દિવાળીના આ પાવન પ્રસંગે ગુજરાત સમાચાર/એશિયન વોઈસના વાચકોને સુખમય, સમૃદ્ધ અને સલામત દિવાળીની શુભેચ્છા પાઠવતા મને ખૂબ જ આનંદ થાય છે. દિવાળીનો સમય કોઈપણ ધર્મના હોય પરંતુ ભારતીય હોય તે સૌને માટે આનંદ અને ઉજવણીનો ઉત્સવ છે. ૧૪ વર્ષના વનવાસ પછી ભગવાન રામ, સીતાજી અને લક્ષ્મણજી અયોધ્યા પાછા ફર્યા હતા તેની ઉજવણીનું પર્વ દીપોત્સવી છે. તે અનિષ્ટ પર ઈષ્ટના વિજયનું પ્રતીક છે અને દુનિયાભરમાં તે પ્રકાશના પર્વ તરીકે જાણીતું છે. ગુરુ અમરદાસે વૈશાખીની સાથે દિવાળીને પણ શીખોનો તહેવાર ગણાવ્યો છે. દિવાળીના દિવસે ગુરુ હરગોવન્દજીને બાવન હિંદુ રાજાઓ સાથે બાદશાહ જહાંગીરે જેલમાંથી છોડી મૂક્યા હતા તેથી તે બંદી છોડ દિવસ તરીકે પણ જાણીતો છે. જૈનો માટે દિવાળી વર્ષનો છેલ્લો દિવસ હોવા ઉપરાંત ૨૪મા તીર્થંકર મહાવીરના દેહત્યાગ અને મોક્ષપ્રાપ્તિનો દિવસ છે. ઘણાં બૌદ્ધ લોકો દીવડા પ્રગટાવીને તથા ગૌતમ સ્વામી બુદ્ધને યાદ કરીને તેની ઉજવણી કરે છે. દિવાળીના દિવસે સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મને અનુસરવાનો નિર્ણય કર્યો હતો. ૧૮ વર્ષ પછી ગૌતમ બુદ્ધ દિવાળીના દિવસે તેમના અનુયાયીઓ સાથે કપિલવસ્તુ પાછા ફર્યા હતા. મુસ્લિમો અને ક્રિશ્ચિયન લોકો પણ ઘણી વખત તેમના મિત્રો સાથે દિવાળીની ઉજવણીમાં સામેલ થાય છે. આમ, દિવાળીની વ્યાપક અને ભવ્ય ઉજવણી થાય છે અને દુનિયાભરના ભારતીયો તેનો આનંદ માણે છે.
આ વર્ષે દિવાળી ખૂબ કપરા સમયમાં આવી છે. આખી દુનિયા વૈશ્વિક મહામારી સામે લડત આપી રહી છે. યુકે સહિત યુરોપના દેશોમાં બીજું લોકડાઉન ચાલે છે.
ભારતમાં લોકડાઉનના કડક અમલના અંતે ખૂલ્યા પછી કોવિડના કેસોમાં ભારે વધારો જોવા મળ્યો હતો. કોવિડને લીધે લગભગ દરેક જગ્યાએ સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. અર્થતંત્ર પર તેની અત્યંત વિનાશક અસર પડી છે. અર્થતંત્ર મંદ પડી જતાં ઘણાં લોકોની નોકરી છીનવાઈ ગઈ છે. યુવાનો અને વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરે છે અને તેમના ભવિષ્ય વિશે ચિંતિત છે. આઈસોલેશનની અને સામાજિક મુલાકાત અથવા પરામર્શ વિનાની નવી જીંદગીથી ટેવાઈ જવા માટે પ્રયાસ કરીએ છીએ ત્યારે સમાજના મોટા વર્ગ આર્થિક પડકારોને પહોંચી વળવા માટે ઝઝૂમી રહ્યા છે.
યુકેમાં ફ્લાઈટો બંધ થવાથી અને પહેલા લોકડાઉનને લીધે અટવાઈ ગયેલા લોકોને મદદ કરવામાં ભારતીય ડાયસ્પોરા સૌથી મોખરે રહ્યો છે. કમ્યુનિટીએ ભારતીય વિદ્યાર્થીઓને કરેલી સહાય પ્રશંસનીય છે. દિવાળીનું જોશ અને જુસ્સો ડાયસ્પોરામાં સેવાના જુસ્સાને ફરી જોમવંતો બનાવે તેમ થવું જોઈએ.
ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં દિવાળીની સિઝન પરાળી સળગાવવા અને પ્રદૂષણ સાથે આવે છે. યુકેમાં પણ હવે વિન્ટર આવે છે જે ફ્લૂની સિઝન ગણાય છે. તેમાં આ વર્ષે કોરોના વાઈરસનો ઉમેરો થયો છે. પરંપરા મુજબ ફટાકડા ફોડ્યા વિના દિવાળીની ઉજવણી અધૂરી ગણાય છે. આતશબાજી આપણી ઉજવણીનો આનંદ વધારે છે ત્યારે આ વર્ષે કોવિડ - ૧૯ની વિપરિત અસર રોકવા અને આપણા ફેફ્સાંને પ્રદૂષણથી બચાવવા માટે પ્રદૂષણ ફેલાવતા ફટાકડાનો ઉપયોગ ટાળવાનું ખૂબ જરૂરી છે.
પરંતુ, આ દિવાળીએ સારા સમાચાર પણ છે. અમેરિકાની ચૂંટણીમાં વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયેલા કમલા હેરિસ પ્રથમ અશ્વેત મહિલા બન્યા છે, જે દુનિયામાં ભારતીય ડાયસ્પોરાની શક્તિને પ્રતિબિંબિત કરે છે. ૧૯મી સદીના પ્રારંભમાં ગુલામી પ્રથા નાબૂદ કર્યા પછી ગુલામ શ્રમિકોની જગ્યાએ ૧૫૦ વર્ષ પહેલા લગભગ ૨ મિલિયન ભારતીયોને કરારબદ્ધ શ્રમિકો તરીકે યુરોપિયન કોલોનીઝમાં લવાયા હતા. કમલા હેરિસ મૂળ ભારતીય છે. તેમની માતા ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી ૧૯૫૮માં ભારતથી અમેરિકા આવ્યા હતા. ઈન્ડિયન ડાયસ્પોરાએ તેમના સખત પરીશ્રમ, શિક્ષણ પર ધ્યાન. પરિવાર પ્રત્યે સમર્પણ અને સફળતા મેળવવાના દ્રઢ સંકલ્પ દ્વારા લાંબી સફર ખેડી હશે તે કમલા હેરિસની જ્વલંત સફળતા દર્શાવે છે. તેમને અભિનંદન પાઠવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સફળતાને ‘ચીલો ચાતરનારી’ અને ગર્વ લેવા જેવી ગણાવી હતી. યુકેમાં પણ હાલ અત્યાર સુધીની સૌથી ડાઈવર્સ એટલે કે વૈવિધ્યપૂર્ણ કેબિનેટ છે. ચાન્સેલર રિશિ સુનાક, હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ, બિઝનેસ અને એનર્જી સેક્રેટરી આલોક શર્મા તથા એટર્ની જનરલ સુએલા બ્રેવરમાન યુકેમાં ઈન્ડિયન ડાયસ્પોરાના વર્ચસ્વનું પ્રતીક છે. ડાયસ્પોરાની નવી પેઢી તેમાંથી અને રાજકારણ, બિઝનેસ, સાયન્સ અને ટેક્નોલોજી, આર્ટ અને મીડિયા તથા એડમિનિસ્ટ્રેશનના અન્ય આદર્શ વ્યક્તિઓમાંથી પ્રેરણા મેળવી શકશે. હાલ પડકારો હોઈ શકે પરંતુ આ દિવાળી પર ઈન્ડિયન ડાયસ્પોરા માટે ભવિષ્ય ઉજળું દેખાય છે. આ દિવાળી કોરોના વાઈરસ પર વિજય માટે ની એક આશા બની રહે અને સૌને માટે સફળતા અને સમૃદ્ધિ મળે.
(‘આમ આદમીના રાજદૂત’ દર સપ્તાહે ‘ગુજરાત સમાચાર’માં - આપના પ્રિય ‘ગુજરાત સમાચાર’ સાપ્તાહિકમાં ભારતના વરિષ્ઠ ડિપ્લોમેટ રુચિ ઘનશ્યામની કસદાર કલમે કોલમ શરૂ થઇ રહી છે તે ‘ગુજરાત સમાચાર’ના વાચકોનું બહુમાન છે. ‘આમ આદમીના રાજદૂત’ તરીકેની ઓળખ ધરાવતા રુચિ ઘનશ્યામ અનેકવિધ વિષયો પર વિશદ્ જ્ઞાન ધરાવે છે. તાજેતરમાં જ તેઓ આઇએફએસ અધિકારી તરીકેની ૩૮ વર્ષની જ્વલંત કારકિર્દી બાદ ભારત સરકારના વિદેશ મંત્રાલયની સેવામાંથી નિવૃત્ત થયા છે. આ કોલમ શરૂ કરવા બદલ અમે રુચિ ઘનશ્યામના અંતઃકરણપૂર્વક આભારી છીએ. - સી.બી. પટેલ, પ્રકાશક-તંત્રી)