ધોળિયું ધજાયું જ્યાં ફરફરે...

આપણી કવિતાનો અમર વારસો...

- તનસુખ ભટ્ટ ‘યાત્રી’ Wednesday 08th October 2025 05:31 EDT
 
 

‘દાંડીયાત્રા’ એમનો કાવ્યસંગ્રહ. (જન્મઃ 21-3-1911 • નિધનઃ 5-2-2004)

ધોળિયું ધજાયું જ્યાં ફરફરે...

ધોળિયું ધજાયું જ્યાં ફરફરે, ગરવા ગિરિવરની ટૂંક,
વાયુ રે ઢાળે વનના વીંઝણા, જાવું છે ત્યાં અચૂક
એવા રે મારગ અમે સંચર્યા.
ઊંચે રે મઢીથી ઊંચે મોલથી ઊંચા ત્રોવરથી અપાર
ઊંચે રે ઊભી ડુંગર દેરડી, વાદળગઢની મોઝાર
એવા રે મારગ અમે સંચર્યા.
ડાબે રે ઊંડી વનની ખીણ છે, જમણે ડુંગરની ભીંત;
કેડી રે વંકાણી વેલ સમી, કપરાં કરવાં ચિત્ત,
એવા રે મારગ અમે સંચર્યા.
પળમાં પડે ને પળમાં ઊપડે, વાદળ પડદા વિશાળ,
પળમાં લોપાતી રે દેરડી, મળતી લેશ ન ભાળ
એવા રે મારગ અમે સંચર્યા.
ખમા રે વાયુ ખમા વાદળાં, ખમા ડુંગરના સ્વામ,
તમ્મારે દરશને ઝંખના, પૂરણ કરજો કામ.
એવા રે મારગ અમે સંચર્યા.

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter