જ્ઞાન સાથે ગમ્મત વત્તા ભારતનો પરિચય કરાવતાં રસ્કિન બોન્ડના પાંચ પુસ્તક

થેમ્સ-ગંગા સેતુબંધ

રોહિત વઢવાણા Tuesday 10th September 2019 04:59 EDT
 
 

ભારત અને યુકે વચ્ચે વર્ષોથી ચાલી આવતી સાહિત્યિક આદાન પ્રદાનની પરંપરામાં ભારતીય મૂળના લોકોએ બ્રિટન વિષે કે બ્રિટિશ લોકોએ ભારત વિષે લખેલું સાહિત્ય મહત્ત્વની કડી છે. ઉદાહરણ તરીકે રસ્કિન બોન્ડને લો. બ્રિટિશમૂળના આ લેખક ભારતમાં વર્ષોથી સ્થિત થયેલા છે. મસૂરીમાં રહીને તેઓએ અંગ્રેજી ભાષામાં પુષ્કળ સાહિત્યસર્જન કર્યું છે, ખાસ કરીને બાળસાહિત્યમાં.

તેમને ભારતીય બાળશિક્ષણ પરિષદ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને ‘Our Trees Still Grow in Dehra’ નવલકથા માટે ૧૯૯૨માં સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત થયો છે. ભારતમાં અંગ્રેજી વાંચનારા વર્ગમાં તેમની ખુબ લોકપ્રિયતા છે. ભારત સરકારે પણ તેમને ૧૯૯૯માં પદ્મશ્રી અને ૨૦૧૪માં પદ્મભૂષણ જેવા ઉત્તમ નાગરિક સન્માન આપ્યા છે. ઉપરાંત, ૨૦૧૭માં તેમને સાહિત્યક્ષેત્રે આજીવન ઉપલબ્ધી પુરસ્કાર પણ પ્રાપ્ત થયો.
તેમના ઢગલાબંધ પુસ્તકોમાંથી આપને પાંચ સૌથી મહત્ત્વના ગણાવી શકાય તેવા પુસ્તકો વિષે માહિતી આપું છું. શક્ય છે યુકેમાં રહેતા લોકો પોતાના બાળકોને વાંચવા આપે. અંગ્રેજીમાં લખાયેલા આ પુસ્તકો બાળકોને મનોરંજન સાથે ભારત અંગે થોડી માહિતી પણ આપશે. એટલે કે જ્ઞાન સાથે ગમ્મત થઇ પડશે. મોટેરાઓએ પણ રસ્કિન બોન્ડને વાંચવા જેવા છે.
૧) The Room on the Roof: આ નવલકથા રસ્કિન બોન્ડે તેમની ૧૭ વર્ષની ઉંમરે લખેલી અને તે મિત્રો સાથે વિતાવેલા સમય અંગે આત્મકથાત્મક વાર્તા છે. તેમનું પાત્ર રુસ્તી - Rusty તરીકે ઓળખાય છે અને તે ભારતની ભોમ ખેડવા નીકળી પડે છે. તેની સાથે સાથે સુંદર કલ્પનાઓ વણાયેલી છે.
૨) The Blue Umbrella: આ નવલકથા ૧૯૮૦માં લખાયેલી અને તેના પરથી બોલીવુડની એક ફિલ્મ પણ બની છે. આ પુસ્તકમાં બિનીયા નામની એક પહાડી છોકરીની બ્લુ રંગની છત્રીથી ગામના બધા લોકો ઈર્ષ્યા અનુભવે છે. આખરે તે એક જરૂરિયાતમંદ વૃદ્ધને પોતાની છત્રી આપે છે. વાર્તા તો બાળકો માટે છે, પરંતુ તેમાંથી શીખવાનું મોટા લોકો માટે પણ ઘણું છે.
૩) A Flight of Pigeons: આ પુસ્તક ૨૦૦૩માં પ્રકાશિત થયું, પણ તેની વાર્તા ૧૮૫૭માં આકાર લે છે. તેમાં ભારતના ૧૮૫૭ના બળવાની વાત પણ છે. તે એક નાની બાળકીની આંખે જોયેલી ઘટનાઓના વર્ણન સ્વરૂપે બળવાને આલેખે છે.
૪) Rusy, The Boy from the Hills: આ પુસ્તક રુસ્તીના પાત્ર દ્વારા આપણને પણ એક પલાયનવાદ પૂરો પડે છે. કથા વાચકને જકડી રાખે તેવી છે અને તેમાં એલિસ ઈન વન્ડરલેન્ડની જેમ રુસ્તી સાથે અનેક ઘટનાઓ ઘટતી રહે છે. તેમાં પ્રકૃતિનું આલેખન પણ ખુબ સુંદર છે.
૫) A Handful of Nuts: આ પુસ્તક તો નવા લેખકો માટે ખુબ પ્રેરણાદાયી બની રહે છે. જયારે લેખક ૬૦ના દશકામાં જીવી રહ્યા હતા ત્યારે લખાયેલું આ પુસ્તક ૨૧ વર્ષના લેખકની વાર્તા કહે છે. પુસ્તકની સાદગી કોઈને પણ પસંદ આવી જાય તેવી છે.
આશા છે લોકો રસ્કિન બોન્ડને વાંચવા પ્રેરાશે. ભારતનું અંગ્રેજી સાહિત્ય ઈંગ્લેન્ડમાં વધારે વંચાય તો બંને દેશો વચ્ચેનો સેતુબંધ જરૂર મજબૂત બને.
(અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus