આજકાલ એક પ્રશ્ન દરેક વ્યક્તિ પૂછી રહી છે. આપણી કોમ્યુનિટીના ઘણા સભ્યો સાથે મારે ચર્ચાઓ થતી રહી છે જેમાં દરેક જણ એક જ પ્રશ્ન પૂછે છે, ‘શું ગેરેથ જુઠ્ઠું બોલે છે?’ ગત સપ્તાહે મારી કોલમમાં ગેરેથ સાથે (APPG ગુજરાતીના સંદર્ભે) વાતચીતમાં તૃપ્તિબહેને શું કહ્યું હતું તે મુદ્દે ઘટસ્ફોટ કર્યો હતો કે તે સમયે એક વ્યક્તિ-સાક્ષી ત્યાં ઉપસ્થિત હતા જેમણે આ વાતચીત સાંભળી હતી. જોકે, ગેરેથે 29 એપ્રિલે ટ્વીટર પર એમ જણાવ્યું કે, ‘આ પત્ર (તૃપ્તિબહેને જે પત્ર ગેરેથને લખ્યો હતો) માં મારી સાથે સંબંધિત જે ટીપ્પણી કરાઈ છે તે જરા પણ સાચી નથી.’
તમે કદાચ વિચારશો કે આ બાબત તો હવે વિવાદમાં ઘેરાઈ છે. જોકે, આ જરા પણ સાચું નથી કારણકે તૃપ્તિબહેન એ બાબતે મક્કમ છે કે તેમણે જે જણાવ્યું છે તે સત્ય છે અને તેના સાક્ષી પણ છે જેઓ આ બાબતને સમર્થન આપી શકે તેમ છે. 8 મેના દિવસે તૃપ્તિબહેને ટ્વીટ કર્યું છે કે,‘ હું એક બાબત સ્પષ્ટ કરવા માગું છું કે @GarethThomasMP – સાંસદ ગેરેથ થોમસ તેમની સાથેની મારી વાતચીતની ગેરરજૂઆત કરી રહ્યા છે. તેમણે ખરે જ એમ કહ્યું હતું કે,‘હું મારા મતવિસ્તારમાં ગુજરાતી કોમ્યુનિટીના નોંધપાત્ર વર્ગનું પ્રતિનિધિત્વ કરવા પૂરતો કમનસીબ છું.’ મેં જે જણાવ્યું હતું તેને હું વળગી રહું છું અને તે પુરવાર કરી શકું તેમ છું.’
તૃપ્તિબહેન ગેરેથને લલકારી રહ્યાં છે. આથી, હું ગેરેથને પ્રશ્ન કરું છું, શું તમે જુઠ્ઠું બોલો છો? શું તમે તૃપ્તિબહેન સાથે થયેલી તમારી ચર્ચા સંદર્ભે જુઠ્ઠું બોલી રહ્યા છો? શું તમે APPG ગુજરાતીના સંદર્ભે તમે આદરેલા કન્સલ્ટેશન વિશે જુઠ્ઠું બોલી રહ્યા છો? શું તમે APPGને પ્રાપ્ત સમર્થનના પ્રમાણ (કારણકે વ્યાપક બહુમતી સંસ્થાઓએ તો તેને નકારી કાઢેલ છે) વિશે જુઠ્ઠું બોલી રહ્યા છો? શું આમ જુઠ્ઠું જ બોલવું તમારી મોડસ ઓપરેન્ડી-કાર્યશૈલી છે?
હું વાચકોને યાદ અપાવવા માગું છું કે મેં ગેરેથને તેમણે જેમની સાથે સલાહ મસલતો કરી હોય તે દરેક સંસ્થા-સંગઠનની સંપૂર્ણ યાદી તેમજ તેમને પસંદ કરવાના ધારાધોરણ પૂરાં પાડવા જણાવ્યું હતું. આ સાથે, જે વ્યક્તિઓ સાથે મસલતો કરી હોય અને શા માટે તેની પણ સંપૂર્ણ યાદી આપવા જણાવ્યું હતું. આ ઉપરાંત, તેમને જે સમર્થન પ્રાપ્ત થયું હોય તેના તમામ સમર્થનપત્રોની નકલો પૂરી પાડવા જણાવ્યું હતું. અત્યાર સુધી અને 6 સપ્તાહનો સમય વીતી ગયા પછી પણ હું હજું રાહ જોઈ રહ્યો છું. આથી, હું ગેરેથને કહું છું કે તમને શેનો ડર લાગે છે? સત્યનો?
હિન્દુવિરોધી તિરસ્કારનું પ્રમાણ હવે વધી રહ્યું છે. હિન્દુ કોમ્યુનિટી પર હુમલો કરવામાં જેઓ કામયાબી મેળવી રહ્યા છે તેમને લેબર પાર્ટી શરણ આપતી હોવાનું સ્પષ્ટ જણાય છે. આપણે આ જોયું જ્યારે ઈસ્લામિસ્ટોએ લંડનમાં ભારતીય હાઈ કમિશન પર હુમલો કર્યો હતો, અને આપણે જોયું હતું કે ટોળાંમાં લેબર પાર્ટીના સભ્યો પણ હાજર હતા. લેબર પાર્ટીના સાંસદોનું મૌન પણ ભારે બોલકું હતું.
આપણે આ જ પ્રકારની પેટર્નના સાક્ષી બન્યા જ્યારે ઈસ્લામિસ્ટોએ લેસ્ટરમાં હિન્દુઓ અને આપણાં મંદિરો પર હુમલો કર્યો હતો. થોડા હિન્દુ કાઉન્સિલરો હતા જેમણે વિરોધમાં અવાજ ઉઠાવ્યો હતો અને તેમણે થોડા જ સમયમાં જાણી લીધું કે લેબર પાર્ટી તેમની સામે બદલાનું રાજકારણ ખેલશે. લેસ્ટરના દબાણ હેઠળ આવી ગયેલા લેબર મેયરે ઈસ્લામિસ્ટ હુમલાઓ વિશે કવેળાની ઈન્ક્વાયરી પાછી ખેંચી લેવી પડી હતી કારણકે ઘણા લોકોને એમ લાગ્યું હતું કે મેયર પણ આ ઉગ્રવાદીઓની તરફેણમાં પૂર્વગ્રહિત-પક્ષપાતી હતા.
લેબર પાર્ટીનું આ પાગલપન પૂરતું ન હોય તેમ તેમણે તાજેતરની કાઉન્સિલ ચૂંટણીઓમાં મોટા ભાગના હિન્દુ કાઉન્સિલરોને તેમની બેઠક પરથી ઉમેદવારી કરવાથી અટકાવ્યા. આના બદલે તેમના સ્થાને પોતાના વફાદાર ઉમેદવારોને ગોઠવી દીધા. સ્થાનિક લોકોને લાગ્યું કે આ તો દેખીતું રેસિઝમ છે અને તેમના નેતા કેર સ્ટાર્મરની સંપૂર્ણ જાણકારી હેઠળ છે. કેર તરફથી એક શબ્દ પણ ન બોલાયો અને તેમનું આ મૌન પણ ઘણું ઘણું કહી જાય છે.
સદ્નસીબે, લેસ્ટરના લોકોએ 5 મેએ પોતાનો ચુકાદો આપી જ દીધો. અત્યાર સુધી લેસ્ટરની 54માંથી 53 બેઠક પર અંકુશ ધરાવતી લેબર પાર્ટીએ 22 બેઠક ગુમાવી હતી. હા, આ સાચું છે. માની-વિચારી ન શકાય તેવું બની ગયું. દાયકાઓના સંપૂર્ણ કન્ટ્રોલ પછી તેમને જણાયું કે તેમના પૂર્વગ્રહિત પક્ષપાતને હવે મતદારો જાકારો આપી રહ્યા છે. ટોરીઝ પાસે માત્ર 1 બેઠક હતી તે રાતોરાત વધીને 17 થઈ ગઈ. મને શંકા છે કે જો કેટલાક સ્વતંત્ર-અપક્ષ ઉમેદવાર ઉભા રહ્યા ન હોત તો લેબર પાર્ટીએ ટોરીઝ સામે વધુ બેઠકો ગુમાવવી પડે તેવી સંપૂર્ણ શક્યતા હતી. લેબર પાર્ટી માટે માત્ર આ એક જ આઘાતજનક પરિણામ નથી. સ્લાઉમાં પણ તેઓ 42માંથી 36 બેઠક પર અંકુશ ધરાવતા હતા ત્યાં એક જ રાતમાં તેમણે 18 બેઠક ગુમાવી છે. ટોરીઝે 5 બેઠકમાંથી 21 બેઠક તરફ આગેકૂચ કરી છે જે 16 બેઠકનો લાભ દર્શાવે છે.
આ સંદેશો કેરને છે, ગેરેથને છે અને તમામ ભારતવિરોધી અને હિન્દુવિરોધી સાંસદો માટે છે જે તદ્દન સ્પષ્ટ છે કે બસ, હવે બહું થઈ ગયું. ભારતીય અને હિન્દુ કોમ્યુનિટી આખરે જાગી રહી છે અને કોફીને બરાબર સુંઘી રહી છે. એવી હકીકત કે કેર અને ગેરેથ જેવી વ્યક્તિઓ આપણી કોમ્યુનિટી સાથે ઉપેક્ષાપૂર્ણ વ્યવહાર કરી શકે તે ખરેખર અરુચિકર જ ગણાય. જ્યુઈશ કોમ્યુનિટીએ એક દાયકાથી વધુ સમય અગાઉ લેબર પાર્ટીને બોધપાઠ ભણાવ્યો હતો. કદાચ 2024નું જનરલ ઈલેક્શન એવું વર્ષ હોઈ શકે જ્યારે આપણી કોમ્યુનિટી જે લોકો પૂર્વગ્રહ આચરતા હોય તેમજ જે લોકો આપણને વિભાજિત કરવા માગતા હોય તેમના પ્રતિ પોતાની નારાજગી-રોષ બરાબર દર્શાવશે.
(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)


