દેશપ્રેમ અને દવાઉદ્યોગમાં અગ્રણીઃ રમણભાઈ પટેલ

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Saturday 07th September 2019 06:01 EDT
 
 

૧૯૪૨માં ‘અંગ્રેજો હિંદ છોડો’ની આખરી લડત થઈ. મહાત્મા ગાંધી સહિતના કોંગ્રેસી નેતાઓ જેલમાં પૂરાતાં, અહિંસા પણ જેલમાં પૂરાઈ અને બહાર નીકળી હિંસા. ત્યારે ભાદરણના એક એન્જિનિયર કઠોર ગામે નોકરી કરતા. તેમનો ૧૬ વર્ષનો દીકરો રમણ ગામના યુવકો સાથે શાળાના મેદાનમાં હાજર હતો. યુવકો પૂરા દેશપ્રેમી. બધા અંગ્રેજોના વિરોધમાં શાળા સળગાવવા તૈયાર થયેલા. રમણને થયું કે શાળાનું મકાન સળગાવવાથી ભણવાનું બગડે, આથી આઝાદી ના આવે. રમણ વિરોધ કરે તો તેને બધા ગદ્દાર ગણે. રમણને ધર્મસંકટ લાગ્યું. રમણ ચાલાક અને બુદ્ધિવાન. તેણે નેતાગીરી લીધી. મકાનનું તાળું તોડીને હેડ માસ્તરના રૂમમાં ગયા. બધાંની હાજરીમાં કાકડો સળગાવીને ટેબલના ખાનામાં મૂક્યો. બધા બહાર નીકળ્યા ત્યારે રમણે ટેબલનું ખાનું બંધ કર્યું. કાકડો બુઝાતાં આગ ના લાગી અને શાળા બચી. રમણમાં ભારોભાર દેશપ્રેમ, પણ ભાંગફોડથી આઝાદી મેળવવામાં ના માને.

