11 માર્ચ 2022નો દિવસ વાસ્તવમાં એ માટે યાદ રાખવામાં આવશે કે સૌપ્રથમ વખત હિન્દુઓ 1990માં પાકિસ્તાને સ્પોન્સર કરેલા આતંકવાદીઓના હાથે તેમના ભાઈબહેનોના નરસંહારની સાચી કથા કહેવાનું સામૂહિક કૌવત દર્શાવવાની હિંમત કેળવી શક્યા છે. ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ માત્ર એક ફિલ્મ કરતાં પણ વિશેષ છે. ઈસ્લામિક ધર્મઝનૂનીઓ દ્વારા આચરાયેલા અત્યાચારોની દૃષ્ટિગમ્ય રજૂઆતથી પણ તે વિશેષ છે. આ હિન્દુઓની સાચી કથા છે, હજારો હિન્દુઓના ગળામાં ધરબાઈ ગયેલો જીવંત અનુભવ છે. છેક 1990થી જેના પર પડદો પાડી દેવાયો, વિસારી દેવાયો હતો તે દર્દનાક અનુભવને આખરે વાચા મળી છે.
વિવેક રંજન અગ્નિહોત્રીની ફિલ્મમાં 1990માં જે થયું તેનું સાચું વર્ણન છે. તેઓ કહે છે,‘ ધ કાશ્મીર ફાઈલ્સ મૂવી સત્યકથાઓ પર આધારિત છે અને કાશ્મીરી હિન્દુઓના નરસંહાર-જીનોસાઈડની કથા છે. અત્યાચારોનો ભોગ બનેલા લોકોની જુબાનીઓ- ટેસ્ટિમોનીઝ મેળવ્યા પછી અને ચાર વર્ષના સંશોધન પછી આ ફિલ્મનું નિર્માણ કરાયું છે.’
દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન નાઝીઓએ આશરે 6 મિલિયન યહુદીઓની કત્લેઆમ ચલાવી હતી. જ્યુઈશ કોમ્યુનિટી તહસનહસ થઈ ગઈ હતી પરંતુ, તેમની સામૂહિક પીડાના કારણે તેઓ ફરી ઉભા થયા અને વિશ્વને પડકાર ફેંક્યો. આ પછી તો, 50થી વધુ આંતરરાષ્ટ્રીય ફિલ્મોનું નિર્માણ કરાયું છે જેમાં જ્યુઈશ કોમ્યુનિટીએ સહન કરેલા અત્યાચારોની કથાઓ કહેવાઈ છે.
આ ફિલ્મોમાં – એન ફ્રાન્ક પેરેલલ સ્ટોરીઝ, ધ એકાઉન્ટન્ટ ઓફ ઓશવિઝ, ઓશવિઝ, ડિફાયન્સ, ડેનાયલ (2016), ધ ફાઈનલ સોલ્યુશન, ગોડ ઓન ટ્રાયલ, જજમેન્ટ એટ ન્યુરેમ્બર્ગ, ધ રેઝિસ્ટન્સ બેન્કર, શિન્ડલર્સ લિસ્ચ, સીક્રેચ ડાયરી ઓફ હોલોકાસ્ટ, હુ વિલ રાઈટ અવર હિસ્ટરી અને ઝૂકીપર‘સ વાઈફનો સમાવેશ થાય છે.
જ્યુઈશ કોમ્યુનિટી દ્વારા જે કરાયું છે તેની સરખામણીએ ભારત અને હિન્દુઓ સદંતર નિષ્ફળ રહ્યા છે. આપણે 1.3 બિલિયન ભારતીયો છીએ અને આખરે આપણી પાસે એક એવી ફિલ્મ છે જે આપણા નરસંહારની સાચી કથા કહે છે. આથી આપણે સહુ ઉભા થઈએ અને આવું ભગીરથ કાર્ય હાથ ધરવા અને જુસ્સા અને અનુકંપા સાથે સત્ય ઘટનાઓ, વાસ્તવિક લોકો, સાચી પીડા અને સાચા અત્યાચારોના વર્ણનોનાં તાણાવાણા ગૂંથવા બદલ વિવેક અગ્નહોત્રીને તાળીઓથી વધાવી લઈએ.
ગ્લોબલ હિન્દુ ફેડરેશનના પંડિત સતીષ શર્માજી કહે છે કે,‘ આ ફિલ્મ એક અરીસો છે જે વિશિષ્ટતાના સંકેતો અને રાજકીય મહાનતાના ઉલ્લેખો કરવા માટે કાશ્મીરનો ઉપયોગ કરતા રહેલા લોકો માટે ભારે વ્યગ્રતા અને કદાચ શરમનો અનુભવ કરાવશે. સર કેર સ્ટાર્મર જેવા રાજકારણીઓએ તો આ ફિલ્મ અવશ્ય નિહાળવી જોઈએ. જો તેઓ એક જ્યોર્જ ફ્લોઈડ માટે ઘૂંટણીએ પડી શકતા હોય તો કાશ્મીરના 500,000 હિન્દુઓ માટે પોતાનું મસ્તક શા માટે ન ઝૂકાવે?’ તેમણે ઉમેર્યું હતું કે,‘ આ સામૂહિક હત્યાકાંડને ધર્મપ્રેરિત નરસંહાર તરીકે જાહેર કરવાની બ્રિટિશરો અને યુએનની નૈતિક જવાબદારી પણ છે.’
મારા પ્રિય મિત્ર લોર્ડ રેમી રેન્જર CBEનું કહેવું છે કે,‘ આ મૂવી તત્કાલીન ભારતીય સરકાર સામે દુઃખદ તહોમતનામું છે જેણે ધાર્મિક આતંકવાદ સામે પોતાના નાગરિકોની રક્ષા ન કરી. દરેક માટે આ જોવાની હકીકત છે કે કેવી રીતે ધર્મનો ઉપયોગ મોત, વિનાશ, અથડામણ અને કબજો કરવામાં થાય છે’
કન્ઝર્વેટિવ સાંસદ બોબ બ્લેકમેને લાગણીઓ યોગ્ય રીતે રજૂ કરી છે જ્યારે તેમણે કહ્યું કે,‘ નિરાકરણ તો હંમેશાંથી સરળ હતું, પાકિસ્તાને જ ખીણનો કબજો છોડી દેવો જોઈતો હતો. LoC ને વિખેરી નાખવી જોઈએ અને તમામ ત્રાસવાદી છાવણીઓને તોડી પાડવી જોઈએ. કાશ્મીરી પંડિતોને બંદૂકની અણીએ અને છોડી જાઓ, મરો અથવા ધર્માન્તર કરોના નારાઓ વચ્ચે કાશ્મીર છોડવાની ફરજ પડાઈ હતી. આપણે સમગ્ર વિશ્વ સમક્ષ જોરશોરથી કહેવું પડશે કે આ વંશીય નિકંદન અને જીનોસાઈડ હતું.’
મારા માનવા મુજબ તો આ ફિલ્મને શોર્ટલિસ્ટ કરીને કાન ફિલ્મ ફેસ્ટિવલ અને વિશ્વના દરેક આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ્સમાં દર્શાવવી જોઈએ. હું ઈચ્છું છું કે આ ફિલ્મને હાઉસ ઓફ કોમન્સમાં પ્રદર્શિત કરાવી જોઈએ જેથી આપણા સાંસદો અને ઉમરાવો એ સત્યને નિહાળી શકે જે ઘણા લોકોએ અત્યાર સુધી નજરઅંદાજ કર્યું છે અથવા ઈરાદાપૂર્વક તેની ગેરરજૂઆત કરવાનો પ્રયાસ કર્યો છે.
આથી, જો તમે હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી, તો અવશ્ય નિહાળશો. પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓ દ્વારા આપણા લોકો સામે આચરાયેલા બર્બર-જંગલિયાતપૂર્ણ અત્યાચારો તમારી સમજમાં આવતા જશે. તમે એ પણ સમજી શકશો કે આ દેશમાં ઘણા ભારતીયો, હિન્દુઓ, શીખો અને જૈનો શા માટે લેબર પાર્ટીનો બહિષ્કાર કરી રહ્યા છે. લેબર પાર્ટી એવા સાંસદો તેમજ કાશ્મીર મુદ્દે વારંવાર અને ખુલ્લેઆમ ભારતવિરોધી મત દર્શાવતા લોકોને આશરો આપે છે. કેર સ્ટાર્મરને મારો ખુલ્લો પડકાર છે કે તમારી શેડો ફ્રન્ટ બેન્ચના સભ્યોને પણ સાથે લાવજો અને અમે તમને આ મૂવી દર્શાવીશું. હું તમારા કોલની રાહ જોઈશ.
(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)


