તાલિબાન શાસનનું એક વર્ષઃ નસીબના આશરે અફઘાનો

રુચિ ઘનશ્યામ Wednesday 24th August 2022 02:37 EDT
 
 

ભારતમાં એક વર્ષ અગાઉ આપણે ભારતની આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરતા હતા ત્યારે તાલિબાન કાબુલમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા હતા. એ આનંદપૂર્ણ દિવસનો બાકીનો હિસ્સો ભયાનકતા નિહાળવામાં વીત્યો હતો જ્યારે અમેરિકી દળોએ બિલિયન્સ ડોલરના લશ્કરી શસ્ત્રસરંજામને પડતા મૂકીને પણ અફઘાનિસ્તાનમાંથી અરાજકતાપૂર્ણ ઘરવાપસી શરૂ કરી હતી. સૌથી ખરાબ બાબત તો એ હતી કે અફઘાન લોકોને તેમના નસીબના સહારે છોડી દેવાયા હતા. અમેરિકી દળોની વાપસીની સાથોસાથ જ કાબુલમાં પ્રવેશેલા તાલિબાનના ભીષણ હુમલાનો સામનો કરવા બાકીના વિશ્વે તેમને તરછોડી દીધા હતા. પરાકાષ્ઠા તો પશ્ચિમના લોકોને દેશની બહાર લઈ જતાં વિમાનો પરથી ટપોટપ નીચે પડી રહેલા લોકોને દર્શાવતા વીડિયોઝની હતી. મજબૂર અફઘાનીઓ વિમાનની વ્હીલ્સ પર છુપાવાનો પ્રયાસ કરતા હતા પરંતુ, વ્હીલ્સ અંદર ખેંચી લેવાયા સાથે તેઓ જમીન પર પડતા દેખાતા હતા.

ભારતમાં પણ ભય છવાયેલો હતો. અફઘાનિસ્તાનમાં ભારત દ્વારા ઘણા વિકાસ અને માળખાકીય પ્રોજેક્ટસમાં બહોળી સંખ્યામાં કામ કરતા લોકોની સલામતીની ચિંતા હતી. અમેરિકાએ છોડી દીધેલા લશ્કરી શસ્ત્રસરંજામના ઉપયોગની પણ ચિંતા હતી. પાકિસ્તાન અને ખાસ કરીને તેની ઈન્ટર સર્વિસીસ ઈન્ટેલિજન્સ (ISI) સાથે તાલિબાનના ગાઢ સંબંધોના કારણે ભારતને પણ અસર થઈ શકે તેવી ધારણા ખોટી ન હતી.

અફઘાનિસ્તાનમાં ગત એક વર્ષમાં જે કાંઈ બન્યું તે 1990ના દાયકાના ઉત્તરાર્ધમાં જુલમી તાલિબાન શાસનની યાદ અપાવનારું હતું. વિરોધીઓનું દમન, પત્રકારોની અટકાયત અને મારવાના અહેવાલો, સ્ત્રીઓના અધિકારો પર નિયંત્રણો તેમજ Ministry for the Promotion of Virtue and Prevention of Vice (સદ્ગુણોને પ્રોત્સાહન અને દુર્ગુણોના અટકાવ મંત્રાલય)ની પુનઃરચના ખરેખર ચિંતાજનક હતી.

દેશમાં ભૂખમરો અને ગરીબી ચિંતાજનક સ્થિતિએ પહોંચ્યાં હતાં. ઈન્ટરનેશનલ રેસ્ક્યુ કમિટી (IRC)ના મે મહિનાના રુપોર્ટ અનુસાર 43 ટકા અફઘાનો દિવસમાં એક ટંકના ભોજનથી પણ વંચિત હતા. સર્વેમાં 90 ટકાએ ફૂડને પ્રાથમિક જરૂરિયાત ગણાવી હતી. તાલિબાનના 2.0 (બીજા) શાસનના એક વર્ષ પછી અફઘાનિસ્તાન એકલોઅટુલો અને વધુ ગરીબ દેશ બન્યો છે.

UN Women અને અન્ય સંસ્થાઓએ દર્શાવ્યું છે કે ગત 12 મહિનામાં સ્ત્રીઓ અને છોકરીઓ વિરુદ્ધ માનવ અધિકાર ઉલ્લંઘનો સતત વધતાં રહ્યાં છે. સ્ત્રીઓને શરિઆ કાનૂનની મર્યાદામાં કામ કરવાના અને અભ્યાસના અધિકારો સહિત તેમના અધિકારોના ઉપયોગની છૂટ આપવાના પ્રારંભિક વચનો છતાં, તાલિબાને વ્યવસ્થિતપણે સ્ત્રીઓ અને છોકરીઓને જાહેર જીવનમાંથી બાકાત કરી દીધાં છે. સ્ત્રીઓ વહીવટીતંત્રમાં કેબિનેટ પોઝિશન ધરાવતી નથી, મહિલા બાબતોનું મંત્રાલય પણ નાબૂદ કરી દેવાયું છે. આમ, રાજકીય ભાગીદારીના સ્ત્રીઓના અસરકારક અધિકારનો છેદ ઉડાવી દેવાયો છે. તાલિબાને છોકરીઓ 6 ધોરણથી આગળ શાળામાં ભણી ન શકે તેમજ સ્ત્રીઓ ઘરની બહાર કામ કે નોકરી કરી ન શકે તેવો પ્રતિબંધ લાદ્યો છે. તાલિબાને મે મહિનામાં સ્ત્રીઓએ જાહેરમાં પોતાનો ચહેરો ઢાંકવાના આદેશ સાથે અતિ આવશ્યક સિવાયના કિસ્સામાં તેમના ઘરમાં જ રહેવાની સૂચનાઓ જાહેર કરી હતી.

પુરુષ સાથી કે વળાવિયા વિના સ્ત્રીઓને લાંબા પ્રવાસ પર પ્રતિબંધ હતો અને વળાવિયા વિનાની સ્ત્રીને આવશ્યક સેવાઓ પણ અપાતી ન હતી. UN Women ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરે વ્યથા દર્શાવી છે કે લૈંગિક સમાનતા અને નારીઓના અધિકારો સંદર્ભે દાયકાઓની પ્રગતિ મહિનાઓમાં ધોવાઈ ગઈ હતી. તાલિબાનની અસમાનતાની ચોખલી નીતિઓથી અફઘાનિસ્તાન વિશ્વમાં એક માત્ર એવો દેશ બની રહ્યો કે જ્યાં છોકરીઓને હાઈ સ્કૂલ જવાં પર પ્રતિબંધ હતો.

તાલિબાન દોષનો ટોપલો શિક્ષિકાઓની તંગી અને સવલતોને અલગ રાખવાની વ્યવસ્થાની જરૂરિયાત પર ઢોળે છે. છોકરીઓ માટે પ્રાથમિક શાળાના શિક્ષણની છૂટ અપાઈ છે અને ફેબ્રુઆરીમાં પુરુષ અને સ્ત્રીઓ માટે કેટલીક જાહેર યુનિવર્સિટીઓ ખુલ્લી મૂકાઈ છે. જોકે, વિશ્વ બેન્ક અનુસાર તાલિબાને ગત ઉનાળામાં સત્તા સંભાળ્યા પછી લેબર ફોર્સમાં સ્ત્રીઓનું પ્રમાણ ઘટી ગયું છે.

