દાનવીર દેશભક્ત ગુજરાતી બર્મીઝઃ જમાલ શેઠ

Saturday 20th July 2019 08:03 EDT
 

જામનગરના જમાલ શેઠ રંગૂનમાં વસ્યા અને ધંધા-રોજગારમાં જામ્યા. ધંધા પણ ભાત-ભાતના. સાહસ અને સૂઝનો જીવ જમાલ શેઠ. ભારોભાર સ્વદેશપ્રેમ અને ગુજરાતીપણાની ભાવનાથી ભરેલા. ઊંટ મરે તો ય ડોક મારવાડ તરફ એવી કહેવતનું સાકાર સ્વરૂપ તે જમાલ શેઠ. ભારતમાં ત્યારે ગાંધીયુગ. ગાંધીની વાત વિના શસ્ત્રે આઝાદી મેળવવાની. અંગ્રેજોને આ દેશમાં રહેવામાં લાભ જ ના દેખાય તો આપોઆપ ગાંસડાં-પોટલાં બાંધીને વિદાય થશે એવી માન્યતા. આથી તેઓ કહેતા આર્થિક આઝાદી ના હોય તો રાજકીય આઝાદી નિરર્થક બને. આર્થિક આઝાદી એટલે સ્વદેશી માલ વાપરવાનો. આમ કરવાથી દેશનું ધન દેશમાં રહે.
ભારતને આર્થિક રીતે સ્વાવલંબી બનાવનાર જે ગુજરાતી વીરલા હતા તેમાં આપણે કસ્તુરભાઈ લાલભાઈ શેઠ, અંબાલાલ સારાભાઈ, રણછોડલાલ રેંટિયાવાળા, ભાઈલાલભાઈ અમીનને ગણીએ છીએ ત્યારે ગુજરાત બહાર રહીને આર્થિક આઝાદી માટે ફનાગીરી વ્હોરનાર જમાલ શેઠને ભૂલીએ છીએ.
જમાલ શેઠે આજના મ્યાનમાર પણ ત્યારના બ્રહ્મદેશના રંગૂનમાં વસતા. તેઓ ચોખાના વેપારમાં પડ્યા. મીઠી જીભ અને પ્રામાણિક વ્યવહારથી તેઓ ધંધામાં જામ્યા. માત્ર ખરીદી છોડીને તેમણે ચોખાની મિલો કરી. ખેડૂતોનો વિશ્વાસ મેળવ્યો જેથી ખેડૂતો ડાંગર તેમને વેચવાનું પસંદ કરતા. પછી જમીનો ખરીદી અને ડાંગર પકવતાં. મોટાં ફાર્મના માલિક થયા. જમાલ શેઠ ચોખા બજારના રાજા મનાયા. ચોખાની નિકાસે તેમને ત્યાં ધનના ઢગલા થયા.
આ પછી કેરોસીનના વેપારમાં પડ્યા. એમના ‘ચાવી’ છાપ કેરોસીનના ડબલાં ભારતમાં ખૂબ વેચાતાં. જમાલ શેઠની સાહસભૂખ વૃકોદરી હતી. વળી તેમણે નવા ધંધામાં ઝંપલાવ્યું.
યુગાન્ડામાં નાનજી કાલિદાસ અને મૂળજીભાઈ માધવાણીના પહેલાં ખાંડઉદ્યોગમાં ઝંપલાવનાર જમાલ શેઠ હતા. જમાલ શેઠે જમીનોના દલાલ શોધ્યા. જમીનો ખરીદવા માંડી. તે જમાનામાં મ્યાનમાર પણ ભારતની જેમ બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ હતું. જમીન ખરીદવા પર નિયંત્રણ ન હતાં. જમાલ શેઠે જમીનો ખરીદીને તેમાં શેરડીનું વાવેતર કર્યું. મોટા પાયે શેરડીનું ઉત્પાદન થતાં ખાંડનાં કારખાનાં નાંખ્યાં. જમાલ શેઠ મોટા ખાંડ ઉત્પાદક બન્યાં.
ખાંડ, ચોખા અને કેરોસીનના વેપારમાં જમાલ શેઠના કોઈ બરોબરિયા ન હતાં. સમૃદ્ધિ છતાં જમાલ શેઠમાં વ્યસન ના આવ્યાં, તોછડાઈ ના આવી. સાદગી, સખાવત અને સ્વદેશપ્રેમ એ જમાલ શેઠની ઓળખ બન્યાં. શિક્ષણ હોય તો સમજ અને સૂઝ વધે. શિક્ષણ ગરીબીનિવારણ કરે. લોકોની ભૂખ ભાંગે અને લોકો સુખી થાય તેવું માનતા. જમાલ શેઠે જાણે સખાવતની પરબ માંડી હોય તેમ સૌરાષ્ટ્ર, ગુજરાત અને મુંબઈમાંથી વાયા વાયા સંબંધો શોધીને લોકો ધન મેળવવા રંગૂન જતા. સાચા કારણસર દાન મેળવવા આવેલા કોઈને નિરાશ થવું પડતું નહીં.
આવી દોમ દોમ સાહ્યબી જમાલ શેઠના સ્વદેશ પ્રેમમાં ડૂબી ગઈ. ભારતમાં માલની હેરફેર દરિયા રસ્તે વહાણોમાં થતી. ૯૯ ટકા વહાણોની માલિકી વિદેશી કંપનીઓની હતી તેથી લગભગ બધો નફો પરદેશ જતો. કેટલાક હિંદી સાહસિકોએ ભેગા મળીને સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપની કરી. આરંભમાં તે સારી ચાલી. આને કારણે વિદેશી કંપનીઓનો નફો ઘટ્યો. તેમણે આથી સામૂહિક રીતે માલ અને યાત્રાળુઓના ભાડામાં ધરખમ ઘટાડો કર્યો. આને કારણે સિંધિયા કંપનીના જહાજો ખાલી રહેવા લાગ્યાં. આમ છતાં જહાજો ચલાવવાના ખર્ચ, પગાર વગેરે ચાલુ રહેતાં કંપની બંધ કરવી પડે તેવું થયું. જમાલ શેઠે આ જાણ્યું. આથી તેમણે પોતાના ચોખા સિંધિયા કંપની મારફતે ભારત મોકલવા માંડ્યા. આથી તેમના ચોખા ભારતમાં વધારે મોંઘા પડે. લોકો સસ્તા હોય તો જ ખરીદે. તેમણે ચોખાનો ભાવ ઘટાડ્યો. એક લાખ ટન ચોખા સસ્તામાં વેચાતાં જમાલ શેઠની સોદાગરી ડૂબી, પણ સિંધિયા કંપની બચી ગઈ.
મુંબઈમાં સરદાર પટેલના પ્રમુખપદે કંપનીના નવા મકાનનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો તેમાં કંપની પ્રમુખ વાલચંદ શેઠે કહ્યું, ‘સિંધિયા કંપનીના તારણહાર જમાલ શેઠ બન્યા તેથી કંપની ટકી ગઈ. તેમનો આભાર જેટલો માનીએ તેટલો ઓછો પડે. તે જ ખરા અભિનંદનના અધિકારી છે.’
ભામાશાએ પ્રતાપને બાપ-દાદાની મિલકત સોંપી હતી. જમાલ શેઠે પોતે કમાયેલું સ્વદેશી કંપનીને જીવાડવા હોમી દઈને આર્થિક શહાદત વહોરી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter