વાત છેક આઠમી નવેમ્બર ૨૦૧૬ની છે. ત્યારથી ભારત અને વિશ્વના દેશોમાં ભારતીય અર્થવ્યવસ્થા બાબતેના દરેકના મત, સત્યો - અસત્યો અલગ થઈ ગયા. આ ઘટના સાથે ઘણા સારા નરસા સત્યો અસત્યોએ જન્મ લીધો તે તો કદાચ આ મહાન ભારત દેશના દરેક બાળકે અને વિદેશમાં આ દેશનાં બાળકો વિકાસ કરી રહ્યાં છે તેમણે જાણવા પરાણે પણ પ્રયત્નો કર્યાં જ હશે. આ નોટબંધી અંગેના સત્યો વાયકાઓ પછી હમણાં પ્રજા માટેનું સત્ય એ છે કે બેંકોનાં એટીએમ ‘કેશલેશ’ થઈ ગયાં છે. એટીએમના અડધા પડેલાં શટર જોઈને આમ તો પ્રજા સમજી જાય છે કે એટીએમમાં કેશ નથી. દેશને કેશલેસ બનાવવાની જાહેરાતથી લઈને નોટબંધીથી જે બિફોર આફ્ટર થયું તેની અહીં નાનકડી ઝલક.
બિફોર નંબર ૧
નોટબંધી મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એવો દાવો કર્યો હતો કે આનાથી બ્લેક મનીનો પ્રવાહ ઘટશે અને આતંકવાદને ફટકો પડશે.
આફ્ટર નંબર ૧
રૂ. ૩ લાખ કરોડની રોકડમાં બ્લેક મની તો જવા જ દો બધી મની પાછી આવી ગઈ ને ઓછામાં પૂરું જૂની નવી બધી જ મનીનું નકલીકરણ જારી છે અને આ નોટો ઘણાય બાપડા સીધા સાદા નાગરિકોના હાથમાંય હસી રમીને ચલણમાં ચાલી ગયાના અહેવાલ પણ છે. નોટબંધી પછી પણ અરુણાચલ, જમ્મુ - કાશ્મીરમાં આતંકવાદમાં ઘટાડો નોંધાયો છે?
બિફોર નંબર ર
મોદીસાહેબે કહ્યું હતું કે, દેશદ્રોહીઓ પાસેની નકલી નોટો અને રૂ. ૫૦૦-૧૦૦૦ની નોટો નક્કામી જશે. ૧૦ ડિસેમ્બરે એટર્ની જનરલ મુકુલ રોહતગીએ સુપ્રીમને માહિતી આપી હતી કે રૂ. ૧૫ લાખ કરોડમાંથી રૂ. ૧૦-૧૧ લાખ કરોડ જ પાછા આવશે.
આફ્ટર નંબર ર
આપણા દેશની લક્ષ્મીની ધારા વહેવડાવતી આરબીઆઇએ જાહેરનામું બહાર પાડ્યું કે ૯૯ ટકા દેશની લછમી (કરન્સી) એટલે કે નોટો પાછી આવી ગઈ છે. પછી ઢાંકપિછોડો કરતાં અરુણ જેટલીએ જાહેર કરવું પડ્યું કે મૂળે તો નોટોની જપ્તી નોટબંધીનો ઉદ્દેશ જ નહોતો.
તો પ્રશ્ન થાય કે ખરેખરો હેતુ હતો શું?
બિફોર નંબર ૩
નાણા ખાતાએ ઓગસ્ટ ૨૦૧૭માં જાહેરાત કરી કે નોટબંધીથી જનધનયોજનામાં ખૂલેલાં ઝીરો બેલેન્સ એકાઉન્ટ ઘટ્યાં છે. સપ્ટેમ્બર ૨૦૧૪ના ૭૬.૮૧ ટકામાંથી ઓગસ્ટ ૨૦૧૭માં ૨૧.૪૧ ટકા થઈ ગયાં.
આફ્ટર નંબર ૩
ઝીરો બેલેન્સ એકાઉન્ટ તો આમેય ઘટી ગયા હતા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ જ અહેવાલ જારી થયો કે એ ગબડીને ૨૪.૧ ટકે પહોંચ્યા તો નોટબંધી થાય કે ના થાય એવા એકાઉન્ટ્સને હવે ફાયદો શું કે નુક્સાન શું?
બિફોર નંબર ૪
નાણાપ્રધાન અરુણ જેટલીસાહેબે નોટબંધી પછી કહ્યું હતું કે, નોટબંધીની ઇકોનોમી પર પોઝિટિવ અસર થઈ રહી છે. જીડીપીમાં ૧થી ૨ ટકાનો વધારો પણ થશે!
આફ્ટર નંબર ૪
જીડીપી ગ્રોથની ભવિષ્ય વાણીમાં ક્રિપિયા પછીથી થયેલા ફેરફારની જનતાને નોંધ લેશોની નવી જાહેરાતમાં અનુમાનને જ ગવર્નમેન્ટે ઘટાડી નાખ્યું છે. અભી બોલા અભી ફોક? નોટબંધીના પહેલા ત્રિમાસિક ગાળામાં ગ્રોથરેટ ૫.૭ ટકા હતો. આરબીઆઇએ પણ ગ્રોથ રેટ ઘટ્યાનું અનુમાન લગાવ્યું હતું.
બિફોર નંબર ૫
રદ થયેલી રૂ. ૫૦૦-૧૦૦૦ની નોટોની ગણતરી માટે થોભો અને રાહ જુઓ કહેવાયું હતું. એટીએમ મશીનો થોડા સમયમાં કાર્યરત થઈ જશે. એમાં પૈસા પણ આવશે. મળતાં રહેશે. નવી નોટોની ગણતરી માટે થોડોક (કેટલો એની અવધિ માટે પાછા થોભો અને વેઈટ કરો) સમય મંગાયો હતો.
આફ્ટર નંબર ૫
પહેલાં એવું જાહેર થયું હતું કે, આરબીઆઇની પાસે નોટો ગણવાનાં મશીન જ નથી! એટલે એ ખર્ચો તો નોટબંધી પછી ઊભો જ હતો? કોની કેડે કાંઠલા? સપ્ટેમ્બર, ૨૦૧૭માં એક આરટીઆઇમાં એવો સવાલ થયો કે નોટબંધી પછી આવેલી રોકડ ગણાઈ કેમની? તો એવો જવાબ અપાયો છે કે નોટ ગણવાનાં મશીનોનો ઉપયોગ જ નથી કરાયો. એ પછી એવું જાહેર કરાયું કે ૬૬ મશીનોનો ઉપયોગ થાય છે, પણ એ કંઈક સોફેસ્ટિકેશન કરન્સી વેરિફિકેશન એન્ડ પ્રોસેસિંગ મશીન્સ છે. એટલે શું? બાકીના મશીનો અંગે કંઈ ખુલાસો હજી સુધી થયો નથી.
બિફોર નંબર ૬
ચલો દેશમેં કેશલેસ કેશલેસ ખેલતે હૈં... કોથરામાંથી બિલાડું નીકળે એમ નોટબંધીની વાતને અંતમ વાળ લિયા વાળ લિયા એટલે દેશને કેશલેસ બનાવવા માટે, સ્માર્ટ બનાવવા માટે મિત્રોં તૈયાર થઈ જાઓ.
આફ્ટર નંબર ૬
ડેબિટ કાર્ડ કે ક્રેડિટકાર્ડથી સોનાથી માંડીને કેટલીક ચીજવસ્તુની ખરીદી માટે બે ટકા ચાર્જ લાગે. એમાં પણ નેશનલાઈઝ અને ખાનગી બેંકોના ચાર્જ અલગ અલગ છે. આમાં કેશલેસને પ્રોત્સાહન ક્યાંથી મળે? બાર્ગેનિંગ કરીને જીવતી જનતાને ખરીદીની રકમ પર બે ટકા વધારે ચૂકવણું ક્યાંથી ગમે? આ તો વળી એક એવો મુદ્દો કે એના આવા તો રાવણની જેમ દસ માથાળા મુદ્દાઓ નીકળે.
બિફોર નંબર ૭
દેશના કંઈ કેટલાય ભાગોમાં કેશની તંગી સર્જાઈ હોવાનું સરકારે જાહેર કર્યું છે. એટીએમ ખાલીખમ છે તેથી સરકારે કરન્સી નોટ્સ છાપવાના કામને તેજ બનાવ્યું છે. નોટ છાપવાનાં ચારે પ્રેસ અત્યારે ૨૪ કલાક ધમધમી રહ્યાં છે. દેશમાં અત્યારે રૂ. ૭૦ હજાર કરોડની કરન્સીની ખેંચ હોવાનું કહેવાય છે અને આ ખેંચને પૂરી કરવા ચારેય પ્રિન્ટિંગ પ્રેસ રૂ. ૫૦૦ અને રૂ. ૨૦૦ની નોટ કોઈ પણ જાતનો બ્રેક લીધા વગર છાપી રહ્યાં છે.
આફ્ટર નં ૭
૧૭મી એપ્રિલે સરકારે સ્પષ્ટતા કરી કે, કેટલાક પ્રાંતોમાં હંગામી ધોરણે પૈસાની તંગી હતી. નાણામંત્રાલયના બેન્કિંગ-ડિપાર્ટમેન્ટના આંકડાના ઝડપી વિશ્લેષણમાં જાણવા મળ્યું હતું કે કેટલાક રાજ્યોમાં પૈસાનો વધારે પ્રમાણમાં ઉપાડ કરવાને કારણે અછતની સમસ્યા ઊભી થઈ હશે. હવે વિચારવાનું એ કે નોટબંધી પછી સરકારે આ માટે પ્લાન બી વિચાર્યો જ નહીં હોય કે દેશના એટીએમ જ ‘કેશલેસ’ થવાના શરૂ થઈ ગયાં. આ તો કેવી કેશલેસની રમત?
...પોપકોર્ન...
કેરીમતીઃ મને ખરીદવા ટાણે જ એટીએમમાં કેશ નહીં?
વિકાશઃ મિત્રોં, કોન્ગ્રેજ્યુલેશન્સ દેશ નહીં તો દેશના એટીએમ તો ‘કેશલેસ’ બની ગયા
•••
ખેતરકુમારઃ જૂનાગઢ કૃષિ યુનિ.માં ૩૦૦ સીટ ખાલી?
વિકાસઃ મિત્રોં બધા યુવાનો સ્માર્ટ સિટીમાં સ્ટાર્ટ અપ પ્લાન કરે છે.
•••
કાયદાકુમારઃ આ બળાત્કારીઓ માટે મને ક્યારે બદલશો?
જનતાકુમારીઃ તમારામાં બદલાવ આવે એ પહેલાં અમે કેન્ડલ માર્ચ કરીને અને અમારા FB કે વ્હોટ્સ એપના ડીપી કાળા કરીને સંતોષ માની લઈએ!