તાલિબાનના અંકુશ હેઠળના અફઘાનિસ્તાનમાંથી ઉદ્ભવતા આતંકવાદના લીધે અમેરિકાના વડપણ હેઠળના મિત્રદળોએ અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું હતું. તાલિબાનના પરત આવવાથી વિશ્વને અફઘાનિસ્તાન ફરી એક વખત આતંકવાદના ઉછેર અને પ્રસાર માટે સલામત સ્વર્ગ બની રહેવાની ચિંતા થાય છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા પ્રતિબંધિત અને યુએસ ત્રાસવાદી ગણાવે છે તેવા લોકોનો સમાવેશ તાલિબાનની 33 સભ્યની રખેવાળ સરકારમાં કરાયો તેનાથી આ ભયને બળ મળ્યું છે. તાલિબાન પર નજર રાખતી યુએન ટીમના 2021ના રિપોર્ટ મુજબ આ જૂથ હજુ અલ-કાયદા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. તાલિબાને વિદેશી ત્રાસવાદી લડવૈયાઓ વિશે માહિતી એકત્ર કરવા તેમજ તેમના રજિસ્ટ્રેશન અને નિયંત્રણની સાથે અલ-કાયદા પરનો અંકુશ મજબૂત બનાવવાની શરૂઆત કરી હોવાનું પણ રિપોર્ટ જણાવે છે. મીડિયા રિપોર્ટના દાવા અનુસાર તાલિબાન રીસોર્સીસ અને તાલીમના બદલામાં અલ -કાયદાના 200થી 500 જેટલા લડવૈયાઓ અફઘાનિસ્તાનમાં રહી શકે તેવી સમજૂતી સાથે અલ કાયદાને સુરક્ષા આપી રહેલ છે. આ નેતાઓ અફઘાનિસ્તાન-પાકિસ્તાનની બોર્ડર પરના વિસ્તારોમાં રહેતા હોવાનું મનાય છે. અલ કાયદાના નેતા અયમાન અલ જવાહિરીને યુએસ ડ્રોન હુમલામાં ખતમ કરાયો તે પછી તાલિબાન ત્રાસવાદી જૂથો સાથે કામ કરે છે અને તેમને આશ્રય આપે છે તેવી ચિંતા વધુ મજબૂત બની છે. જોકે, તાલિબાને જવાહિરીની હત્યા કે કાબુલમાં તેની હાજરી વિશે મૌન જ સેવ્યું છે. અફઘાનિસ્તાનમાં હત્યાઓ અને બોમ્બહુમલાઓનો દાવો કરનારા અને આશરે 2,200 સભ્યો સાથેના હરીફ આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન વચ્ચેની લડાઈથી પરિસ્થિતિ વધુ વણસી છે.

અફઘાનિસ્તાનના નવી દિલ્હી સહિતના બહુમતી દૂતાવાસો અગાઉના રીપબ્લિકના નેજા હેઠળ કામગીરી બજાવે છે તેમજ માનવતાવાદી સહાય અને તેમના ડાયસ્પોરાની માગણીઓને પહોંચી વળવા કાબુલમાં તાલિબાનની કાર્યવાહક સરકાર સાથે સંપર્કમાં રહે છે. કાબુલમાં તાલિબાનની વચગાળાની સરકારને જારી કરાયેલા નિવેદનમાં અફઘાન મિશન્સે ‘કઠોર નીતિઓ અને આદેશો’ને પુનઃસ્થાપિત કરવા બદલ તાલિબાનને દોષિત ઠરાવવા સાથે સ્પષ્ટ કર્યું છે કે તેઓ અગાઉના ‘રીપબ્લિક’ને અનુસરવાનું અને તિરંગા ધ્વજના ઉપયોગને ચાલુ રાખશે. લગભગ દરેક અફઘાન એમ્બેસીએ કહ્યું છે કે તાલિબાન ગયા વર્ષમાં કશું આપવામાં ‘નિષ્ફળ’ ગયા છે અને તેમણે યુનાઈટેડ નેશન્સ દ્વારા તાલિબાન નેતાગીરી પર પ્રવાસ પ્રતિબંધ પુનઃ લાદવા હાકલ કરી છે.

ભારત અફઘાનિસ્તાનના લોકો સાથે સાંસ્કૃતિક સંબંધો ધરાવે છે. આપણામાંથી ઘણા રવિન્દ્રનાથ ટાગોરની ‘કાબુલીવાલા’ વાર્તાના પઠાણની છબીથી સુપેરે પરિચિત છીએ. ભારતે અફઘાનિસ્તાનને માનવતાવાદી સહાય ચાલુ રાખી છે. વિદેશ મંત્રાલયના નિવેદન મુજબ માનવતાવાદી સહાયની અસરકારક વ્યવસ્થા માટે વિવિધ હિસ્સેદારોના પ્રયાસોના સંકલન અને દેખરેખ તેમજ અફઘાન લોકો સાથે સંપર્ક જાળવી રાખવા માટે આ વર્ષના જૂન મહિનામાં ભારતીય ટેકનિકલ ટીમ કાબુલ પહોંચી છે અને ત્યાં ભારતીય દૂતાવાસમાં તેની ગોઠવણ કરવામાં આવી છે.

કાબુલમાં 2022ની 18 જૂને ગુરુદ્વારા દશમેશ પિતા સાહિબ શ્રી ગોવિંદ સિંહ સાહિબજી પર ત્રાસવાદી હુમલો કરાયો હતો. ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રોવિન્સ (ISKP) દ્વારા જવાબદારી લેવાયેલા ગન અને બોમ્બહુમલામાં ભારે વિનાશ સર્જાયો હતો. અફઘાન શીખ સમુદાયના સભ્ય સહિત બે અફઘાન નાગરિકના મોત થયા હતા અને ત્રણ નાગરિકને ઈજા પહોંચી હતી. પરિસ્થિતિ ઝડપથી વણસી રહી છે ત્યારે ભારતીયોને દેશ છોડી દેવાની સલાહ પણ અપાઈ છે. અફઘાનિસ્તાનમાંથી 669 લોકોના સ્થળાંતર કરાવવા માટે વિદેશ મંત્રાલયમાં વિશેષ અફઘાનિસ્તાન સેલની સ્થાપના કરવામાં આવી હતી. બાંધકામ કાર્ય સાથે સંકળાયેલા હિન્દુ અને શીખ કોમ્યુનિટીના સભ્યોએ જણાવ્યા મુજબ તાલિબાન શાસને રચનાત્મક શુભચેષ્ટા તરીકે ગુરુદ્વારાના પુનઃનિર્માણનું ફાઈનાન્સિંગ કર્યું છે.

તાલિબાને અફીણની ખેતી પર પ્રતિબંધની પ્રતિબદ્ધતા દર્શાવી છે. જુલાઈમાં યુએસ અધિકારીએ નોંધ્યું હતું કે ડ્રગ્સના વેપારમાં સંડોવાયેલા ખેડૂતો અને અન્યોનું સમર્થન ગુમાવવાનું જોખમ છતાં, તાલિબાન તેમના નાર્કોટિક્સ પ્રતિબંધ મુદ્દે પ્રતિબદ્ધ હોવાનું જણાય છે. તેઓ કટિબદ્ધતાને ખરેખર વળગી રહેશે કે કેમ તે માત્ર સમય જ દર્શાવશે. બીજી તરફ, તાલિબાને બનાવટમાં વપરાતા જંગલી છોડવા (ephedra) પર પ્રતિબંધ લગાવ્યા છતાં, ક્રિસ્ટલ મેથ જેવી અન્ય ડ્રગ્સની પેદાશ અને ઉત્પાદન વધી રહ્યાં છે

અફઘાનિસ્તાન બહુ ખરાબ રીતે ભૂખમરા અને ગરીબીની હાલતમાં જકડાઈ રહ્યું છે. તાલિબાનની કઠોર નીતિઓ અને સ્ત્રીઓની અલગતા હજુ આવનારી આફતોની નિશાનીઓ છે. યુએન ડેટા મુજબ, એક વર્ષ અગાઉના સંઘર્ષની સરખામણીએ નાગરિકોના મોતની સંખ્યા ઘટવાં છતાં, ગત વર્ષના ઓગસ્ટ અને આ વર્ષના જૂનના મધ્ય ગાળા સુધીમાં 2000થી વધુ નાગરિકોએ હાનિ (700 મોત અને 1400થી વધુને ઈજા) અનુભવ્યાના રિપોર્ટ્સ છે. અસંખ્ય સમસ્યાઓ ધરાવતાં વિશ્વમાં અફઘાનિસ્તાનના લોકોની યાતના ભુલાવી ન જોઈએ.

(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારાં તેઓ માત્ર બીજાં મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે. Twitter: @RuchiGhanashyam)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter