મેં થોડા સમય પહેલા જ મારા દૈનિક વાચનના ભાગરુપે ભગવદ્ ગીતાના ૧૪મા અધ્યાય ‘ગુણત્રય વિભાગ યોગ’નું વાચન પૂર્ણ કર્યું છે. આ ઘણી આશ્ચર્યની વાત છે કે આ ધર્મગ્રંથ ૫,૦૦૦ વર્ષ કરતાં પણ અગાઉ લખાયો હોવાં છતાં, તેના ઉપદેશો વર્તમાન કાળમાં પણ એટલા જ સુસંગત જણાય છે. આપણે સદીઓ પુરાણા ઉપદેશોમાં શીખી શકીએ અને આધુનિક સમયમાં તેને જીવનમાં ઉતારી લાભ પણ મેળવી શકીએ છીએ.
આ અધ્યાયમાં આપણી પ્રકૃતિ-સ્વભાવના ત્રણ ગુણ અથવા પાસા વિશે ઉલ્લેખ કરાયો છે. આ ગુણો સાત્વિક અથવા સારપ અથવા પવિત્રતા, રાજસિક અથવા આસક્તિ અથવા સ્વાર્થ તેમજ તામસિક અથવા અજ્ઞાન અથવા આળસ છે. આપણે સહુ પ્રકૃતિના આ ત્રણ ગુણો સાથે જ જન્મીએ છીએ. જોકે, આ ત્રણ ગુણની શક્તિ અથવા પ્રમાણ દરેકમાં અલગ અલગ હોય છે. કેટલાકમાં સાત્વિક ગુણ વધુ હોય છે જ્યારે રાજસિક અથવા તામસિક ગુણનું પ્રમાણ ઓછું હોય છે. તમે કોઈમાં શાણપણ, દયા અને જ્ઞાનનો ભંડાર જોઈ કોણ વધુ સાત્વિક છે તે ઓળખી શકો છો. અન્ય લોકોમાં રાજસિક તત્વનું પ્રમાણ વધુ તેમજ સાત્વિક અથવા તામસિક ગુણનું પ્રમાણ ઓછું હોય છે. જે લોકો પોતાના માટે ધનસંચય કરવામાં વધુ ધ્યાન કેન્દ્રિત કરે અને પોતાની પ્રશંસામાં જ રાચતો હોય તેમને તમે રાજસિક તરીકે ઓળખી શકો છો. જ્યારે તેઓ પોતાની સંપત્તિનો ઉપયોગ માનવ કલ્યાણ માટે કરવા લાગે ત્યારે તેમની રાજસિકમાંથી સાત્વિક ગુણ તરફ ઉન્નતિ થાય છે. જ્યારે લોકો પોતાના સ્વાર્થને જ નિહાળતા હોય, આળસથી ભરેલા હોય અને અન્ય લોકોને નુકસાન-હાનિ પહોંચાડતા હોય ત્યારે તેમને તામસિક તરીકે ઓળખી શકાય છે.
સાત્વિકતામાં આપણો સ્વભાવ-પ્રકૃતિ જીવનમાં અચ્છાઈનું પ્રભુત્વ ધરાવે છે જેનો અર્થ સારું ચારિત્ર્ય, અન્ય લોકો પ્રતિ વિચારશીલ, ડાહ્યો અને અન્યોને મદદ કરવાની ઈચ્છા રાખનારો, પવિત્રતા સાથે કાર્યો કરનારો અને વધુ આધ્યાત્મિકતા ધરાવનારો વ્યક્તિ એમ થાય છે.
રાજસિકતામાં આપણી પ્રકૃતિ વધુ સ્વાર્થી રહે છે, દરેક પરિસ્થિતિમાંથી લાભ મેળવવો, પોતાની કીર્તિ કે મહિમા માટે જ કાર્ય કરનારી અને આકર્ષક ભૌતિક ચીજવસ્તુઓની લાલસા ધરાવનારી રહે છે. આ ગુણમાં લોભ પણ હિસ્સો બની રહે છે.
તામસિક પ્રકૃતિમાં આળસ, જડતા, દુર્ગુણો, અંગત સ્વાર્થ કે લાભ માટે અન્યોને હાનિ પહોંચાડવી વગેરેનો સમાવેશ થાય છે.
આપણા ચરિત્રમાં આ ત્રણે ગુણના તત્વો રહેલા હોય છે અને સમયાંતરે તેમાં વધારો પણ થાય છે. આ લક્ષણો થકી આપણા ચારિત્ર્યને ઓળખવાનો પ્રયાસ કરીએ તે આવશ્યક છે.
ઘણી વખત આપણા પરિવાર કે મિત્રો દ્વારા આપણી પ્રકૃતિ કે સ્વભાવ વિશે ટીપ્પણી કરાઈ હોય તે પણ શક્ય છે. એમ કહી શકાય કે કામકાજ કરતા અથવા બિઝનેસ કરતા બહુમતી લોકોમાં થોડા પ્રમાણમાં સાત્વિક અને તામસિક ગુણો સાથે રાજસિક તત્વનું પ્રભુત્વ રહે છે. આપણો ઉદ્દેશ તામસિક ગુણોને નાબૂદ કરી વધુ સાત્વિક પ્રવૃત્તિઓ અપનાવવા તરફનો હોવો જોઈએ. જો આપણે આ તત્વો કે લક્ષણો વિશે જાગૃત હોઈશું તો આપણે સમય જતા આપણી પ્રકૃતિને સુધારવા તરફ આગળ વધી શકીશું.
ઉદાહરણ તરીકે, માલસામાન કે સેવા-સર્વિસીસનું વેચાણ કરતી વેળાએ આપણે સારો નફો મેળવવાની ઈચ્છાથી આમ કરીએ તે સ્વાભાવિક છે. જોકે,માલસામાન કે સેવા-સર્વિસીસ પૂરાં પાડતી વખતે આપણે વધુ સાત્વિક અને ઓછાં તામસિક રહી શકીએ. આપણે ગ્રાહકે અપેક્ષા રાખી હોય તેના કરતાં વધુ સારા વ્યવહાર અને વધુપડતા નફાના બદલે વાજબી નફો કમાવાનો ઉદ્દેશ રાખવો જોઈએ.
સમય વીતવાની સાથે આપણે આપણું ચારિત્ર્ય સુધારી શકીશું અને માનસિક શાંતિને માણી શકીશું.
(લેખક લંડન ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ ચેરમેન અને ચેરિટી ક્લેરિટીના સ્થાપક અધ્યક્ષ છે.)


