ધનનો મહિમા કેટલો?

Wednesday 12th December 2018 05:05 EST
 

अविद्यं जीवनं शून्यं दिकशून्य वेद बान्धवा ।
पुत्रहीनं गृहं शून्यं सर्वशून्या दरिद्रता ।।
(ભાવાર્થઃ વિદ્યા વગરનું જીવન નકામુ છે. બંધુઓ વગર બધી દિશાઓ નકામી છે. પુત્ર વગરનું ઘર ખાલીખમ છે અને ગરીબી તો બધી જ રીતે ખાલી (શૂન્ય) છે.)

જીવનનું સત્ય શું? જીવનનું ધ્યેય શું? માનવનું પ્રાપ્તવ્ય શું? આવા અનેક સવાલો સદવાંચન થકી માનવમાત્રમાં જાગે છે.
માનવજીવન ખરેખર તો સતત પ્રવાહિત એવી ઘટના છે અને ‘અહો વૈચિત્ર્યમ્’ ત્યાં કોઈ એક જ સત્ય કે તથ્યને પ્રાપ્ત કરવાથી જીવન પરિપૂર્ણ બનતું નથી. જેમ રાજમાર્ગે ચાલતા ચાલતા અનેક ગંતવ્યસ્થાનો આવતા જ રહે છે તેમ માનવજીવનમાં પણ છે. માનવે સમયે સમયે નવા નવા ધ્યેયો સિદ્ધ કરવા પડે છે.
સુભાષિતકાર ખૂબ સૂચક રીતે વિદ્યા, બાંધવો, પુત્ર અને ધનનો મહિમા ગાય છે, પરંતુ આપ જોઈ શકો છો કે પાયાના સત્ય તરીકે ધનનો સ્વીકાર થયો છે. અનેક રીતે આ સુભાષિત વિશિષ્ટ છે, કારણ કે વેદોમાં ઋષિ સ્પષ્ટપણે ધનની માગણી કરે છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે ત્યાં આગળ ધનના એકથી વધારે અર્થો છે, પરંતુ ત્યાર પછીના સાહિત્યમાં ધન વિષયક આવી સ્પષ્ટ માંગ કે જરૂરિયાત દેખાડાઈ નથી.
અહીં સુભાષિતકાર સમગ્ર જીવનમાં વિદ્યાની અનિવાર્યતા બતાવે છે. વિદ્યા માનવને સંસ્કારે છે. સારા ખોટાની સમજ આપે છે અને માનવને દશાંગુલ ઉંચો બનાવે છે. આથી જ વિદ્યા વગરનું જીવન શૂન્ય છે, જાણે કે બ્રેક વગરની ગાડી. પણ જો વિદ્યા હોય, ધન હોય, પુત્ર હોય પણ બાંધવો ન હોય તો દિશાઓ જાણે કે શૂન્ય બને છે. માનવ એક સામાજિક પ્રાણી છે અને વખત આવ્યે તેને પોતાના ભાઈભાંડુઓને, સ્વજનોને મળવું ગમતું હોય છે. એટલું નહીં, એ તેની જરૂરિયાત પણ હોય છે. કેવળ, ઇન, મીન, તીનમાં માનવ આનંદ અનુભવી શકતો નથી.
ભારતીય સંસ્કૃતિમાં પુત્રનું અર્થાત્ સંતતિનું મહત્ત્વ હંમેશા રહ્યું છે કારણ કે ભારતીય સમાજ કુટુંબ પરંપરામાં માનતો રહ્યો છે. જો સંતતિ ન હોય તો ઘર ખાલી થઈ જાય છે, પણ જો સંતતિ હોય તો ઘર, મન અને જીવન - ત્રણે હર્યાભર્યા રહે છે. માટે જો ઘર હોય તો, ગૃહસ્થી હોય તો, સંતતિ આવશ્યક છે. અતિ આધુનિક નારી પણ લગ્ન કર્યા વગર સંતતિ ઉત્પન્ન કરવાની પદ્ધતિઓથી સંતાન મેળવે છે તે જ સંતાનની આવશ્યકતા દર્શાવે છે, પ્રાચીન અને અર્વાચીન કાળમાં.
પણ આ આખા વૈચારિક મહેલની ઇમારત ધન ઉપર ઉભી છે. જો ધન ન હોય તો માનવ નથી તો સામાજિક જરૂરિયાતો પૂરી કરી શકતો અને નથી તો વિકાસ માટેની જરૂરિયાતો પૂરી કરી શકતો. પરિણામે સ્વયં દુઃખ પામે છે. તે માનવની સામાજિક પ્રતિષ્ઠા પણ એક ઉંચાઈ ઉપર આવી અટકી જાય છે. સર્વગુણ સંપન્ન હોવા છતાં તે ત્યાંથી આગળ જઈ શકતો નથી, ધનના અભાવને કારણે. આમ ધન એ માનવજીવનનું પ્રાપ્તત્વ તો છે જ! તેને નકારી શકાતું નથી. છતાં પણ ભારતીય સંસ્કૃતિમાં પ્રધાનપદે વિદ્યા બિરાજે છે જે ધનને સંચાલિત કરે છે, જેમ રથી પૈડાંને સંચાલિત કરે છે તેમ કેવળ ધન અને તેની શક્તિઓ માનવ અને માનવસમાજ માટે ભયાવહ છે તે આપણાં પૂર્વજો, ઋષિમુનિઓ જાણતા હતાં. આથી જ ધન અનિવાર્ય હોવા છતાં પ્રાધાન્ય જ્ઞાનને અપાયું છે. વિદ્યાને અપાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter