણો હાથ પકડે છે.

‘ભારત-ઇંગ્લેન્ડમાં’ વિશે ડો. કુસુમ વડગામાનું દસ્તાવેજી પુસ્તક બીજી ઘણી વિગતો પર પ્રકાશ ફેંકે છે. ‘ઇન્ડિયા હાઉસ’ અને ‘ઇન્ડિયા લાયબ્રેરી’માં ૧૯૦૫માં વિનાયકરાવ સાવરકરે લાંબા અધ્યયન પછી ૧૮૫૭ના સ્વાતંત્ર્યસમર વિશે જે પુસ્તક લખ્યું એ તો છપાયાં પહેલાં જ બ્રિટિશ સરકારે પ્રતિબંધિત કરી નાખ્યું હતું!

પુસ્તકો નવાં અને જૂનાં - આપણી ઊઘાડી બારી છે, પણ તેમાં પસંદગીનો વિવેક ના રાખીએ તો નકામાં, સડેલાં, પૂર્વગ્રહપ્રેરિત, સપાટી પર ખેલતાં પુસ્તકોનો સડો પણ ઘૂસી જશે! એક ચીની (પ્રતિબંધિત, પણ હવે અંગ્રેજીમાં ઉપલબ્ધ) નવલકથા ‘લિલિ’ની યુવા નાયિકા એક જગ્યાએ કહે છેઃ ‘પુસ્તક અને ગ્રંથાલય પણ જુલુસની ભીડ જેવાં હોય છે. તમારે તેમાંથી તમારું મનગમતું પાત્ર શોધવાનું હોય છે!’

ગુજરાત સરકારે ‘વાંચે સરદાર’ અભિયાન શરૂ કરવા ધાર્યું છે ત્યારે આટલી જ સલાહ પૂરતી છે કે સરદારનાં આધિકારિક પુસ્તકો જ વંચાવવાનો આગ્રહ રાખવો જોઈએ. ખુદ શિક્ષણપ્રધાને તેની યાદી કરાવવી જોઈએ. અન્યથા ‘વાંચે ગુજરાત’ના નામે જે કંઈ ઠલવાયું હતું તેવું બની શકે!

નરેન્દ્ર મોદી લંડનમાં આવે ત્યારે -

વડા પ્રધાન નરેન્દ્ર મોદી લંડનમાં આંબેડકર ભવન નિહાળવા આતુર છે એવું રવિવાર ૨૫મીએ ‘મન કી બાત’માં આકાશવાણી પર તેમણે કહ્યું.

લંડન-પ્રવાસી નરેન્દ્ર મોદી - જેમનાં અસ્થિને જિનિવાથી માંડવી - કચ્છ ખભે ઉપાડીને લાવ્યા હતા તે શ્યામજી કૃષ્ણવર્માનું ઐતિહાસિક ‘ઇન્ડિયા હાઉસ’ (દિલ્હીના બાબુ સાહેબો તો દૂતાવાસનાં મકાનને બતાવશે, પણ ખરું ઇન્ડિયા હાઉસ તો હાઈગેટ પર છે.) લંડનમાં છે. તેમનું નિવાસસ્થાન પણ છે. રોયલ ઇમ્પિરિયલ ઇન્સ્ટિટ્યુટ અને પેન્ટોનવિલા જેલ છે, જે શહીદ ધીંગરાનું સ્મૃતિસ્થળ છે, ગાંધીજીની હમણાં ઊભી કરાયેલી પ્રતિમા છે, સાવરકર અને દાદાભાઈ નવરોજીની પૌત્રી કેપ્ટન પેરિનને જ્યાંથી પોલીસે પકડ્યાં હતાં તે વિક્ટોરિયા સ્ટેશન છે... વડા પ્રધાન આ સ્થાનોએ જશે?


comments powered by Disqus