આઝાદીની લડત માટે કામ કરનારાઓની પ્રથમ હરોળમાં પારસી સન્નારી મેડમ ભીખાજી કામાએ તેમની પ્રવૃત્તિ મહાત્મા ગાંધી પહેલાં આરંભી હતી. જર્મનીના સ્ટુટગાર્ટ નગરમાં ૧૯૦૭માં, ‘ઈન્ટરનેશનલ સોશ્યાલિસ્ટ’નું વૈશ્વિક કન્વેન્શન હતું. આમાં દરેક દેશના પ્રતિનિધિઓ પોતાનો ધ્વજ રજૂ કરે અને વિશ્વ બંધુત્વ દૃઢ કરવા દરેક તેને વંદે એવી પ્રથા હતી. ભારતમાં બ્રિટિશ રાજ હતું. ફ્રાન્સમાંથી આમાં ભાગ લેવા મેડમ ભીખાજી કામા આવ્યાં હતાં. તેમણે વિચાર્યું બધા સામ્રાજ્યવાદનો વિરોધ કરે છે તો ભારતને ગુલામ રાખનારનો ધ્વજ ભારતનો રાષ્ટ્રધ્વજ ના જ હોઈ શકે. તેમણે ખૂબ વિચાર પછી રાત્રે પોતાની સાડીઓ ફાડી નાંખીને તેમાંથી ધ્વજ બનાવ્યો. ઉપર લીલો પટ્ટો રાખ્યો જેમાં આઠ કમળપુષ્પ હતાં. જે ત્યારના ભારતના આઠ બ્રિટિશ પ્રાંતોનું પ્રતીક હતા. વચ્ચે પીળા રંગનો પટ્ટો અને નીચે લાલ પટ્ટો રાખ્યો, તેમાં ચંદ્ર અને સૂર્ય રાખ્યા. આમ બન્યો ભારતનો પ્રથમ ત્રિરંગો રાષ્ટ્રધ્વજ!
આ પ્રસંગે તેમણે સૌ સભ્યોને કહ્યું, ‘શહીદોના રક્તથી રંગાયેલો આ ભારતનો રાષ્ટ્રધ્વજ છે. શોષણ અને સામ્રાજ્યવાદ સામેના અમારા જંગમાં જોડાવવા સૌને આમંત્રણ છે.’
વિદેશમાં રહીને ભારતની આઝાદી માટે કામ કરનાર આ સન્નારી ૧૮૬૧માં મુંબઈના પારસી વેપારી સોરાબજી કામા અને જીજીબાઈને ત્યાં જન્મ્યાં હતાં. નાનપણથી વાંચવામાં અને વકતૃત્વમાં તેમને રસ. શાળામાં કાયમ પ્રથમ નંબરે રહેતાં. દાદાભાઈ, ફિરોઝશાહ મહેતા અને ગોપાલકૃષ્ણ ગોખલે જેવા નેતાઓનાં ભાષણો સાંભળતાં. વિદ્યાર્થી સમક્ષ અંગ્રેજશાસન સામે એ બોલતી. મા-બાપ કહે, ‘આ બધી માથાકૂટ મેલીને પ્રથમ ભણવાનું કામ કર.’ દીકરી ના બદલાઈ તો મા-બાપે માન્યું પરણાવી દઈએ. બદલાશે. પારસી વકીલ રુસ્તમજી કામા સાથે પરણાવી. અંગ્રેજોનો વાતવાતમાં વિરોધ કરતી. પતિએ આવું કરવા ના પાડતા વિવાદ વધતો ગયો.
૧૮૯૬માં મુંબઈમાં પ્લેગ થતાં ટપોટપ મરતાં દર્દીઓની તેમણે જીવના જોખમે સેવા કરી. એમને ચેપ લાગ્યો. ઉત્તમ સારવારથી બચ્યાં, પણ અશક્તિ આવી જતાં સારવાર માટે લંડન ગયાં. લંડનમાં સારવારથી તબિયત સુધરી. અહીં તેમને દાદાભાઈ નવરોજીના સંપર્કે દેશદાઝ અને વતનપ્રેમ વધ્યાં. શ્યામજી કૃષ્ણજી વર્મા, સરદારસિંહ રાણા, વીર સાવરકર વગેરેનો સંપર્ક થયો. તેમનું ઘર વિદેશવાસી ક્રાંતિકારીઓનું મિલનસ્થળ બન્યું. રશિયન ક્રાંતિકારીઓ સાથે સંપર્ક થયો અને લેનિન સાથે પત્રવ્યવહાર કર્યો.
લંડનમાં દોરાબજી તાતા અને વિરેન્દ્ર ચટ્ટોપાધ્યાયના ‘અભિનવ ભારત’ નામના ક્રાંતિકારી જૂથમાં જોડાતાં અંગ્રેજો એમની હત્યા કરાવવાના છે એવી બાતમી મળતાં તેઓ પેરિસ જઈને વસ્યાં. ત્યાંથી જ પ્રવૃત્તિ ચલાવવા લાગ્યાં. ત્યાંથી જર્મની ગયાં અને સ્વરચિત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.
ફ્રાન્સમાં રહીને તેઓ યુરોપમાં ઠેર ઠેર વસતા ક્રાંતિકારીઓ જે ભારતમાં રાજપલટો ઈચ્છતા હતા તેમના માટે એ સંપર્ક કડી બન્યાં. આના કારણે અંગ્રેજોની ચિંતા વધી. તેમણે ભીખાજી કામા અંગ્રેજોની ગુનેગાર છે એમ ગણીને સોંપી દેવા દબાણ કર્યું. ફ્રેન્ચ સરકારે આવું દબાણ ના સ્વીકારતાં અંગ્રેજોએ એમના માટે ભારતમાં પ્રવેશબંધી કરી. ભીખાજીએ આથી ફ્રાન્સમાં રહીને પ્રવૃત્તિ જોરદાર બનાવી. અહીં રહીને તેમણે જિનિવાથી ‘વંદે માતરમ્’ છાપું શરૂ કરાવ્યું. મુંબઈથી ‘બોમ્બે ક્રોનિકલ’ શરૂ કરાવ્યું. બંનેમાં દેશપ્રેમની ઘટનાઓ અને પ્રસંગો છપાતાં. બલિદાનની ગાથાઓ છપાતી.
‘વંદે માતરમ’માં તેમણે લખ્યું, ‘આઝાદી વિના જીવનની કિંમત એક કોડીની પણ નથી. આઝાદી આપણા માથા કરતાંય મોંઘી છે. વિદેશી જંજીરો તોડવામાં ઝંપલાવવું એ જ રાષ્ટ્રભક્તિ છે. આઝાદીના મરજીવા વધે અને જલ્દીથી સ્વતંત્રતાનો સૂર્યોદય થાય એ જ મારી તમન્ના છે.’
ભીખાજીના લેખો ‘તલવાર’ નામના ક્રાંતિકારીઓના છાપામાં છપાઈને યુરોપના ક્રાંતિકારીઓનો જુસ્સો વધારતાં. ક્રાંતિકારીઓનું સંમેલન હોય ત્યાં ભીખાજી પહોંચી જતાં.
૧૯૩૬માં ૭૦ વર્ષની વયે ભીખાજીનું અવસાન થયું. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તો પોતાની ઝાંસી માટે લડ્યાં અને બલિદાન આપ્યું. ભીખાજી કામા સમગ્ર ભારતની આઝાદી માટે ઝૂઝનાર પ્રથમ મહિલા હતાં. જેમણે ભારતનું નામ ઉજાળ્યું.