કઠોરમાં હાઈસ્કૂલ સુધી રમણ ભણ્યો. ત્યારે ‘કોલક’ નામે કવિતા માસિક બહાર પડે. રમણે તેમાં ૧૫૦ જેટલાં કાવ્યો લખેલાં. રમણ ભણવામાં ખૂબ હોંશિયાર. કઠોરમાં સહાધ્યાયી ઈંદ્રવદન સાથે મૈત્રી થઈ. મેટ્રિક પછી બંને મિત્રો વડોદરામાં ભણીને પ્રથમ વર્ગમાં બી.એસસી. થયા. કોલેજજીવનમાં મૈત્રી દૃઢ બની. રમણ હવે રમણભાઈ થયા. એવામાં અમદાવાદમાં ફાર્મસી કોલેજ થતાં રમણભાઈ ત્યાં ગયા અને ઈંદ્રવદન મુંબઈ ગયા. બંને બી.ફાર્મ. થયા.
રમણભાઈ પ્રથમ વર્ગમાં ફાર્મસી થયા હોવાથી તે જ કોલેજમાં અધ્યાપક બન્યા. તેમની ધીરજ અને સમજાવટ શક્તિથી વિદ્યાર્થી પ્રિય બન્યા. છતાં ધંધો કરવાની ઈચ્છાથી મુંબઈ ઈંદ્રવદનભાઈ સાથે પત્રવ્યવહાર અને વિચારવિનિમય કરીને બંનેએ ૧૯૫૧માં અમદાવાદની આઝાદ સોસાયટીમાં ભાડાના બંગલામાં કેડિલા કંપની શરૂ કરી. શરૂમાં બંને મિત્રો દિવસે દવા બનાવે અને સાંજે સાયકલ લઈને બનાવેલી દવાનાં સેમ્પલ લઈને જુદા જુદા ડોક્ટરોને આપીને દવાની ઉપયોગિતા સમજાવે, જેથી તે મંગાવી શકે.
રમણભાઈએ મુંબઈની જી.એસ. મેડિકલ કોલેજની લાયબ્રેરીમાં બેસીને સતત સંશોધન પછી વીટામીન બી-૧૨ દવા ‘લીવીરૂબ્રા’ બનાવીને બજારમાં મૂકી. તેની ખૂબ માગ થઈ. આ પછી અનેક નવી દવાઓ બજારમાં મૂકી. કેડિલા કંપની ખૂબ જાણીતી થઈ. બંગલો નાનો પડતાં બાર જેટલા બંગલા ભાડે લેવા પડ્યા.
આઝાદ સોસાયટીમાં ત્યારે લાઈટ નહીં, રસ્તા નહીં. રમણભાઈએ મ્યુનિસિપલ અધિકારીઓને મળીને રજૂઆત કરીને આ કરાવ્યું. સમગ્ર વિસ્તારના વિકાસમાં રમણભાઈનું અનન્ય પ્રદાન છે. બંને મિત્રોએ ઘરેથી લાવીને શરૂમાં નવસો-નવસો રૂપિયા રોકેલા. જોતજોતામાં પુરુષાર્થ, સૂઝ અને માલની ગુણવત્તાથી ધંધો ખૂબ વધ્યો અને ૧૯૯૦ સુધીમાં ૧૬૦ કરોડ રૂપિયાનું વેચાણ થતું ગયું. કેડિલાએ ભાત ભાતની દવાઓ બનાવી.
૧૯૬૬માં કંડલા ફ્રી-ઝોનમાં કેડિલાના નિકાસલક્ષી યુનિટનું રમણભાઈએ ૨૧ દિવસમાં બાંધકામ પૂરું કરીને વડા પ્રધાન ઈંદિરાજી પાસે ઉદ્ઘાટન કરાવેલું. સિવિલ એન્જિનિયર પિતાનું કામ વિદ્યાર્થીકાળમાં જોયેલું તેનો આ પ્રતાપ!
રમણભાઈ પોતાના વ્યવસાયના પ્રવાહોના પૂરા જાણકાર હતા. દેશભરના સમવ્યવસાયીઓ સાથેના એમના સંપર્કો હતા. ગુજરાત સ્ટેટ ફાર્માસ્યુટિકલ કાઉન્સિલના એ પ્રમુખ હતા. ૧૯૮૬માં ઈન્ડિયન ફાર્માસ્યુટિકલ અધિવેશન અમદાવાદમાં ભરાયું ત્યારે તે તેના પ્રમુખ હતા. રાજ્ય અને કેન્દ્રમાં તેઓ સતત ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના પ્રશ્નોની રજૂઆત કરતા અને ઉકેલ મેળવીને જંપતા. તેમના સતત પ્રયાસો અને જાગૃતિથી તેમના સમયમાં કેડિલા દવા ઉદ્યોગમાં બીજા નંબરની કંપની બની. ફાર્માસિસ્ટોના સારા શિક્ષણ માટે તે સદા પ્રયત્નશીલ હતા.
રમણભાઈ માત્ર ઉદ્યોગપતિ બનીને બેસી ન રહ્યા. પાટીદારોમાં કુરિવાજો નાબૂદ થાય એની ઝુંબેશમાં એમનું મોટું પ્રદાન હતું. પાટીદાર માસિકમાં વિદ્યાર્થી અવસ્થામાં એમણે લગ્નનાં કજોડાં વિશે લેખ લખ્યો હતો. રમણભાઈ કવિહૃદય ધરાવતા અને કાવ્યો લખતા અપવાદરૂપ ઉદ્યોગપતિ હતા. ૧૯૮૧થી એ પાટીદાર સમાજની પ્રવૃત્તિઓમાં સક્રિય થયા અને ૧૯૮૩માં અખિલ ભારત પાટીદાર સમાજની સ્થાપના થતાં એના પ્રમુખ બન્યા અને જીવનપર્યંત પ્રમુખ રહ્યા. આવી જ રીતે ભાદરણ કેળવણી મંડળના તે પ્રમુખ હતા.
ભારતવ્યાપી નોકરીઓમાં ગુજરાતીઓ સાવ ભુંસાઈ ન જાય તે માટે ઈશ્વરભાઈ પટેલ સાથે મળીને અમદાવાદમાં તેમણે પાટીદાર સમાજના ઉપક્રમે આઈએએસ માટેના તાલીમ વર્ગો શરૂ કર્યા હતા.
રમણભાઈ વિદ્યાર્થી અવસ્થામાં વડોદરામાં હળવા વજનની કુસ્તીમાં ચંદ્રકવિજેતા હતા. તલવારના આટાપાટાની રમતો અને ઢાલ-લાકડીમાં તે હોંશિયાર હતા. તેમની કસાયેલી કાયાથી સચવાયેલી તંદુરસ્તીને કારણે તે સતત પરિશ્રમ કરી શકતા. રમણભાઈ સુંદર તરવૈયા હતા તો ચિત્રો દોરવાની આવડત એમને વરી હતી. ૧૯૯૫માં ભાવિ પેઢીના સંબંધો સચવાઈ રહે માટે સમજપૂર્વક બંને મિત્રોએ ધંધાનું વિભાજન કર્યું. કેડિલાનો ભાગ ઈંદ્રવદનભાઈના પરિવારને મળ્યો તો હેલ્થકેરનો વિભાગ રમણભાઈ પાસે રહ્યો અને તે ઝાયડ્સ તરીકે ઓળખાયો. ઝાયડ્સની હોસ્પિટલો આજે ગુજરાતનાં ઘણાં નગરોમાં છે.
રમણભાઈએ ધંધામાં મજબૂત કરેલા પાયાને લીધે આજે ઝાયડ્સના માલિક એવા રમણભાઈના પુત્ર પંકજભાઈ ૩૨૧ બિલિયન રૂપિયાની મિલ્કત સાથે ગુજરાતમાં બીજા નંબરના ધનકુબેર છે તો સમગ્ર ભારતમાં પંકજભાઈ ૨૮મા નંબરે છે.
પરિશ્રમી, શિક્ષણ અને સમાજસુધારા પ્રિય, સૂઝવંતા, કવિહૃદયી રમણભાઈ પટેલ આજે નથી પણ એમની સ્મૃતિસુવાસ ચાલુ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter